17 ડિસેમ્બરે રાત્રે 92 વર્ષની વયે પૂનામાં અવસાન પામેલા ડૉ. શ્રીરામ લાગુને રંગભૂમિ માટેની નિષ્ઠા ઉપરાંત વાચન, ચિંતન, અભ્યાસ, તાલીમ, શિસ્ત અને માનવીય અભિગમે નટસમ્રાટ બનાવ્યા હતા
ડૉ. શ્રીરામ લાગૂને એક વખત અમિતાભ બચ્ચને નમ્રતાથી જણાવ્યું હતું કે તે પોતે તેમની સાથે નજર મિલાવ્યા વિના સંવાદ બોલશે, કારણ કે ડૉક્ટરની નજરમાં કંઈક એવું હતું કે જેની સાથે નજર મિલાવવામાં બચ્ચન ડાયલૉગ ભૂલી જતા હતા ! આ મતલબનું સંભારણું મરાઠી તખ્તાના અગ્રણી રંગકર્મી અતુલ પેઠેએ ડૉ. શ્રીરામલાગૂના પંચોતેરમા વર્ષ નિમિત્તે 2002માં બહાર પડેલાં મરાઠી પુસ્તકના લેખમાં નોંધ્યું છે. અતુલે દિગ્દર્શિત કરેલાં ‘સૂર્ય પાહિલેલા માણૂસ’ (‘સૂર્યને જોઈ ચૂકેલો માણસ’) નાટકમાં ડૉ. લાગૂએ નાયક સૉક્રેટીસની ભૂમિકા ભજવી હતી. એ 1999ના વર્ષમાં મરાઠી રંગભૂમિના પદ્મશ્રી સન્માનિત એવા ઉમદા અભિનેતાની ઉંમર 72 વર્ષની હતી અને દિગ્દર્શક તેમના કરતાં અરધી ઉંમરના હતા !
અઢી કલાકનાં ‘સૂર્ય…’ નાટકમાં અરધા કરતાં ય વધુ હિસ્સામાં ડૉ.લાગૂ એ ઉંમરે પણ સ્ટેજ પર ઉર્જસ્વી અભિનય કરતાં એટલું જ નહીં તેમાંની પાંત્રીસ મિનિટની એકોક્તિ લાજવાબ રીતે ભજવતા. નાટકના સો કરતાં વધુ પ્રયોગો થયા. નટ ‘ઍથલીટ-ફિલૉસોફર’ હોવો જોઈએ એવા એરિસ્ટોટલના સિદ્ધાન્તને અનુસરવાની કોશિશ કરનાર લાગૂએ સોક્રેટીસ ઊભો કરવા માટે ગ્રીક સંસ્કૃતિને લગતા ગ્રંથોનો વિશેષ રસથી અભ્યાસ કર્યો. વિશ્વરંગભૂમિના જાણકાર લાગુ આ પહેલાં પુ.લ. દેશપાંડે અનુવાદિત ગ્રીક નાટક ‘ઇડિપસ’માં નાયકની ભૂમિકા ભજવી ચૂક્યા હતા. ઉપરાંત તેઓ ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી સામેના વિરોધની અભિવ્યક્તિ તરીકે, ફ્રેન્ચ નાટકકાર જ્યાં અનુઈના ગ્રીક પાર્શ્વભૂમિ પર આધારિત ‘ઍન્ટિગની’નો અનુવાદ કરીને તેનું દિગ્દર્શન અને તેમાં અભિનય પણ કરી ચૂક્યા હતા.
સૉક્રેટીસ નાટક પછી નટવર્ય શ્રીરામ લાગૂ મહારાષ્ટ્રમાં ‘સૂર્ય પાહિલેલા નટસમ્રાટ’ કહેવાયા. એ મોટા અભિનેતા તરીકે પોંખાયા તેમાં ‘નટસમ્રાટ’ નામના શોકાન્ત મરાઠી નાટકનો ઘણો ફાળો હતો. ગણપતરાવ બેલવલકર નામના એક જમાનાના મોટા નટના વ્યવહારુ જીવનની ટ્રૅજેડી બતાવતું આ નાટક જ્ઞાનપીઠ સન્માનિત સાહિત્યકાર વિ.વા. શિરવાડકર ‘કુસુમાગ્રજે’ 1970માં લખ્યું. ત્યારથી તે ભજવાતું રહ્યું છે.
દરેક મોટા નટના ભજવવા માટેનાં સ્વપ્ન જેવાં અને દરેક નાટ્યપ્રેમીના જોવા માટેના કર્તવ્ય જેવાં જે મરાઠી નાટકો છે તેમાં એક ‘નટસમ્રાટ’ છે. ત્રણ વર્ષ પહેલાં તેની પરથી નાના પાટેકરના મુખ્ય ભૂમિકામાં બનેલી ફિલ્મ વખણાઈ હતી. ખૂબ સફળ એવા ‘નટસમ્રાટ’ નાટકના 289 પ્રયોગો પછી લાગૂએ તેમાંથી નિવૃત્તિ લઈને વિવાદ સર્જ્યો હતો. તેમનું માનવું હતું કે આ નાટકનું પડકારરૂપ મુખ્ય પાત્ર ભજવવાની તક બીજા કલાકારોને પણ મળવી જોઈએ. તેર વર્ષ પછી તેમણે આ નાટક ફરીથી ભજવવાનું શરૂ કર્યું. એ વખતે તેમણે કહ્યું : ‘પહેલાં જે પ્રયોગો કર્યા તેમાંથી સો પ્રયોગો સુધી તો મને સંતોષ જ મળતો ન હતો. દરેક વખતે મને મારી ભૂમિકામાંથી નવા અર્થ મળતા હતા.’
સતત નવા નાટકોની શોધમાં રહેતા લાગૂએ પૂનાની મેડિકલ કોલેજના 1945-46ના વિદ્યાર્થીકાળથી જ તખ્તા પર પ્રવેશ કર્યો. એકાદ દાયકા માટે કાન-નાક-ગળાના તબીબ તરીકે કામ કર્યું, જે દરમિયાન તેઓ પૂના ઉપરાંત ટાન્ઝાનિયા અને કૅનેડામાં પણ હતા. પણ શ્રીરામના મૂળ નાટકના જીવે તેમને 1969માં તબીબી વ્યવસાય છોડવાની ફરજ પાડી. ત્યારથી સતત ચાર દાયકાની પૂરા સમયના અભિનેતા તરીકેની અત્યંત સમૃદ્ધ કારકિર્દીમાં ચાળીસથી વધુ નાટકો કર્યાં.
મહારાષ્ટ્રની ખૂબ ધબકતી રંગભૂમિ પરનાં લાગૂનાં નાટકોમાં પ્રાયોગિક અને વ્યાવસાયિક બંને પ્રકારનાં નાટકોની સંખ્યા અરધી-અરધી છે. આ તેમની સમાંતર રંગભૂમિ માટેની નિષ્ઠા બતાવે છે, એ અર્થમાં કે ધંધાદારી નાટકોમાં સફળતા છતાં ય તેઓ ખાસ આવક નહીં કરાવનાર અમેટર/પૅરેલલ/ એક્સપરિમેન્ટલ થિએટરમાં એટલા જ સક્રિય રહ્યા. તેમણે સત્યદેવ દુબે અને વિજયા મહેતા સહિત અનેક અગ્રણી દિગ્દર્શકો સાથે ખૂબ શિસ્ત અને સાત્વિકતાથી કામ કર્યું. રંગકર્મીઓનો એક હિસ્સો લાગૂને પ્રયોગશીલ અને તત્ત્વચિંતક અભિનેતા તરીકે માન આપે છે. વાચિક અભિનય પરનાં પુસ્તક, લેખોના બે સંગ્રહો ઉપરાંત તેમણે ‘લમાણ’ નામની આત્મકથા પણ લખી છે.
લાગૂની કેટલીક મરાઠી ફિલ્મોમાં ‘પિંજરા’, ‘સામના’ અને ‘સિંહાસન’ વધુ જાણીતી છે. તેમણે નેવુંથી વધુ હિન્દી ફિલ્મોમાં મોટે ભાગે ગૌણ રોલ ભજવ્યા છે. 1973માં હૃદયરોગના હુમલા પછી કેટલાક સમય માટે તેઓ મરાઠી નાટક કરતાં હિન્દી ફિલ્મોમાં વધુ કામ કરવા લાગ્યા. ‘ઘરૌંદા’ માટે તેમને સપોર્ટિંગ ઍક્ટર તરીકે ફિલ્મફેઅર પુરસ્કાર પણ મળ્યો. મહારાષ્ટ્રએ પણ તેમને અનેક સન્માન આપ્યાં. હિન્દી ફિલ્મોમાં નાના રોલમાં કામ ઓછું અને આવક વધુ હતી એમ તેમને જણાયું. જો કે આ આવકનો મોટો હિસ્સો તેમણે બૅકસ્ટેજના કલાકારો, ઊગતા નાટ્યકારો, પ્રાયોગિક રંગભૂમિ અને જાહેર જીવનના ઉપક્રમો માટે પ્રસિદ્ધિથી અળગા રહીને ખર્ચ્યો.
મહારાષ્ટ્રના જાહેરજીવનની મોટા ભાગની પ્રગતિશીલ ગતિવિધિઓમાં લાગૂએ ભૂમિકા ભજવી હતી. મહારાષ્ટ્રમાં ‘સામાજિક કૃતજ્ઞતા નિધિ’ નામનો એક મંચ છે, જે પૂરા સમયના કર્મશીલોને આર્થિક ટેકો કરે છે. આ નિધિમાં લાગૂએ જાણીતા કર્મશીલ બાબા આઢાવ અને દાભોલકર સાથે વર્ષો લગી ખૂબ કામ કર્યું. નરેન્દ્ર દાભોલકરે સ્થાપેલી અને ખૂબ નક્કર કામ કરનારી ‘અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ’નો તે અવિભાજ્ય હિસ્સો હતા. સમિતિ દ્વારા આખાં રાજ્યમાં યોજાતાં વ્યાખ્યાનો, શેરીનાટકો, નિદર્શનો, કાર્યશિબિરોમાં તેઓ હંમેશાં જોડાતા. પૂરેપૂરા રૅશનાલિસ્ટ એટલે કે વિજ્ઞાનવાદી લાગૂએ ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’ દૈનિકમાં લખેલા ‘ભગવાનને રિટાયર કરો’ લેખથી મહારાષ્ટ્રમાં બહુ મોટો વિવાદ સર્જ્યો હતો. છેક સિત્તેરના દાયકામાં તેમણે મૃત્યુદંડની સજા વિરુદ્ધ લીધેલી ભૂમિકાને કારણે પણ આમ બન્યું હતું.
વિજય તેંડુલકરના ‘ગિધાડે’, ‘ઘાશીરામ કોતવાલ’, ‘સખારામ બાઇન્ડર’, અને મહેશ એલકુંચવારના ‘વાસનાકાંડ’ નાટકોની બાબતમાં મહારાષ્ટ્રનાં સેન્સર બોર્ડ વિરુદ્ધની લડતમાં તેઓ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના મુદ્દે સક્રિય હતા. બાબરી મસ્જિદ ધ્વસંને પગલે મુંબઈમાં 1992-93માં કલાકારોએ કોમવાદી રાજકારણ સામે લીધેલી વિરોધ-ભૂમિકામાં લાગૂનું પણ સમર્થન હતું. ગુજરાતમાં ગોધરાકાંડને પગલે થયેલાં કોમી રમખાણોના વિરોધમાં પૂનામાં રાષ્ટ્રીય એકાત્મતા સમિતિના નેજા હેઠળ 14 એપ્રિલ 2002ના રોજ નીકળેલી રેલીમાં કર્મવૃદ્ધ લાગૂ બપોરે બાર વાગ્યાના તડકામાં ચાલતા રહ્યા હતા.
કૉન્ગ્રેસના આગેવાન એવા તબીબ પિતાના અને સમાજવાદી સેવાદળના સંસ્કાર ધરાવતા શ્રીરામ લાગૂ લગભગ બધાં સામાજિક આંદોલનો અને માનવતાવાદી મૂલ્યોના સમર્થક હતા. જો કે અભિનેતા તરીકેનો આરંભિક કાળ કલાવાદી રહ્યો હતો. પણ પહેલાં ‘ગિધાડે’ નાટક પરની સેન્સરશીપ અને પછી કટોકટીના અનુભવે તેમને જાહેર જીવનની સક્રિયતા તરફ દોર્યા.
અંગત જીવનમાં બે મોટી આપત્તિઓ આવી. એક સ્વજન માલતીનાં અકસ્માતે થયેલાં અવસાન પછી તેમની ટીખળ અને બદનામી થઈ હતી. તેના ઘણાં વર્ષો બાદ તેમના અને અભિનેત્રી દીપા શ્રીરામના સત્તર વર્ષના પુત્ર તનવીરનું અવસાન થયું. ચાલતી રેલગાડીના બારણામાં તે ઊભો હતો ત્યારે અચાનક તેના માથામાં પથ્થર વાગ્યો અને બે દિવસ બેભાન રહ્યા પછી તે મોતને ભેટ્યો. જો કે લાગૂ દંપતીએ આ આઘાત પછી થોડાક જ દિવસમાં પોતાનું કામ શરૂ કરી દીધું. તનવીરની યાદમાં તેમણે પંદર વર્ષથી શરૂ કરેલું સન્માન હમણાં નવમી ડિસેમ્બરે નસીરુદ્દિન શાહને આપવામાં આવ્યું. અંગત જીવનની તકલીફો અને જાહેર જીવનની ટીકાઓ વચ્ચે પણ ડૉ. શ્રીરામ લાગૂ એમ કહીને આગળ વધતા રહ્યા કે ‘શો મસ્ટ ગો ઑન’.
********
18 ડિસેમ્બર 2019
“નવગુજરાત સમય”, ગુરુવાર, 19 ડિસેમ્બર 2019ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટાર