અને છેલ્લે……
આજકાલ માધ્યમોમધ્યે સનાતન શબ્દની બોલબાલા છે. સનાતન એક જ ધટના છે અને તે છે પરિવર્તન. વસ્તુજગતમાં પરિવર્તન નરી આંખે ભાળી શકાય છે, પરન્તુ ભાવજગતમાં આવતું પરિવર્તન નરી આંખે ભાળી શકાતું નથી તેથી ઘણીવાર સનાતનનો ભાસ ઊભો થાય છે. ભારત, ભારતીયતા અને ભારતીય સાહિત્ય સંદર્ભે આ વિચારી શકાય તેમ છે.
પ્રાચીનકાળથી આજલગી સાહિત્યમાં સતત પરિવર્તન આવ્યું જ છે. એ પરિવર્તન પાછળ જીવન પ્રત્યે બદલાયેલો દૃષ્ટિકોણ જવાબદાર છે. ભારતીયતાનું પણ એવું જ છે. છતાં ભારતીયતાનો, કહો કે ઓળખનો વિમર્શ ૧૯મી સદીમાં કેન્દ્રમાં આવ્યો. પુન: આજે એનો સળવળાટ જોવા મળે છે. બેઉ વચ્ચે શું સામ્ય છે ? શું ભેદ છે તે વિચારી શકાય. ગાંધીજીએ ‘હિંદસ્વરાજ’ (૧૯૦૭) લખ્યું એ ઓળખની મથામણ જ હતી. છતાં એ વખતે એમને ભારતનો વાસ્તવિક પરિચય ન હતો. પરિણામે એમના ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેને ‘હિંદસ્વરાજ’ હજુ અપૂર્ણ લાગી હતી. ‘હિંદસ્વરાજ’માં જે પ્રશ્નોનો નામોલ્લેખ પણ નથી એ પ્રશ્નો જ પછીથી એમની વિચારણાના કેન્દ્રમાં રહ્યાં. સ્ત્રીઓની સ્થિતિ, અસ્પૃશ્યતા અને કોમવાદ આ ત્રણ પ્રશ્નો એ હતા. આનો એક ચિંતક સંદર્ભે મેં માત્ર ઉદાહરણ આપને આપ્યું. આજે તો ક્યારેક સ્થિતિ એવી ગંભીર જોવા મળે છે કે શું આપણે દયાનંદ સરસ્વતીને, ‘સત્યાર્થપ્રકાશ’ને સહી શકીશું ખરાં ? કર્મકાંડ, જ્યોતિષનો એમાં પ્રચંડ વિરોધ છે.
ભારતીય સંસ્કૃતિમાં બુદ્ધનો પ્રવેશ એ સનાતન સામેનો પ્રથમ વિદ્રોહ હતો. સનાતનના નામે વર્ચસ્વવાદીઓ જો હાંસિયામાં રહેલાં વર્ગ, વર્ણને કનડતા હોય તો એનો વિરોધ થવાનો જ. જે થયો. બુદ્ધની વિચારણા ભારતભરમાં તેમ જ ભારત બહાર પ્રસરી હતી. એવું બીજું ઉદાહરણ ભક્તિઆંદોલન છે. મુસ્લિમ સત્તાના આગમને રાજ્યાશ્રિત લેખકવર્ગ મુક્ત થઈ ગયો ! બીજી તરફ મુસ્લિમ સત્તા પણ હતી તો સામંતી સત્તા જ પરન્તુ જાતિપ્રથામુક્ત વિચારણા હતી તેથી સમાજના વંચિતોએ આકર્ષણ પણ અનુભવ્યું. સહુથી મોટું પરિવર્તન એ થયું કે રાજસત્તા અને ધર્મસત્તાનો જે અકાટ્ય ભેદ હતો એ દૂર થતાં ધર્મનું જે સ્વરૂપ ટીકાપાત્ર હતું એની ટીકા કરવાનો હવે સર્જકોને લેશમાત્ર ડર ન રહ્યો. અઢારેય વર્ણમાંથી સર્જકોનો ‘વિસ્ફોટ થયો ! જેના પરિણામે મીરાં, કબીર, તુકારામ, નાનક, બસવેશ્વર, અખો આ કામ કરી શક્યા. નિતાંત સાદું જીવન અને પ્રજા સાથેનું તાદાત્મ્ય હોવાથી એમને જરા ય આંચ ન આવી. મીરાંને ઝેર દેવું સહેલું ન હતું. બાકી આ સર્જકોને જો આજે લખવાનું થાય તો વાતાવરણ એવું છે કે કદાચ વિરોધ થાય.
આજે આવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું કારણ એ છે કે સમાજના બૌદ્ધિકો, શિક્ષિતોના એક વર્ગને સંસ્થાનકાળથી કેવળ ભારતની ટીકા કરવાનું જ ફાવ્યું છે, બીજા વર્ગ એવો છે કે જેમને ભારતનો પૂજાપાઠ કરવા સિવાય કશું જ ફાવતું નથી. આ બે અંતિમો વચ્ચે સર્જકઊર્જા જ રસ્તો કાઢી શકે. મારી દૃષ્ટિએ ‘ગોરા’ નવલકથા એ આનો પ્રત્યુત્તર છે. ભારતને પ્રચુર ચાહવાની પહેલી શરત છે પણ હવે સ્ત્રી કે દલિત સંદર્ભે, અજ્ઞાનતા સંદર્ભે ચૂક ચાલી શકે નહીં. એમની એક વાર્તા ‘અનાધિકાર પ્રવેશ’ પણ આજે વાંચવા જેવી છે. મંદિરમાં ડુક્કર ધુસી જતા હોબાળો થયો. બધા ડુક્કરને મંદિર અપવિત્ર કર્યા બદલ મારી નાખવા તત્પર થાય. મંદિર સાચવતી સાધ્વીએ ડુક્કર મારી નાંખવાનો વિરોધ કર્યો તો સાધ્વી પ્રત્યેનો બધાનો આદર ઝાકળની જેમ ઉડી ગયો ! મંદિરની ભ્રષ્ટતા અંગે સાધ્વી બેદરકાર છે એમ કહીને સહુ થુ થુ કરે છે. શું આ ભૂંડ રૂપક નથી ? મંદિરમાં કોનો પ્રવેશ વર્જિત હતો ? આજે ખાલી ગણેશના પંડાલમાં અસ્થિર મગજનો વિધર્મી પ્રસાદ લેવા આવ્યો અને મરણતોલ પ્રસાદી અપાઈ! એવા સમાચાર મેં વાંચ્યા ત્યારે ટાગોરની આ વાર્તા ફરી યાદ આવી. ‘ભારતતીર્થ’ કવિની એ કલ્પનાનું ભારત છે. એમના પછી સર્જકતામાં આવો ભારતવિમર્શ, જમીનસરસો, આકાશ કુસુમવત્ નહીં એવો, શરદબાબુ અને પ્રેમચંદજીમાં જોવા મળ્યો છે. ‘પલ્લીસમાજ’ ગાંધી આગામન પૂર્વેનું સર્જન છે, એક વાર એમાંથી પસાર થાવ તો ભારતીયતાની પ્રચંડ તાકાત અને નિર્બળતા બેઉનું દર્શન થશે. પ્રેમચંદજીએ આ કામ ‘ગોદાન’માં કર્યું છે. એ પછી રેણુના ‘મેલા આંચલ’માં એ પરંપરા આગળ ચાલી છે. આજે વિકાસના તળે કચડાતાં આદિવાસીને જોતાં કાનજી પટેલ કે રણેન્દ્ર જેવાં લેખકો ભારતને અપાર ચાહે છે એનું જ ઉદાહરણ છે.
સૂત્રોચ્ચારોમાં કચકચાવીને ભલે જે કાંઈ ઉછળતું હોય એ ઉછળે એના પર આપણો કાબૂ સંભવ નથી પરન્તુ સર્જકોનું કામ છે પ્રજાને અપાર સ્નેહપૂર્વહ અકુંઠિતપણે, નિર્મમતાથી સત્યનું દર્શન કરાવવું. જે ભાષામાં ગોવર્ધનરામ જેવા નવલકથાકાર છે એ ભાષાના સર્જક પાસે આજે આવી અપેક્ષા રાખવી જરા ય વધુ પડતી નથી.
સૌજન્ય : ભરતભાઈ મહેતાની ફેઇસબૂક દીવાલેથી સાદર