કાવ્યકૂકીઝ
'સીંગદાણાની નિકાસ કરો તો તેલ અહીં ઘટેને !'
'મોંઘવારીમાં લોકોનું તેલ નીકળે, એટલું વધે પણને !'
0
'મારું માનો તો ભ્રષ્ટાચાર રહેવા દો.'
'કેમ?'
'કાચોપોચો માણસ હશે તો પકડાઈ જશે.'
'આ તો આઇ.એ.એસ. છે. એને કૈં નહીં થાય.'
0
'અલ્યા, મારી પત્ની બદલાઈ ગઈ છે.'
'એવું કેવી રીતે બને?'
'સમૂહ લગ્નમાં લાઇટ ગઈ ત્યારે બન્યું.'
'ઓકે. પાછી લાઇટ જાય ત્યાં સુધી રાહ જો !'
0
'આખા જગતમાં મારા જેવી બીજી નહીં મળે.'
'મારા જેવો પણ બીજો નહીં હોય, નહીં તો એને મળી હોતને !'
0
'હું તો સાધારણ ડૉક્ટર છું. તમે મને ભગવાન ન કહો.'
'આ તો દર્દીને ભગવાનને ત્યાં મોકલો છો એટલે કહ્યું'
0
શિક્ષક : માણસને એપેન્ડિક્સ કેટલાં હોય?
વિદ્યાર્થી : ત્રણ
શિક્ષક : ડોબા, એપેન્ડિક્સ તો એક જ હોય.
વિદ્યાર્થી : પણ કાલે મારું ત્રીજી વારનું ઓપરેશન છે.'
0
'ડૉક્ટર. ઓપરેશન થાય તો હું બચી તો જઇશને?'
'બચી જાવ તો હું બચીશ કે કેમ તેની ચિંતા છે.'
0
પ્રેમી : તું કોફી તો પીશને?
પ્રેમિકા : હા.
પ્રેમી : તો મંગાવ. હું પાકીટ ભૂલી ગયો છું.'
0
'તમે રવિવારે ઓપરેશન નથી કરતા?'
'હું તો તહેવારોમાં પણ નથી કરતો.'
'એવું કેમ?'
'વાર તહેવારે દર્દીને ત્યાં શોક થાય તે સારું નહીંને !'
0
વહુ : તમને પથરીને બદલે પથરો થાય તો?
સાસુ : તને એના પર પછાડી પછાડીને ધોઉં.'
0
'દર્દી સારો થઈને જાય તો તેને હાર પહેરાવવાનું રાખો.'
'પણ સારો ન થયો તો?'
'સુખડનો હાર તો પહેરાવાય ને !'
0
'ભાભી, મારો મિત્ર નથી?'
'એ તો ડહાપણની દાઢ કઢાવવા ગયા છે.'
'ડહાપણ વગર પણ દાઢ હોય એ તો આજે જ જાણ્યું.'
000
('સંદેશ'ની મારી હાસ્યની બુધવારી કોલમ)
e.mail : ravindra21111946@gmail.com
![]()


એ સાચું છે કે જન્મતાંની સાથે જ બાળકને, પોતાનું નામ મળે કે ન મળે, પણ પિતાનું નામ તો મળી જ જાય છે. સંતાનનું નામ મોડું વહેલું પડે, પણ પિતાનું નામ તો તરત જ વળગી જાય છે. જન્મ વખતે માતાનું નામ પણ નોંધાતું હશે, પણ પછી એ નામ ગૌણ થતું જાય છે ને સંતાન સાથે પિતાનું નામ જ બધે લેવાતું-પુછાતું રહે છે. એમાં જો છોકરી હોય તો લગ્ન સુધી તેની પાછળ પિતાનું નામ લાગે છે, પણ જેવી તે પરણે છે કે પિતાનું નામ ને અટક બંને ખસે છે ને તેને સ્થાને પતિનું નામ તથા તેની અટક તેનાં નામની પાછળ આવીને ગોઠવાઈ જાય છે. આ બધું પરંપરાગત રીતે ચાલ્યું આવે છે. એ ખરું કે પુત્રની સાથે પિતાનું નામ છેવટ સુધી જોડાયેલું રહે છે. કેટલાક કિસ્સાઓમાં પુત્ર પોતાનું નામ બદલે છે, પણ પિતાનું નામ છોડતો નથી. એવું પણ બને છે કે પુત્ર, પિતાનું નામ ચોક્કસ સ્ટેટસમાં ન મૂકતો હોય, પણ જ્યાં પણ માહિતી આપવાની ફરજ પુત્રને પડે છે, પિતાનું નામ જ દેવાય-લેવાય છે. એવું પુત્રીની બાબતમાં નથી. તે પરણે ત્યાં સુધી પિતાનું નામ ચાલે છે ને તે પછી તેની ઓળખ પતિનાં નામ સાથે જોડાવાથી બદલાય છે. પરણતાંની સાથે તેનું સરનામું તો બદલાય જ છે, તેની ઓળખ પણ બદલાય છે. તે પિતાની પુત્રી હતી, લગ્ન પછી તે પતિની પત્ની બની રહે છે.