ભઠ્ઠી દિવસ રાત સળગતી
એટલે
ઋતુઓ બારોબાર જ નીકળી જતી
ક્યારેક અંદર ડોકિયું કરતી તો
તમારા ખુલ્લાં શરીરેથી
તો રેલા જ ઊતરતા રહેતા
ખબર ન પડતી કે
મૂસમાં સોનું પીગળે છે કે જાત?
સોનું ટીપતા તમારા હાથ
કોઈ વાર અમને પણ ટીપી નાખતા
પછી મોડી રાતના
થાકીને પથારીમાં પડતા
તો લાગતું કે
ઢાળકી હાંફતી પડી છે
સોનું તો કાળું ન પડે
પણ તમે કોલસાની હરીફાઈમાં હતા
તમારો હાથ કોઈ વાર
માથે કાળી ટોપી ચડાવતો
ત્યારે લાગતું કે
અધૂરો પોસ્ટકાર્ડ આવ્યો છે
એ ઓટલેથી જ ફાડી નંખાતો
ને એક સગું ઓછું થઈ જતું
પછી આંખો લૂંછતાં લૂંછતાં
આખું ઘર નહાઈ લેતું
રડવા પર પાણી રેડતાં રેડતાં
પાણી ખૂટી જતું પણ આંસુ …
કોઈ વાર અમારી આંગળી પકડીને અમને
બજારે લઈ જતા
ને આવતી વખતે
નાના નાના તહેવારો ખરીદી લાવતા
આજે હું મારા બાળકને લઈને
બજારે જાઉં છું
તો બાળકની આંગળી
મારો હાથ વળોટીને
તમારી આંગળી પકડી લે છે
જો કે, મને તમારી આંગળીઓ નથી પકડાતી
કારણ મારી આંગળીઓ કેવી રીતે ભૂલે કે
એણે જ તો તમને
ભઠ્ઠીમાં મૂક્યા હતા
જેમ તમે મૂકતા હતા
સોનું ભઠ્ઠીમાં …
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


15 જૂન, 2021ના “ધબકાર”માં બીજે પાને એક ફોટો છપાયો છે. એની નીચે શેરીમાં ત્રણ શિક્ષકો બાળકોને શાળાપ્રવેશ માટે વાલીઓને સમજાવી રહ્યા છે – એવું લખાણ છે. એ વાંચીને સવાલ એ થયો કે શિક્ષકોએ આ કામ કઈ ખુશીમાં કર્યું? તપાસ કરતાં ખબર પડી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત શ્રી દામોદર હરિ ચાફેકર શાળા નંબર 222ના મુખ્ય શિક્ષક ચંદ્રશેખર નિકમનું એ સાહસ હતું. ચંદ્રશેખર નિકમ ચીકુવાડી વિસ્તારમાં રહે છે અને એમની શાળા પાંડેસરા વિસ્તારમાં છે. સ્કૂલનું નવું સત્ર શરૂ થયું એ ગાળામાં 11 જૂનથી ચંદ્રશેખર નિકમ સવારે 8 વાગે ચંદ્રકાંત જાધવ અને સંજય સાવંતને લઈને ક્રિષ્ના નગર, અંબિકા નગર, આવિર્ભાવ સોસાયટી જેવા વિસ્તારોમાં નીકળી પડે છે. 8 વાગે એટલા માટે કે મોડું થાય તો વાલીઓ કામ પર નીકળી જાય ને સંપર્ક મુશ્કેલ બને. વાલીઓને તેમનાં સંતાનો મરાઠી માધ્યમની શાળામાં પ્રવેશ મેળવે તે માટે સમજાવાય છે. એને માટે શિક્ષકોની ટીમ ઘરે ઘરે પેમ્ફલેટ વહેંચે છે ને માઈકમાં પ્રાથમિક શાળામાં પ્રવેશ લેવાથી કયા લાભ છે તે કહે છે, એ સાથે જ નાગસેન નગર અને તેની આસપાસના વિસ્તારમાં 222 અને 255 નંબરની શાળા આવેલી છે તેનો ખ્યાલ પણ અપાય છે ને સૂચવાય છે કે આ શાળામાં તો વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે જ, પણ બીજા વિસ્તારોમાં રહેતા હોય તેઓ પણ તેમની નજીકની સ્કૂલોમાં પ્રવેશ મેળવે, પણ શિક્ષણથી વંચિત ન રહે.