સમાજશાસ્ત્રના અધ્યાપક-સંશોધક ગૌરાંગ જાનીના, વાચકને વિચારોથી ઝકઝોરી દેનારા ચાળીસ લેખોનું પુસ્તક ‘વિદ્યા વધે એવી આશે’ અત્યારના ગુજરાતમાં શિક્ષણમાં આસ્થા ધરાવનારા સહુએ અચૂક વાંચવા જેવું છે. અહીં લેખક મુખ્યત્વે વિદ્યા અર્થાત્ શિક્ષણની વાત સામાજિક માળખું , શાસનતંત્ર, શિક્ષણવ્યવસ્થા અને નવી વિશ્વવ્યવસ્થા એવા દૃષ્ટિકોણોથી કરે છે. અલબત્ત લેખોમાં આ ચાર અલગ પડતા નથી પણ મોટે ભાગે એકબીજા સાથે જોડાતા-ભળતા રહે છે.
વર્ણાશ્રમ પર આધારિત સમાજને કારણે ઊભી થતી શિક્ષણવંચિતતા લેખકને સતત કઠે છે. જ્ઞાતિ, વર્ગ, કારકિર્દી, અટક મુજબનાં હાજરીપત્રક, અનામતની જોગવાઈ જેવા મુદ્દા અહીં છે. એકલવ્યનો સંદર્ભ પુસ્તકમાં ચારેક વખત આવે તે સ્વાભાવિક છે. વાલ્મીકિઓ અને મહિલાઓ બંને સફાઈ કામની જવાબદારીને કારણે જ શિક્ષણમાં પાછળ રહી ગયાં છે એવું એક ચોટદાર નિરીક્ષણ છે. આપણી સમાજવ્યવસ્થાએ નારીને આપેલા ગૌણ સ્થાનની સ્ત્રી-શિક્ષણ પર કેટલી ભયંકર અસર પડી છે એ અહીં અનેક મુદ્દે લખાયું છે. કુટુંબ નામના જે એકમનો સમાજ બનેલો છે તેમાં બાળકોના ઉછેર અંગે લેખકને ઘણું કહેવાનું થાય છે. ટેલિવિઝન અને મોબાઈલ, ટૉય-ગન્સ અને નૂડલ્સ, અંગ્રેજી અને આકાંક્ષાઓની ઘેલછા, શાળાના બોજ અને જુલમ વચ્ચે સુખી ગણાતાં ઘરનાં બાળકો ઉછરે છે. તો બીજી બાજુ, કચડાયેલાં વર્ગોનાં ‘મૂંગા ઢોરની જેમ’ વૈતરું કરતાં છોકરા-છોકરીઓ છે. એમની પાસેથી શિક્ષણ છિનવાઈ રહ્યું છે.
ગરીબોની શિક્ષણવંચિતતાનું એક કારણ ‘સરકાર શિક્ષણમાંથી ઉત્તરોત્તર પોતાને દૂર કરી રહી છે’. સામે પક્ષે તે પ્રવેશોત્સવો કરે છે, જેના છતાં ‘પ્રાથમિક શિક્ષણની વાસ્તવિકતા ગુણાત્મક રીતે બદલાતી નથી’. વિનામૂલ્યે અને ફરજિયાત શિક્ષણનો કાયદો(રાઇટ ટુ એજ્યુકેશન) લેખક વારંવાર યાદ કરાવે છે. તેના થકી મળનાર શિક્ષણને સાર્થક કેવી રીતે બનાવી શકાય તે માટેનાં સૂચનો ‘ગુણોત્સવ’ના સંદર્ભમાં આપે છે. ‘ખાનગીકરણ એટલે ગુણવત્તા એવા વિચારોનો ફેલાવો કરનારા કેળવણીકારો અને રાજકારણીઓનો સહિયારો પ્રયાસ રંગ લાવ્યો છે’. ‘બજારકેન્દ્રી વિચારશાખાની પેદાશ’ એવા સેલ્ફ-ફાઇનાન્સ્ડ શિક્ષણનાં દૂષણો અનેક લેખોમાં બતાવવામાં આવ્યાં છે. ‘ગુજરાત : શિક્ષણના વેપારબીજથી વેપારવૃક્ષ સુધી’ મહત્ત્વનો લેખ છે. આ ઉપરાંતના બે લેખોમાં પણ ગૌરાંગભાઈ ગુજરાતના શિક્ષણના ઇતિહાસની વાત કરે છે.
લેખકના અભ્યાસ મુજબ શાળાશિક્ષણમાં બે વર્ગો છે : ‘મધ્યાહ્ન ભોજનનું આમ ગુજરાત અને લંચ બૉક્સનું ખાસ ગુજરાત’. ભારે દફ્તર, ‘બજારુ બનાવી દેવામાં આવેલાં પીવાના પાણીની બૉટલો’, તેડાગર, મૉનિટર, કાળું પાટિયું, ‘કામ-ઘરકામ-લેસન’ – આ બધું પણ લેખકની નજરબહાર નથી. શાળા-કૉલેજનાં જડ હાજરીપત્રકો તેમ જ ટાઇમટેબલની સામે તે વિદ્યાર્થીઓની કઠિનાઈ અને તંત્રની કચાશોને મૂકે છે. મોંઘી પ્રવેશપરીક્ષાઓ હવે મૂડીરોકાણ માટેનું ક્ષેત્ર બન્યું છે ! ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા કિન્તુ ફાજલ હો સકતા હૈ !’ એવી વ્યંજના પણ તે કરે છે. પાઠ્યપુસ્તકોની પુરુષકેન્દ્રીતા વિશે બે લેખો છે. સામાજિક વિજ્ઞાનોનાં શિક્ષણની અનિવાર્યતા બતાવીને તે કહે છે ‘વિનયન વિદ્યાશાખાનાં વળતાં પાણી નથી પરંતુ આપણી વિદ્યાકીય વિચારધારાનાં પાણી છીછરાં છે !’ ગણિત-વિજ્ઞાનના શિક્ષણનો સામાજિક સંદર્ભ અને સામાજિક સંશોધનની ભૂમિકા તે પ્રતીતિજનક રીતે મૂકે છે. કૉલેજના વિદ્યાર્થીઓ થકી સ્મશાન કે ગાંધીઆશ્રમની મુલાકાતના ફળદાયી ઉપક્રમ વિશે વાંચવા મળે છે. એક્સ્ટર્નલ પરીક્ષાર્થીઓની દુર્દશા અને વિદ્યાર્થીઓના આપઘાત વિશે ચિંતા સેવનારા જૂજ અધ્યાપકોમાંના એક ગૌરાંગભાઈ છે. ગુજરાતી ભાષાની અવગણના, વાચનનું ઘટતું પ્રમાણ, ધાર્મિકતા અને અંધશ્રદ્ધાની લોકો તેમ જ શિક્ષણ પર વધતી જતી પકડ પણ તેમની નિસબતના વિષયો છે. ‘આપણા તહેવારો : ધર્મથી સંસ્કૃિત તરફ’, ‘હસ્તાક્ષરોનો વારસો’, ‘સર્વધર્મ સમભાવ અને સ્વામી વિવેકાનંદ’ ‘બાળવાર્તાઓનું સમાજશાસ્ત્ર’, ‘સ્ત્રી: જન્મ, ઉછેર અને સશક્તિકરણ’ ખાસ ઉલ્લેખ કરવા જેવા લેખો છે. પુસ્તકનું નામ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની ગ્રંથાલય અને પ્રકાશન પ્રવૃત્તિ વિશેના લેખને અંતે આવતી દલપતરામની પંક્તિ છે.
પુસ્તકના અવકાશપૂરકોમાં (ફિલર્સ) તેના પ્રત-સંપાદક (કૉપિએડિટર) કેતન રૂપેરાની દૃષ્ટિસંપન્નતાની અને તેના એકંદર નિર્માણમાં તેની માવજત દેખાય છે. દેવકાન્તે બનાવેલું મુખપૃષ્ઠ સમાજના ઉપેક્ષિત વર્ગની કન્યાકેળવણી તરફની ગતિનું સૂચક છે. ક્ષિતિ પ્રકાશનના આ પુસ્તકના મુખ્ય વિક્રેતા નવજીવન ટ્રસ્ટ છે.
સાદી છતાં અસરકારક ગુજરાતી ભાષા અને ભાર વિનાની, ગળે ઊતરે એવી રજૂઆત પુસ્તકના દરેક લેખને વાચનીય બનાવે છે. ગંભીર મુદ્દાને રોજબરોજની સામાજિક વાસ્તવિકતા થકી સમજાવવામાં આવ્યા છે. પુસ્તકમાં એવાં અનેક મૌલિક નિરીક્ષણો અને વિચારપ્રેરક ગદ્યાંશો છે અનેક છે. અહીં વિરોધ છે, પણ અભિનિવેશ નથી. અત્યારના ગુજરાતી સમાજની ટીકા છે, કડવાશ નથી.
ગૌરાંગ જાનીએ આ પુસ્તક લખ્યું છે તે સમજ વધે એવી આશે.
4 ઑક્ટોબર 2015
+++++
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 07 અૉક્ટોબર 2015