જન્મ –જુલાઈ 1941, કાણોદર, પાલનપુર પાસે : અવસાન : 23 જૂન 2023, અમદાવાદ
વલીભાઈ માટે ‘હતા’ શબ્દ વાપરતાં જીવડો ચૂંથાય છે. પણ ….
કાણોદર, અમદાવાદ જ નહીં પણ દુબાઈમાં; અમેરિકામાં હ્યુસ્ટન અને એલનટાઉનમાં; કેનેડામાં ટોરોન્ટો અને વાનકુવરમાં; ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન, સિડની અને ટાઉન્સવિલેમાં ફેલાઈને સમૃદ્ધ થયેલા ‘મુસા’ કુટુંબના મોભી આદરણીય વલીભાઈ મુસા જન્નત નશીન થયા છે.
માત્ર મુસા કુટુમ્બના જ નહીં આ લખનારના પણ તેઓ મોટાભાઈ સમાન હતા. અનેક બ્લોગર-સર્જકોના મિત્ર અને હિતેશ્રીને આ લખનારે ‘હાહાકાર’નું લાડકું બિરૂદ આપ્યું હતું. (હાસ્ય હાઇકુ કાર).
‘વેબ ગુર્જરી’ના તંત્રીમંડળમાં પણ તેઓ આરંભકાળથી સંકળાયેલા હતા, અને છેવટ સુધી નિયમિત પ્રદાન કરતા રહ્યા હતા.
હળવા મિજાજના પણ ગુજરાતી ભાષા શાસ્ત્રના ઊંડા અભ્યાસુ તેમ જ બહુ ઉચ્ચ કક્ષાના લેખક એવા વલીભાઈના ઘણા બધા પ્રિય વિષયોમાંનો એક ‘ગાલિબ’ની રચનાઓનું રસદર્શન હતો.
પાકા મુસ્લિમ હોવા છતાં તેઓ ધર્મ નિરપેક્ષ અને માનવધર્મને વરેલા હતા અને કાણોદર ગામના અગ્રગણ્ય નાગરિક અને દાનવીર હતા.
***********************
પ્રિય બ્લોગર મિત્ર સ્વ. પુરૂષોત્તમ દાવડાએ વર્ષો પહેલાં લખેલ આ પરિચય એમના જીવન પર ચપટીક પ્રકાશ પાડે છે –
વલીભાઈનો જન્મ ૧૯૪૧માં આવેલા બનાસકાંઠા જિલ્લાના કાણોદર ગામમાં થયો હતો. કાણોદર એ સમયમાં ટેક્ષટાઈલ ઉદ્યોગમાં આગળ પડતું હતું. વલીભાઈના પિતા પણ ટેક્ષટાઈલના ધંધામાં હતા. વલીભાઈના માતા-પિતા અભણ હતાં, પણ એમણે પોતાના બધા બાળકોને સારું શિક્ષણ અપાવ્યું. આજે એમના પરિવારના બધા સભ્યો અલગ અલગ વિષયોમાં પારંગત છે, જેમાં એંજીનીઅરીંગ અને મેડિકલનો પણ સમાવેશ થઈ જાય છે.
વલીભાઇ શાળામાં હતા ત્યારે તેમના અભ્યાસક્રમના એક પાઠમાં William Tellની વાર્તા હતી, તેથી વલીભાઈના મિત્રોએ તેમનું હુલામણું નામ વિલિયમ પાડી દીધું. આજે પણ એમના કેટલાક મિત્રો એમને વિલિયમ નામથી જ બોલાવે છે. વલીભાઈ ૧૯૫૯માં મેટ્રિક પાસ કરનાર કુટુંબના પહેલા સભ્ય હતા. ૧૯૬૬માં એમણે બી.એ.(ઓનર્સ) ગુજરાતી, અંગ્રેજી અને સોશ્યોલોજી વિષયો સાથે કર્યું. નાની વયથી એમને સાહિત્યમાં રસ પડતો.
વલીભાઈ માત્ર ૧૬ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું. ત્યારથી જ વલીભાઈ ઉપર બહોળા કુટુંબનું નેતૃત્વ કરવાની જવાબદારી આવી પડી, જે છેલ્લી અર્ધી સદીથી તેઓ સંભાળી રહ્યા છે. આજે એમના માર્ગદર્શન હેઠળ કુટુંબના સભ્યો, ભણતર, ખંત અને ઈમાનદારીથી ઓટોમોબાઈલ, હોટેલ્સ, મેડિકલ ફેસિલિટીસ વગેરે અનેક ધંધાઓમાં પ્રગતિ કરી રહ્યા છે.
ગુજરાતી સાહિત્ય રસિકોમાં વલીભાઈનું નામ જાણીતું છે. ૧૯૬૬માં તેમની પહેલી વાર્તા “જલસમાધી” એક ગુજરાતિ સામયીકમાં પ્રસિદ્ધ થઈ, ત્યાર બાદ વલીભાઈએ કદી પાછું વળીને જોયું નથી. ૨૦૦૭માં કેનેડા સ્થિત એમના પુત્ર સમાન ભત્રીજાએ એમને બ્લોગ્સની સમજણ આપી, અને એમણે પોતાના બ્લોગ “William’s Tales”ની શરૂઆત કરી. આ બ્લોગમાં શરૂઆતમાં તેઓ માત્ર અંગ્રેજીમાં જ લખતા, પણ પાંચ વર્ષના ગાળા બાદ એમાં ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષાઓમાં લખવાની શરૂઆત કરી. આજ સુધીમાં વલીભાઈએ અનેક લેખ, વાર્તાઓ અને હાયકુ લખ્યા છે અને બ્લોગ્સ દ્વારા ગુજરાતીઓને આપ્યા છે.
ખૂબ નાની વયથી જ વલીભાઈ ગાંધીવાદી ધારાથી પ્રભાવિત થયા હતા. “જીવો અને જીવવા દો” મંત્ર નાનપણથી જ એમણે આત્મસાત કરી લીધો છે. જયપ્રકાશ નારાયણ, વિનોબા ભાવે અને રવિશંકર મહારાજ ની સામાજિક ન્યાયની પ્રવૃત્તિઓથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયેલા. તેઓ કહે છે, “ક્યાં પણ લડાઈ ઝગડા થાય, માણસ માણસને મારી નાખે તો મને ખૂબ જ માનસિક પીડા થાય છે. આજે દુનિયામાં પર્યાવરણની રક્ષા અને માણસાઈ ભર્યાં કાર્યો કરવાવાળાની સંખ્યા ઝડપથી ઘટવા લાગી છે. સામાજિક ન્યાય અને શાંતિની વાતો કરનારાનું કોઈ સાંભળતું નથી. કોઈપણ એક ધર્મ બીજા ધર્મ કરતાં વધારે સારો કે ખરાબ નથી, બધા ધર્મ એકબીજા સાથે સદ્દભાવથી રહેવાનું શીખવે છે, કોઈનો તિરસ્કાર કરવા કે કોઈને નુકશાન પહોંચાડવાની વાત કોઈપણ ધર્મમાં કહેલી નથી. સૌથી મોટો ધર્મ તો માનવ ધર્મ છે.”
વલીભાઈ કહે છે, “વલીનો અર્થ આમ તો સંત થાય છે, પણ હું કોઈ સંત નથી. હું આ દુનિયાના અનેક લોકોની જેમ દુન્યવી જરૂરતોથી ઘેરાયલો સામાન્ય માણસ છું. આ તો ઈશ્વરની કૃપા છે કે આટલાં વર્ષો સુધી મારું સંયુક્ત કુટુંબ ટકી રહ્યું છે, કુટુંબીઓ વચ્ચે સદ્દભાવના અને પ્રેમ ટકી રહ્યાં છે. આજે આ કુટુંબ ભાવનાને લીધે અમે આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી છે અને આવતી પેઢીને પ્રેરણા આપી છે.”
આજે વલીભાઈ નિવૃત્ત જીવન ગાળે છે. કુટુંબમાં એમનાથી નાની વયના સભ્યોએ કારોબાર સંભાળી લીધો છે. વલીભાઇની આજે મુખ્ય બે પ્રવૃત્તિઓ છે, સાહિત્ય સર્જન અને મહેમાન ગતિ. મને એક દુહો યાદ આવે છે –
“એકવાર કાઠિયાવાડમાં તું ભૂલો પડ ભગવાન,
થા મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા.”
બસ, વલીભાઈ પણ પોતાના મિત્રોને કંઈક આવું જ કહે છે. વલીભાઈની મહેમાનગીરી માણવાની તક મેં હજી ઝડપી નથી, પણ એમની મહેમાનગીરી માણી આવેલા લોકોની પાસેથી એની વાતો સાંભળી છે. મારા એક બ્રાહ્મણ મિત્ર એમની મહેમાનગીરી માણી આવ્યા છે અને એમણે મને કહ્યું, એ તો બાહ્મણનો પણ બ્રાહ્મણ છે.”
વલીભાઈ વિશે લખવું એ એમના મિત્રોને સૂરજને અરિસો દેખાડવા જેવું લાગશે.
– પી કે. દાવડા
મિત્રાંજલિ
ધરતી પર એક સિતારો ટમટમીને દૃષ્ટિથી ઓઝલ થયો.
અનેક આંખોમાં પ્રેમનું તેજ આંજી ગયો.
– રેખા સિંધલ
અફસોસ, વલીભાઈ વયા ગયા
બસ ખુદા પાસે ચાલ્યા ગયા
હવે તો સંયમ કેળવવો આપણે
આંખો અશ્રુભીની કરતા ગયા
– કાસમ અબ્બાસ કાલાવડવાળા
સર્વમિત્ર-શા,
સાહિત્યપ્રેમી,
જિંદાદિલ વલીદા!
અમ હ્રદયે
સદા રહેશો!
– હરીશ દવે
Absolutely shocking and unbelievable news. At a personal level. I had spent some quality time with Valibhai and his family twice. Such genuine, affectionate and perfect gentleman is truly hard to find on the earth. I join you all in praying for the eternal peace to the departed friend. May God bless his soul. Amin, Sumamin.
– Narendra Phanse
અરે! આમ અચાનક? આવી ઉતાવળ? નજીકના ભૂતકાળમાં એમની વાર્તા – ‘શુભસ્ય શીઘ્રમ’ વાંચવામાં આવી હતી. વલીભાઈના આત્માને શાંતિ હો, એવી પ્રાર્થના.
– રાજુલ કૌશિક
તમે શું ગયા, મહેફિલમાંથી રોશની ગાયબ. હાઈકુના હાઈ કમાન્ડર જેવી વલીભાઈની ખોટ જરૂર સાલશે. ૐ શાંતિ શાંતિ શાંતિ.
– પ્રવીણા કડકિયા
શ્રી વલીભાઈના અવસાનના સમાચાર વાંચી દિલગીરી થઈ છે. શ્રી વલીભાઈની જાણકારી ઈન્ટરનેટ પર જુદા ગુજરાતી બ્લોગો પર તેમનાં લેખો વાંચી તેમનો પરિચય થયો હતો. ગુજરાતી ભાષામાં તેમનું ચોગદાન તેમનાં વાંચકો લાંબા સમય સુધી યાદ કરશે.
– પ્રભુલાલ ભારદિયા
શ્રી વલીભાઈ મુસાની સર્જકતાની સૌરભ ઝીલવા અમે સદ્દભાગી થયા છે. સાહિત્ય વિશે ચિંતન મનન કરવાની પ્રેરણા એમના સાથેના વિચાર વિમર્શે મળી છે અને મારી સર્જકતાની ગુણવત્તા માટે સભાન કર્યા છે. તેમની વિવેચન કલમ પ્રસાદીનો આ લેખ દ્વારા સાહિત્યનો એક આગવો પરિચય મને માણવા મળ્યો.
– રમેશ પટેલ (આકાશદીપ)
e.mail : surpad2017@gmail.com