આફતનો અવસર પલટો !
ઘરમાં રહો અને સલામત રહો
ડોહલાંને ઘરમાં રાખો!
દ્રશ્ય : ૧
મા, સાંભળ્યું તમે ?
ઘરમાં રહેવાનું છે ને બહાર નથી નીકળવાનું!
ને આ તમારું ભલું વિચારીને જ, બાકી …..
મા સ્વગત :
“એંસીની ઠંડકમાં ટાઢી થઈને ઠૂંઠવાઈ રહીશ
બધું પ્રૂફ ગાયબ કારણ કે
સાઉન્ડપ્રૂફ અને એરપ્રૂફ
સરસ મઝાનો એરકન્ડિશન્ડ ઓરડો ને કન્ડિશન્ડ માઈન્ડ સેટ!
કેવી શ્વાસબંધી ને કેવી બેડરૂમની સેફ્ટી!
મા તો મજામાં,એને તો આટ, પાટ ને ખાટનાં અછોવાનાં
વીડિયો કોલમાં બચ્ચાંની અરસપરસ ધરપત!”
દ્રશ્ય : ૨
માઈ, હાંભર્યું કે ? આ બોલે તે!
ઘરમાં રે’વાનું ને બા’ર ની’ નીકરવાનું!
આ અંધારી ઓરડી
ને અવાનું નામ નિસાન ની’
ખાવાનું ધાન ની’
ને દવાનું નામ નથી’
અંઈયાં તો હાહબંધી છે
ને હાથે ઝૂંપડીબંધી
આવી કેવી બંધી?
મને બધી ખબર છે ડોહીને ઘરમાં જ રાખવાનો કારહો!
માજી, ઘરમાં જાઓ.
મા, ચાલ ઘરમાં
માનીશ નહીં તો પડશે દંડા
ભારે પગરવ ને ભારે અવાજ
જો ઘરડાં ને છોકરાં બહાર દેખાશે તો …..
તો?
કાયદેસરની કાર્યવાહી ઘરના સભ્યો પર!
ડોસી સ્વગત :
“મોઢે બુકાની, ખાવા રોટલો ની’
ઘરની બા’ર નીકરવાનું ની’
વઉની મે’રબાની
હૌની મનમાની
ડોહી તો એમ જ પોંચવાની”
ને એમ જ એક દિવસ સમાચાર આવ્યા
ડોહી ઓરડીમાં ગૂંગરાઈ ગેઈ ને
બા’ર ની’ આવી તે ની’ જ આવી.
પછી?
કાંઈ ની’ અવે તો કોરોનાકાર તે બદ્ધે છૂધારો!
લોકે જાઈણું બી’ ની’ ને બદ્ધું કોરોના ખાતે ગિયું વરી!
ને માનું શું થયું?
મા ? મા પણ ગયાં શાંતિથી, ટેલિફોનિક બેસણું રાખેલું,
બધાં ક્રિયાપાણી કર્યાં, શું કરીએ, કોઈથી અવાયું નહીં, આ કોરોના નડ્યો!
કોણ જાણે કોરોના નડ્યો કે ફળ્યો?
ની’ : નહીં, નીકરવાનું : નીકળવાનું, છૂધારો : સુધારો, વઉ : વહુ, મે’રબાની : મહેરબાની, પોંચવાની : પહોંચવાની, અવા : હવા, કારહો : કારસો,