હિન્દી સાહિત્યના વરિષ્ઠ કવિ-લેખક ધર્મવીર ભારતીના વિપુલ સાહિત્યમાં ધ્યાન ખેંચનારું એક અદ્દભુત પદ્યનાટક છે ‘અંધાયુગ’. ‘અંધાયુગ’ એ સ્વાતંત્ર્યોત્તર વિકસેલી રાષ્ટ્રીય રંગભૂમિનું સર્વપ્રથમ આધુનિક અને સર્વાંશે ભારતીય કહી શકાય એવું એક અસાધારણ નાટક છે. તેનું કથાબીજ આપણાં મહાકાવ્ય મહાભારતમાંથી પસંદ કરવામાં આવેલું. મહાભારતને જો આપણે સાંસ્કૃિતક ઇતિહાસ કે પુરાણકથા ગણીએ તો આ નાટક લખવા પાછળ પણ લેખકના પોતાના સમયનો, એક આઝાદ દેશના ઉદયકાળનો વેદનાકારી ઇતિહાસ એક મોટા પ્રેરકબળ તરીકે ઉભરી આવે છે.
મહાભારતમાં એક જ કુળના બે પિતરાઈઓ વચ્ચેનાં ઘોર વૈમનસ્યનાં પરિણામે ૧૮ દિવસ ચાલેલા મહાભીષણ સંગ્રામમાં બંને પક્ષે કુટુંબના આદરણીય વડીલો અને પ્રાણપ્રિય આપ્તજનો હણાયા. એટલી હદે કે વિજયમાં મેળવેલું રાજસિંહાસન પણ સૌ કોઈને દઝાડી ગયું. સાક્ષાત્ પરમેશ્વર એવા શ્રીકૃષ્ણ પણ આ કરુણાન્તિકાને રોકી ન શક્યા.
‘અંધાયુગ’ લખાયું ૧૯૪૫માં. આપણા દેશની બે મુખ્ય કોમ વચ્ચેના તીવ્ર ખટરાગને પગલે ભારતીય મહાઉપખંડના ટુકડા અને અંતમાં આપણને મળેલી આઝાદી. આ એક અત્યંત પીડાકારક, વેદનાગ્રસ્ત પ્રસવકાળ હતો. ભાગલાના પરિણામે સદીઓથી એક જ ધરતી પર હળીમળીને જીવતી બે કોમનાં સંતાનો અચાનક એકબીજાના લોહીતરસ્યા દુશ્મનો બની ગયાં. ગાંધી જેવો મહાત્મા પણ એ કોમી ભાગલાને રોકી ન શક્યો. છેવટે દેશ આઝાદ તો થયો. પણ તે માટે તેણે કદી ય ન ભુલાય એવી ખતરનાક કિંમત ચૂકવી. દેશ આખાયમાં અરસપરસ શંકા અને ધિક્કારને પગલે આંધળાંભીંત બની ગયેલાં કોમી ટોળાંઓએ નિર્દોષ નાગરિકોની બેરહેમ કત્લેઆમ ચલાવી. આ કોમીહુતાશનમાં દેશના ૧૦થી ૧૫ લાખ નાગરિકો હોમાઈ ગયા અને બીજા લાખો પોતપોતાનાં વતનમાંથી મૂળસોતાં ઊખડી બીજા મુલકમાં નિરાશ્રિત બન્યા. વેર અને હિંસાની આ વિકરાળ આગને દેશના મહાનાયકો પણ રોકી ન શક્યા.
લેખકને લાગે છે કે આ મહાસંહારથી ભારતની આ મહાન ઐતિહાસિક ધરતી જાણે અભિશપ્ત બની ગઈ. અત્યંત ઊંડા અને ઘેરા મનોમંથનને અંતે, લાખો પ્રયત્નો છતાં લેખક આ કૃતિ સર્જ્યા વગર રહી ન શક્યા. નાટક ‘અંધાયુગ’ના આરંભની નાનકડી પ્રસ્તાવનામાં તેઓ લખે છે કે કોઈ પણ લેખક માટે આવી દર્દનાક ભૂમિકા પર સાહિત્યકૃતિ રચવી એટલી જ પીડાદાયી હોય છે, છતાં – તેમના જ શબ્દોમાં : “એક નશા હોતા હૈ – અંધકાર કે ગરજતે મહાસાગર કી ચુનૌતી કો સ્વીકાર કરને કા, અપને કો સારે ખતરોં મેં ડાલકર આસ્થા કે, પ્રકાશ કે, સત્ય કે, મર્યાદા કે કુછ કણો કો બટોર કર, બચા કર, ધરાતલ તક લે આને કા.”
આવી ભારેખમ ટ્રેજેડીમાં રડીને બેસી રહેવાને બદલે આ સર્જકનો આત્મા એ ચુનૌતીને-પડકારને ઝીલી લે છે. તે પાછળ એમનું એક જ લક્ષ્ય છે – આ ભયાનક ટ્રેજેડીમાંથી ઊઠતાં સત્યને, પ્રકાશને, મનુષ્ય તરીકેની માનવતાના રહ્યાસહ્યા કણોને પકડવાનું. આ નાટક મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછીનાં ઘટનાઓ, પાત્રો અને તેમની ભાવનાઓને આધારે રચાયું છે. તેમાં જો ઊંડું વિશ્લેષણ કરો તો પામશો કે નાટકનાં પાત્રો, તેના પ્રસંગો, તેમાંથી ઊઠતો સૂર, બધું જ જાણે કે દેશમાં હમણાં બની ગયેલી કરુણાન્તિકાને સમાંતર જાય છે. પહેલા જ અંકના કથાગાયનમાં કવિ લખે છે, “ટુકડે ટુકડે હો બિખર ચૂકી મર્યાદા, ઉસકો દોનોં હી પક્ષોને તોડા હૈ, યહ અજબ યુદ્ધ હૈ, યહાં નહીં કિસી કી ભી જય, દોનોં પક્ષો કો ખોના હી ખોના હૈ.”
ભાગલાનો ઇતિહાસ અને મહાભારતના યુદ્ધની ભયાનકતાને આલેખતું નાટક ‘અંધાયુગ’ – એ બંનેને જો સમાંતરપણે જોવા-સમજવામાં આવે તો વાચકના ચિત્તમાં એક જબરદસ્ત નૈતિક દબાણ સર્જાય છે. આપણને સમજાય છે કે આ સમગ્ર માનવસંહાર પાછળ, માનવતાના આ અતિકરુણ હ્રાસ પાછળ દેશની સમસ્ત પ્રજા જવાબદાર બની. યાદ રહે, માનવતાની વિરુદ્ધ જ્યારે પણ કોઈ અપરાધ ઘટે છે ત્યારે રસ્તા પરનાં એ હિંસક પરિબળો અને ઘરની અંદર કે બહાર શાંત અને નિષ્ક્રિય બની તમાશો નિહાળી રહેતા હજારો-લાખો સાધારણ નાગરિકો પણ એકસરખા ગુનેગાર સિદ્ધ થાય છે. આ ઊંડી વ્યથા જ કવિ ધર્મવીર ભારતીને નાટક લખવા વિવશ કરી મૂકે છે.
‘અંધાયુગ’માં આવતાં પાત્રો, પરસ્પરનાં વેરઝેર, એકમેકને પછાડવાની વૃત્તિ વગેરેને આપણે આપણી તે કાળની સંકટગ્રસ્ત પરિસ્થિતિ સાથે સરખાવીએ તો જાણવા મળે છે કે સદીઓથી હળીમળીને સાથે રહેતી બે કોમોના ધર્મ ભલે જુદા હતા પણ બંને કોમોની ધરતી, જન્મસ્થળ, ઇતિહાસ, ભાષા, સાહિત્ય, કલા, સ્થાપત્યો અને સંસ્કૃિત બધામાં તેઓ એકસરખા હિસ્સેદાર હતા. અને તેમ છતાં દુર્યોધન, દુ:શાસન, શકુનિરૂપી સત્તાલોભ, ઘમંડ, છળ-કપટ, દ્વેષ, ઈર્ષ્યા અને ભીતરમાં રહેલી હિંસા, બધું ખૌફનાકપણે એકી સાથે સળવળી ઉઠ્યું.
ધર્મવીર ભારતી કહે છે કે એ ઘટના બાદ એક સભાન સંવેદનશીલ મનુષ્ય તરીકે, વિશેષ તો એક સર્જક તરીકે તેઓ મનોમન ભારે રિબાયા, પીડાયા, મનમાં વિચારો અને ભાવનાઓનું તુમુલ ચાલ્યું. ક્યાં ગયા ગાંધી ? ક્યાં ગયા દેશ આખાયમાં ગુંજી ઊઠેલા સત્ય અને અહિંસાના આદર્શો ? ક્યાં ગયાં મહાત્માની પાછળ દર્શન કરવા દોડતાં શ્રદ્ધાળુ ટોળાંઓ ? ક્યાં ગયા ‘અમનનો મઝહબ’ કહેનારા મૌલવીઓ ? ક્યાં ગયા ‘વસુધૈવકુટુંબક્મ્’નો આદર્શ શીખવનારા શાણા નાગરિકો ? શાને કારણે માણસ-માણસ વચ્ચે આટલી ક્રૂર ભીષણ કત્લેઆમ ? ક્યાં કોની ચૂક થઈ ગઈ ?
‘અંધાયુગ’નું કેન્દ્રીય પાત્ર છે અશ્વત્થામા, જે વાસ્તવમાં પ્રત્યેક હારેલા, પીડાયેલા, ભોગ બનેલાઓનું સજ્જડ પ્રતીક છે. પણ વક્રતા એ છે કે તેનો બધો રોષ સામેના પક્ષે છે. તેની ભૂમિકા આત્મસંશોધન કે આત્મવિશ્લેષણની નથી. તે ફક્ત પ્રત્યાઘાતી – ‘reactionary’ છે. તે શત્રુઓ પ્રત્યે ફક્ત વેરની, પ્રતિશોધની આગમાં સળગે છે. અહીં કોમી આગમાં સપડાયેલાઓ પણ સતત એવું જ વિચારે છે કે શું અમે કાયર છીએ? નપુંસક છીએ ? શું અમારામાં વીરતા મરી પરવારી છે ? પોતાની આંખ સામે પોતાના સ્વજનોની નિર્મમ હત્યા કોણ નિહારી શકે ? અશ્વત્થામા એ જ સૂર કાઢે છે : ‘ભૂલ નહીં પાતા હૂં મેરે અપરાજેય પિતા કો. ઉસ દિન સે મૈ હૂં પશુ માત્ર, અંધ બર્બર પશુ. વર્તમાનમેં જિસ કે મૈ હૂં ઔર મેરી પ્રતિહિંસા હૈ. વધ, કેવલ વધ, મેરા ધર્મ હૈ.’
મહાયુદ્ધમાં પણ પરાજિત થયેલા સૌ કોઈ માટે દોષી કેવળ કૃષ્ણ છે. સઘળો દોષ એકલા કૃષ્ણનો છે. વર્તમાનમાં દેશના ભાગલા બાદ ગાંધીને પણ ક્યાં ઓછી ગાળો પડી છે ? દેશના કટ્ટરવાદીઓની આંખે આ આખી ય ટ્રેજેડી પાછળ એકલા ગાંધી જ દોષી નજરે ચડે છે અને તેને તરત ઠાર કરી દેવામાં આવે છે. અહીં મહાકાવ્યમાં પણ યુદ્ધ પછી ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને અશ્વત્થામા – બધાને કૃષ્ણ જ મોટા ખલનાયક લાગે છે. પરિણામે એ મહાયુદ્ધ નિવારવાના સઘળા પ્રયત્નો કરી ચૂકેલા વિષ્ટિકારને જ માતા ગાંધારીએ આપેલા અકાળ મૃત્યુનો શાપ સ્વીકારવો પડે છે.
ધર્મવીર ભારતીની સંવેદનશીલતા માત્ર પોતાના જ દેશની પ્રજા પૂરતી સીમિત નથી. તેનો વ્યાપ ભારત બહારના દેશો, સમગ્ર પૃથ્વીનાં કલ્યાણ સુધી વિસ્તરે છે. બીજા વિશ્વયુદ્ધમાં જાપાન પર ફેંકાયેલા અણુશસ્ત્રને કારણે થયેલા મહાવિનાશને સમાંતર, ‘અંધાયુગ’માં વેરથી અંધ બનેલા અશ્વત્થામા જ્યારે શત્રુઓનું નિકંદન કાઢી નાખવા બ્રહ્માસ્ત્ર જેવા (સમગ્ર માનવજાતને વિનાશકારી) ખતરનાક હથિયારનો ઉપયોગ કરવાની તૈયારી દર્શાવે છે ત્યારે તેને સાવધ કરનાર અને એવા સંહારક શસ્ત્રની ઘોર ભર્ત્સના કરનાર ભગવાન વ્યાસ સિવાય કોઈ હાજર નથી.
‘અંધાયુગ’માં છેલ્લે પ્રવેશતું વૃદ્ધ યાચકનું પાત્ર વાસ્તવમાં ‘પ્રોફેટ’ છે. તે આવનાર સમયની ભયાવહ આગાહીઓ કરે છે જેના ગૂઢાર્થમાં આપણો જ વર્તમાન છે. ગાંધી નામનો માણસ કદાચ નિષ્ફળ રહ્યો એમ માનીએ પરંતુ ગાંધીએ સૂચવેલો વિચાર ક્યારે ય નિષ્ફળ નહીં જાય એવો સૂર જાણે તેમાંથી ઊઠે છે. વૃદ્ધ યાચકના બોલવામાં પણ ગાંધીના જ વિચારો પડઘાતા સંભળાય છે : જબ કોઈ ભી મનુષ્ય, અનાસક્ત હોકર, ચુનૌતી દેતા હૈ ઇતિહાસ કો, ઉસ દિન નક્ષત્રો કી દિશા બદલ જાતી હૈ. નિયતિ નહીં હૈ પૂર્વનિર્ધારિત, ઉસ કો હર ક્ષણ માનવ-નિર્ણય બનાતા-મિટાતા હૈ.”
‘અંધાયુગ’નો સૂર આ જ છે : આજે કૃષ્ણ હોય કે ગાંધી – કોઈ પણ ઉન્નત વિચાર ક્યારે ય ખોટો કે નકામો નથી હોતો. માનવજાત જ તેને વિફળ બનાવવામાં જવાબદાર સિદ્ધ થાય છે.
સૌજન્ય : “વિશ્વવિહાર”, ફેબ્રુઆરી 2018; પૃ. 22-24