શ્રીમદ્ રાજચંદ્ર પરનું નાટક ‘યુગપુરુષ’ રંગમંચ પર તો નહોતું જોઈ શકાયું પણ હમણાં ટેલિવિઝન પર તેનું પ્રસારણ થયું, ત્યારે તેને જોવાનો મોકો મળ્યો. આ નાટક વિશે ખૂબ પ્રશંસાની સાથે સાથે તેને લગતાં જુદાં જુદાં ચર્ચાવિવાદ પણ વાંચેલાં. નાટક જોયા પછીની મારી પહેલી અસર એ પડી કે એક નાટક તરીકે આ એક ઘણું સારું, જાણવા અને સમજવા લાયક, પ્રેરણાદાયી તેમજ પ્રભાવકારી અને તેના લેખક-દિગ્દર્શકના પક્ષેથી પણ એક અત્યંત ચુસ્ત, લોકભોગ્ય અને સાથે સાથે કલ્પનાશીલ અને પ્રયોગશીલ નાટક બની શક્યું છે. બે મહાન ચરિત્રોનાં જીવન, વિચારો, કાર્યો અને પ્રસંગોને બે કલાકમાં રસપ્રદ શૈલીમાં રજૂ કરવાં તે પોતે જ એક મોટો પડકાર કહી શકાય. વળી, આજના સમયમાં શ્રીમદ્ અને ગાંધી જેવી આધ્યાત્મિક વ્યક્તિઓનાં આત્મચિંતનમાં પ્રેક્ષકોને રસ લેતા કરવા, તેમની બેઠક પર બે કલાક જકડી રાખવા અને એમ કરવામાં નાટ્યલેખક અને રંગમંચકલાના તમામ કલાકસબને પ્રમાણસર ઉપયોગમાં લેવા એ કપરી કસોટીમાંથી આ નાટકના કલાકારો સફળ રીતે પસાર થયા હોવાનો અનુભવ ચોક્કસ થાય છે.
શ્રીમદ્નું પાત્ર ભજવનાર કલાકારે તેની સ્થિર, સમ્યક્ મુખમુદ્રા, અવાજના ઉતારચડાવ વગરની એકધારી અચંચળ સંવાદશૈલી અને ચહેરા પરના સ્થાયી પ્રસન્નકારી સ્મિત દ્વારા એક આધ્યાત્મિક સિદ્ધપુરુષની ભૂમિકાને અદ્ભુત રીતે ઉપસાવી છે, જે ખરેખર અભિનંદનને પાત્ર છે. ગાંધીજીનાં યુવાન અને વૃદ્ધ – બંને પાત્રો ભજવતા કલાકારો પણ એટલા જ અસરકારક રહ્યા છે. આધ્યાત્મિક પ્રશ્નો બાબતે યુવાન ગાંધીની જિજ્ઞાસા, વિનમ્રતા અને શ્રીમદ્ પ્રત્યેનો આદરભાવ સતત તેમના અભિનયમાં જોવા મળે છે.
વૃદ્ધ ગાંધી લગભગ પ્રવક્તા જેવી ભૂમિકા ભજવે છે. સાથે સાથે તેમના મનની પછવાડે સદાને માટે વસી ગયેલો શ્રીમદ્નો અવાજ અને પ્રત્યેક નિર્ણય અને કાર્યમાં વણાઈ ગયેલું શ્રીમદ્નું માર્ગદર્શન જે રીતે ગાંધીજીના જીવનમાં વખતોવખત સર્જાતી કટોકટી વખતે પથદર્શક બની રહે છે, એ તમામ વૈચારિક મંથન-મથામણ આ વૃદ્ધ ગાંધી ભજવતા કલાકાર આબાદ રીતે ઉપસાવી શક્યા છે.
નાટકમાં દૃશ્યપરિવર્તન, ફ્લૅશબૅકનાં દૃશ્યો, સમાનાંતરે ભજવાતાં દૃશ્યો, જુદાં જુદાં સ્થળો સૂચવતાં સાદા સાંકેતિક સન્નિવેશ-એકમો વગેરે કલાકસબ અને દિગ્દર્શન નોંધપાત્ર છે. ગોળાકારે ફરતા પ્લૅટફૉર્મ પર બેઠેલા ત્રણ કલાકારોનું દૃશ્ય ‘સિનેમેટિક’ લાગે છે, જાણે કે કૅમેરા પાત્રોની ગોળ ગોળ ફરી રહ્યો છે. આ દૃશ્ય દ્વારા શ્રીમદ્નું સમ્યકદર્શન અને ગાંધીનું આત્મચિંતન પ્રતીકાત્મક શૈલીમાં વ્યક્ત થયાં છે, જે પ્રેક્ષકોને ભારે પ્રભાવિત કરી જાય છે. ‘ટેકનિક ખાતર ટેકનિક’ નહીં પણ પાત્રોના આંતરિક મનોમંથનની તીવ્રતાને આ ટેક્નિકની મદદથી રજૂ કરવામાં દિગ્દર્શકે સફળતા મેળવી છે.
વિષયને અનુરૂપ પાર્શ્વસંગીત પાત્રોનાં કથન અને ભાવોને હૃદયસોંસરા ઉતારવામાં ભારે મદદરૂપ બને છે. તમામ સ્વરાંકનો શ્રીમદ્ અને ગાંધી જેવી બે મહાન પવિત્ર વ્યક્તિઓની આધ્યાત્મિક પ્રકૃતિને અનુકૂળ બન્યાં છે. આ સ્વરાંકનો સાંભળવાથી પ્રેક્ષકોનાં મન-હૃદયમાં પણ સતત ધ્યાન, ભક્તિ અને અધ્યાત્મના ભાવો સ્ફુરતા રહે છે. ‘યુગપુરુષ’ નાટકના નિર્માતા, લેખક, દિગ્દર્શક, તમામ કલાકારો અને નેપથ્યના કસબીઓને ખૂબ ખૂબ અભિનંદન.
હવે આપણે આ નાટકના વિષયને લઈને ઊઠેલા એક સંવેદનશીલ મુદ્દાને ચકાસવાનો પ્રયાસ કરીએ. કેટલાકના માનવા પ્રમાણે નાટકમાંથી એવો સૂર ઊઠે છે કે ગાંધીજીને મહાત્મા બનાવનારા શ્રીમદ્ હતા. લેખકે કે દિગ્દર્શકે ક્યાં ય ગાંધી નીચા પડે એવું તો કશું નથી જ દેખાડ્યું, પરંતુ તેમ છતાં આ લાગણી થવા પાછળ એક મોટું કારણ નાટકનું શીર્ષક છે. શ્રીમદ્ને ‘મહાત્માના મહાત્મા’ તરીકે ઓળખાવીને આ નાટકના સર્જકોએ શ્રીમદ્ પ્રત્યે પોતાનો અતિ ભક્તિભાવ પ્રગટ કર્યો હોવાનું સમજાય છે. શ્રીમદ્ રાજચંદ્ર એમની રીતે પૂરેપૂરા આદર અને ભક્તિને પાત્ર જ હતા. માત્ર તેમને ‘મહાત્માના મહાત્મા’ કહી દેવાની અધીરાઈ પર રોક લગાવવાની જરૂર હતી. જો આવું શીર્ષક ન રાખ્યું હોત, તો કદાચ નાટક આ વિવાદમાંથી બચી ગયું હોત.
નાટકમાં શ્રીમદ્ અને ગાંધીમાંથી કોણ વધુ મહાન એવી સરખામણી કરવાનો ઉદ્દેશ જ નથી અને હોવો પણ ન જોઈએે. કારણ કે કોઈ પણ બે મહાપુરુષો વચ્ચે સરખામણી કરી જ ન શકાય. પરંતુ અહીં, નાટકના નિર્માતાઓએ જાતે જ શ્રીમદ્ અને ગાંધી જેવા મહાપુરુષોને સામસામા ખડા કરી દઈ એકને બીજાથી મહાન ગણાવવા તરફની અપ્રિય પરિસ્થિતિ ઊભી કરી.
પોતપોતાનાં ક્ષેત્રે સર્વોચ્ચ પ્રદાન કરી ગયેલા બે મહાપુરુષોને સામસામે રાખીને ત્રાજવે તોળવાનું કામ કાં તો તેમના અનુયાયીઓ કરે અને કાં તો અણસમજુ લોકો કરે; સંતુલિત વિવેકબુદ્ધિ આવું કામ ન જ કરાવે. કારણ કે કોઈ પણ નાટકનું શીર્ષક નાટકનો સાર (વસ્તુ) સૂચવે છે. ‘મહાત્માના મહાત્મા’ શીર્ષકનો અર્થ એક જ થાય કે “શ્રીમદે મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા બનાવ્યા.” નાટકના કલાકારો પણ આ જ મૂળ વિચારને લઈને આગળ વધ્યા છે કે શ્રીમદ્ના પ્રદાન વડે ગાંધીજી મહાત્મા બન્યા. અહીં એવો અર્થ નથી નીકળતો (જે ખરેખર નીકળવો જોઈએ) કે ગાંધીજીના વૈચારિક ઘડતર પર વિવિધ સ્તરે પ્રભાવ પાડવામાં દેશવિદેશની અસંખ્ય જુદી જુદી વ્યક્તિઓ અને પુસ્તકોની માફક જ શ્રીમદ્ રાજચંદ્ર એક કારણ રહેલા.
કોઈ વ્યક્તિ કોઈ એકના જ પ્રભાવથી જ મહાત્મા બને (અને એ પણ ગાંધી જેવી અનેકાનેક વિષયો અને ધ્યેયોને પોતાના વિશાળ કાર્યક્ષેત્રમાં સમેટી લેતી વિરાટ બહુમુખી પ્રતિભા) એવો તર્ક વ્યક્તિને મહાત્મા બનાવનારી સૂક્ષ્મ સંયોજકનકારી પ્રક્રિયાને ‘over simplify’ કરી દેતી હોવાનું લાગે છે.
‘યુગપુરુષ’ના નિર્માતા ગાંધીજીની મહાનતાને હકીકતમાં નકારતા નથી. ગાંધીજીની મહાનતા અને વિશ્વખ્યાતિથી તેઓ પૂરેપૂરા પરિચિત છે અને એટલા માટે જ ગાંધીથી ઓછા જાણીતા એવા શ્રીમદ્ને જાણીતા કરવા ગાંધીના પાત્રને કેન્દ્રમાં લાવ્યા છે. અથવા, સહેજ અપ્રિય ભાષામાં કહીએ તો શ્રીમદ્ને વિશેષ પ્રસિદ્ધ અપાવવાના મોહમાં ગાંધીની વિશ્વવ્યાપી પ્રસિદ્ધિનો અહીં ‘ઉપયોગ’ થયો છે.
ગાંધીજીના ભોગે શ્રીમદ્ને મહાન દર્શાવ્યાની આવી લાગણી થવા પાછળ નાટ્યલેખકનું માળખું પણ જવાબદાર બન્યું છે. સામાન્ય રીતે નાટકનો પ્રવક્તા તટસ્થ હોય છે, જે કથાની બહાર રહીને નાટકમાં બનતી ઘટનાઓ વિશે ટીકાટિપ્પણી કરે છે. નાટક ‘યુગપુરુષ’માં સ્વયં ગાંધીજીને જ પ્રવક્તા બનાવી દેવામાં આવ્યા છે, જેમનું કામ પોતાના માધ્યમથી શ્રીમદ્નો મહિમા ગાવાનું છે. આને કારણે નાટકના દરેક દૃશ્યમાં ગાંધીજી શ્રીમદ્ સમક્ષ માત્ર જિજ્ઞાસુ અને ગુણગ્રાહી એવા પ્રશ્નકર્તાની ભૂમિકામાં જ જોવા મળે છે. નાટકમાં ક્યાં ય ગાંધીની ભીતરનો મહામાનવ ડોકિયું કરતો જોવા નથી મળતો. આનાથી એવી છાપ ઉપસે છે કે શ્રીમદ્ના પ્રભાવને કારણે જ ગાંધીજી મહામાનવ બની શક્યા.
એ વાત કબૂલ કે આખું ય નાટક જ શ્રીમદ્ માટે છે, ગાંધી માટે નહીં. નાટકનો હેતુ જ શ્રીમદ્ની વિશેષતાઓ બહાર લાવવાનો છે, એટલે નાટકમાં સમગ્ર ધ્યાન શ્રીમદ્ પર જ કેન્દ્રિત હોય એમાં કશું વધારે પડતું નથી. પરંતુ અહીં એક વાત ભૂલી જવાય છે કે ગાંધી અને શ્રીમદ્ એ કાલ્પનિક પાત્રો નથી. બંને સાચેસાચાં ઐતિહાસિક ચરિત્રો છે. વળી, પોતપોતાની રીતે બંને ય અસાધારણ મનુષ્યો છે. નાટકમાં માત્ર શ્રીમદ્ની જ મહાનતા દર્શાવવી હોય, તો એવી કોઈ વ્યક્તિને લાવી શકાઈ હોત, જે સામાન્ય હોય અથવા શ્રીમદ્ની અનુયાયી હોય. પરંતુ ગાંધી જેવા સદીમાં જવલ્લે જ જોવા મળતા મહામાનવને આખા ય નાટકમાં શ્રીમદ્ની સમક્ષ માત્ર પ્રવકતા કે પ્રશ્નકર્તા તરીકે રજૂ કરવા જતાં ગાંધી અને શ્રીમદ્ને સારી રીતે જાણનારા પ્રેક્ષકોમાં અસંતોષ જાગે છે. ગાંધીના તેમ જ ગાંધી વિશેનાં અનેક લખાણો પરથી જાણવા મળે છે કે ગાંધીના (કે મહાત્માના) નિર્માણમાં શ્રીમદ્ સાથેના સત્સંગ સિવાય પણ અનેક ઘટનાઓ અને દેશવિદેશની બીજી અનેક મહાન વ્યક્તિઓ કારણભૂત બની હતી, જેમણે ગાંધીના ઘડતરમાં જુદા જુદા તબક્કે મહત્ત્વનો ભાગ ભજવેલો.
દાખલા તરીકે, ગાંધીજીનાં માતા પૂતળીબાઈએ તેમનામાં બાળવયથી ઈશ્વરભક્તિ પ્રેરી; તેમની દાસી રંભાએ તેમને નાનપણમાં નિર્ભય બનવા રામનામનો મંત્ર આપ્યો, લંડન ભણવા ગયા, ત્યારે હેન્રી સૉલ્ટ અને ઍડવર્ડ કારપેન્ટર જેવા ગોરાઓ પાસેથી તેઓ શાકાહારનું વૈજ્ઞાનિક મહત્ત્વ સમજ્યા. કાર્પેન્ટર કૅમ્બ્રિજ સ્કૉલર હતા અને યૉર્કશાયરના પહાડી વિસ્તારમાં રહેતા હતા. અહીંથી જ તેમણે ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણનો વિરોધ કરેલો. સૉલ્ટ અને કાર્પેન્ટર ભરવાડો, ગોવાળો અને ખેડૂતોનાં સાદાં ગ્રામજીવનના હિમાયતી હતા. તેઓ બંનેની પૂર્વે વડ્ઝવર્થ અને રસ્કિન પણ એમ જ માનતા હતા કે ખેડૂતો અને ભરવાડોની જિંદગી બિઝનેસમેન કે ફૅક્ટરી વર્કરની સરખામણીમાં વધારે શુદ્ધ અને વધારે નૈસર્ગિક સ્વરૂપની હોય છે. આ સંદર્ભે એડૉલ્ફ જસ્ટ દ્વારા લખાયેલું પુસ્તક ‘Return to Nature’ પણ ગાંધીજીને કુદરત સાથે એકરૂપ બનીને જીવવાના વિચારોથી પ્રભાવિત કરી ગયેલું. ગાંધીજીના અભ્યાસી જેમ્સ હંટ જણાવે છે કે અસલમાં ગાંધી ઇંગ્લંડમાં ‘એજ્યુકેશન ઍક્ટ’ની સામે લડત આપનારા નૉન કમ્ફર્મિસ્ટોથી પ્રભાવિત થયેલા, જેમાં બિનસરકારી શાળાઓમાં ઍંગ્લિકન શિક્ષણ આપવું ફરજિયાત બનાવવામાં આવેલું. આ તમામની મૈત્રી દરમિયાન ગાંધીએ તેમનો પ્રભાવ ઝીલેલો.
૧૯૦૪માં હૅન્રી પોલાકે ગાંધીને આપેલ જ્હૉન રસ્કિનના પુસ્તકે તેમને અર્થકારણ સાથે હોવી જોઈતી નૈતિકતા પર પ્રકાશ પાડ્યો. જેમાં ગાંધીએ ટૉલ્યટૉયે તેમને ત્યાગ, સાદગી, ગરીબોની સેવા ઉપરાંત (‘વૈંકુઠ તારા હૃદયમાં’ પુસ્તક દ્વારા) માનવહૃદયમાં ઈશ્વરનો વાસ હોવાનો વિશ્વાસ બંધાવ્યો. જીવનમાં સાદગી અને નિમ્નતમ જરૂરિયાતો રાખવા પાછળ ટૉલ્સ્ટૉય, રસ્કિન અને થોરૉની માફક ડૉ. નિકૉલે લખેલું એક પુસ્તક ‘How to Live on Six Pence a Day’ પણ ગાંધીજી પર ખૂબ પ્રભાવ પાડી ગયેલું.
ગાંધીજીનો પરિચય મૅડમ બ્લૅવેટ્સ્કીએ સ્થાપેલ થિયોસૉફી સાથે થયેલો. તેમાં તેમણે ધર્મ અને વિજ્ઞાન, ખ્રિસ્તી ધર્મ અને હિંદુધર્મનો સમન્વય જોયો. થિયોસૉફીની જેમ ગાંધીને ઈસુનાં ગિરિપ્રવચનોમાં પણ રસ પડ્યો. આફ્રિકામાં કેટલાક ખ્રિસ્તી પાદરીઓ સાથેની જ્ઞાનચર્ચાથી અને બાઇબલના અભ્યાસથી ગાંધીએ દયા, કરુણા, પ્રેમભાવ, ક્ષમા, ગરીબોની સેવા વગેરે ગુણો ગ્રહણ કર્યા. ઇસ્લામ અને કુરાનમાંથી પણ ગાંધીને ઈશ્વર એક જ છે અને બધા મનુષ્યો સમાન છે, એવો બોધ મળ્યો.
એ સમયે ગોખલેએ ગાંધીજીને સામાજિક-રાજકીય આંદોલનો દરમિયાન સૌ પહેલાં કાયદાકીય અથવા બંધારણીય માર્ગ લેવા પર ભાર મૂકેલો. તેમણે તેમને એમ પણ સમજાવેલું કે રાજકીય સ્વતંત્રતા પહેલાં દેશમાં સામાજિક સુધારણા કરવી અગત્યની છે. ગોખલેને ગાંધીજી પોતાના રાજકીય ગુરુ માનતા હતા. તેમની સાથે સમાજસુધારક મહાદેવ ગોવિંદ રાનડેએ પણ આફ્રિકાથી ભારત આવેલા ગાંધીજીને એક પ્રસંગે કહેલું કે દૂર આફ્રિકા જેવા પારકા મુલકમાં રહેતા ભારતીયો સાથે થઈ રહેલા ભેદભાવ તમને સ્પર્શે છે. પણ ભારતની અંદર જ અંત્યજો સાથે થઈ રહેલા ભેદભાવ તમને કેમ સ્પર્શતો નથી? આ વાત ગાંધીજીને તીવ્રપણે સ્પર્શી ગયેલી અને ભવિષ્યમાં અસ્પૃશ્યતાનિવારણ તેમના રચનાત્મક કાર્યક્રમનું હાર્દ બની ગયેલું.
ગાંધી પર શ્રીમદ્ના પ્રભાવ અંગે વધુમાં વધુ એમ કહી શકાય કે ગાંધીની વિશ્વવ્યાપી કારકિર્દી ઘડાઈ રહ્યાનાં શરૂઆતનાં વર્ષોમાં, જ્યારે ગાંધીનું યુવા મન હજુ મનોમંથનની તીવ્ર પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું હતું એવે વખતે શ્રીમદે ભવિષ્યમાં ગાંધી સામે આવનારી મોટી મોટી લડતો દરમિયાન સમતાપૂર્વક ટકી રહેવા માટે જરૂરી એવું આધ્યાત્મિક પોત ઘડી આપવામાં બહુ મોટું યોગદાન આપ્યું. શ્રીમદ્ પાસેથી ગાંધીજી વૈરાગ્ય, સાદગી, અનાસક્તિ, બ્રહ્મચર્ય, અહિંસા અને તમામ ધર્મોમાં રહેલા મૂળતત્ત્વની એકતાને જાણી શક્યા.
પરંતુ આ ઉપરથી પણ પેલું તારણ તો ન જ નીકળે. કારણ કે જે અર્થમાં શ્રીમદ્ રાજચંદ્રને આપણે મહાત્મા તરીકે ઓળખીએ એ જ અર્થ અને વ્યાપ ગાંધીજીના ‘મહાત્મા’ પદને લાગુ નથી પડતા. ગાંધી માટે બોલાતો ‘મહાત્મા’ શબ્દ માત્ર તેમનાં ત્યાગ, વૈરાગ્ય કે આધ્યાત્મિક ચિંતનને લઈને જ નથી. કારણ કે એવા ત્યાગી અને વૈરાગી સાધકો તો રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ અને અરવિંદ પણ હતા. ગાંધીના મહાત્માપણામાં એ સિવાય પણ બીજી અનેક વિશેષતાઓ આવી જાય છે જેને કારણે મહાત્મા ગાંધી સમસ્ત વિશ્વને પ્રભાવિત કરી જાય છે, આધ્યાત્મિક સાધકોની તુલનામાં ગાંધીજીના જીવનની મૂળભૂત પ્રાથમિકતાઓ જ સાવ જુદી હતી. તેમનાં જીવનનું કાર્યક્ષેત્ર તેમના વ્યક્તિગત આત્માથી વિસ્તરી સમસ્ત સમાજ અને દેશના યોગક્ષેમને આવરી લેતું હતું. ગાંધીજીએ તેમની અધ્યાત્મ-શક્તિને દેશને પીડતા રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક, નૈતિક વગેરે પ્રશ્નોના ઉકેલ માટે લાગુ પાડવાનો એક મહાયજ્ઞ આરંભેલો.
ગાંધીજી માટે આધ્યાત્મિકતા એ વનમાં કે હિમાલયમાં ઘરમાં કે આશ્રમમાં, એકાંતમાં રહીને જીવવાની વસ્તુ નહોતી. ગાંધીજી એક જુદી જ માટીના જીવન-સાધક હતા, જે આ દુન્યવી જગતની તમામ અપૂર્ણતાઓ-અશુદ્ધિઓ વચ્ચે રહીને પોતે સેવેલા (સત્ય-અહિંસા કે સાધનશુદ્ધિના) પ્રયોગોને વ્યવહારમાં કાર્યાન્વિત કરવા ઝંખતા હતા. સાથેસાથે “મારું જીવન એ જ મારો સંદેશ” કહીને તેમણે એ સમજાવેલું કે તેમનો સઘળો બોધ તેમણે બોલેલા કા લખેલા વિચારો નહીં પણ સ્વયં તેમનું વાસ્તવમાં જીવાયેલું જીવન છે. આચારવિચાર વચ્ચે સામંજસ્ય ગાંધીની સૌથી મોટી વિશેષતા હતી.
‘મહાત્મા’ના પદથી ગાંધીજી પોતે પણ સતત સભાન અને ચિંતિત હતા અને તેથી જ તેઓ સતત પોતાના દોષો કે વિકારોનું આત્મવિશ્લેષણ કરતા રહેતા. તેમને ઘણી વાર એવું લાગેલું કે તેમનામાં હજુ પણ અનેક અશુદ્ધિઓ રહી છે, જેને કારણે તેઓ દેશમાં ખરી શાંતિ-સ્થિરતા લાવી શકતા નથી. તેમનાં આયુનાં છેલ્લાં વર્ષોમાં તેમણે કરેલા બ્રહ્મચર્યના (વિવાદિત) પ્રયોગો પાછળ પણ વાસ્તવમાં ગાંધીજીની આ જ જાગૃત માનસિકતા કામ કરતી હતી કે તેમનામાં હજુ સૂક્ષ્મ વિકારદોષો પડ્યા છે જે તેમની અહિંસક લડતને ઉચિત મુકામે પહોંચાડી શકતા નથી. તેમને અહિંસાની શક્તિમાં પૂર્ણ શ્રદ્ધા હતી. તેઓ અંત સુધી દૃઢપણે માનતા રહેલા કે અહિંસા ક્યારે ય નિષ્ફળ જતી નથી, નિષ્ફળ જાય છે માણસ, જેણે પોતાની આત્મશુદ્ધિ દ્વારા હજુ પણ એ જરૂરી શક્તિ-સામર્થ્ય કેળવ્યાં નથી.
નેહરુએ તેમની આત્મકથામાં ગાંધીનું સટીક વિશ્લેષણ કરતા લખ્યું છે કે અમારા જેવા લોકો પોલિટિશિયનના વર્ગમાં આવે, જ્યારે ગાંધી પ્રોફેટ હતા. પોલિટિશિયનના તમામ પ્રયાસો પોતાના સત્તાકાળમાં ધારી સફળતા મેળવવાના હોય, જ્યારે પ્રોફેટની નજર માત્ર વર્તમાન પર જ નહીં, પણ આવનારી સદીઓ સુધી લંબાયેલી હોય. અને એટલા માટે જ ગાંધી જેવી વિભૂતિઓ તેમના આદર્શોમાં કેટલી સફળ નીવડી તેનો અંદાજ તાત્કાલિક ન પણ મળે. એમના પુરુષાર્થનાં ફળ કદાચ ભવિષ્યમાં આવનારી પેઢીઓ ચાખવાને સદ્ભાગી બને અને ત્યારે એ આદર્શોનું સાચું મૂલ્ય સિદ્ધ થાય.
આમ, ગાંધીજી ઘણુંબધું હતા જેને કારણે તેઓ ‘મહાત્મા’ તરીકે ઓળખાયા. કારકિર્દીના આરંભે જે કોઈનાં પ્રેરણા-માર્ગદર્શનથી એક વાર તેમનું આંતરિક પોત મજબૂતપણે બંધાઈ ગયા પછી તેમને ડગલે ને પગલે કોઈ યોગી મહાત્માઓના માર્ગદર્શનની જરૂર નથી પડી. હા, એ ખરું કે એકાદ-બે ઘટનાઓ વખતે ગાંધીજીએ ટાગોરના આશીર્વાદ ચોક્કસ માંગેલા. બાકી મોટા ભાગે તો હરેક પ્રશ્ને તેમની ભીતર બેઠેલા પરમાત્માએ જ તેમને માર્ગ ચીંધાડ્યો છે, જેને ગાંધી ‘Inner Voice’ કહેતા હતા.
છેલ્લે એવો પણ વિચાર આવે છે કે આ લોકો આવું શીર્ષક રાખવાના મોહમાં ન પડ્યા હોત, તો કદાચ આ વિવાદ ટાળી શકાયો હોત. બાકી તો જ્યાં આગળ ભક્તિ જ સર્વસ્વ હોય, ત્યાં તર્ક અને તથ્યો, ભાન અને પ્રમાણભાન, બધું ચૂકી જવાય છે.
E-mail : bharatdave50@yahoo.co.in
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2020; પૃ. 12 – 14