ચીને ડોકલામ પર કબજો કર્યો છે એ વિશે સંસદમાં ચર્ચા થાય એ સ્વાભાવિક છે.
રાજ્યસભામાં ચાર કલાક માટે ચર્ચા થઈ હતી જેમાં સભ્યોએ રચનાત્મક અભિગમ સાથે ચર્ચા કરી હતી. આવી સ્થિતિ શેને કારણે પેદા થઈ, ચીન ભુતાનનો પ્રદેશ ખાલી કરે એ માટે શું પ્રયત્નો કરવામાં આવ્યા છે અને ભુતાન કેમ ચૂપ છે એવા કેટલાક પ્રશ્નો ઉપસ્થિતિ થવા સ્વાભાવિક છે. ચીન સાથે યુદ્ધની ભાષા પરવડે એમ નથી એ વિરોધ પક્ષો પણ જાણે છે એટલે દેશની આબરૂ જળવાય એ રીતે કોઈ રસ્તો નીકળવો કોઈએ એવો એકંદરે સૂર હતો. જો કે રાજદ્વારી કુનેહ એમાં છે કે જે સરકાર સત્તાવારપણે કહી ન શકતી હોય એ વિરોધ પક્ષો દ્વારા કહેવડાવવામાં આવે છે અને સરકાર વિરોધ પક્ષોની ભાવનાને ધ્યાનમાં રાખીને સભ્યોના ગુસ્સાને સમજવાની અને શાંત પાડવાની કોશિશ કરે છે. હજી જરૂર લાગે તો શાસક પક્ષના સભ્યોને પણ ઉદ્વેગી સૂરમાં બોલવાનું કહેવામાં આવે છે અને હજી વધુ જરૂર હોય તો જુનિયર કે કૅબિનેટ પ્રધાન બોલી જાય છે અને વડા પ્રધાન ભાવનાની નોંધ લઈને શાંત પાડે છે.
આને એકંદરે શાસનવ્યવસ્થા કહેવામાં આવે છે જેમાં દરેકની ભૂમિકા હોય છે અને ક્યારેક તાકીદની કે ગૂંચવાડાભરી સ્થિતિમાં બધું આયોજનપૂર્વક થતું હોય છે. એવું પણ બન્યું છે કે વિરોધ પક્ષોને રસ્તા પર ઊતરીને આંદોલન કે દેખાવો કરવાનું કહેવામાં આવે છે. ડોકલામના મામલામાં વિરોધ પક્ષો ચીની એલચીકચેરી સામે દેખાવો કરે તો એમાં મેસેજ એટલો જ ગયો હોત કે ભારતની પ્રજા ચીનના વલણથી ખૂબ નારાજ છે, આંદોલિત છે અને ભારત સરકાર પ્રચંડ પ્રજાકીય દબાણ હેઠળ છે. રાજકારણમાં દબાણ હેઠળ મજબૂર હોવાનો દેખાવ કરવાનું પણ મહત્ત્વ છે. ભૂતકાળમાં ઇન્દિરા ગાંધીએ, પી. વી. નરસિંહ રાવે અને અટલ બિહારી વાજપેયીએ આ માર્ગ અપનાવ્યો હતો.
અહીં ખાટલે મોટી ખોડ એ છે કે સરકાર જ સાડાત્રણ જણની છે અને વિરોધ પક્ષોને એક કે બીજા બહાને ખતમ કરવાની પેરવી ચાલી રહી છે. વડા પ્રધાન એવા છે જે દબાણ હેઠળ છે કે મજબૂર છે એનો દેખાડો કરવામાં પણ નાનપ અનુભવી રહ્યા છે. મને પૂછ્યા વિના દેશમાં ચકલું પણ ફરકી શકતું નથી એવી શૌર્યરસીય ધાક જમાવવાના મોહમાં મજબૂરીના કરુણરસની સકારાત્મક જરૂરિયાત તેમના ધ્યાનમાં આવતી નથી. સમજાવે કોણ? એ લાખ રૂપિયાનો સવાલ છે. ગૃહિણીઓ રસોડામાં સોએક જેટલી ચીજો રાખતી હોય છે જેમાં રોજના વપરાશમાં પાંચ-દસ ચીજો જ વપરાતી હોય છે અને બાકીની ચીજો વખત આવ્યે ખપમાં લેવાની હોય છે. શાસનવ્યવસ્થામાં દરેકની ભૂમિકા હોય છે અને વખત આવ્યે એને ખપમાં લેવાતી હોય છે. જેમ પાંચ વાનાંનું રસોઈઘર ન હોય એમ સાડાત્રણ જણની સરકાર ન હોય.
ખેર, ચર્ચાના ઉત્તરમાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજે જે નિવેદન કર્યું એ મહત્ત્વનું છે અને ખાસ નોંધ લેવા જેવું છે. હકીકતમાં વડા પ્રધાને સરકાર વતી ખુલાસો કરવો જોઈતો હતો. બે મહિનાથી ચીન ભારતની છાતી પર આવીને ગળું દબાવીને બેઠું છે અને વડા પ્રધાને દેશની પ્રજાને સધિયારો આપતો શબ્દ પણ નથી ઉચ્ચાર્યો. પખવાડિયા પહેલાં મન કી બાતમાં પણ ડોકલામ વિશે તેઓ કાંઈ બોલ્યા નથી. ડોકલામે હજી સુધી ભારતના વડા પ્રધાનના મનનો કબજો લીધો નથી એવો એનો અર્થ કરવાનો? જે પ્રશ્ન દરેકના મનમાં હોય એ વડા પ્રધાનના મનમાં ન હોય એવું બને? જો અત્યારે બોલવું ઉચિત ન લાગતું હોય તો મૌન રહેવું જોઈએ, પણ આખી દુનિયાનું ડહાપણ ડોળવું અને પ્રજાના મનમાં જે પ્રશ્ન ઘોળાતો હોય અને જે વાતનો ભય હોય એ વિશે ચૂપ રહેવાનું એ બરોબર નથી.
તો સુષમા સ્વરાજે રાજ્યસભામાં સભ્યોને અને એ દ્વારા દેશની પ્રજાને કહ્યું કે યુદ્ધથી ક્યારે ય કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી. જગતમાં બધા પ્રશ્નો વાતચીત દ્વારા જ ઉકેલાયા છે. યુદ્ધ કરી લીધા પછી પણ વાતચીતના ટેબલ પર બેસવું પડતું હોય છે. ટૂંકમાં, વાતચીત સિવાય બીજો કોઈ ઇલાજ નથી અને આ મજબૂરી નથી, દૂરંદેશી છે. ભારત ડોકલામ પ્રશ્ન ચીન સાથે વાતચીત દ્વારા ઉકેલશે અને સરકારને ખાતરી છે કે એ પ્રશ્ન ઉકેલાઈ જશે.
સુષમા સ્વરાજની વાત સો ટકા સાચી છે. આ જગતમાં કોઈ પ્રશ્ન યુદ્ધ દ્વારા ઉકેલાયો નથી અને ઉકેલાવાનો નથી. મહાભારતમાં પાંડવો પણ એક રીતે યુદ્ધ જીત્યા પછી હારી જ ગયા હતા. જો કૃતક રાષ્ટ્રવાદની ભંભેરી ચીવીસે કલાક વગાડવામાં ન આવતી હોત તો ચીન સાથેનો સરહદનો પ્રશ્ન દાયકાઓ પહેલાં ઉકેલાઈ ગયો હોત. ૧૯૬૨ના યુદ્ધ પછી ચીને લદ્દાખનો ગ્લૅસિયરનો પ્રદેશ કબજે કરી લીધો ત્યારે જવાહરલાલ નેહરુએ કહ્યું હતું કે એ પ્રદેશ કોઈ જીવ વસી શકે એવો નથી અને ત્યાં તરણું પણ ઊગતું નથી. નેહરુની એ વાતના જવાબમાં કૉન્ગ્રેસના સભ્ય મહાવીર ત્યાગીએ માથા પરથી ટોપી કાઢીને ટાલ બતાવતાં કહ્યું હતું કે આ પ્રદેશમાં તરણું પણ ઊગતું નથી એટલે શું માથું કોઈને આપી દેવાનું? આવાં રાષ્ટ્રવાદી કથનો ટાંકતાં આપણે થાકતા નથી. એ પછી તો દરેક લોકસભાના પહેલા સત્રમાં ભારતે ગુમાવેલા પ્રદેશને પાછો મેળવવાની પ્રતિજ્ઞા લેવાતી હતી. હવે એ રિવાજ ભૂલી જવાયો છે.
તો યુદ્ધ દ્વારા કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી, દરેક પ્રશ્ન વાતચીત દ્વારા જ ઉકેલાતો હોય છે એ સુષમા સ્વરાજની વાત સો ટકા સાચી છે. યાદ માત્ર એટલી જ અપાવવાની કે આ ડહાપણ ભારતની પશ્ચિમે પાકિસ્તાન સાથે પણ ઉપયોગમાં લેવામાં આવે. એક દિશાએ બાવડાં બતાવવામાં આવે અને બીજી દિશાએ અનુનય કરવામાં આવે એ બરાબર નથી. સુષમાબહેને અને ભારત સરકારે આ પરમ જ્ઞાનનો ઉપયોગ ઘરઆંગણે કાશ્મીરીઓ સાથે પણ કરવો જોઈએ. પોતાના લોકો સાથે વાતચીત કરવામાં નાનપ શેની? તમે જ કહો છે કે દરેક પ્રશ્ન માત્ર અને માત્ર વાતચીત દ્વારા જ ઉકેલાતો હોય છે અને લોહી રેડ્યા પછી પણ અંતે તો વાતચીતના ટેબલ પર બેસવું પડતું હોય છે. કાશ્મીરીઓ સાથે પણ વાતચીત કરવામાં આવે એ જરૂરી છે.
ચીન અને પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં ભારત અને રશિયા વચ્ચે શાંતિકરાર થયો હતો એવો કોઈક કરાર થશે એવો મને ભય છે. જો ભારત અને રશિયા પર કોઈ ત્રીજો દેશ આક્રમણ કરે તો બન્ને એકબીજાને લશ્કરી સહયોગ કરશે એવો ૧૯૭૧નો ભારત-રશિયા કરાર હશે. જો આવો કોઈક કરાર ચીન અને પાકિસ્તાન વચ્ચે થાય અને એવી સંભાવના નજરે પડી રહી છે ત્યારે ભારતે સાઉથ એશિયા અને ચીન સાથેની વિદેશનીતિ વિશે નવેસરથી વિચારવું જોઈએ. એક જગ્યાએ સિંહ અને બીજી જગ્યાએ શિયાળની છાતીનું પ્રદર્શન કરીને વધારે હાસ્યાસ્પદ બનવાનું થશે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 07 અૉગસ્ટ 2017
![]()


૧૯૪૨નું આંદોલન થયું એનો ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ, પરંતુ એક ઓછા જાણીતા ઇતિહાસ વિશે રાજમોહન ગાંધીએ તેમના પુસ્તક ‘મોહનદાસ’માં ધ્યાન ખેંચ્યું છે. બ્રિટિશ સરકારે કૉન્ગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓને એક જ જેલમાં અહમદનગરના ર્ફોટમાં કેદ કર્યા હતા. આવું આ પહેલાં કોઈ આંદોલન વખતે બન્યું નહોતું. લગભગ બે વરસના જેલવાસ દરમ્યાન કૉન્ગ્રેસના નેતાઓ વચ્ચે બે વાતની સંમતિ બની ગઈ હતી. એક, યુદ્ધ પછી બ્રિટિશ સરકાર એટલી કમજોર થઈ ચૂકી હશે કે ભારતને આઝાદ કરવા સિવાય સરકાર પાસે બીજો કોઈ માર્ગ નહીં હોય અને એ સ્થિતિમાં પાકિસ્તાન આપી દેવામાં ભારતનું હિત છે. બે, મોહનદાસ કરમચંદ ગાંધી નામના માણસનો ખપ હવે પૂરો થઈ ગયો છે


