બચ્ચે મન કે સચ્ચે, સારે જગ કી આંખ કે તારે
યે વો નન્હેં ફૂલ હૈ જો ભગવાન કો લગતે પ્યારે …
ખુદ રુઠે ખુદ મન જાયે, ફિર હમજોલી બન જાયે
ઝગડા જિસ કે સાથ કરે, અગલે હી પલ ફિર બાત કરે
ઇનકે લિયે કોઈ ગૈર નહીં ઇનકો કિસી સે બૈર નહીં
ઇનકા ભોલાપન મિલતા હી સબ કો બાંહ પસારે …
ઈન્સાન જબ તક બચ્ચા હૈ તબ તક સમજો સચ્ચા હૈ
જ્યોં જ્યોં ઉસકી ઉમર બઢે મન પર જૂઠ કા મૈલ ચઢે
ક્રોધ બઢે નફરત ઘેરે લાલચ કી આદત ઘેરે
બચપન ઇન પાપોં સે બચ કર અપની ઉમર ગુઝારે …
તન કોમલ મન સુંદર હૈ, બચ્ચે બડોં સે બહેતર હૈ
ઇનમેં છૂત ઔર છાત નહીં, જૂઠી જાત ઔર પાત નહીં
ભાષા કી તકરાર નહીં નફરત કી દીવાર નહીં
ઇનકી નઝરોં મેં એક હૈ મંદિર મસ્જિદ ગુરુદ્વારે …
એક જમાનામાં એ.વી.એમ. પ્રોડક્શનનો બહુ દબદબો હતો. વિશાળ એ.વી.એમ. પ્રોડક્શન સ્ટુડિયો ભારતનો એ પ્રકારનો પહેલો સ્ટુડિયો હતો. એ.વી. મય્યપ્પા ચેટ્ટીયારે 1945માં શરૂ કરેલ આ પ્રોડક્શન હાઉસે મલયાલમ, તમિલ, તેલુગુ, કન્નડ અને હિંદી ભાષામાં 300થી વધારે ફિલ્મો આપી છે. આપણે માણેલી હિંદી ફિલ્મો ‘ચોરી ચોરી’, ભાભી’, જિતેન્દ્રના પહેલા રોમેન્ટિક રોલવાળી ‘હમ પંછી એક ડાલ કે’, ‘છાયા’, ‘મુનિમજી’, સુનીલ દત્ત-નૂતનની પહેલી ફિલ્મ ‘મહેરબાન’, ‘જૈસે કો તૈસા’, ‘જીવન જ્યોતિ’ જેવી ફિલ્મો એ.વી.એમ. પ્રોડક્શનના નેજા હેઠળ બની હતી.
બાલદિન નિમિત્તે આજે વાત કરવાના છીએ આ જ પ્રોડક્શનની એક ફિલ્મ ‘દો કલિયાં’ અને એના અર્થપૂર્ણ અને સુંદર ગીત ‘બચ્ચે મન કે સચ્ચે’ની. આ ગીત લખ્યું હતું રોમેન્ટિક, ફિલોસૉફિકલ અને વિદ્રોહી ગીતોના શહેનશાહ સાહિર લુધિયાનવીએ અને સંગીતકાર હતા સાહિર સાથે 19 ફિલ્મો કરનાર રવિ. સાહિર લુધિયાનવીનાં લખેલાં અને રવિનાં સ્વરબદ્ધ કરેલાં કેટલાંક ગીતો યાદ કરીએ : ‘ચલો એક બાર ફિર સે અજનબી બન જાયેં હમ દોનોં’ (ગુમરાહ), ‘તુમ અગર સાથ દેને કા વાદા કરો’ (હમરાઝ), ‘યે વાદિયાં યે ફિઝાયેં’ (આજ ઔર કલ), ‘મિલતી હૈ ઝિંદગી મેં મુહબ્બત કભી કભી’ (આંખેં), ‘તોરા મન દર્પણ કહેલાએ’ (કાજલ), ‘ઝિંદગી ઇત્તેફાક હૈ’ (આદમી), ‘દૂર રહકાર ન કરો બાત’ (અમાનત), ‘દિલ મેં કિસીકે પ્યાર કા જલતા હુઆ દિયા’ (એક મહલ હો સપનોં કા), ‘આગે ભી જાને ન તૂ’ (વક્ત), ‘સંસાર કી હર શૈ કા’ (ધુન્દ) – મઝા આવી ગઈ ને? રવિ કહેતા, ‘ગીતની ધૂન એવી હોવી જોઈએ કે કોઈપણ એને ગાઈ-ગણગણી શકે. ‘દો કલિયાં’નાં ‘તુમ્હારી નઝર ક્યોં ખફા હો ગઈ’, ‘મુર્ગા-મુર્ગી પ્યાર સે ખેલે’, ‘બચ્ચે મન કે સચ્ચે’, ‘ચિતરંજન આગે નાચુંગી’ જેવાં ગીતો આ વાતની સાક્ષી પૂરે છે.

‘દો કલિયાં’ એટલે બિશ્વજિત-માલા સિંહાની 1964થી 1974 વચ્ચે આવેલી દસેક ફિલ્મોમાંની એક. 1968માં આ જોડીની બે ફિલ્મો આવી હતી – ‘દો કલિયાં’ અને ‘પ્યાર કા સપના’. બિશ્વજિત-માલા સિંહાની પરદા પર સુંદર કેમિસ્ટ્રી હતી – એક ફિલ્મવિવેચકે તો આ જોડીમાં ક્લાસિક રોમેન્ટિક ઓરા ઊભો કરી શકે એવી શક્યતા હોવાનું નોંધ્યું છે – આ જોડીનાં રમતિયાળપણું, પ્રસન્નતા અને સિન્સ્યારિટી આ બધાંને અવકાશ આપે એવી વાર્તા ‘દો કલિયાં’ની હતી. કોલેજમાં શ્રીમંત કિરણ (માલા સિંહા) અને મધ્યમવર્ગીય શેખર (બિશ્વજિત) પ્રેમમાં પડે છે અને અનેક વિઘ્નો ઓળંગી પરણે તો છે, પણ શેખર ઘરજમાઈ તરીકે રહેશે એ શરતે. સુધાના પિતા સજ્જન છે, પણ મા ઘમંડી અને ઉદ્ધત છે. દીકરી પર એનો પૂરો કાબૂ છે. સમય જતાં કિરણ સુંદર જોડિયા દીકરીઓ ગંગા-જમુનાને જન્મ આપે છે. વારંવારનો સ્વમાનભંગ અસહ્ય બનતાં શેખર ગંગાને લઈને સિંગાપોર ચાલ્યો જાય છે. જમુના મા પાસે રહે છે. આઠ વર્ષ પછી શેખર ભારત પાછો ફરે છે. યોગાનુયોગ ગંગા-જમુના એક જ શાળામાં ને એક જ વર્ગમાં ભણે છે. બંને ઝગડે છે, દોસ્તી થાય છે, પોતાના એકસરખા દેખાવનું રહસ્ય જાણ્યા પછી માના પ્રેમથી વંચિત ગંગા જમુના બની મા પાસે રહેવા જાય છે અને પિતાવિહોણું બાળપણ વિતાવનારી જમુના ગંગા બની શેખર પાસે રહેવા જાય છે. બંનેને સમજાય છે કે મા અને પિતા બંને જોઈએ. બંને હવે વિખૂટા પડેલાં માબાપને ફરી એક કરવા કટિબદ્ધ થાય છે. એક વિલન અને એક વેમ્પ વચ્ચે-વચ્ચે થોડા દાવપેચ અજમાવે છે.
આ રોચક ફેમિલી ફિલ્મનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. ‘દો કલિયાં’ 1968માં બની. ‘દો કલિયાં’ 1965ની એક તમિલ ફિલ્મની રિમેક હતી. એ તમિલ ફિલ્મ 1961ની અમેરિકન ફિલ્મ ‘ધ પેરેન્ટ ટ્રેપ’ પર આધારિત હતી અને એ ફિલ્મ 1949ની જર્મન નવલકથા ‘લિઝા એન્ડ લોટી’ પરથી બની હતી – આ બધાની અસર તો ખરી જ, સાથે ડ્રામા, મ્યુઝિક, વિલન, રોમાન્સ, શ્રદ્ધા જેવા ભારતીય-દક્ષિણી મસાલા પણ ખરા. ફિલ્મ સફળ રહી હતી. આ જ પ્લોટ પરથી એ.વી.એમે. વિજય અરોરા અને બિંદિયા ગોસ્વામી અભિનીત ‘જીવન જ્યોતિ’ નામની ફિલ્મ પણ બનાવી હતી.
ગંગા-જમુનાની બેવડી ભૂમિકામાં ત્યારે બેબી સોનિયા તરીકે ઓળખાતી આઠ વર્ષની નીતૂ સિંહ હતી. ‘બચ્ચે મન કે સચ્ચે’ ગીત ગંગા શાળામાં ગાય છે. એ ગીત એના પિતાએ લખેલું છે એ જાણી શિક્ષિકા એને અભિનંદન આપે છે. નાનકડી નિર્દોષ અને વહાલસોઈ બાલિકા તરીકે નીતૂ સિંહ દર્શકોનાં મન જીતી લે છે. ફિલ્મનો ખરો મદાર જ એના પર છે. નીતૂ સિંહનું મૂળ નામ હરનીત કૌર. છ વર્ષની ઉંમરે ‘સૂરજ’માં તેણે બાલકલાકાર તરીકે પહેલીવાર દેખા દીધી હતી.

જવાહરલાલ નેહરુ
14 નવેમ્બર બાલ દિન છે – ભારતના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિન. પંડિતજીને બાળકો ખૂબ વહાલાં હતાં. બાળકોમાં એમને દેશનું ભવિષ્ય દેખાતું. એટલે 1964માં એમનું નિધન થયું ત્યારે સર્વાનુમતે નિર્ણય લેવાયો કે એમના જન્મદિનને ‘બાલદિન’ તરીકે ઉજવવામાં આવે. મૃત્યુનાં દસ વર્ષ પહેલાં બનાવેલ વસિયતનામામાં પંડિતજીએ લખ્યું હતું કે પોતાનાં અગ્નિસંસ્કાર કરવાં. મુઠ્ઠીભર રાખ અલાહાબાદમાં વહેતી ગંગામાં વિસર્જિત કરવી જેથી એ ભરતભૂમિનાં ચરણ પખાળતા સાગરને જઈ મળે – અને ‘મારી રાખનો મોટો ભાગ વિમાનમાંથી એ ખેતરો પર વિખેરી નાખવામાં આવે જ્યાં ભારતના ખેડૂતો મહેનત કરે છે. હું ભારતની ધૂળ અને માટી સાથે એક બની જવા માગું છું. ભારતના સાંસ્કૃતિક વારસાને આ મારી છેલ્લી શ્રદ્ધાંજલિ છે.’ તેમની ઇચ્છા મુજબ રાખનો મોટો ભાગ આઇ.ઈ.એફ. વિમાનો દ્વારા દેશભરમાં અગાઉ નિયુક્ત 20 સ્થળોએ વિખેરી દેવામાં આવ્યો. પંડિતજીનો બાળકો પરનો પ્રેમ અને રાખ દેશભરમાં વિખેરી દેવાની આ ઘટના ‘નૌનિહાલ’ (નૌનિહાલ એટલે નવું જન્મેલું, તેજસ્વી) ફિલ્મના પંડિત નહેરુના અંતિમ સંસ્કારના દૃશ્યો સાથે કૈફી આઝમીએ લખેલા ‘મેરી અવાઝ સુનો’ ગીતમાં ખૂબ સુંદર રીતે વ્યક્ત થઈ છે – નૌનિહાલ આતે હૈ અર્થી કો કિનારે કર લો, મૈં જહાં થા ઉન્હેં જાના હૈ વહન સે આગે. આસમાં ઈનકા જમીં ઇનકી, જમાના ઈનકા, હૈં કઈ ઈનકે જહાં મેરે જહાં સે આગે, ઈનકો કલિયાં ન કહો યે હૈ ચમનસાઝ સુનો’ અને ‘રાખ બનકર મૈં બિકહર જાઉંગા ઇસ દુનિયા મેં, તુમ જહાં ખાઓગે ઠોકર વહીં પાઓગે મુઝે’
સાહિરે પણ પંડિત જવાહરલાલ નહેરુ માટે સુંદર પંક્તિઓ લખી છે, ‘જિસ્મ કી મૌત કોઈ મૌત નહીં હોતી હૈ, જિસ્મ મિટ જાને સે ઇન્સાન નહીં મર જાતે, ઉસ કે ફરમાનોં કી એલાનોં કી તાઝીમ (સન્માન) કરો, રાખ તક્સીમ કી (વહેંચી દીધી), અરમાન ભી તક્સીમ કરો’ બાલદિને પંડિત નહેરુનું એલાન યાદ કરી આપણે પણ બાળકોનું દેશના ભવિષ્યરૂપે જતન કરીએ કેમ કે એમનાં મન સાચાં છે, સુંદર છે, સાફ છે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 14 નવેમ્બર 2025
![]()



‘દિવાસ્વપ્ન’ પુસ્તકમાં ગિજુભાઈએ વાર્તાના માધ્યમથી બાલશિક્ષણનું શાસ્ત્ર અત્યંત રસમય અને અસરકારક રીતે સમજાવ્યું છે. રૂઢિચુસ્ત શિક્ષણપ્રથાના વિરોધી યુવાન શિક્ષક લક્ષ્મીરામ વિદ્યા-અધિકારી પાસે શિક્ષણના પ્રયોગો કરવાની મંજૂરી માગે છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે. અધિકારી એમને ચોથા ધોરણનો વર્ગ સોંપે છે. ‘પ્રયોગો ભલે કરો, પણ પરીક્ષા માટે છોકરાઓને તૈયાર કરવા પડશે.’ ‘જરૂર સાહેબ. મારી વિનંતી છે કે આપ જાતે જ એમની પરીક્ષા લો.’