દીકુ,
આજે તો જાનમાં જઈશું
શેઠનો દીકરો ઈડરિયો ગઢ જીતવા નીકળવાનો છે.
માથે મોડર્ન લાઈટના ઝગમગાટ સાથે સખીઓ સંગ
વરઘોડે નાચગાનમાં ગુલતાન જાનૈયા વચ્ચે હું તને
પેટે લઈને ચાલતી હોઈશ
ત્યારે વખતે કદાચ
તારું ફરફરવું મને નયે સંભળાય!
પણ તું નચિંત રહેજે ……
મારી કૂખે તો તું સલામત જ રહેશે.
અભિમન્યુની જેમ સાત કોઠા જ નહીં
પરંતુ તારા જેવા કંઈકેટલાં બાળુડાંની જેમ
તું તો શત શત કોઠાનું જ્ઞાન લઈ અવતરશે.
અને આપણી ગરીબીનો ચક્રવ્યૂહ તો કેવો!
અલકચલાણી ને પેલે ઘેર ધાણી!
બાઈ બાઈ ચારણી!
શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું તાણે ગામ ભણી!
નઈ આ પાર ને નઈ ઓ પાર!
સૂડી વચ્ચે સોપારી ને ……. ભિખારી!
આજે જ-
એ વરરાજાના પોંખણા થશે ને
એ કોડીલી કન્યાનો ધણી થશે
ને જાનૈયા અન્નકૂટની જ્યાફત ઉડાવતાં હશે
ત્યારે
આપણે તો માંડવાની બહાર
કદાચ રસ્તાની ધારે એમની મહેરબાનીનાં
વધેલાં ઘટેલાં ખાવાનાંની રાહ જોતાં
મોઢું વકાસી બેઠાં હોઈશું!
એમને તો ધોળે દા’ડે ચાંદાસૂરજ
ને આપણે ધોળે દા’ડે તારા!
એમ થાય કે એમને આંખ આડે કાન
ને આપણે છતી આંખે અંધારાં ઘોર!
જો તું આ વિષમતાના ધ્વંસ માટે
ક્રાન્તિ રૂપે અવતરે તો
મારું વચન છે કે
ઈડરિયો ગઢ કોઈ વરરાજા નહીં
આપણે જીતી લાવીશું ………..
૧૯/૧૦/૨૦૧૯ : જયશ્રી સોનીની ફેઇસબૂક વૉલ પર માથે લાઈટ મૂકી ચાલતી સગર્ભા માતાની આ તસવીર જોઈને મને સ્ફૂરેલું કાવ્ય. એમને આ ચિત્ર “વનવગડો”ની વૉલ પરથી મળેલું, એવી નોંધ છે.