સૂચિ સાચી છે એ સૂચિબહેનનું રેખાચિત્ર મણિલાલ પટેલનું આલેખન છે. મારું અનુમાન એવું હતું કે આ મધુસૂદનભાઈ કાપડિયાના પ્રોજેક્ટનો ભાગ છે. મધુસૂદનભાઈને ફોન કરતાં જાણ્યું કે એમ જ છે. મધુસૂદન એક કમાલ વ્યક્તિ છે. ન્યૂ જર્સીથી સીનસીનાટી ,ઓહાયો ગયા, તો ત્યાં બેઠે બેઠે કાવ્યસ્વાદનો પ્રોજેક્ટ શરૂ કર્યો – એમના શબ્દોમાં કહું તો "અભાગિયા જીવને કંઈ કર્યા વિના ચેન ન પડે." પણ એની વાત ક્યારેક પછી. આ બીજો મહત્ત્વાકાન્ક્ષી પ્રોજેક્ટ છે 'અમેરિકાના ગુજરાતીઓ : સંઘર્ષ અને સિદ્ધિ'.
કેટલાક વિશિષ્ટ લોકોની મુલાકાત મણિભાઈ લે છે – આ માત્ર ઇન્ટરવ્યુ નથી. આ તો અંતરંગને પામવાનો અને આલેખવાનો પ્રયત્ન છે. અત્યાર સુધીમાં લગભગ 40 મુલાકાતો થઈ છે. રેખાચિત્રોને પુસ્તકાકારે પ્રગટ કરવાની યોજના છે તેમ જ એના અંગ્રેજી અનુવાદની પણ યોજના છે. આવું કામ તો કોઈ સંસ્થા જ કરી શકે પણ ત્યાંની બે સાહિત્યિક સંસ્થાઓએ આ જવાબદારી લેવાની ના પાડી, તો મધુસૂદન કાપડિયા એકલે હાથે ઝંપલાવે છે.
સૂચિ સાચી છે એનો પ્રથમ મણકો છે.
• • • • •
સૂચિ ગિરીશ વ્યાસ
આખું અમેરિકા ‘સૂચિ’ને ઓળખે છે. આ અતિશયોક્તિમાં ભારોભાર સચ્ચાઈ છે.. આંખકાન ખુલ્લાં રાખીને અમેરિકામાં ફરતો-રહેતો દરેક ગુજરાતી જાણે છે કે સૂચિ સાચી છે. ‘સૂચિ’ માનાર્થે એકવચનમાં ઉચ્ચારાતું વ્હાલું નામ છે. આપણાં જાણીતાં કવયિત્રી પન્ના નાયકને મુખે ‘સૂચિ’ બોલતું સાંભળીએ ત્યારે અણસાર આવે છે કે ‘સૂચિ’માં હૈયું અને હેત, હૂંફ અને હિત ખીચોખીચ ભરેલાં છે .. ને આ બધાં વાનાં બીજાંઓને વહેંચવા માટે છે.
સૂચિનું અસલ નામ તો છે સુચેતા છગનલાલ જોષી. ગામ – રાજકોટ. ગાંધીજીની દાંડીયાત્રા વેળાએ આશ્રમથી સવારે પ્રસ્થાન કરતી વખતે લેવાયેલ છબી-ચિત્રમાં ગાંધીજીની જમણે બાપુને અડીને ચાલી રહેલ ગાંધી ટોપીધારી માણસ તે જ છગનલાલ જોષી છે. બાપુના અંતેવાસી રહેલા સેવક છગનલાલ ક્વિટ ઇન્ડિયા પછી પુન: સંસારી થયા એ ગાળામાં સૂચિનો (1946) જન્મ થયેલો. એટલે મોટાં ભાઈબહેનની જેમ એને બાપુના આશ્રમમાં ઉછરવાની તક ન મળી. બા રમાબહેન અને પિતાજી બાર વર્ષ ગાંધી આશ્રમમાં રહેલાં. પિતાજીએ કદી પગારની નોકરી નહીં કરેલી. વારસાગત વ્યવસાયની આવકમાંથી બા ઘર ચલાવતી. પછી તો ભાઈ કમાતા થયા. જીવન સાદું અને નોકરને ય (રસોઈ કે કચરાપોતાં / કપડાં-વાસણ કરનારને) મદદ કરવાની પરંપરા. આજે ય શાકાહારી અને સાત્ત્વિક ભોજનની ટેવ છે. પિતાજી ‘હરિજન સેવક સંઘ’ના અને ‘અખિલ હિન્દ નશાબંધ મંડળ’ના પ્રમુખ તરીકે સેવારત રહેલા. બાએ ખાસ્સો સંઘર્ષ વેઠેલો પણ ગાંધીજી-કસ્તૂરબાનું ભાવસમૃદ્ધ નીતિનિષ્ઠ અને મહેનતકશ સાંનિધ્ય પામ્યાં એ બહુ મોટી વાત હતી. જાણે અજાણે પણ સૂચિ પર આવાં માબાપનો ખાસ્સો પ્રભાવ પડ્યો હતો એ વાત સૂચિનાં સેવાકાર્યો અને નોકરીનાં વર્ષોની નિસબત તથા સાહસભરી કામગીરી જોતાં સમજાઈ જાય એમ છે. પિતાજી નશાબંધી માટે અને હરિજનો માટે સમર્પિત હતા. તમે યોગાનુયોગ તો જુઓ : સૂચિએ પણ ડ્રગ અને આલ્કોહોલમાં પાયમાલ થયેલા ગરીબો તથા ગુંડાગર્દી કરનારા મહાભરાડીઓ સાથે ત્રણ દાયકા સુધી પૂરી લગનથી જીવ રેડીને કામ કર્યું છે…ને USAમાં પ્રથમવાર આવતાં, ઘર-નોકરી-સહાય-હૂંફને હેત શોધતાં/ઝંખતાં અનેકોને તમામ પ્રકારની મદદ કરી. બાબાપુજીની સંસ્કાર-પરંપરા-પ્રીતિ વિના સૂચિ માટે આ શક્ય નહોતું. સૂચિનું આવું ભર્યુંભાદર્યું ભીતરી વ્યક્તિત્વ જાણનાર આશ્ચર્યચકિત થઈ જાય એમાં નવાઈ નથી.
કેમ કે સૂચિ બિન્ધાસ્ત છે, આખાબોલાં-સાચાંબોલાં આક્રમક ને ફટાફટ કામ પાર પાડતાં સૂચિમાં તમને ઠાવકાઈ-ગંભીરતા જોવા નહીં મળે. પણ વખતે એ ગુણો ય કામ તો કરતા જ હોય ! મૂળ વાત એટલી જ કે દંભ, દેખાડો, ગરબડ, ગોટાળો સૂચિથી 100 માઇલ છેટે રહે .. એમનાં મન-વચન-કર્મ આપણી સામે પારદર્શકપણે વિલસતાં હોય છે. સૂચિ-ગિરિશનું ગોરપદું જરાક નોખું છે. આ ગોર પરગજુ થઈને પરણાવી આપે છે ને ગાંઠનું ગોપીચંદન કરીને ઘર પણ ચલાવી આપે છે. પોતે વ્હાલ કરે અને વિશ્વાસ મૂકે પછી સામેની વ્યક્તિને જેમ રુચે તેમ ભલે કરે .. જો કે ઝીણો ય રંજાડ કરનાર હજી સુધી તો ભાગ્યે જ મળ્યા છે.
સૂચિ-ગિરીશનું ઘર તો પ્રેમનો માળો છે.
અનેક માટે ઠર્યાનું ઠેકાણું છે તથા થાક્યાનો વિસામો છે ..
આ માત્ર રેનબસેરા નથી.
અહીં તો પંખીઓ વળી વળીને વાસો કરવા,
તાજામાજા થવા ને મૌજ કરવા વારેતહેવારે પાછાં આવે છે.
એરપોર્ટની ઇન્ક્વાયરીમાં એમણે ફોન નંબર આપેલો છે. અધમધરાતે રઝળી પડનારને કે કશે જગ્યા નહિ જડનારને એ જઈને લઈ આવે છે. જમાડે, રાખે અને વ્યવસ્થા કરીને મૂકી આવે. નોકરી શોધી આપે ને પૈસાનો ટેકો કરે .. પછી ભૂલી જાય .. વળી બીજાનાં કામ કરી આપવામાં વ્યસ્ત થઈ જાય. આ બધાંની વચ્ચે પોતાનાં કાર્યો રાત વેઠીને ય હસતાં-રમતાં કરી લેવાનું આ દંપતીને ફાવે છે. હું અને બળવંત જાની સૂચિને ત્યાં વારેવારે રહેતા હોવાથી બધી વાતો જાણીને અચંબિત થઈએ છીએ. વાતોના તડાકા અને ગિરીશના હાસ્ય રેલાવતા નર્મમર્મ વચ્ચે પાંચ-પંદર માણસની રસોઈ કરી દેતાં સૂચિ રસોડામાં ઓછાં અને લિવિંગ રૂમમાં હસતાં-ઉછળતાં વધારે દેખાય છે.
બાળપણની નટખટ તોફાની સૂચિ કિશોરવયમાં વધુ રૂપાળી બની છે. બહેનપણીઓ ખરી પણ છોકરાંઓ ભેગી ય ભળે. મોટાં ભાભીનો ભાઈ ગિરીશ વ્યાસ આવતો ત્યારે બધાં ભારે ધમાલ કરતાં. સાતતાળી, પાનાં, સંતાકૂકડીની રમતો ચાલે .. ગિરીશ પાંચ-છ વર્ષે મોટો ને સૂચિને તો હોમપીચ પર રમવાનું .. ધીમે ધીમે જીવ મળ્યા .. બંને પરણવાની જિદ્દે ચઢેલાં. ઘરનાં સગાંમાં સગું કરતાં અચકાય. સૂચિ માટે એના જેવો જ સુંદર છોકરો ઉદય ભાવનગરમાં ભણતો હતો તેની વાતો ચાલતી હતી. પણે સુચેતા ન માની તે ન માની. અઢાર વર્ષની ઉંમરે ગિરીશને પરણીને સૂચિ મુંબઈ સાસરે ગઈ. હાઈસ્કૂલ સુધીનું ભણતર થયેલું. જો કે સાસરે તો નોકર-ચાકર હતા. ગિરીશ ત્યારે વલ્લભવિદ્યાનગરની BVM કૉલેજમાં સિવિલ એન્જિનિયરિંગનું ભણતા હતા. સૂચિએ કે.સી. કૉલેજમાં ભણવાનું શરૂ કર્યું ત્યારે તે દીકરા-દીકરી(ભેરુ-ડોલી)નાં મમ્મી બની ચૂક્યાં હતાં. રૂપાળી-ઉજળી-બિન્ધાસ્ત-તોફાની સૂચિ કૉલેજમાં પણ સૌને પ્રિય છે. એના બોયફેન્ડ થવા ઇચ્છનારાઓ પણ એને ‘મમ્મી’ કહેતા. સૂચિ ત્યારથી જ ઘણાંની મમ્મી છે. સુરેશ દલાલ ફરજિયાત ગુજરાતી ભણાવવા આવતા ને તોફાનોમાં છેલ્લી પાટલીએ મિત્રો વચ્ચે બેસીને ય ચૂપ નહિ બેસતી સૂચિનું નામ ગર્જયા કરતું. અંગ્રેજી અને સાયકૉલોજીના ક્લાસમાં (પછી જે ફિલ્મસ્ટાર થયા) રાજેશ ખન્ના સહાધ્યાયી હતા.
સૂચિએ સાયકૉલોજી સાથે B.A. કર્યું. પછી થોડું મોડેથી માસ્ટર્સ કરેલું ત્યારની નીતિ પ્રમાણે ગિરીશ-સૂચિને બાળકો સાથે USA આવવાના વીઝા મળેલા. 1970ના મેમાં ગિરીશ આવ્યા પછી વરસતા સ્નોમાં 1970ના જ ડિસેમ્બરમાં સૂચિ બે બાળકો સાથે JFK એરપૉર્ટ પર ઊતર્યાં ત્યારે લેવા આવેલા ગિરીશ ઘડીક સંતાકૂકડી રમતા હોય એમ અટવાઈ ગયેલા. સૂચિને થયેલું કે આ તો હજી ય પેલી કિશોરકાળની રમત જ રમે છે કે શું? નાનકડી જગ્યામાં સંસાર ગોઠવ્યો. પણ વચ્ચે ગિરીશને નોકરી ન્હોતી. ઠંડીમાં કપડાં ય બીજાઓ પાસેથી મેળવેલાં. જમવાનું ય ન ફાવે, જે પદાર્થો મળે તેને ગુજરાતી રીતે રાંધી લેતાં લેતાં નવા દેશવેશ-ભાષા-વાતાવરણ સાથે ટેવાતાં-ગોઠવાતાં ગયાં. બેબી સીટિંગથી સૂચિએ કામ પ્રારંભેલું. પછી ફૂડ ફૅકટરીમાં રાતની નોકરી લેવી પડેલી. સવારે કૉલેજ ભણવા જાય, બપોરથી સાંજ લગી રાંધવાનું ને બાળકોને સંભાળવાનું. છેવટે કપરા દિવસો પૂરા થયા. ગિરીશને કન્સ્ટ્રકશન કંપનીમાં પ્રોજેક્ટ પ્રમાણે કોન્ટ્રાકટર હાયર કરે. પ્રૉજેકટ બદલાય, સ્થળ અને હાયર કરનાર પણ બદલાય, પણ નોકરી ચાલુ જ રહેલી. ગિરીશનું કામ ચીવટ અને ચોખ્ખાઈવાળું, ઝડપી ખરું એમની માગ રહેતી. સૂચિને પણ ફિલાડેલ્ફિયાના ડ્રગ્સ એડિક્ટ રિહેબ સેન્ટરમાં રુચિની, કાયમી અને માનપાન સાથેની જોબ મળેલી. હવે બાળકો મોટાં થાય છે ને સૂચિનું કાર્ય રંગ લાવે છે. હવે મહેમાનો તથા રુચિપોષક કાર્ય માટે વખત મળે છે.
સૂચિના ‘રિહેબ’ કાર્ય અને નિજી પદ્ધતિથી ઝડપી અને વધુ સારાં પરિણામો મળતાં સંસ્થાને એવોર્ડઝ મળે છે. સંસ્થા સુખ્યાત થાય છે. બીજા લોકો રિહેબમાં સાયકોની પરંપરાગત રીતિઓ જ પ્રયોજે છે, જ્યારે સૂચિ ‘રીનોન્ડ’ રીતે કામ કરે છે. દર્દીઓ ડ્રગ્સથી ખતમ થયેલા હોય, કોઈ ગુંડાગર્દીમાં જેલ ગયેલા, વંઠેલા, આક્રમક હોય, બીક લાગે પણ પેલી બિન્ધાસ્ત સૂચિ અહીં પ્રગટ થાય છે. ત્રેવડ રાખી હિંમતથી ઝંપલાવતી સૂચિ ક્યારેક તો નોકરીને જોખમે ય નિયમોને છોડીને કામ કરે. અવનવા પ્રયોગો કરે, વ્હાલથી વળગી ય પડે. સૂચિને વધારે અઘરા કેસો સોંપાય, સૂચિ વિમાસણમાં પડી જાય પરંતુ પડકાર ઉપાડી લ્યે. આવા તો કેટલા ય કેસો એણે સંભાળ્યા. એમાંના દશબાર કેસો વિશે, એ વ્યક્તિઓ વિશે, એણે ‘સૂચી કહે’ રેખાચિત્ર/વાર્તાના પુસ્તકમાં જીવથી લખ્યું છે.
સૂચિ ખરાબ ટેવોનો વિદાય આપતી રમતો રમાડે. એવી કુટેવોની ફ્યૂનરલ કઢાવે. બાળક બનીને સૌને બાળક જેવા બનાવે. આપણને ‘દો આંખે બારહ હાથ’ ફિલ્મ યાદ આવી જાય. સૂચિને કોરી ખાતી ભાવશૂન્ય આંખો અને અટ્ટહાસ્યો, જિદ્દ બધાં સામે નર્યા પ્રેમથી વર્તતી સ્વસ્થ સૂચિ તો જેમણે અનુભવી હશે એ જ પ્રમાણવા યોગ્ય બન્યા હશે તો હશે ! આવા દર્દીઓ બહુધા આફ્રિકન-અમેરિકન, થોડા એશિયનો તથા મૂળના અમેરિકનો પણ ખરા. પણ દર્દી એટલે દર્દી. ગમેતેમ બોલે કે વર્તે .. સૂચિએ તો પ્રેમથી કામ લેવાનું, થાકવાનું નહિ આ જ પડકાર છે.
સૂચિ સૌને કમળતળાવે લઈ જાય ને પ્રકૃતિલીલા દેખાડે, દર્દીની રુચિ જાણી લ્યે પછી એવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરાવે. કોઈને બાગકામ, કોઈને ખેતીકામ, કોઈને સુથારીકામ તો કોઈ માટીકામ કરે. ચિત્રો કરનારા ય આવ્યા અને સૌરાષ્ટ્રના ભરતગૂંથણવાળા ચાકળા બનાવનારા થતા સીવણ કરનારાં ય મળી આવ્યા. સૂચિ દર્દીઓની જુદી જ દુનિયામાં લઈ જઈને એમની જાત સાથે જોડતી. ચિત્રો-ચાકળા અન્ય નમૂનાઓથી સંસ્થાની રૂમો-દીર્ઘાઓ શણગારતી હતી. દર્દીઓનાં ચિત્રોમાંથી મોટું કોલાજ જેવું મ્યૂરલ આજે ય સંસ્થાની ભીંતને શોભાવી રહ્યું છે. સાજા થઈ ગયેલાં દર્દીઓ (ભાઈ-બહેનો) યાદ કરી અને મળવા આવે. પ્રસંગે બોલાવે, વ્હાલ કરે! આ જ તો ખરી કમાણી છે. જેનાં માબાપે મહાત્મા ગાંધીને ઉપાસ્યા હોય તેવી કોઈ સૂચિ જ આ કરી શકે. આપણી અંદરના અસલ માણસને જીવતો રાખીને જીવનારાં આવાં તો કોઈક જ હોય. ઉમાશંકરને યાદ કરીને સૂચિ કહે છે :
‘ત્રણ વાનાં મુજને મળ્યાં :
હૈયું મસ્તક હાથ
જા ચોથું નથી માગવું
બહુ દઈ દીધું નાથ.’
આ ત્રણે વાનાંને સૂચિ જીવનભર પ્રયોજતી રહી છે. પશ્ચિમની પ્રજા જેને માટે કહે છે – થ્રી ‘એચ’. હાર્ટ-હેડ-હૅન્ડઝ !
સૂચિ એક પ્રસંગ કહે છે. 20 જેટલાં દર્દીઓને લઈને સંસ્થાના વાનમાં સૂચિ એમને દૂરના સ્થળે ફરવા – પિકનિક પર – લઈ જાય છે. બધું સમુંસૂતરું ચાલે છે, પણ વળતાં પેલા બધા સૂચિને કહે છે, ચાલ સૂચિ ! અમે તો આ બહેન સાથે જ ભાગી જવા ચાહીએ છીએ. અમારે એ કેદખાનામાં પુન: નથી આવવું. મુક્ત થઈ જવું છે. ગાડી ચલાવનાર પણ એમનો જ, એ ય તાનમાં. કર્મચારી તો સૂચિ એકલી હતી. અંદરથી ડરી-હચમચી ગયેલી સૂચિને આ ઘટનાના બધા સંકેતોએ આંખે અંધારાં લાવી દીધાં, છતાં કોઈ અજબ શક્તિની સૂચિ સ્વસ્થતા ઓઢીને બધાંને વાતે વળગાડે છે : ‘હા ચાલો, હું ય આવું. પણ એક જોખમ છે. આ સંસ્થાની મોટરવાન આપણને પુન: પકડાવી દેશે. પાછી જેલ, પાછું સંસ્થામાં જવાનું .. ને બધું એકડેએકથી શરૂ કરવાનું. આ તો વધારે અઘરું છે – આપણે બીજો રસ્તો વિચારીએ.’ આવી ચર્ચામાં સૌને જોડીને બધાંને પાછાં સંસ્થામાં લાવી ઉતાર્યાં. બધા બોલી ઉઠ્યા – ‘સૂચિ આપણને બનાવી ગઈ.’ બીજી બાજુ સૂચિ બેભાન થઈને પડી હતી, બધું માંડ થાળે પડેલું ! સાઇકોથેરેપી શું છે ? એ માત્ર પુસ્તકોમાંથી નહિ, સૂચિ જેવાં કર્મશીલો પાસેથી પણ શીખવું જોઈએ. પોતાના આવા અનુભવો સૂચિ કશા દાવા વિના, વાર્તા-રેખાચિત્ર રૂપે લખે છે. વાર્તાકલા વિશે મારે સાથે સૂચિ 2009થી આજ સુધી ચર્ચા કરતાં રહ્યાં છે ને એ જાણે છે કે વાર્તા સર્જવી અઘરી છે.
બા પાસેથી ગાંધીજીને અને આઝાદી-આંદોલનની વાતો સાંભળેલી. પિતાજી નાની ત્રણે બહેનોને આશ્રમ તથા યરવડા જેલ, વર્ધા-સેવાગ્રામ અને બીજાં આંદોલન-સ્થળો પ્રવાસ કરીને બતાવેલાં. મોટીબહેન જાણીતા બાળકેળવણીકાર ગિજુભાઈ બધેકાનાં દીકરાને પરણીને ભાવનગરની દક્ષિણામૂર્તિ શાળાને સમર્પિત થયેલાં. આજે એ મોટાભાઈ કે બહેનો કોઈ રહ્યાં નથી, માત્ર એમની યાદો તથા રાજકોટનાં એ તોફાનમસ્તીનાં વર્ષોની સ્મૃિતઓ વગેરે બચ્યાં છે.
પણ સૂચિને તો જીવનભર સખીઓ-મિત્રો મળતાં જ રહ્યાં છે. સ્વભાવ જ સૌને પોતાનાં કરી લેવાનો અને પ્રસંગે-સાંજેમાંદે-છાનાંમાનાં મોઢામોઢ થઈ મદદ કરવાનો. આજે હિન્દુ – ઇસાઈ – મુસ્લિમ – પંજાબી – દક્ષિણ ભારતીઓ તથા એશિયન – આફ્રિકન – અમેરિકન એમ ઘણા મિત્રો છે – મળે છે ને પર્વો ઉજવે છે. આ વયે પણ તોફાનમસ્તી કરી લેનારા મધુ રાય અને સુઘોષ મજમુદાર જેવા મિત્રો છે. મધુ રાયને તો પોતાની ‘રિહેબ સંસ્થા’માં નોકરી પણ અપાવેલી. પરંતુ મધુભાઈ બાંધી નોકરી કરવા નથી સર્જાયેલા. સદાય કોરી રહેતી મધુભાઈની આંખ સૂચિની વાતોમાં નમ બને છે. એકવાર મધરાતે જયંતી પટેલ ‘રંગલો’ને મધુ રાય સૂચિને ઘેર મૂકી આવેલા – ‘પગ ભાંગેલો’ તે કહેવાય નહોતા રહ્યા. કેટલો વિશ્વાસ ! સુઘોષ, બાબુ સુથાર, મધુભાઈ, પન્ના નાયક સમેત અનેક મિત્રો માટે સૂચિ-ગિરીશનું ઘર-રસોડું-ભોંયરું સદાને માટે ખુલ્લાં જ હોય છે.
સુઘોષ તો છેક કૅલિફોર્નિયાથી સૂચિના વિશ્વાસે બસમાં અથડાતાં-પછડાતાં છસાત દિવસે ફિલાડેલ્ફિયા પહોંચેલા. સૂચિને જોયાં પણ નહોતાં. પછી તો પ્રારંભે સૂચિના ઘરે જ રહીને ભણવાનું વગેરે પ્રારંભેલું. આજે પણ સુઘોષને માટે તો સૂચિ મમ્મી-મિત્ર-મોટી મૂડી જેવાં તો છે જ છે. સૂચિનો ચહેરો કાયમ હસતો ને હસતો હોય છે. હૃદયમનની પ્રસન્નતા વિના આ શક્ય નથી. પિતાજી કાયમ મહેમાન લઈને આવતા. સૂચિને એ પરંપરા જાળવ્યાનો આનંદ છે. ગિરીશ વ્યાસ પણ આ આનંદવર્તુળમાં ‘ત્રિજયા’ નહિ પણ ‘વ્યાસ’રૂપ છે. બંનેની ‘સેન્સ ઑફ હ્યુમર’ ગજબ છે. બંને એકબીજાંને આકરું લઢીવઢી શકે છે પણ ખોટું લગાડતાં નથી. નકામી નિયતને હસી કાઢે છે. ઘરકામ બંને સાથે જ કરે છે. ‘નિવૃત્તિમાં શું કરો છો?’ એવા પ્રશ્નના જવાબમાં ગિરીશ કહે છે : ‘સૂચિનું પર્સ ઉપાડવાની જવાબદારી ઉપાડું છું ..’ બંનેને હાસ્ય અને સદ્ભાવે સેવાપ્રેમે ટકાવ્યાં છે. હવે ઉંમરનો પડાવ દેખાય છે.
દીકરાદીકરીના સંસારમાં તટસ્થ બનીને રસ લેતાં સૂચિ-ગિરીશ ગુપ્ત રીતે ચેરિટી કરતાં રહે છે. ભક્તિ કે મંદિર કરતાં એમને ‘સર્વિસ ટૂ ફેલોમેન ઇઝ સર્વિસ ટૂ ગોડ’માં વધારે રસ છે. અનાથાશ્રમો, ગૌશાળાઓ (ગુજરાતમાં), કેન્સર નિવારણ કેન્દ્રો, ઘાયલ સૈનિક સેવા સંસ્થાનો તથા વહેલતારકોને દર વર્ષે નિયમિત ચેક મોકલતાં ગિરીશ-સૂચિને પ્રકૃતિ પણ ખૂબ વ્હાલી છે.
દૂર પહાડીઓમાં કોઈ અજાણ્યું અને નીરવતા પીતું ગામ છે. પાસે સ્વપ્ન નદી વહે છે એની પેલે પારના હરિયાળા ડુંગરોને માથે વાદળી આકાશ વરસે છે. ત્યાં ધરતી-આભનું મિલન થાય છે. ત્યાં મારું પ્રિયજન મારી સદીઓથી વાટ જુએ છે. આ મારી જન્માંતરોની લાગી રહી છે. હમણાં (જુલાઈ 28/2015) ગિરીશભાઈ મને ત્યાં છેક લઈ ગયા .. જ્યાં ‘દિલાવર’ નદી વહે છે. વૃક્ષોમાં છુપાયેલું ને પ્રશાંતિમાં ડૂબેલું ‘ન્યૂ હોપ’ ગામ છે. સામે ન્યૂ જર્સીમાં રાજ્યની સરહદ છે, ચારે તરફ વનરાઈછાયા ડુંગરો માથે ભૂરું આકાશ વરસે છે. વર્ષો જૂનાં, સુંદર સ્વચ્છ સુઘડ ઘરો ઊભાં છે ને પ્રિયજનની વાટ જોતી મુગ્ધાઓ ટગર ટગર તાકી રહે છે. જાણે આ ગામ અને હું આ લોકમાં નથી, કોઈ જુદા જ આલોકમાં છીએ ! હું કહું છું : ‘ભાઈ, તમે મને જન્માન્તરોથી તરસતા પ્રિયજન સાથે મેળાપ કરાવી આપ્યો છે. હું પુન: આ ગામમાં જન્મ લઈશ.’
સૂચિ-ગિરીશને ઘરે મિજલસ ને જલસો થતાં રહે છે. ફ્રેન્ડઝ ઑવ ફિલોડેલ્ફિયા – કવિતા-વાર્તા-ચર્ચા-સંગીત માટે મળતાં રહે છે. આયોજન ગમે ત્યાં હોય ત્યાં સૂચિનો સક્રિય સહયોગ અને ગિરીશની કારના આંટાફેરા સાથે હાસ્યના ફુવારા ઊડતા જ હોય ! પિનારા અહીં તરસ્યા નથી રહેતા ને મહેમાનો સંકોચ નથી રાખતા. પુસ્તકો-ચિત્રો-ફોટોગ્રાફી-ગાયકી-ગીતકવિતાની લિજ્જત માણનારાં ફિલાડેલ્ફિયામાં ઠીક ઠીક છે.
ફિલોડેલ્ફિયા તો સ્વતંત્ર અમેરિકાની પ્રથમ રાજધાની હતું. લિબર્ટી બેલ અહીં વાગેલો. જે દેશનું બંધારણ અહીં ઘડાઈ-વંચાઈ અને વહેતું મૂકાયેલું. અનેક સુખ્યાત યુનિવર્સિટીઝમાં ગુજરાતીઓ, ભારતીયો અહીં ભણવા આવેલા. સ્કૂલકીલ-ડેલાવર જેવી બારમાસી નદીઓનો બંદરબારાનો લાભ લેતું, વૃક્ષો-પહાડો-પ્રકૃતિ માટે જાણીતું આ રાજ્ય વસનારાંને વ્હાલું લાગે છે. ફિલાડેલ્ફિયામાં ક્રાઇમ રેટ ઊંચો હોય એવા એરિયા છતાં જીવન આનંદમય વીતે છે. સૂચિનો ત્રીજો પાડોશી કરોડપતિ છે – છતાં નિવૃત્તિમાં એ સૂચિના ઘર સમેત ત્રણચાર ઘરની લોન શોખથી કાપે છે. બીજો પાડોશી FBIનો અધિકારી છે. સૂચિના ઘરે – એની ગેરહાજરીમાં – કોઈ પણ આવે, એ પાડોશી પાસે આવે ને ખાતરી કરે .. રાહ જોવા ડેક પર નહિ, પોતાની કારમાં જ બેસી રહેવા વિનંતી કરે. અમેરિકન પ્રજાની આ ખૂબી છે.
ચારપાંચ દાયકા પહેલાં ઘરનાંએ સૂચિ માટે શોધેલો પેલો રૂપાળો ઉદય એક વાર ફોન કરીને સૂચિને જણાવે છે કે એ પરિવાર સાથે મળવા માગે છે. સૂચિના ઘરમાં ઉત્સવ હોય જાણે ! બધાંએ ઘર સજાવ્યું. સૂચિએ ભાવતાં ભોજન કર્યાં. સંતાનો કહે : “મમ્મીનો બૉયફ્રેન્ડ આવે છે.’ ગિરીશે બધાંને જણાવ્યું કે, ‘સૂચિને જોવા છોકરો આવે છે.’ સૂચિ પણ ઘડીવાર તો નર્વસ થઈ ગઈ. ઉદય ગાડીમાંથી લાકડીને ટેકે ઊતર્યો ત્યારે સૂચિ મનોમન બોલી ઊઠેલી કે, ‘બિચારો ઉદય ! છેક અસ્તાચળે આવી મળ્યો ..’ આ પ્રસંગ વર્ણવતાં ગિરીશ-સૂચિની આંખોમાં સાચ્ચે જ આંસુ ઉભરાયાં હતાં. આ બંને ‘મળેલા જીવ’ છે !!
સૌજન્ય : “ગુર્જરી ડાયજેસ્ટ”, જાન્યુઆરી 2016; પૃ. 36-40