· ક્યારેક પોતાનું અપમાન સહી લેવું પડે છે. એ માટે શક્તિ અને સાહસ જોઈએ
· વધુ પડતી ભલાઈ વિઘ્નરૂપ છે. આંખોને લાલ થવા દો અને અન્યાયનો મક્કમતાથી સામનો કરો
· મુશ્કેલ સમયમાં કાયરો બહાનાં શોધે છે અને બહાદુરો રસ્તા
· જે તલવારબાજીમાં નિપુણ હોવા છતાં તલવારને મ્યાનમાં રાખી શકે, અહિંસક એને કહેવાય એને
· લોઢું ગમે તેટલું ગરમ હોય, હથોડો ઠંડો રહીને પ્રહાર કરે તો જ કામ થાય
— સરદાર વલ્લભભાઈ પટેલ
સરદાર પટેલ તેમના પુત્રી મણિબહેન, સચિવ વી. શંકર અને જોધપુરના મહારાજાને જયપુર લઈ જઈ રહેલું એ વિમાન દિલ્હીના પાલમ ઍરપોર્ટ પરથી સાંજે 5 વાગ્યાને 32 મિનિટે ઊડ્યું. લગભગ 158 કિલોમીટરનું અંતર કાપવા માટે એક કલાકથી વધુ સમય થવાનો ન હતો. વલ્લભભાઈ પટેલના હૃદયની હાલતને ધ્યાનમાં લઈને વિમાન 3,000 ફૂટથી ઉપર નહીં ઉડાડવાની સૂચના પાઇલટ ફ્લાઇટ લેફટેનેન્ટ ભીમ રાવને આપવામાં આવી હતી. ફ્લાઇંગ લાયસન્સ ધરાવતા જોધપુરના મહારાજાએ સાંજે છએક વાગ્યે સરદાર પટેલને જણાવ્યું હતું કે વિમાનનું એક ઍન્જિન કામ કરતું બંધ થઈ ગયું છે. એ સમયે વિમાનનો રેડિયો પણ બંધ થઈ ગયો હતો અને વિમાન બહુ ઝડપથી નીચે આવવા લાગ્યું હતું. ‘ઑલ ઇન્ડિયા રેડિયો’એ તેના 29 માર્ચ, 1949ના રાતના 9 વાગ્યાના બુલેટિનમાં સમાચાર આપ્યા કે સરદાર પટેલને દિલ્હીથી જયપુર લઈ જઈ રહેલા વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને શ્રોતાઓનાં હૃદય ધબકારા ચૂકી ગયાં.
દરમિયાન પાઇલટે જયપુરથી ઉત્તરમાં 30 માઈલ દૂર વિમાનનું ક્રૅશ લૅન્ડિંગ કરવાનો નિર્ણય કર્યો. ક્રૅશ લૅન્ડિંગ વખતે વિમાનના દરવાજા સજ્જડ રીતે બંધ જ રહે એવી શક્યતા હોય છે એથી પ્રવાસીઓને સૂચના આપવામાં આવી કે વિમાનની છત પરની ઇમર્જન્સી ઍક્ઝિટમાંથી ઝડપથી બહાર નીકળી જવું કેમ કે ક્રૅશ લૅન્ડિંગ વખતે વિમાનના ઍન્જિનમાં આગ લાગવાની સંભાવના ઘણી હોય છે. પાંચ મિનિટ પછી પાઇલટે વિમાનને સફળતાપૂર્વક જમીન પર ઊતારી દીધું.
સરદાર પટેલના સચિવ તરીકે ફરજ બજાવી ચૂકેલા વી. શંકરે તેમની આત્મકથા ‘રેમિનિસન્સ’માં લખ્યું છેઃ ‘પટેલના હૃદય પર શું વીતી રહ્યું હશે એ તો હું ન કહી શકું, પણ તેમના પર કોઈ અસર થઈ હોય એવું બહારથી જણાતું ન હતું. તેઓ, જાણે કે કંઈ બન્યું જ ન હોય તેમ, શાંતિથી બેઠા હતા.’ આ હતી લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલના હૃદયની મજબૂતી.
વિમાનના ઉતરાણની થોડી મિનિટોમાં જ ગામલોકો ત્યાં પહોંચી ગયા હતા. વિમાનમાં સરદાર પટેલ છે એવી ખબર પડતાં જ ગામલોકોએ તેમના માટે પાણી અને દૂધ મંગાવ્યાં ખાટલા બિછાવ્યા. ઘટનાસ્થળની સૌથી વધુ નજીક ક્યો માર્ગ છે એ શોધવા જોધપુરના મહારાજા અને વિમાનના રેડિયો ઑફિસર નીકળી પડ્યા. અંધારું થઈ ચૂક્યું હતું. ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચેલા કે.બી. લાલ નામના અધિકારીએ પછીથી લખ્યું હતું : ‘હું ત્યાં પહોંચ્યો ને જોયું તો સરદાર વિમાનની ડિસમેન્ટલ થઈ ગયેલા ખુરશી પર બેઠા હતા. મેં તેમને કારમાં બેસવા કહ્યું ત્યારે તેમણે કહ્યું, ‘પહેલાં મારી ટીમના લોકો અને જોધપુરના મહારાજાને કારમાં બેસાડો.’ આ હતું સરદારનું સંવેદનશીલ, જવાબદાર નેતૃત્વ.
મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધીએ ગાંધીજી, પંડિત નહેરુ અને સરદાર પટેલ આ ત્રણેની જીવનકથા લખી છે. એમનું કહેવું છે કે ‘જે ભારત જે કંઈ પણ છે તેમાં સરદાર પટેલનું બહુ મોટું યોગદાન છે, તેમ છતાં આપણે તેમની ઉપેક્ષા કરી છે. આઝાદ ભારતના શાસનતંત્રને કાયદેસરતા પ્રદાન કરવામાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલની ત્રિમૂર્તિએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય ઇતિહાસ ગાંધી અને નહેરુના યોગદાનને તો સ્વીકારે છે, પણ સરદાર પટેલને વખાણવામાં કંજૂસાઈ કરે છે.’
બ્રિજના ઉત્તમ ખેલાડી એવા સરદારમાં ખેડૂત જેવી જીદ, બરછટપણું અને દરિયાદિલી હતાં. નહેરુ અને પટેલે લગભગ એક જ સમયે પરદેશમાં વકીલાતનો અભ્યાસ કર્યો હતો. એ દરમિયાન તેમની મુલાકાત થઈ હતી કે કેમ એ જાણવા મળતું નથી. સરદાર પટેલને તેમના લંડનવાસ દરમિયાન પશ્ચિમી વસ્ત્રો ગમી ગયા હતાં પણ પછી ગાંધીજીના સ્વદેશી આંદોલનથી પ્રભાવિત થઈ તેમણે ભારતીય વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દીધું. ખાદીની સાથે સાદગી એવી અપનાવી લીધી કે તેઓ દીકરી મણિબહેને કાંતેલી ખાદીનાં કપડાં જ પહેરતા. પિતા એકલા ન પડી જાય તે માટે મણિબહેન પરણ્યાં નહીં અને એમણે પણ જીવનભર હાથે કાંતેલી સફેદ ખાદીની સાડી પહેરી. સરદાર ગૃહ પ્રધાન થયા પછી પણ સાંધેલી સાડી પહેરવામાં મણિબહેનને કે ચશ્માંની તૂટેલી દાંડીમાં દોરી બાંધવામાં સરદાર પટેલને કોઈ સંકોચ ન હતો.
ભારતના પ્રથમ કમાન્ડર ઈન ચીફ જનરલ કરિઅપ્પા અને સરદાર પટેલની એક મુલાકાત વિશે જાણવા જેવું છે. 1947ની વાત. જનરલ કરિઅપ્પાને સંદેશો મળ્યો કે સરદાર પટેલ તેમને તાત્કાલિક મળવા માગે છે. કરિઅપ્પા ત્યારે કાશ્મીરમાં હતા. તેઓ તરત દિલ્હી આવ્યા અને પાલમ એરપોર્ટથી સીધા ઔરંગઝેબ રોડ પર આવેલા સરદાર પટેલના ઘરે પહોંચ્યા. કરિઅપ્પા અંદર ગયા, પાંચ જ મિનિટમાં બહાર આવ્યા. સરદાર પટેલે તેમને એક જ સવાલ પૂછ્યો હતો કે ‘હૈદરાબાદ ઑપરેશન દરમિયાન પાકિસ્તાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવશે તો વધારાની કોઈ મદદ વિના તમે તેનો સામનો કરી શકશો?’ તેનો જવાબ કરિઅપ્પાએ એક જ શબ્દ ‘હા’માં આપ્યો હતો અને બેઠક પૂરી થઈ ગઈ હતી. એ સમયના ભારતીય સૈન્યના વડા જનરલ બૂચર કાશ્મીરની પરિસ્થિતિને જોતાં હૈદરાબાદમાં કોઈ કાર્યવાહી કરવાના પક્ષમાં ન હતા. બીજી તરફ ઝીણા ઘમકી આપતા હતા કે ભારત હૈદરાબાદમાં હસ્તક્ષેપ કરશે તો બધા મુસ્લિમ દેશો ભારતને ‘જોઈ લેશે’. કરિઅપ્પા સાથેની બેઠક પછી તરત જ સરદારે હૈદરાબાદમાં ઑપરેશન હાથ ધરવાનો આદેશ આપ્યો અને બીજા અઠવાડિયે હૈદરાબાદ ભારતમાં જોડાઈ ગયું.
રાજમોહન ગાંધી લખે છે, ‘1947માં પટેલ ઉંમરમાં 10 કે 20 વર્ષ નાના હોત તો કદાચ બહુ સારા અને સંભવતઃ નહેરુથી બહેતર વડા પ્રધાન સાબિત થયા હોત, પરંતુ 1947માં સરદાર નહેરુથી ઉંમરમાં 14 વર્ષ મોટા હતા અને વડા પ્રધાનપદને ન્યાય આપી શકે એટલા સ્વસ્થ પણ ન હતા.’ સરદારના સચિવ વી. શંકરે તેમની આત્મકથા ‘રેમિનિસન્સ’માં લખ્યું છે કે 1948ના અંત સુધીમાં સરદાર બધું ભૂલવા લાગ્યા હતા અને મણિબહેને નોંધ્યું હતું કે સરદારને બહેરાશ આવી ગઈ હતી અને થોડીવારમાં થાકી જતા હતા. બગડતી તબિયત સાથે પણ નવા સ્વતંત્ર થયેલા રાષ્ટ્રનું ઘડતર ચાલતું રહ્યું. તેમને અંદાજ આવતો હતો કે અંત નજીક છે અને તેઓ તેમની પ્રિય પંક્તિઓ ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ ગણગણતા રહેતા.
સરદાર પટેલ કહેતા, ‘ક્યારેક પોતાનું અપમાન સહી લેવું પડે છે. એ માટે શક્તિ અને સાહસ જોઈએ.’ ‘વધુ પડતી ભલાઈ વિઘ્નરૂપ છે. આંખોને લાલ થવા દો અને અન્યાયનો મજબૂત હાથોથી સામનો કરો.’ ‘મુશ્કેલ સમયમાં કાયરો બહાનાં શોધે છે અને બહાદુરો રસ્તા.’ ‘અહિંસક એને કહેવાય જે તલવારબાજીમાં નિપુણ હોવા છતાં તલવારને મ્યાનમાં રાખી શકે.’ ‘લોઢું ગમે તેટલું ગરમ હોય, હથોડો ઠંડો રહીને પ્રહાર કરે તો જ કામ થાય.’
સરદારની મહાનતા તો એટલી ઊંચી કક્ષાની હતી કે અત્યારની આપણી સીમિત અને સંકુચિત સમજમાં પૂરી ઊતરે પણ નહીં, પણ છેલ્લાં થોડાં વર્ષોમાં સરદારની મહાનતા અને સરદારને થયેલો અન્યાય વગેરે વિષે જરા ઝનૂની ઊછાળા સાથે વાતો થાય છે, એથી એમની ધવલ, શુચિ-શુભ્ર સ્વચ્છ પ્રતિભા એમના ‘ભક્તો’ના હાથે જ જરા ઝાંખી પડી રહી હોય એવું દૃશ્ય ઊભું થાય છે. ભારતનો ઇતિહાસ વર્ણવતાં પુસ્તકોમાં સરદારનો ઉલ્લેખ કેટલી વાર થયો ને કેટલી વાર નહીં એવી ગણતરીઓ, તેમને ન મળેલા વડા પ્રધાનપદ અને તેમને બહુ મોડા મળેલા ભારતરત્ન વિશેના વિવાદોને એમની જગ્યાએ છોડી આપણે એ શિલ્પીના ઘડેલા ભારતને ચાહીએ અને સાચા અર્થમાં અખંડ રાખીએ તો પણ ઘણું.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 30 ઑક્ટોબર 2022
![]()


સિંગાપોર, દક્ષિણ-પૂર્વ એશિયામાં, નિકોબાર દ્વીપ સમૂહથી લગભગ 1,500 કિલોમીટર દૂર એક નાનો, સુંદર ટાપુ છે. આધુનિક સિંગાપુરની સ્થાપના 1819માં સર સ્ટેમફોર્ડ રેફલ્સે કરી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી તરીકે તત્કાલીન વાઈસરૉયે તેમને કંપનીનો વેપાર વધારવા સિંગાપુર મોકલ્યા હતા. પછી સિંગાપોર પર બ્રિટિશ અને એ પછી મલયેશિયન શાસન આવ્યું. 1965માં સિંગાપોર મલયેશિયાથી સ્વતંત્ર થયું.
ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદ પરથી ડૉ. ઈલાબહેન ભટ્ટે આપેલું રાજીનામું છેવટે સ્વીકારાયું અને હવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકેનો કારોબાર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંભાળશે, આ સમાચાર આપણે જાણ્યા છે. અત્યાર સુધી ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ રાજ્યપાલ ન ગણાતા, પણ વિદ્યાપીઠના જ ટ્રસ્ટી મંડળ દ્વારા ગાંધીવાદી હોય અને સામાજિક ક્ષેત્રના અગ્રણી હોય તેવા વ્યક્તિને કુલપતિ બનાવવામાં આવતા. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠનો આ ઇતિહાસ 102 વર્ષ બાદ બદલાયો છે. દરમિયાન 18 ઑકટોબર એટલે કે ગૂજરાત વિદ્યાપીઠનો સ્થાપનાદિન આવી રહ્યો છે એ નિમિત્તે ઇતિહાસનાં પૃષ્ઠો ફેરવીએ અને આ ભવ્ય સંસ્થાના ભવ્ય ઇતિહાસમાં ડોકિયું કરીએ.
1920 ભારતના રાજકીય અને શૈક્ષણિક ઇતિહાસમાં મહત્ત્વનું વર્ષ છે. ગાંધીજીએ એક તરફ અસહકાર આંદોલન ઉપાડ્યું અને બીજી તરફ રાષ્ટ્રીય શિક્ષણનો વ્યાપક પ્રયોગ શરૂ કર્યો. દક્ષિણ આફ્રિકાથી શરૂ થયેલા તેમના શિક્ષણના પ્રયોગો ભારતમાં આવ્યા પછી કોચરબ અને સાબરમતીમાં ચાલુ જ હતા. 1920માં અસહકાર આંદોલન ઉપાડવા સાથે તેમણે સૌને બ્રિટિશ સરકારે આપેલા માન-ચાંદ-ખિતાબોનો, અંગ્રેજી શિક્ષણનો અને અંગ્રેજી અદાલતોનો બહિષ્કાર કરવા હાકલ કરી. બ્રિટિશ શાળા-કૉલેજોમાં અપાતું શિક્ષણ બ્રિટિશ સામ્રાજ્ય માટે કારકૂનો પેદા કરવાનું કારખાનું જ છે એ સમજાતાં ઘણા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ શાળા-કૉલેજો છોડ્યાં. આ વિદ્યાર્થીઓ શિક્ષણ અને જ્ઞાનથી વંચિત ન રહે તે માટે રાષ્ટ્રીય કેળવણીને વ્યાપક બનાવવી જરૂરી હતી. દેશનું નવનિર્માણ કરી શકે તેવા સક્ષમ વિદ્યાર્થીઓ તૈયાર કરવા પાંચ વિદ્યાપીઠોની સ્થાપના થઈ જેમાં ગૂજરાત વિદ્યાપીઠ પહેલી હતી.