(વર્ષ ૨૦૦૪માં ‘નિરીક્ષક’ના ૨૬ ઑક્ટોબરના અંકમાં આ લખનારે જ લખેલી ‘વરુ અને ઘેટાના બચ્ચાની નવી વાર્તા ’. હવે નવી પેઢીની નવી વાર્તા)
નવી-નવી વાર્તાઓ માંડવાની હોંશમાં દાદાએ એમના એક વડવાની પરાક્રમની વાર્તા માંડી. આમ તો એ વાર્તા જૂની-પુરાણી વરુ અને ઘેટાના બચ્ચાની વાર્તા જ હતી, પણ એ વખતે એ નવી હતી. વરુ અને ઘેટાના બચ્ચાની નવી વાર્તા. એ વખતના એક ઘેટાના બચ્ચાએ બહાદુરી દેખાડીને એના દોસ્તો સાથે મળીને વરુને ભગાડેલું. બચ્ચું હીરો બની ગયેલું. વખત જતાં ઘેટાલોકોમાં રિવાજ પડ્યો, દરેક પેઢીને એ વાર્તા સંભળાવવાનો. ને આજે એ ઘેટાના બચ્ચાનાં પોતરાંનાં પોતરાંનાં પોતરાંનાં પોતરાંનાં પોતરાંના પરપોતરાંને દાદાએ વાર્તા કહેવા માંડી.
* * *
એક વગડો હતો. વગડામાં જાતજાતનાં પશુઓ રહે. શિયાળ, સસલાં, હરણ, શિકારી કૂતરાં, જંગલી બિલાડીઓ, વરુ ને બીજાં જંગલી પશુઓ રહે. નજીકના ગામમાં ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, બિલાડી, કૂતરાં, વાંદરાં જેવાં પશુઓ રહે. એ બધાં હળીમળીને રહે. ગામનાં પશુઓ દિવસે વગડામાં ચરવા આવે. વગડામાં એક નદી હતી. બે ય કાંઠે ભરપૂર વહેતી નદી. એને કાંઠે લીલું-લીલું ઘાસ ઊગે. ગામનાં પશુઓ એ ઘાસ ચરે, વગડામાં ફરે, નદીનું પાણી પીએ અને ગામમાં પાછાં જાય. કાયમ એવું ચાલે. વગડાનાં પશુઓ પણ નદીએ પાણી પીવા આવે. કોઈ વાર એ લોકો અને ગામનાં પશુઓને લડાઈ થઈ જાય, પણ બહુ નહીં. વગડાનાં પશુઓને ગામનાં પશુઓ સાથે વેર જેવું નહીં.
એક વાર એવું થયું કે સાંજનો સમય હતો. બધાં પશુઓ ગામમાં જતાં રહેલાં. પણ એક ઘેટાનું બચ્ચું શી ખબર કેમ એકલું રહી ગયું. એ ગામમાં પાછું જતું જ હતું. પણ એ પહેલાં એને પાણી પીવાનું મન થયું. એ નદીને કાંઠે પાણી પીવા ગયું. એ પાણી પીતું હતું ને નદીને સામે કાંઠે એક વરુ પણ પાણી પીતું હતું. ઘેટું ઉપરવાસમાં ઊભેલું. નદીનું પાણી વહેતું-વહેતું વરુ તરફ જતું હતું. વરુને એ વાતનું વાંકું પડ્યું. ‘હું વરુ થઈને ઘેટાએ પીધેલું પાણી પીઉં?’ વરુ તો વળી જાતનું જબરું. કંઈ કંઈ ઘુઘવાટા કરીને સૌને બિવડાવે. વરુએ ઘુઘવાટો કર્યો. ઘેટું તો પાણી પીતું’તું તે પીતું જ રહ્યું. વરુના ઘુઘવાટા તરફ એણે ધ્યાન જ ન આપ્યું એટલે વરુને ખીજ ચડી. એ બોલ્યું, ‘એ ય ઘેટુડા,પાણી પીવાનું બંધ કર. તું પાણી પીએ એમાં નદીનું પાણી ખલાસ થઈ જાય.’
વરુનો ઘાંટો સાંભળ્યો એટલે ઘેટાએ વરુની સામે જોયું. ‘એમ નદીનું પાણી થોડું ખલાસ થઈ જાય?’ ઘેટાએ સામો સવાલ કર્યો, એટલે વરુ ઓર ખિજાયું. વરુ કહે, ‘પણ તારું પીધેલું પાણી મારે પીવાનું? પાણી પીવાનું બંધ કર નહીં, તો હું તને ખાઈ જઈશ.’
તો ય ઘેટાએ તો પાણી પીવાનું ચાલુ જ રાખ્યું. હવે વરુ ખરેખર ખિજાયું. એ કૂદકો મારીને નદીને આ કાંઠે આવ્યું. ‘મેં કહ્યુંને તને તું મારું પાણી એંઠું કરે છે. તારે મારા પહેલાં પાણી નહીં પીવાનું.’ એમ કહીને વરુ ઘેટાની સામે આવીને ઊભું રહ્યું. ‘એક તો પાણી એંઠું કરે છે ને પાછું સામું બોલે છે?’ કહીને વરુ ઘેટા પર તરાપ મારવા ગયું. ‘હવે તો તને પૂરું કરીને જ રહીશ.’ અને એણે ઘેટાના બચ્ચા પર તરાપ મારી. હવે ઘેટું ખરેખર ગભરાઈ ગયું. એણે કહ્યું. ‘માફ કરો બાપલિયા મારી ભૂલ થઈ. હવેથી આવું નહીં કરું.’
‘ઠીક છે, આ વખતે જવા દઉં છું, પણ ફરી વાર જો આવું થશે તો તારી ખેર નથી. જા ભાગ અહીંથી.’ વરુ દાદાગીરી કરી ને પાછું વળીને વગડામાં જતું રહ્યું. ઘેટું ગભરાતું-ગભરાતું ગામમાં ગયું. એને વરુની ધમકી ગમી નહીં. પણ એ શું કરે?
ગામમાં જઈને એણે બીજાં પશુઓને વાત કરી. ‘જોજો બધાં સાચવજો. વગડામાં પેલું વરુ છે તે બહુ બિવડાવે છે.પાણીય પીવા દેતું નથી.’ ધીમે-ધીમે બધાંએ આ વાત જાણી. કેટલાંક પશુઓએ કહ્યું, ‘અમે તો ત્યાં પાણી પીવા જતાં જ નથી.’
‘તો તમે કઈ રીતે પાણી પીઓ છો?’ ઘેટાએ પૂછ્યું.
‘નહીં પીવાનું પાણી, ચલાવી લેવાનું.’ ઘણાં બોલ્યાં.
‘પણ તરસ લાગે તો?’ ઘેટાના બચ્ચાએ પૂછ્યું.
‘ગામમાં મળે તે પાણીથી ચલાવી લેવાનું. વગડાની નદીનું પાણી પીવા જવાનું જ નહીં. બીજું શું?’ ગાયે કહ્યું.
આ વાતો સાંભળીને ઘેટાનું બચ્ચું વિચારમાં પડ્યું. આ કઈ રીતે ચાલે? બે કાંઠે વહેતી ભરપૂર નદી. વગડામાં શિયાળ, વરુ, શિકારી કૂતરાં રહે તે બરાબર, પણ વગડાનું પાણી બસ એમનું જ? એકલાનું? નદી તો સૌને માટે હોય. એનું પાણી વગડામાં જાય તે બધાં પીએ. કોઈ ઉપરવાસમાંથી પીએ, કોઈ હેઠવાસમાંથી પીએ, એમાં વળી એવું શું થઈ ગયું કે વરુ અમને નાનામોટાં સૌને દબડાવે? ને બધાં સાંભળી ય રહે?
ઘેટું હજી નાનું હતું પણ એ બીજા ઘેટાં જેવું નરમ નહોતું. એણે બકરીને પૂછ્યું, ‘વરુ તને ધમકાવે તે તને ગમે છે?’
‘ના ગમે તો ય શું થાય? વરુ ધમકાવે, શિયાળ દબડાવે, શિકારી કૂતરાં બાઝવા આવે, પણ આપણે શું કરી શકીએ?’ બકરીએ જવાબ આપ્યો.
‘પણ આપણે સામા થઈએ તો?’ ઘેટાના બચ્ચાએ સવાલ કર્યો.
‘ના થવાય.આપણાથી સામા ના થવાય. તારા બાપદાદામાંથી ય કોઈ સામું ન’તું થયું. જબરા જણની સામે થવાય જ નહીં.’
‘તો ય થઈએ તો?’ બચ્ચાએ સવાલ કર્યો.
બકરી બોલી. ‘તો વરુ ખાઈ જાય, બીજું શું? કોણ જાણે આવડા અમથાને આવું કેમ સૂઝે છે?’ ને બબડતી-બબડતી જતી રહી.
ઘેટાનું બચ્ચું વિચારમાં પડી ગયું. બાપદાદાએ સામા થવાનો વિચાર ન કર્યો તો આપણે ય નહીં કરવાનો? વરુ મારીને ખાઈ જાય એવી બીકથી તરસે મરવાનું? આમે ય મરવાનું ને તેમે ય મરવાનું? આ તે કેવી રીત?’ એ વિચારતું રહ્યું, વિચારતું રહ્યું. બીજાં બેત્રણ જણને વાત કરી, તો કોઈએ કહ્યું, ‘આનું મગજ ચસકી ગયું છે. તે દહાડે વરુએ ધમકાવ્યું એમાં બીક લાગી ગઈ છે. મંતર લગડાવો નહીં, તો એનું ભૂત બધાંને હેરાન કરશે.’ બધાંએ એની સાથે બોલવાનું બંધ કરી દીધું. બચ્ચું તો એકલું-એકલું ફર્યા કરે ને વિચાર કર્યા કરે. થોડા દિવસ થયા ને એને એકદમ વિચાર આવ્યો. મગજમાં જાણે ઝબકારો થયો.
‘વરુ મારીને ખાઈ જાય તો કેટલાંને ખાય? બધાં ભેગાં થઈને જઈએ તો કોને ખાય? વરુ મારવા આવે અને સામા થઈએ તો શું થાય?’ એને એક સામટા વિચારો આવવા માંડ્યાં. એક વાર સાંજ પડ્યે બધાં પશુઓ વાગોળતાં બેઠાં’તાં. ઘેટાનું બચ્ચું એમની પાસે ગયું. કોઈ સાંભળે કે ન સાંભળે એણે તો બધાંને પોતાનો વિચાર કહ્યો. પહેલાં તો બધાં હસવા માંડ્યાં પણ પછી બધાં સમજ્યાં કે ‘આપણે ભેગાં થઈને વરુને સીધું કરીએ.’
‘હા, એ વાત બરાબર.’ બધાં પશુઓએ કહ્યું.
આ વાત ગામનાં બધાં પશુઓએ જાણી. કોઈ-કોઈ ડરતાં-ડરતાં ને કોઈ હિંમતથી જોડાયાં ને એક સાંજે બધાં વગડાની નદીએ પહોંચ્યાં. કૂતરાં, બિલાડાં, ગાયો, ભેંસો, બકરીઓ, ઘેટાં બધાં ય સાથે હતાં. એમને જોઈને હરણો અને સસલાં ય આવી ગયાં. વાંદરાં તો હોય જ. સૌથી પહેલાં ઘેટાના બચ્ચાએ નદીમાંથી પાણી પીવા માંડ્યું. એ જ વખતે શિયાળ અને વરુ પણ પાણી પીવા આવ્યાં. શિયાળ તો એકલું – એકલું પાણી પીને જતું રહ્યું, પણ વરુથી ના રહેવાયું. દાદાગીરી કરવાની ટેવ પડી ગયેલીને? એણે ઘુઘવાટો કર્યો, ‘એ ય ઘેટા, મેં ના પાડી’તી તો ય નદીએ પાણી પીવા આવે છે?
ઘેટાનું બચ્ચું તો જાણે સાંભળતું જ નથી. એટલામાં બકરીઓએ આવીને પાણી પીવાનું શરૂ કર્યું. પછી ગાયો આવી, ભેંસો આવી, કૂતરાં ય આવ્યાં. હવે શું થશે, એ જોવા હરણો અને સસલાં ય પાસે આવ્યાં. વરુ નદીને સામે કાંઠેથી આ કાંઠે આવ્યું. એણે ઘેટા પર તરાપ મારી, ઘેટું એના પંજા નીચે આવી ગયું. એટલામાં બકરીએ પાછળથી આવીને વરુને પૂંઠ પર શીંગડાં માર્યાં. વરુ સહેજ હાલી ગયું. ઘેટું છટકી ગયું. વરુએ ઘેટાને ફરીથી પકડી લીધું. ત્યાં ગાયો અને ભેંસો આવી ને વરુ સામે શીંગડાં ઉગામીને ઊભી રહી. એમને જોઈને હરણો અને સસલાંને મજા પડી. એ બધાં પણ નજીક આવી ગયાં. સસલાં તો વરુના પગ નીચે આટાપાટા રમવા માંડ્યાં. બિલાડી દૂરથી ઘુરકિયાં કરવા માંડી. હરણે પણ હિંમત કરીને વરુને બે વાર શીંગડાં મારી જ દીધાં. કૂતરાં ભસાભસ કરવા માંડ્યાં.
બધાં પશુઓના એકસામટા હુમલાથી વરુ હેબતાઈ ગયું. જો કે એમ તો એ જબરું એટલે એણે ય સામે બહુ ઘુઘવાટા કર્યા, પગ નીચે ઘેટાને પકડી રાખ્યું. પણ બધાં એકસાથે હતાં, એટલે કોઈ ડર્યું નહીં. ધમાલ- ધમાલ મચી ગઈ વગડામાં. વરુએ આમતેમ જોયું. દૂર શિયાળ ઊભેલું. શિકારી કૂતરાં ય હતાં. પણ કોઈ વચ્ચે ન પડ્યાં. બકરાં, ગાયો, ભેંસો, હરણ, સસલાં બધાંની ભેગી પજવણીથી વરુ અકળાવા માંડ્યું. જોરજોરથી ઘુઘવાટા કરે, પણ કોઈ ડરે જ નહીં! આવું તો પહેલાં કદી નહોતું થતું. હવે તો વગડાનાં વાંદરાં ય ચિચિયારીઓ કરતાં ધમાલમાં જોડાયાં. છેવટે વરુએ ઘેટાને છોડી દીધું ને હુમલાથી છટકવા આમતેમ દોડવા માંડ્યું. તો બધાં પશુઓ એની આગળપાછળ દોડવા માંડ્યાં. વરુને ખીજ ચડી. એણે એક સસલાને પકડી લીધું. પણ એક હરણે એને શીંગડાં માર્યાં ને સસલું છટકી ગયું. હવે વરુ સિવાયનાં બધાંને મજા પડતી’તી.
વરુની વહારે નથી શિયાળ આવતું, નથી આવતાં શિકારી કૂતરાં. વરુના તો હાલ બેહાલ. આ બધાં વચ્ચેથી માંડ નીકળીને વરુ વગડાની અંદર ભાગી ગયું. ગામનાં પશુઓ આ રીતે વગડાનાં પશુઓની સામે થાય? વગડાનાં પશુઓ ચેતી ગયાં.
થોડા દિવસ પછી એમણે અને ગામનાં પશુઓએ સાથે મળીને નક્કી કર્યું કે વગડાના કોઈ પશુએ ગામનાં પશુઓને વગડામાં ચરતાં, વાગોળતાં ને પાણી પીતાં રોકવા નહીં. કોઈનો શિકાર કરવો નહીં. એ વાત જો કે વગડાનાં પશુઓને ના ગમી. તો ય માનવી પડી. કાયદો આવ્યો, એટલે હવે વરુ ગામનાં કે વગડાનાં કોઈ પશુને વગર કારણે ડરાવતું નથી. પશુઓ જો કે એકલાં નદીએ પાણી પીવા જતાં ય નથી. કોઈ વાર એકલદોકલ પશુ વગડામાં જાય, તો વરુ એને મારી ય નાખે છે. પણ ઘુઘવાટા કરીને નાનાં પશુઓને દબડાવવાનું તો વરુએ બંધ કરવું પડ્યું. હવે નાનાં પશુઓને વગર વાંકે કોઈ હેરાન નથી કરતું. પશુઓ વગડામાં કૂણું-કૂણું ઘાસ ચરે છે, ત્યાં જ બેઠાં વાગોળે છે, નદીનું પાણી પીને ગામમાં પાછાં વળે છે. પણ વાતે-વાતે એમનો વાંક જોવાની વગડાનાં પશુઓની ટેવ તો હજી નથી જ ગઈ. વાંક જુએ તો ટીપી નાખે. પણ પછી કાયદો એને શિક્ષા કરે, દંડ કરે. જો પકડાઈ જાય તો.
* * *
દાદા વાર્તા પૂરી કરે એટલામાં તો પરપોતરાં દાદાને સવાલો પૂછવા માંડ્યાં.
‘દાદા, કાયદો એટલે?’ એક બચ્ચાએ પૂછ્યું, ‘એ ક્યાં હોય?’ ‘આપણને એ જોવા મળે?’ બીજાએ પૂછ્યું. ‘દાદા, બધાં સાથે કેમ જવાનું? એકલા કેમ ન જવાય? કાયદાને જોવા અમારાથી જવાય?’ એક બબૂડીએ બીજા સવાલો કર્યાઃ ‘દાદા એ વગડો ક્યાં હતો? અમે તો વગડો જોયો જ નથી, અમને વગડો દેખાડોને, દાદા!’ પેલી વાર્તાના ઘેટાના બચ્ચાની સાતમી પેઢી કે શી ખબર કઈ પેઢીનાં કોઈ-કોઈ બચ્ચાં સવાલો પૂછે છે. દાદા માથું પકડીને બેઠા છે.
અરેરેરેરે, ડાહ્યા થઈને વાર્તા સાંભળીને તાળીઓ પડવાને બદલે, એ ઘેટાદાદાનું સ્મારક બનાવવું, એમનું પૂતળું મૂકવું, એમનો ‘ડે’ ઊજવવો જેવા રચનાત્મક વિચારો કરવાને બદલે આમ સવાલો, સવાલો, સવાલો? શું વખત આવ્યો છે ! દાદાને બહુ ચિંતા થાય છે ઘેટાંલોકોની, આ નવી પેઢીની, એમની આ ટેવની.
ચિંતા તો મનેય થાય છે. કોની? સમજો તો, શાણા કહું!
Email: swatejam@yahoo.co.in
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2017; પૃ. 17-18