[‘મિલાપ’ માસિકના જાન્યુઆરી ૧૯૫૦ના પ્રથમાંકનો આરંભનો લેખ]
‘મિલાપ’ નામે આ નવું માસિક શરૂ થાય છે. શા માટે?
ખેડૂતનો દીકરો સાંતી જોડે છે. કુંભારનો છોકરો ચાકડો ફેરવે છે. એમને પૂછ્યું હોય કે શા માટે આ મહેનત કરો છો ? તો એ શો જવાબ આપી શકે?
ખેતરો ખેડાય છે, તો દુનિયાને દાણા મળે છે. ચાકડો ફરે છે, તો સમાજને ઠામ-વાસણ મળે છે. સાળ ચાલે છે, તો લોક લૂગડાં પામે છે. છતાં એ દુનિયાનો કે એ સમાજનો વિચાર કરીને પોતે મજૂરી કરે છે એમ કોઈ ખેડૂત, કોઈ વણકર કે કોઈ કુંભાર થોડો જ કહી શકવાનો છે ? રાત-દિવસ જોયા વગર બારેય મહિના તનતોડ મહેનત કરતા એ શ્રમજીવીના મનમાં તો એકમાત્ર વિચાર એના રોટલાનો ને એનાં બાળબચ્ચાંનો જ રમતો હોય છે. બાપીકો ધંધો એ બચપણથી શીખતો આવ્યો છે. પોતાની બધી શક્તિઓ એ એક જ ધંધામાં રેડી દઈને સમાજને ઉપયોગી બનવા એ મથે છે, અને બદલામાં આશા રાખે છે ફક્ત બે ટંકના રોટલાની. બેને બદલે એક કે અર્ધા જ ટંકનો રોટલો સમાજ એને આપે, તોયે બાપીકા ધંધાને એ છોડી શકતો નથી – કારણ કે બીજાત્રીજા કોઈ કસબ એને ભાગ્યે જ આવડતા હોય છે.
લેખનને પણ મુખ્યત્વે આ જાતનો એક વ્યવસાય સમજીને આ માસિકનું પ્રકાશન હાથ ધરવામાં આવે છે. એની વાટે સાહિત્યની કે સમાજની મોટી સેવા થઈ જશે એવી ભ્રમણા નથી. તેમ ગુજરાતી પત્રકારિત્વના ઇતિહાસમાં એ અમર થઈ જાય, તેવી મહત્ત્વાકાંક્ષા પણ નથી. ખેડૂત અને વણકર, કુંભાર અને સુથાર, સઈ અને મોચી, એ સહુ કારીગરો પોતપોતાની શક્તિ અનુસાર સમાજની અમુક અમુક જરૂરિયાતો પૂરી પાડે છે. એમની માફક પ્રામાણિક પરિશ્રમ કરીને આપણી પ્રજાની એક ચોક્કસ જરૂરિયાત પૂરી પાડવાનો આ નમ્ર પ્રયાસ છે.
એ જરૂરિયાત છે ચોપાસની દુનિયા વિશેના જ્ઞાન વધારનારા, સાદા, સમજી શકાય તેવા વાચનની.
આજે, ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીના મંગલ મુહૂર્તે, ભારતના પ્રજાસત્તાકનો પાયો નખાઈ રહ્યો છે. પર્વનો એ દિવસ હમણાં જ વીતી જશે. રાતની રોશનીઓ આવતી કાલે ગાયબ બનશે. ધ્વજપતાકાઓ અને તોરણોના શણગાર વળતા પ્રભાતે કરમાઈ જશે. ઉત્સવ-ગીતોના ભણકારા ડૂબી જશે. ગોળધાણાનો સ્વાદ સુકાઈ જશે. અને પછી આરંભાશે ભારતના પ્રજાસત્તાકની આભઊંચી ઇમારત રચવાનો પુરુષાર્થ. દિવસો અને મહિનાઓ સુધી, વર્ષો અને દાયકાઓ સુધી એ ચણતરકામ અવિરતપણે ચાલુ રહેશે. આવો પ્રચંડ પુરુષાર્થ કરવા માટે આપણી પ્રજાને જેટલી અન્નની તેટલી જ જ્ઞાનની જરૂર પડશે. આ જરૂર પૂરી પાડવાના જે પ્રયાસો આ પ્રાંતમાં થઈ રહ્યા છે, તેમાં ‘મિલાપ’ પણ પોતાનાં રંક સાધનો વડે સાથ પુરાવશે.
વિશાળ લોકસમૂહોને જ્ઞાન પૂરું પાડવા માટેનાં જે સાધનો આજે જગતમાં વપરાય છે, તેમાં છાપાં અને પુસ્તકોનું સ્થાન મોટું છે. એકલી ગુજરાતી ભાષામાં જ આજે દોઢસો જેટલાં સામયિકો બહાર પડે છે. ભારતની બીજી બાર મુખ્ય ભાષાઓમાં પ્રગટ થતાં સામયિકોની આવી ગણતરી ગયે વરસે થયેલી : હિંદી (૮૫૩), ઉર્દૂ (૫૭૧), બંગાળી (૩૬૯), તમિલ (૩૦૫), મરાઠી (૨૪૩), તેલુગુ (૧૫૧), પંજાબી (૮૧), કન્નડ (૫૧), ઉડિયા (૪૯), મલયાલમ (૨૩), સિંધી (૮), અસમિયા (૭). તે ઉપરાંત એકલી અંગ્રેજી ભાષામાં નીકળતાં ભારતીય સામયિકોનો આંકડો તો એ સૌને વટાવી જનારો હતો − ૮૬૮નો − હતો. ૩,૭૦૦ કરતાંય વધુ દૈનિકો, સાતવારિયાં અને અન્ય સામયિકોના આ ખડકલામાં જુદી જુદી ભાષાઓ, જુદી જુદી હકીકતો, જુદા જુદા વિચારો હશે. એમાં તત્કાલીન બાબતોને લગતો કેટલો ય કુથ્થો હશે; પણ થોડુંક વાચન એવું હશે કે જે ભારતની કોઈ પણ ભાષાના સામાન્ય સમાજના રસિક વાચકને રુચે, સરળ લાગે અને ઉપયોગી નીવડે. વિદેશોથી અહીં આવતાં સામયિકોમાં પણ એવાં લખાણો હોય છે. એવી થોડીક સામગ્રીની એ વિરાટ વાચન-પૂંજમાંથી તારવણી કરીને આ માસિકમાં મૂકવાની ઉમેદ છે.
આ જાતના સામયિક પાછળ પૂરતો પરિશ્રમ લેવાય તો ગુજરાતની નવી રચાતી ઇમારતમાં એ પર-પ્રાંતો તથા પર-રાષ્ટ્રો સાથેની નાનીશી મિલન-બારી બની શકે, એવી નિષ્ઠા સાથે ‘મિલાપ’ના પ્રકાશન-માર્ગે અમે ડગલું માંડીએ છીએ. કોઈ એક વ્યક્તિ, પક્ષ, વાદ કે કોઈ વાવટા પ્રત્યેની વફાદારીનું છત્ર અમારે શિરે નથી. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાને આંગણે શીતળ સમીર-લહરોમાં એકસંગાથે કલ્લોલતા તમામ પ્રજાઓના વાવટા દૂરદૂરથી દીવાદાંડી સમા અમને દેખાય છે. અમારા કાનમાં ભણકારા વાગે છે સાગરપારના એક મહાકવિએ ગાયેલા પેલા મંત્રના –
“એબૉવ ઑલ, ટુ ધાઈન ઓવ્ન સેલ્ફ બી ટ્રુ” : અને સૌથી વિશેષ તો તારા આત્માને જ વફાદાર રહેજે; એને ન છેતરજે.
એ શબ્દોમાં ગુંજી રહેલા ઈમાનને કદી ન ચૂકવાનું બળ અમારી મજલના માલિક પાસે માગીએ છીએ.
[સૌજન્ય : “મિલાપ”; 26 જાન્યુઆરી 1950; પૃ. 01-02]