(બર્ટ્રાન્ડ રસેલના જન્મદિવસે)
જ્ઞાન, પ્રેમ, બંધુતા,
એ સિવાય જિંદગી નરી પંગુતા.
અનિદ્ર ચિત્ત, હૃદયમહાર્ણવે વિરાટ
ખળભળાટ,
કર્મની વિદ્યુત-લકીર
એ જ એક આત્મશાંતિ શોધતા પ્રબુદ્ધ ….
અમદાવાદ, ૧૮-૫-૧૯૬૭
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2018; પૃ. 04
![]()
(બર્ટ્રાન્ડ રસેલના જન્મદિવસે)
જ્ઞાન, પ્રેમ, બંધુતા,
એ સિવાય જિંદગી નરી પંગુતા.
અનિદ્ર ચિત્ત, હૃદયમહાર્ણવે વિરાટ
ખળભળાટ,
કર્મની વિદ્યુત-લકીર
એ જ એક આત્મશાંતિ શોધતા પ્રબુદ્ધ ….
અમદાવાદ, ૧૮-૫-૧૯૬૭
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2018; પૃ. 04
![]()
ભાઈ ઈશ્વર પેટલીકર ડાયરામાંથી અચાનક ઊઠી ગયા. ત્રણ-ચાર દિવસમાં એમણે માયા સંકેલી લીધી. બહુ જ જીવનથી તરવરતા હતા અને એમનામાં ભૂમિના પુત્રનું એક કૌવત હતું. બળકટતા હતી, ખડતલપણું હતું. શહેરમાં રહ્યા છતાં એ કદી ગામડાના મટ્યા નહીં.
મને યાદ આવે છે પેટલીનો એક નાનકડો તરુણ. ‘ગ્રામચિત્રો’ની હસ્તપ્રત લઈ એ મારી પાસે આવે છે. ‘આને વિશે કંઈ લખી આપો.’ મેં કહ્યું, ‘લખે એવા તો રામનારાયણ પાઠક છે.’ કહે કે એમની પાસે ગયો હતો, પણ તેઓની તબિયત ઠીક નથી. મહિના સુધી એ લખી શકે એમ નથી. મારે તો ચોપડી મહિનામાં બહાર પાડવી છે. ચોપડી થોડીક જોઈ, મેં એમને કહ્યું, આ ચોપડી તમે એવી સુંદર લખી છે કે હું તમારે ઠેકાણે હોઉં તો મહિનો નહીં પણ વરસ રાહ જોઉં ને રામનારાયણ પાઠકના જ બે શબ્દ આશીર્વાદના મેળવું. એમણે મારી વાત માની. એમની નવલકથા ‘જન્મટીપ’ બહાર પડી અને મેઘાણીભાઈ એને વિષે આંખમાં ચમક સાથે અને ઉમળકાથી જે વાત કરતા એ બધાનું પણ સ્મરણ થાય છે. ‘લોહીની સગાઈ’ વાર્તા એમણે લખી. પોતાના જીવનની, – પોતાની બાની, પોતાની બહેનની. એ તો એમણે કાળજું જ કાપીને જાણે રજૂ કર્યું હતું, પણ એક વાર્તા તરીકે મૂક્યું હતું. એક આંતરરાષ્ટ્રીય વાર્તા-હરીફાઈમાં તે વાર્તા પોંખાઈ.
પેટલીકરે કળાકાર તરીકે આગળ વધવાનો બલકે કોઈ જાતનો મનસૂબો ન રાખ્યો. એ મહત્ત્વાકાંક્ષી માણસ હતા જ નહીં. રાજકારણમાં ઠેઠ ઉંબર સુધી ગયા હતા, ધાર્યું હોત તો એ એમાં પણ દાખલ થઈ શકત. પણ એમને ગામડું રગરગમાં વ્યાપેલું હતું. એ સમાજને ઉઘાડી આંખે, ઉઘાડા કાને, ઉઘાડા હૃદયે નીરખતા અને એમનામાં સહાનુકંપા હતી. બધાંના પ્રશ્નો જાણે પોતાના ન હોય. એનો કોઈ દેખાડો ન હતો. એમના સ્વભાવની ઉદારતા જ એમાં જોવા મળતી હતી. એમનું કાઠું આ જાતનું હતું, – અંદરનું કાઠું. અને ગુજરાતને બહુ ઉપયોગી સેવક તરીકે એ નીવડી આવ્યા. હું પેટલીકરને વિશાળ અર્થમાં ગુજરાતના એક શિક્ષક કહું, એક સંસ્કાર ઘડનારા કહું. એમણે લોકોના અંગત જીવનના, ખાસ કરીને યુવકોના જે સળગતા પ્રશ્નો હોય છે, તે ઉકેલવામાં, સંસારની હોળીઓ હોલવવામાં સારો એવો સમય આપ્યો. પેટલીકર જ એ કરી શકે. સમાજમાં આવી મૂર્તિઓ હોવી જોઈએ. આ એક જાતની મંગલમૂર્તિઓ છે. એવી મંગલમૂર્તિનો પેટલીકરે સારો એવો નમૂનો આપણા સમાજમાં આપણા સમયમાં પૂરો પાડ્યો છે.
રાજકીય-વિશાળ અર્થમાં રાજકીય ઘટનાઓ કે ઉત્પાતો થતાં હોય, જેને વિશે વખતે ગેરસમજો પણ ચાલતી હોય, તે પેટલીકર છૂટથી ચર્ચતા. સામાન્ય માણસ આખી વસ્તુ સમજી શકે, એવી ભાષામાં એનો એ આલેખ આપતા. મને યાદ આવે છે એક વખતે એક ઘણા ઊંચા સ્થાને બિરાજનાર વ્યક્તિ સાથે એકાએક જ કંઈ વાતવાતમાં એ દિવસે છાપામાં આવેલા પેટલીકરના લેખનો નિર્દેશ થયો. કોઈ પ્રશ્ન અંગે ઉલ્લેખ થયો, એટલે મેં કહ્યું, તમે આ જુઓ, આની રજૂઆત, આની છણાવટ જુઓ. એ સાંભળીને એમણે કહ્યું. મારી ભાષામાં આવું કોઈ છણાવટ કરનારું નથી. આવાં પૃથક્કરણ અમને વાંચવા મળતાં નથી.
તો, પેટલીકરમાં આ એક મોટી સૂઝ હતી, કોઠાસૂઝ હતી. કેળવણી એમણે બહુ લીધી ન હતી, શાસ્ત્રો એમણે બહુ વાંચ્યાં ન હતાં, જેવાં કે સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર. એ તો મૂંઝાઈ જ જાય, તમે કંઈ કહો તો. પણ એમણે સંસારશાળામાં શિક્ષણ લીધું. એમણે નાના ગામડાના એક અદના શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી હતી, ગુજરાતના સદ્ભાગ્યે એ એક ઊંચી જાતના શિક્ષક તરીકે નીવડી આવ્યા અને પોતાના જમાનામાં એક સમાજભેરુએ જે ભાગ ભજવવો જોઈએ, એ જાતનો ભાગ એમણે ભજવ્યો, મારી પેઠે ઘણાંને સ્વજન ગુમાવ્યાનું દુઃખ આજે થયું હશે. આ સ્વજનને હું મારી હૃદયપૂર્વક અંજલિ આપું છું.
હવે તો એ જીવશે એમણે જે લીલી વાડીઓ નિર્માણ કરવામાં ફાળો આપ્યો હશે, તે લોકોના જીવનની સુવાસ દ્વારા. અને જીવશે એમનાં લખાણોથી, ‘ગ્રામચિત્રો’, ‘જન્મટીપ’, ‘ભવસાગર’, દ્વારા ‘લોહીની સગાઈ’ અને બીજી કેટલીક વાર્તાઓ લાંબાકાળ સુધી વંચાશે. હું આશા રાખું છું કે કોઈ કુશળ સંપાદક છાપાંઓમાં આવેલા પેટલીકરના સંખ્યાબંધ લેખોમાંથી એક માતબર સંચયન વેળાસર તૈયાર કરશે.
(અમદાવાદ આકાશવાણી પર અંજલી)
ઇશ્વર પેટલીકરના જન્મ શતાબ્દી વર્ષ (જન્મ તારીખ : 09-09-1916) નિમિત્તે “સંસ્કૃિત”, અૉક્ટોબર-ડિસેમ્બર 1983માંથી સાભાર
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 01-02
![]()
[એપ્રિલ 1976]
અલ્વિદા ! દિલ્હીનાં ફૂલો અલ્વિદા !
શિયાળુ બપોરનો હૂંફાળો તડકો પીતાં
સારી દિલ્હીમાં અમે જ બસ અમે છીએ
ફૂલ્યાં ન માતાં,
વેશ ખુશ્બૂ, લુચ્ચી ચુપકીદી,
− ક્યાંક રંગોની છોળ, રંગોનો શોર;
ગુલાબ જ લોને :
રાતાં, સુનેરી-તડકાથી છલોછલ,
સિંદૂરિયા, મિશ્રરંગી, … કહું ?
મને ગમે છે ગુલાબી ગુલાબો.
સલામ સૌનેય તે હમેશાં થઈ ગઈ.
રસ્તાઓને ખેંચતાં, ચોમેર ફેકતાં મધ્યવર્તુળોમાં
ટોળે વળેલાં ઉત્-કંઠ ફૂલોને તરછોડી
દોડી જતાં શુંનું શું થયું ?
નજરથી તમને પસવાર્યા વિના, કહો જો,
કદી આગળ વધ્યો છું હું ?
દિલ્હીની વિલંબાતી વસન્તની
વિજય ફરફરતી પતાકા, ફૂલો, અલ્વિદા !
અલ્વિદા દિલ્હીનાં વૃક્ષો !
બારી પાસેના શુકવત્સલ બુલ્બુલી સિલ્વર ઓક, અલ્વિદા !
રસ્તાની અદબ રાખી બે બાજુ તોતિંગ હારબંધ ઊભાં વૃક્ષો;
રહેવાતું નહીં, ઉપર બાહુઓ લંબાવી ભેટતાં;
રસ્તાને ભીંસતાં,
રસ્તાના રસ્તાપણાને પીસતાં,
એક હર્યાભર્યા પાંદડાંના મંડપથી મંદિર રચી દેતાં
એકાન્ત શાંતિનું મહાનગરમાં.
કોઈ રોકાય નહીં, ટોકતાં નથી.
કોઈક જ ચાલનાર નીકળે, ઊભાં ઊભાં જુએ છે
રાહ શાની ? ગમે તેમ, પણ …
માનવી નાનો, એને ઊંચાં ઊંચાં વૃક્ષ જોઈએ
ટેકા માટે, નહીં તો એ ગબડી પડે.
દિલ્હી, તારાં વૃક્ષો વિના
દિલ્હીમાં માનવી – દેશને ખૂણેથી ખેંચાતાં માનવી
ગાંડાં થઈ ગયાં હોત.
મધ્યવર્તુળનાં છત્ર સમાં વૃક્ષો
રાજપથ-ફરતાં ઘટાઝૂમતાં વૃક્ષો
લાંબા લાંબા રાજમાર્ગો પર હરિયાળી હથેળી ફેલાવતાં વૃક્ષો
ઊંચાં ઊંચાં એકલવાયાં નિજ-મગ્ન
વૃક્ષો દિલ્હીનાં, અલ્વિદા !
અલ્વિદા સંસદ !
સંસદગૃહ, તારા કૉરિન્થિયન સ્તંભો સમક્ષ
ગમે તેવો માનવ, મહામાનવ, દેવ માનવ
તેય માંડ માનવ જેવડો લાગે.
સમયની ગુહા સમા ગુંબજની નીચે, પરંતુ,
એના સ્વરમાં ક્યારેક ક્યારેક
વૈખરીનાં અવિશ્રાન્ત વારિવલોણાં વચ્ચે
માનવતા-ભીંજ્યો
અમૃતરણકો જાગે.
અલ્વિદા કેન્દ્રીય ખંડ !
અજબ આ ભારતચૉરો …
દેકારા, હોકારા, પડકારા,
આ – તે વાતોના ગબારા,
ખુશખુશાલ અટ્ટહાસ્ય,
ઉપહાસ,
ક્યારેક ઉગ્ર સ્ફોટ …
એક એક આદમી અનેક સમસ્યાઓનું પોટકું.
નાનાં નાનાં ઝૂમખાં, આકાર પામતા ઉકેલ
કે ઊંડી ઊતરતી વાસી વ્યથાઓ ?
સાત પ્રવેશે, પાંચ જાય, ભરતીઓટ … ઓટભરતી …
ચરુ ઊકળ્યા કરે.
દીવાલો પર દિવંગત નેતાઓની માણસ-અદકેરી છબીઓ
છે – નથી સમી.
વીજળી પ્રકાશ ચોપડેલી ગાંધી બાપુની આંખો બધું જોયાં કરે.
મારા દેશનું ધન આ,
પ્રજાહિતનાં રખોપાં કરનારા,
ખૂણેખૂણાના જાણતલ.
માનવજાતિના સાતમા ભાગની ચિંતા
આ સૌને સોંપીને પ્રભુ જરીક આરામ કરે છે.
જોઈ રહું, મૌનપણે મોહું
ચૉરાની અડાબીડ ભીડ પર.
તું બોલ્યે જા, ચૉરા ! ચૉરો બોલે, સમય બોલે.
એકાએક સોપો પડ્યો.
કોઈક ગણગણ્યું : હવે જબાન-બંધ જાણજો.
ફલાણા ભાઈ કરે આપણા પક્ષની વાત જો,
ભૂંડાએ વગોવ્યાં મોટાં ખોરડાં.
કોઈ આંખ ચોળે,
કોઈ આંખ ચોરે, − સલામ અધવચ પડી જાય.
મોં કહો કે તોબરા, અંદર શબ્દ ચાવ્યાં કરે.
પોલાં હાસ્ય, બોદી ચાલ, …
વડાઓની આસપાસ ઘૂમતો આછો માનવ-બણબણાટ.
દીવાલ પરની છબીઓ માત્ર બોલે,
બોલે મહાત્માનું મૌન.
શબ્દ, તું મને અહીં લઈ આવ્યો,
લઈ ચાલ ત્યાં,
જ્યાં તું કર્મ સાથે સરસાઈ કરે,
જ્યાં અર્ધેક ઇશારે દુનિયા વરતી જાય સત્તાનો ફરેબ,
જે આપતો આશા ને લઈ લે ભાષા.
અલ્વિદા, શાહજહાનાબાદ, આમપ્રજાની દિલ્હી !
જામા મસજિદના ઊડવા કરતા નમણા મિનારા,
લાલ કિલ્લાના સ્વપ્નિલ કોટકાંગરા,
રાજઘાટ શાંતિવન વિજયઘાટની ઊની ઊની સ્મૃિતરાખ
− તે તો હૈયે સદાયે −
નિર્જીવ મૃત્યુદમામ અલ્વિદા !
અલ્વિદા, પુરાણા કિલ્લા ! એક અસ્ત પામેલી દિલ્હી.
કાંકરે કાંકરે, અધઊભી ભીંત-કરાડે, કરાળ બખોલે,
મૃત્યુનાં જડબાંની નિશાની ભીષણ.
મહાનગરની વચ્ચે વચ્ચે અનેક
બાવળની કાંટ્યમાં સાંજુકી વેળા
જાગી ઊઠતી શિયાળવાંની લાળી,
જાણે મહાનગરની કરોડરજ્જુમાં કાળધ્રુજારી.
નવી, સાતમી દિલ્હી, ખબર છે તને તો −
ઇતિહાસ રાજધાનીઓની છેડતી કરે છે.
ખેડુની − શ્રમિકની વાંકી વળેલી પીઠ પર ઊભી છે
એને વધુ વાંકી વાળતી
દુનિયાની રાજધાનીઓ
રૂડી રૂડી વાતોને નામે.
સાતમી દિલ્હી, નીચે ઊતરી શકીશ,
જીવી જઈશ,
દિલ્હીપણાને કરી તારી − અને મારી પણ −
દિલી અલ્વિદા ?
નવી દિલ્હી, 25-04-1976
[વંચાયું તા. 08-01-1977, અમદાવાદ ગુજરાતી સાહિત્ય પરિષદના કવિસંમેલનમાં]
(‘ધારાવસ્ત્ર’)
![]()

