સંગીત સ્વર કેટલા પ્રમાણમાં સ્પર્શી શકે એ તો દરેક આત્માની જન્મજાત ક્ષમતા પર આધારિત છે.
“ગાઓ બેટી, પિયુ પિયુ રટત પપીહરા…” સવારના પહોરમાં સુશીલાને લલિત રાગ ગાવાનું કહેતા. સંગીતમાં ગહેરો રસ એના ઋજુ હૃદયને સહજ રીતે ભીંજવી દેતો. મારાં સાસુ, સુશીલા અમ્મીના સંગીત-રસની વાત કરું છું.
સંગીતપ્રેમી કુટુંબમાં ઉછરેલી સુશીલા, લગ્ન બાદ કાનપુર શહેરમાંથી નાના પાટણ ગામમાં સામાન્ય આર્થિક સ્થિતિવાળા કુટુંબમાં આવીને વસી.
વહેલી સવારથી મીઠા સૂરની અને ઘરકામના અવાજોની જુગલબંધી ચાલતી હોય. કોઈ ગીત વાગતું હોય એની સાથે, ‘શિવરંજની રાગમાં લાગે છે કે, પેલું ગીત સોહિણી રાગમાં હશે’, તેવી અમ્મીની અટકળો દિલીપ બાળપણથી સાંભળતા.
કોલેજના અભ્યાસ સાથે દિલીપને વડોદરામાં શાસ્ત્રીય સંગીતનો રસ ઘેરો ઘૂંટાયો. અમેરિકામાં શિષ્યવૃત્તિમાંથી ડોલર બચાવીને પહેલી ખરીદી ટેપ રેકોર્ડરની કરી. વિદ્યાર્થી તરીકે પંડિત રવિશંકર અને ઉસ્તાદ વિલાયત ખાનને નજીક બેસીને સાંભળવાની અમેરિકામાં તક મળી. દિલીપની જીવનસાથીની પસંદગીમાં, ‘સંગીતમાં રસ હોવો જોઈએ’, એ એક આવશ્યક મુદ્દો હતો.
Princeton, NJ.થી અમારી સફર શરૂ થઈ. પછી કેલિફોર્નિયામાં ડિઝનીલેન્ડ નજીક વિશાળ ઘરમાં ગોઠવાયાં. ૧૯૮૦ની સાલ હતી … એ સમયે દિલીપને જાણવા મળ્યું કે ઉસ્તાદ ઝાકીર હુસૈન થોડા કલાકારોને ડિઝનીલેન્ડ લાવવાની યોજના કરે છે. તેમાં સંતુર વાદક, પંડિત શિવકુમાર અને મનોરમા શર્મા, વાયોલિન વાદક પંડિત વી.જી. જોગ, શ્રી-શ્રીમતી કાનન, કીચલુ, અજય ચક્રવર્તી અને અન્ય સંગત સભ્યો હતાં. આવા અવનવા કાર્યક્રમમાં, ઉપરના વિશાળ રૂમમાં આતુર આનંદથી છલકતાં, એંસી સંગીતપ્રેમીઓ ગોઠવાયાં. શ્રીમતી માલવિકા કાનનનું કંઠ સંગીત અને બીજા ભાગમાં જોગસાહેબની વાયોલિન અને ઝાકીર હુસૈનના તબલાને અજબ દાદ મળી. શિવજી અને અન્ય કલાકારો, જોગ સાહેબની વાયોલિન સાંભળવા શ્રોતાગણ સાથે બેસી ગયા હતા. હાર્મોનિયમની સંગત આપતા યુવાન અજય ચક્રવર્તીએ હસીને સ્પષ્ટતા કરી હતી, “હું એક ગાયક છું.” નવ મહેમાનો બે રાત રોકાયા. પછીનાં વર્ષોમાં ઘણી વખત ફરી મહેમાન બન્યા. ૧૯૮૦-૮૫માં વર્ષમાં અઢાર કાર્યક્રમો કર્યા.
અમે વ્યવસ્થાપકને કહ્યું, “અમને ખાસ અનુભવ નથી કે શ્રીમંત પણ નથી … પ્રેમ અને ઉત્સાહ છે.” ત્યારે પંડિત ભીમસેન જોષીનો કાર્યક્રમ નક્કી થયો અને પંડિતજી સમેત છ સભ્યો અમારી સાથે ચાર દિવસ રહ્યા. જમવામાં મેં તીખી રસોઈ ન આપી. એમણે મને પૂછ્યું, “આપકે પાસ અચાર હૈ?” મેં કહ્યું, “આપકે ગલેકે લીએ …” તો કહે, “અરે કુચ્છ નહીં હોગા, યે તો સોલીડ હૈ.” કહી, મજાનું હસ્યા.
ભીમસેનજીએ યમન કલ્યાણ રાગ શરૂ કર્યો અને દ્રુતમાં ઉપાડ્યું, … શ્યામ બજાયે આજ મુરલિયા …
આનંદ સજળ લાગણીથી અમ્મીએ મને કાનમાં કહ્યું, “શ્યામ બજાયે … હું ગાતી એ …”
www.Saryu.wordpress.com
e.mail : SaryuParikh@yahoo.com
Austin
![]()

