કનુભાઈ અને રમાબહેનને લગ્ન જીવનને, દામ્પત્ય જીવનને પચાસ વર્ષ પૂરાં થઈ રહ્યાં હતાં. રમાબહેને કહ્યું, “સાંભળો છો ?” “હા, બોલ. તારે શું વાત કરવી છે ?” “મારી ઈચ્છા છે કે આપણા લગ્નજીવનને પચાસ વર્ષ પૂરાં થાય છે, એ દિવસને આપણે પ્રેમના પ્રતીક એવા તાજમહાલની સાનિધ્યમાં ઉજવીએ તો?” “તારો વિચાર સારો છે. દુનિયા આખીમાં તાજમહાલ એ શાહજહાં અને મુમતાઝ બેગમના પ્રેમનું પ્રતીક સ્મારક ગણાય છે. આપણે ચોક્કસ ત્યાં જવાનો પ્રોગ્રામ કરીએ.” અને આગ્રામાં સારી હોટલ `હેવન`માં બુકીંગ પણ કરાવી નાખ્યું.
કનુભાઈ અને રમાબહેન આગલા દિવસે આગ્રા પહોચી ગયાં. જોગનુંજોગ તેમની બાજુની રૂમમાં એક તાજું પરણીત યંગ કપલ આવ્યું હતું. કનુભાઈ અને રમાબહેન રૂમની બાલ્કનીમાં બેઠાં બેઠાં આગ્રાનો નઝારો માણતાં માણતાં વિતેલા જીવનની ખાટી મીઠી વાતો વાગોળી રહ્યા હતાં, પણ બાજુની રૂમની બાલ્કનીમાં બેઠેલું કપલ પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હતું. રમાબહેને આ જોઈને કહ્યું, “આ મોબાઇલે જીવનની ઘણી મહત્ત્વની ક્ષણો છીનવી લીધી છે. આટલાં સરસ વાતાવરણને એન્જોય કરવાના સમયે મોબાઈલમાં સમય પસાર કરે છે.” આ વાત સાંભળી કપલ રૂમમાં ચાલ્યું ગયું. “તારે એવી વાત નહોતી કરવી જોઈતી, એ લોકોને ખરાબ લાગ્યું હશે.” “પણ, મેં ક્યાં કંઈ ખોટું કહ્યું છે.” “તારી વાત સાચી છે પણ સૌને જીવન જીવવાના તરીકા અલગ હોય છે. એ પ્રમાણે જીવન જીવતા હોય છે.”
બીજે દિવસે તાજમહાલના પરિસરમાં ફરતાં ફરતાં એ જ બાજુના રૂમવાળાં કપલનો ભેટો થઈ ગયો. રમાબહેને કહ્યું, “મને માફ કરજો. મારો ઈરાદો તમારા દિલને ઠેસ પહોંચાડવાનો નહોતો.” “ના, આંટી અમને કંઈ દુઃખ નથી થયું. આમે ય આ અમારી પતિ, પત્ની તરીકેની છેલ્લી મુલાકાત છે.” “એવું કેમ, બેટા? તમારા લગ્નેને કંઈ બહુ ઝાઝો સમય થયો લાગતો નથી. અમે તો અમારી પચાસમી લગ્નજીવનની વર્ષગાંઠ આ પ્રેમના પ્રતીક એવા તાજમહાલના સાનિધ્યમાં ઉજવવા આવ્યાં છીએ.”
“અંકલ, આંટી તમારા લગ્ન જીવનને પચાસ વર્ષ પૂરાં થયાં? માન્યમાં ન આવે એવી વાત છે.”
“પણ, બેટા આ નક્કર હકીકત છે અને અમે પુરાવા રૂપે તારી સામે છીએ. તમારે આટલા ટૂંકા સમયમાં શું થયું કે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે?” “અંકલ, હું ને રાખી પાંચ વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યાં. અમારો વિચારો મળતા બે વર્ષ પહેલાં લગ્ન કરી લીધાં. પણ, હવે એવું લાગે છે અમે લગ્ન કરવામાં ઉતાવળ કરી નાખી છે. અમારા વિચારો નથી મળતા એટલે અમે હવે સાથે રહી શકીએ એમ નથી, એવું લાગતા છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.”
“મને એક વાતનો જવાબ આપીશ. તમે બંને રિલેશનશીપમાં હતા, ત્યાં સુધી વિચારો મળતા હતા, એટલે તમે લગ્ન કર્યા. પણ, પછી લગ્નજીવનની જવાબદારી, સામાજિક જવાબદારી ઊભી થતાં, તમારા વિચારો મળતા બંધ થઈ ગયા. હકીકતમાં તમારી વચ્ચે પ્રેમનું નહીં પણ શારીરિક આકર્ષણ હતું. તેનો ઉન્માદ ઉતરી જતા તમે એક બીજાથી વિમુખ થઈ ગયાં અને બંધનમાંથી છૂટવા માટે વિચારોના મતભેદનું બહાનું આપી દીધું. મારી વાત સાચી છે ને? નિરાંતે, બંને એકલા બેસીને વિચારી જો જો …”
“તને આશ્ચય થાય છે ને? અમારા પચાસ વર્ષના માથેરાન લગ્નજીવન માટે. પણ, અત્યારે તમારા સમયમાં છે એવું અમારા સમયમાં નહોતું. તમે પ્રથમ પાંચ વર્ષ રિલેશનશીપમાં રહ્યા અને પછીના બે વર્ષ સાથે રહ્યાં, તો પણ, એક બીજાને ન સમજી શક્યાં, કારણ કે તમારા જીવનમાં મુખ્ય પ્રેમતત્ત્વ જ ગાયબ છે. તમારી વચ્ચે પ્રેમ જેવું કંઈ હતું જ નહીં. જ્યારે અમે તો લગ્નની પ્રથમ રાત્રીએ મળ્યા … તે બરાબર .. સાંભળ્યું છે .. અને એક-બીજાને સમર્પિત થઈ આ પચાસવર્ષના ઘેઘુર વડલા જેવું દામ્પત્યજીવનનું વૃક્ષ ઊભું કર્યું છે. અમે ક્યારે ય વિચારો નથી મળતા કે હવે અમે સાથે નહીં રહી શકીએ, એ બાબતે વિચાર્યું જ નથી … અને આ … જ … અમારા લાંબા લગ્ન જીવનનું રહસ્ય છે.”
“તમારી બીજી એક વાત ન સમજાણી. તમે છૂટાછેડા લેવાનું નક્કી કર્યા પછી પણ છેલ્લી મુલાકાત આ પ્રેમના પ્રતીક એવા તાજમહાલના સાનિધ્યમાં ગોઠવી એટલે મને તો એમ લાગે છે, કે તમારા હૃદયમાં એક ખૂણે પ્રેમનું બીજ પડેલું છે, તેને તમે આવા વાહિયાત બહાનાનું પાણી પાઈને અંકુરિત નથી થવા દીધું … વિચારી જો .. જો … એક બીજાનાં ગુણો શોધી તેનો ગુણાકાર કરજો અને દોષો મળે તો ભાગાકાર કરજો. પ્રેમનું બીજ ચોક્કસ અંકુરિત થશે.”
સવારમાં કનુભાઈના રૂમનો ડોરબેલ વાગ્યો. કનુભાઈ અને રમાબહેન તો પાછા ફરવાની તૈયારી કરીને બેઠાં હતાં. કનુભાઈએ બારણું ખોલ્યું, સામે રાખી અને ઉદય ઊભા હતા. “આવો, અંદર આવો.” “શું! અંકલ પાછા ઘરે જવાની તૈયારી કરી લીધી?” “હા, બેટા, અમારું લક્ષ પૂરું થયું. પચાસમાં લગ્ન દિવસની ઉજવણી આ અમારી વચ્ચે છે એવા પ્રેમના પ્રતીક પાસે કરવી હતી એ અમારી ઈચ્છા પૂરી થઈ ગઈ, એટલે આજે પાછાં જઈએ છીએ.” “તમે ક્યાં જાવ છો?”
અંકલ, કાલે તમારી સાથે વાત થયા પછી મેં અને રાખીએ તમારી વાત ઉપર ચર્ચા કરી, વિચાર વિમર્શ કર્યો અને એક બીજાના મતભેદ અને વિચારો નહીં મળવાનાં કારણો શોધ્યાં, તો અંકલ, અમને ક્યાં ય છૂટાછેડા લેવાનું કારણ જ ન મળ્યું. હકીકતમાં એમ લાગ્યું કે અમારો છૂટાછેડા લેવાનો નિર્ણય ઉતાવળિયો છે.”
“બસ, બેટા, આવું જ મોટા ભાગના છૂટાછેડાના કેસમાં બને છે અને પછી ઈગો આડે આવે અને પરિસ્થિતિ બગડીને હાથમાંથી નીકળી જાય છે”.
“તો, પછી તમે ક્યાં નિષ્કર્ષ ઉપર આવ્યા?”
“આ પ્રેમના પ્રતીક તાજમહાલની સાક્ષીએ છૂટાછેડા નહીં લેવાનું નક્કી કર્યું છે અને આજે તમારે રોકાઈ જવાનું છે. અમે એક નાનકડી પાર્ટી, અંકલ, આંટી, રાખી અને હું-ની હાજરીમાં રાખી છે. આપણે ચાર જણાં તાજમહાલને રાતની રોશનીમાં નિહાળતા નિહાળતા એન્જોય કરીશુ”….
“ચોક્કસ, બેટા, અમે આવીશું. રમા આજનો જવાનો પ્રોગ્રામ કેન્સલ.” અને રૂમ આઠ હાથની તાળીઓના ગગડાટથી ગુંજી ઊઠ્યો….
ભાવનગર, ગુજરાત.
e.mail : Nkt7848@gmail.com