‘છિન્નભિન્ન છું‘ —
મેં કહ્યું છે કે આ બીજા વર્તુળમાં, જીવનસ્વીકૃતિ વિશેનો પ્રશ્ન અનેક વખતે કાવ્યની રૂપનિર્મિતિ વિશે ક્રાન્તિકર બની રહ્યો છે. આપણે જોઈ શકીએ છીએ કે કવિની સૃષ્ટિ હવે રૂપ માટે – ફૉર્મ માટે – અછાન્દસમાં વિકસી રહી છે.
પદ્યગન્ધી, મુક્ત અને સમુપકારક વનવેલી લગી ઉમાશંકર પ્હૉંચ્યા, એ પછી વધુ ને વધુ ભાવે આક્રમણભોગ્ય – વલ્નરેબલ – પદાર્થ તો પદ્ય જ બાકી હતો! ‘છિન્નભિન્ન’ છું અને ‘શોધ’ એને પણ મારી હટાવે છે, અને અછાન્દસનું મુક્તિ-દ્વાર ખૂલે છે. કવિની સામે છન્દોલય હવે નામશેષ પદાર્થ છે અને લય વિશેષ પદાર્થ છે.
ઉમાશંકરે પોતે “પ્રાચીના’-ની પ્રસ્તાવનામાં કહ્યું છે કે ‘નર્યા ગદ્યથી જુદું અછાંદસ વાહન ખેડવાની જરૂર રહે.’ (જુઓ, “સમગ્ર કવિતા” આવૃત્તિ બીજી, પૃ. ૨૫૩). છન્દોબદ્ધ પદ્યરચનાના હિમાયતીઓ ‘છિન્નભિન્ન છું’-માં આપણી ચતુર્વિધ છન્દોરચનાનું મિશ્રણ જુએ; મુક્ત છન્દથી છન્દમુક્તિ તરફ ઢળેલાઓ એમાં અછાન્દસ જુએ; પણ એમ સમજીએ એટલું પૂરતું છે કે ઉમાશંકર અછાન્દસ પ્રતિ તેમ જ ‘ફ્રી વર્સ’-થી ‘વર્ લિબર્’-ની દિશામાં પોતાના કારણે ગયા છે.
જોઈ શકાશે કે ‘ત્રીજા અવાજ’-ની દુનિયામાંથી કવિ હવે ‘પહેલા અવાજ’-ની દુનિયામાં પાછા ફર્યા છે. અહીં, એક રીતે આપણે આત્માનાં ખંડેરના યથાર્થને પામી ચૂકેલા ‘હું’-ને મળીએ છીએ, સ્વર્ગની અનિવાર્ય શરત રૂપે નર્કનો સાક્ષાત્કાર કર્યા પછી સ્વર્ગને વિશે જ ઉદાસીન અને નિર્ભ્રાન્ત, પ્રબુદ્ધ, યુધિષ્ઠિરના ‘હું’-ને મળીએ છીએ.
પરન્તુ હવે એ ‘હું’-નો દૃષ્ટિપથ બદલાઈ ગયો છે. એનો જે સઘન અનુભવ હવે છે, તે એક-કેન્દ્ર વ્યક્તિતા વિશે છે, છિન્નભિન્નતા વિશે છે. ખંડેરને જોઈ રહેનારો એ હવે માત્રદૃષ્ટા નથી, પણ પોતાની અંદર તૂટતા રહેતા કશાકની પ્રતીતિથી ક્લિન્ન આત્મા છે. મને લાગે છે કે અહીં, અસ્તિત્વના મૂળ બિન્દુ પરથી જાત વિશેની એક નિષેધક પણ અધિકૃત ચેતનાનો વ્યાપાર પ્રસર્યો છે. અને ત્યારે ભાષા, એનો પૂર્વસિદ્ધ પ્રયોગ, એનું માધ્યમ, વગેરે બધાં જ ડિસ્ટિન્ક્શન્સનો, એટલે કે, વિશિષ્ટતાઓનો લોપ થયો છે. અહીં કવિતા પોતે જ એના સર્જકથી લગભગ અવિશ્લેષ્ય બની છે, (એલિયટ-કથિત) ‘ધ પોએટ ટૉકિન્ગ ટુ હિમસૅલ્ફ’-નો, કવિતાના એ પહેલા અવાજનો, એ છેક અંદરનો છેડો છે.
વ્યક્તિમત્-ની કવિતા સાથેનું આ લાક્ષણિક પુન:સન્ધાન ઉમાશંકરની કાવ્યસૃષ્ટિમાં, નૉંખું છે, અધિકૃત છે, સ્વકીય છે. એ દૃષ્ટિએ, એને નવપ્રસ્થાન ગણવું જોઈશે. ૧૯૫૬-માં આ કાવ્ય પ્રકાશિત થયું ત્યારે યુદ્ધોત્તર વિશ્વ વકરી રહ્યું’તું. તે પૂર્વે દેશ આઝાદ થઈ ચૂક્યો’તો — જો કે એને ગાંધી-હત્યા જેવી મૉંઘી કિમ્મતેય ચૂકવવી પડેલી. ત્યારે કવિના જાણીતા કાવ્ય, ‘એક ચૂસાયેલા ગોટલાને’-માં જેની કલ્પના થયેલી એ સ્વાતન્ત્ર્યનું મહાવૃક્ષ ઝૂલતું હતું. તેમછતાં, ‘મને મુરદાંની વાસ આવે’ (૫૩૦) જેવી સંવેદના જનમાવનારા ‘જીર્ણ જગત’-નો કવિ ઉદ્ધાર પણ ઝંખતા હતા. એ એમની એવી સંમિશ્ર અને સ્થિર ન થઈ શકતી દોલાયમાન ભાવાવસ્થા હતી. પણ જુઓ કે એમની કવિતા, એ લાગલો સમસામયિક સંદર્ભ પડતો મૂકે છે, અને આ કાવ્ય પ્રગટે છે. કવિદૃષ્ટિ સમસામયિક અને રાષ્ટ્રસીમિત વાતાવરણની જડતાને વીંધીને વિસ્તરે છે અને છેલ્લે પોતાની સત્તામાં પાછી ફરે છે. સ્થૂળથી સૂક્ષ્મ તરફની એક પ્રકારની એને પછડાટ પણ કહેવાય. અને ત્યારે જે થયું તે છિન્નભિન્નતાની અનુભૂતિ હતી.
છઠ્ઠા દાયકાના પૂર્વાર્ધની રચનાઓમાં, “વસંતવર્ષા”-ની કેટલીક રચનાઓમાં, તેમ જ સાતમા દાયકાના પૂર્વાર્ધની, “અભિજ્ઞા”-ની કેટલીક રચનાઓમાં, પ્રાસંગિકતા અને પ્રકીર્ણતાની પુષ્કળતા હતી. બધું વેરવિખેર લાગે, ક્યાંક તો કાવ્યત્વના લીલા દુકાળની કિંચિતેય છાપ ઊઠે. પરન્તુ એ સૃષ્ટિને આ બે બળવાન રચનાઓ, ‘છિન્નભિન્ન છું’ અને ‘શોધ’, ભુલાવી દે છે. એ કારણે એ બે કર્નલ સ્પોટની આસપાસ અન્ય કૃતિઓ મૂકવાની ભલામણ કરવાની મને જરૂરત પણ નથી જણાતી.
કાવ્યનાયક હવે છિન્નભિન્ન છે, તેથી જાતને સ્વીકારવાનો પ્રશ્ન ઊભો થયો છે. વિવશ થઈ પ્રકૃતિને કહે છે : પ્રકૃતિ તું શું કરે? / મારી પ્રકૃતિની જ જ્યાં રામાયણ છે. (૭૯૯). રચનાના પહેલા ખણ્ડમાં એ અવસ્થા ઉપમામૂલક કલ્પનો વડે વ્યક્ત થઈ છે. રચનાની દિશા નક્કી કરનારાં એ કાવ્યાત્મક વિધાનો સાંભળવા જેવાં છે :
‘છિન્નભિન્ન છું.
નિશ્છન્દ કવિતામાં ધબકવા કરતા લય સમો,
માનવજાતિના જીવનપટ પર ઊપસવા મથતી કોઈ ભાત જેવો,
ઘેરઘેર પડેલ હજી નવ-હાથ-લાગ્યા ભિક્ષુકના ટુક જેમ,
વિચ્છિન્ન છું.’ (૭૯૯).
નાયકને થાય છે, રાગ-દ્વેષ-ભય તત્ત્વોથી સારવી લેવાતા પ્રેમમૂલ્યની પોતાનાથી કશી માવજત નથી થઈ શકી; એટલું જ નહીં, વ્યક્તિને એક-કેન્દ્ર કરનારા એ રસાયનને આત્મસાત્ કરવામાં પોતે નિષ્ફળ નીવડ્યો છે.
અસ્તિત્વની તરેહ અને પ્રેમમૂલ્ય વચ્ચેના એ ‘અન્તર’-ની પ્રતીતિને ‘બીઇન્ગ’ અને ‘બીકમિન્ગ’-ના દ્વૈતની પ્રતીતિ ગણવી જોઈશે. એણે એને દુનિયાથી વિખૂટો પાડી દીધો છે. એનું પરાયાપણું, બહુ સાદી રીતે સૂચવાયું છે : ‘અરે, તું તો દુનિયાને કાંઈ સમજતો જ નથી! (૮૦૧). ‘હા, દુનિયાનો હું શિષ્ય છું’ કહીને આશ્વાસન મેળવે છે, છતાં, કશો મદાર બાંધી શકતો નથી. ‘કોણ જાણે? / અટાણે તો ધબકો આ એક પછી એક ઓછી / થતી જાય’. (૮૦૧), એમ અસમંજસમાં પડી જાય છે.
પોતાના એ વિલક્ષણ ક્ષયનો સાક્ષી બનેલા કાવ્યનાયકની ‘વૈશાખી ખાખી લૂ-લીલા’ ઇમેજરી સરસ છે, (૮૦૧-૨). સાબર નદીના પાતળા ઝરણામાં એ ‘ટાઢકની ધાર’ અનુભવે છે, અને એમ, ‘વૈશાખી દોજખ’-થી બચી જવાની ખેવના કરે છે. એ પૂરો સભાન છે કે એ તો ‘આનન્ત્ય મૃગજળ પ્રતિ દોટ દેતું ભોળકડું હરણું’ જ છે. ચૈતન્યના એ ક્ષણાર્ધના ઠારણને એ એક આશ્વાસન ગણી લે છે. તેમછતાં, અનેક તીવ્ર પ્રશ્નોથી એ આશ્વાસન આક્રાન્ત અને છિન્ન જ રહે છે, અંદરની રુજા રૂઝાતી નથી. એટલે, એક-કેન્દ્ર થવાના સંભવને એ નકારે છે, છિન્નતાને સમજપૂર્વક વળગી રહીને લાચારીથી સ્વીકારી લે છે.
‘શોધ‘ —
આ નાયક એના એવા ‘ઇન્ટર્નલ હૅમરેજ’-ની અવસ્થામાં કાવ્ય જેવા દુર્લભ પદાર્થનું સર્જન તો કરી શકે જ શી રીતે? વિચ્છિન્નતા કશાયને પણ કેવી રીતે જનમાવી જાણે? શોધનો પ્રશ્ન બરાબર અહીં ખડો થાય છે. એ પ્રશ્ન બોલચાલની ભાષાનો લય ધરાવતા કાવ્યમાધ્યમની શોધ પૂરતો મર્યાદિત નથી; એવા ઉપકરણ પૂરતો સ્થૂળ નથી; નવ્ય વિષયવસ્તુ શોધવા જેવો દયાજનક બહિર્ ભટકાર પણ નથી. આ તો કાવ્યનાયકના આભ્યન્તરમાં વિસ્તરતી વેરાનતાનો એને થયેલો સાક્ષાત્કાર છે, અને તેથી લાધતા શૂન્યની અનુભૂતિ છે. અહીં, ‘ક્રીએટિવ ફાઇબર’ પોતે જ ચીમળાઈ રહ્યો છે. આ શૂન્યતા, આધુનિક કલાકાર માટે વિષય બનતી હોય છે અને એ આ કાવ્યનો પણ વિષય છે. ‘શોધ’ આ વર્તુળનું ચૉથું કર્નલ સ્પોટ છે.
જીવન જો સ્વીકાર્ય નથી દીસતું, વ્યક્તિત્વ એક-કેન્દ્ર નથી થઈ શકતું, અનુભૂતિ છિન્નભિન્નતાની છે, કાવ્યકલા અસંભવ ભાસે છે, તો તેની એક નિષેધમૂલ અને વિદ્રોહશીલ સૃષ્ટિ રચી શકાય; વિચ્છેદ એની ગતિવિધિ બને, અને રૂપનિર્મિતિ એનું ઋત. પણ મૂળે ઉમાશંકર જીવનનિષ્ઠ કવિ છે એટલે કલાના રૂપનિર્મિતિસંગત પરિમાણોમાં વિસ્તરનારું એમનું સર્જનદ્રવ જ નથી. સારવેલા વિચારની કે ચિન્તનની નાની કણી પણ કાવ્યવિધાનમાંથી સરી પડતી નથી; જો ચૂકી જઈએ તો હાનિ થાય. આપણને યાદ રહેવું જોઈશે કે ઉમાશંકર વિધાયકતાના ઉપાસક છે, જીવન-કલાધર છે, અને એ એમની પ્રકૃતિ છે. છેવટે તો એ પ્રકૃતિ પોતાની સૃષ્ટિનું પોતાની રીતેભાતે સાવયવ કલ્પન રચનારી છે.
આ રચનામાં, ‘ક્યાં છે કવિતા?’ એ ધ્રુવપ્રશ્ન છે. એ શોધ વિવિધ દિશાઓમાં વધુ ને વધુ ફંગોળાતી રહે છે. ઉમાશંકરમાંના કાવ્યપુરુષનો એ આન્તર્ ભટકાર છે. કવિતા અહીં પોતાને શોધતી પ્રગટે છે. પોતે પોતાનો જ વિરોધાભાસ રચે, વાચકને એ નિજી વ્યથાના સાક્ષી થવા નિમન્ત્રણ આપે, આધુનિકોની એ કલા-શૈલી, ‘શોધ’-નો વિશેષ છે. કવિસંવિદ અહીં માત્ર પોતાના જ પ્રતાપે પોતાના જ સ્વાયત્ત અને સ્વકીય ઋતથી દોરવાય છે અને શુદ્ધ કાવ્યસૃષ્ટિ રચે છે. બને કે એ આડપેદાશ લાગે, કેમ કે એ આન્તરપ્રક્રિયાનું પરિણામ હોય; પણ અધિકારી ભાવકોને એમાં અધિકૃત સત્-નો આવિષ્કાર વરતાય; શોધના સત્યનો પ્રભવ જણાય.
સાહિત્યકલાની એવી શોધનમૂલ સંભાવનાને આધુનિકોએ ચરિતાર્થ કરી છે અને એ વડે બુદ્ધિવિજ્ઞાનશીલ પ્રવર્તમાન સભ્યતા સાથે સમતુલા રચી છે. કવિકર્મનો એવો ધીંગો આધુનિક સંકેત કિંચિત્ રૂપમાં પણ ‘શોધ’-માં પ્રગટ્યો છે, એ ઓછા આનન્દની વાત નથી.
અહીં, ‘પૃથ્વીના ભીતરની સ્વર્ગીલી ગર્વિલી ઉત્કંઠા સમાં પુષ્પો છે, (૮૦૨); ગર્ભવતી માતા છે; વધીને વૃક્ષ થયેલો છોડ છે; ‘સંધ્યાના તડકાથી’ વૃક્ષનાં થડ રંગતો ઈશ્વર છે, (૮૦૩); અડધિયા ડબ્બામાં, ગાડીમાં, પ્રવેશતાં નવ વરવધૂ છે; પંખી છે; તારા છે; શેરીનું બાલુડિયું છે; શિશુઓનું કલહાસ્ય છે – આ બધું જ છે, પણ કવિતા નથી — ક્યાં છે કવિતા?
પ્રભુની પદે પદે પ્રતીતિ લાધે એવી સૃષ્ટિરચના વિશે નાયકને લવલેશ શંકા નથી; આકાંક્ષાઓ અને અરમાનોમાં ઉભરાતું મનુષ્યત્વ પણ એને બરાબર લાગે છે; એક માત્ર પોતે બરાબર નથી. એને અહમ્ નડે-કનડે છે, એને લાગે છે કે કવિ-જીવન ઉપજીવન છે. એનો ‘હું’ એને આમ નિર્ભ્રાન્ત કરે છે, અને એ આત્મનિમજ્જનને વરે છે, અને, આત્મશોધનને પામે છે. પોતાને પ્રભુસ્રવિત સૃષ્ટિના વિરોધે મૂકે છે, તેથી દ્વૈત અનુભવે છે. છતાં, એને શ્રદ્ધા બેસે છે કે ક્ષણાર્ધ માટે ય પોતે ‘વૃક્ષ-રચનામય’ બની ગયેલો તેવું તાદાતમ્ય સાધીને પોતે દ્વૈતને ટાળી શકશે – ‘તદાત્મ હું એમ સર્વ વિશ્વના પદાર્થ થકી થઈ શકું જ.’ પણ તરત પ્રશ્ન થાય છે, ‘કિંતુ શી રીતે એ હશે સાધ્ય?’. ઉત્તર મળે છે, ‘સૌન્દર્યાનુભૂતિ દ્વારા, કવિતા દ્વારા …(૮૦૫). જો કે, છેવટે એને પ્રતીત થાય છે કે સૌન્દર્ય તો છટકિયાળ છે, ચૈતન્ય સાથે અહોરાત સંતાકૂકડી ખેલ્યા કરે છે. એ સ્વરૂપે પ્રશ્ન અણઉકલ્યો રહે છે, શોધ ચાલુ રહે છે. ‘ક્યાં? – ક્યાં છે કવિતા?’, એમ એક જાતની નિરુત્તરતામાં કવિએ રચનાને છોડી દીધી છે.
૯
આ વર્તુળની કાવ્યસૃષ્ટિ સૂચવે છે કે કવિ હવે માત્ર ઊર્મિકવિ નથી રહ્યા. હવે એમનો ચ્હૅરો કવિ-કલાકારનો લાગે છે. કાવ્યનો સંભવ પ્રશ્નાર્થ હેઠળ હોય ત્યારે કવિની જે આત્માભિમુખ મુદ્રા પ્રગટે, તે અહીં પ્રગટીને રહી છે. જીવન-સ્વીકૃતિનો પ્રશ્ન હવે કાવ્યનું સર્જન અને તેને ધારણ કરનારી રૂપનિર્મિતિનો પ્રશ્ન પણ બને છે.
જીવનની સ્વીકૃતિને વિશે જે પ્રશ્ન જાગ્યો તેના વસ્તુતત્ત્વનો આ વર્તુળની સૃષ્ટિમાં અશેષ વિલય નથી થયો; વસ્તુ અહીં કાવ્યદૃઢ સ્વરૂપમાં પણ રહે તો છે જ. ‘જીવન તો તે, જે કૈં થયું આત્મસાત્, આત્મરૂપ’ (૮૦૪) જેવું વિધાન ઉચિત સંદર્ભો વચ્ચે ય કાચુંપાકું લાગે છે. ‘નવપરિણિત પેલાં’-માં, ‘શરીરનો તાગ લીધા કર્યો છે માનવીએ યુગમન્વન્તરોથી’ (૮૦૮), એ પંક્ત્યાર્ધથી શરૂ કરીને આખું ખણ્ડક પૂરું કરીએ ત્યાંલગીમાં તો હાંફી જવાય છે, ગદ્યાળ વિચારોનો મારો થાય છે, અછાન્દસે કવિની જાણ બ્હાર ત્યાં ઢેકો કાઢ્યો છે. કલાના ઉદ્ભાવન અર્થે વસ્તુતત્ત્વ પોતાની બધી જ ખૂબીઓ, સંકુલ સમૃદ્ધિ, જતી નથી કરતું, એમ જ કહેવું રહે છે. પ્રશ્ન ભલે છે પણ જીવનને વિશેનો છે ને! – એ ગમ્ભીરતામાં છુપાયેલી દાર્શનિકતા આ વર્તુળની સૃષ્ટિમાં ક્યારેક આમ લગીર કુણ્ઠા બની છે.
તેમછતાં, ન્યાય ખાતર કહેવું જોઈએ કે, સામાન્યપણે, આ બન્ને કાવ્યોમાં, વસ્તુ અને રૂપ વચ્ચે ઉચિત સામંજસ્ય ઊભું થયું છે. બન્ને કાવ્યોમાં રૂપનો કાર્યસાધક કશો અમર્યાદ ઉન્મેષ ભલે નથી, પણ સમર્યાદેય નથી. કહી શકાય કે વસ્તુનું અહીં બહુશ: કલામાં રૂપાન્તર થયું છે – અનેક સ્થાનો દર્શાવી શકાય : ‘છિન્નભિન્ન છું’-ની ઇમેજરી, ‘વૈશાખી ખાખી લૂ-લીલા’; બીજા ખણ્ડમાંનો ધૂંધવાટ, ‘જાણે સ્વિચ ઑફ કરી દઉં’, (૭૯૯); ‘શોધ’-માં, વધી વૃક્ષ થયેલા છોડ સાથેનો નાયકનો જાંબું અને આંસુથી દૃગગોચર બની જતો વિરોધ, (૮૦૩); સંધ્યાના તડકાથી વૃક્ષના થડને રંગતો ઈશ્વર, (૮૦૩); ગાડીના ડબ્બામાં પ્રવેશતું નવ યુગલ, (૮૦૩); કે, વર્ષાભીની સાંજના સમયનું નાની ગૌરીઓનું ઝુંડ, (૮૦૫). આ બધાં કલાનાં સૌન્દર્યઘટકો છે એમ લાગ્યા વિના રહેશે નહીં.
બન્ને કાવ્યોમાંની પ્રશ્નોક્તિઓ અને બન્નેનું લયવિધાન મોટાં રચના-વિશિષ્ટ તત્ત્વો છે : ‘શાઆઆ માટે નહિ તો’ – વાળી પંક્તિ એનું ઉત્તમ નિદર્શન છે, (૮૦૩). વાગ્મિતાતત્ત્વોમાં પ્રશ્નતત્ત્વ કદાચ ઉમાશંકરના સમગ્ર વ્યક્તિત્વનો ય વિશેષ છે. મારા તો, અનુભવની વાત છે કે તેઓ પૂછી પૂછીને તેમ જ કહી કહીને વાત કરવાની આગવી શૈલી ધરાવે છે, (ધરાવતા હતા).
“સપ્તપદી’-ની અન્તિમ સિવાયની ચાર રચનાઓમાં, ‘ક્યાં છે કવિતા?’ પ્રશ્નનું નિરસન છે. એમાં, એક-કેન્દ્ર વ્યક્તિતા અને કલાભિવ્યક્તિ – બન્નેની શક્યતાનો માર્ગ સ્ફુર્યો છે. સમ્પૂર્તિના ત્રીજા વર્તુળમાં, સર્વસાધારણ રૂપે ઉમાશંકર એમના કાવ્યપુરુષાર્થની પરિણતિએ પ્હૉંચ્યા જણાય છે, અને ત્યારે પ્રશ્નોત્તર-પર સૌન્દર્ય કલાનો પર્યાય ભાસે છે. એમાં, સમગ્ર કવિતાના કવિ વડે રચાયેલા ‘સાવયવ કલ્પન’-ની રેખાઓ છે, એ રૂપે કાવ્યસર્જનની અખિલાઇ સિદ્ધ થઈ છે.
(ક્રમશ:)
(24Sep24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
સૌજન્ય : https://ekatra.pressbooks.pub/umashankarvishesh/chapter/છિન્નભિન્ન-છું/