
પ્રવીણભાઈ ગઢવી
‘એ સાંભળો, સાંભળો … નેક નામદાર હજૂરનો ગામે ઉતારો છે. કોઈને ખતલખાણનું કાંઈ કામકાજ હોય તો ગામચોરે પહોંચવું. …’
ઢોલી ઢોલને દાંડી દેતો સાદ પાડતો ખાખરેચી ગામની શેરીમાંથી નીકળ્યો.
‘અમારું કપાળ !’ વીરજી પટેલે માથું કૂટ્યું. ‘તલાટીના ચોપડે વારસાઈ કરવી હોય તો ય તે ય દરબારની જેમ લાગો લીધા વિના તો એન્ટૃી કરતો નથ ને દરબાર લોકને હાંભળવા આવે, હવે ત્રણ મણ દૂધ અને દરબારના ઘોડા માટે પચી પૂળા કડબ પોંચાડવું પડશે, તમે દરબાર જ અમારા માથે દુ:ખનો પહાડ છો, તો કેની આગળ દખડાં ગાવાં ?’
ત્યાં સામેની ખડકી ખૂલવાનો અવાજ આવ્યો. રામજી અને હીરજી આવ્યા.
‘સાંભળ્યું ? દરબાર આવવાના છે તે ?’
‘હોવ. હાંભળ્યું. આજ રાતે છોરાંને વાળુમાં દૂધ નૈં મળે.’
‘ઈ તો ઠીક, પણ આપણી ભેંસુંય કડબ વગર ભૂખી રેશે.’ આ દરબારનો તરાસ કુને કહેવો ? ભગવાંનય કાંય હાંભળતો નથી.’
વીરજીએ ચલમ ઝેગવી, ફૂંક મારી હીરજીને આપી ને તે સૌ વાતોએ વળગ્યા.
‘મીં હાંભળ્યુ સે કે આફ્રિકાથી માતમા ગાંધી આંય આયો સે, ઈનાથી લાટસાહેબ ય ધરુજે સે, તો ઈમને રાવ કરીએ ??
‘માતમા ગાંધીનો અમદાવાદમાં આશ્રમ છે. ઈમાં આપણા મગનલાલ શેઠ રહીને આયા છે. હેંડો, કાંક તો કરવું પડશે. ક્યાં સુધી આ તરાસ સહન કરવો ? ગયે વર્ષે દરબારે માળિયાના તળાવ વચ્ચે હવેલી બંધાવી, તો ગાડામાં પાણા ભરી ભરીને ફેરા કરવા પડ્યા અને કાંય મજૂરી ની આવી.’
‘ઈને કેવાય ઠનઠન ગોપાલ.’
‘વેઠનો તો પાર જ નૈં દરબારના રાજમાં.’
‘એટલે લોક ઈ હવેલીને રગતની હવેલી ક્યે સે ને ?’
‘હાસ્તો, ખેડુના લોઈ અને પરસેવાથી તો તળાવ ભરાયું સે.’
‘તો આજે સાંજુકના મગનલાલ શેઠના ડેલે જઈએ, નક્કી ?’ વીરજીએ પાકું કરવા કહ્યું.
‘હોવ હોવ. કાંક તો નિવેડો લાવવો જ પડશે.’ બોલી ચલમ ખંખેરી રામજી, હીરજી ઊઠ્યા.
સાંજે ઘેંસ-છાસનું વાળુ કરી, ચલમનો બે ફૂંક મારી કોગળો કરી, મોઢું સાફ કરી વીરજી અને બીજા બધા મગનલાલ શેઠની હવેલીએ પહોંચ્યા.
શેઠ હીંચકા પર બેઠા સોપારી કાતરતા હતા અને ફાકતા હતા. માથે ટાલ થવા લાગી હતી. થોભિયા પોળા થવા લાગ્યા હતા.
‘આવો, આવો, વીરજી પટેલ, તમે ક્યાંથી ભૂલા પડ્યા ?
‘ભૂલા તો શેઠ અમે ભવાટવિમાં પડ્યા છીએ.’ કહી વીરજી પટેલે પાઘડી ઉતારી શેઠમાં પગમાં મૂકી.
‘અરે, અરે, આ શું કરો છો, પટેલ’. મગનલાલે પગ ખેંચી લીધા અને પૂછ્યું, ‘કેમ આવવું થયું ?’
‘અમે હાંભળ્યું સે કે તમે માતમા ગાંધીના આશરમમાં રહેલા સો. તમે માતમા ગાંધીના અંશાવતાર સો’ વીરજીએ હાથ જોડ્યા.
‘અરે, અરે, ગાંધીજીના તો ચરણની રજ થવું ય કાઠું છે, ભૈ. એ તો વિરાટ પુરુષ છે. પણ તેનું શું ?’ મગનલાલે ફાનસની વાટ ઊંચી કરી અજવાળું વધાર્યું.
‘માતમા ગાંધીએ તો મોટા અંગરેજ લાટસાહેબોને નમાવ્યા છે, શેઠ. તમે તો તેમનું તેજ લીધું છે. તો અમને દરબારના તરાસમાંથી છોડાવો, બાપા.’ વીરજી ગળગળા થઈ ગયા.
‘માંડીને વાત કરો, પટેલ.’
‘વાત ઈમ છે કે દરબારના રાજમાં લાગાલેતરી પાર વગરનાં છે. વેઠનો પાર નથી. કુંવર જન્મે ત્યારે કુંવર પછેડીનો વેરો, પૈણે ત્યારે પરણવેરો, ધરમાં બારી મૂકીએ તો હવાવેરો, ખળું વાપરીએ તો ખળાવેરો, દરબારનો ઉતારો થાય ત્યારે બે-ત્રણ મણ દૂધ વગર ફદિયે આલવાનું. દરબારી ઘોડા માટે વરસે પોણો લાખ કડબના પૂળા આપવા પડે. અમારામાં કેવત સે કે ‘ઘોડું દરબારી, કડબ પરબારી’. દરબારની હવેલી બને તો ગાડાં ય મફત ને પાણા ય મફત આપવા પડે.’ વીરજી એક શ્વાસે બોલી ગયા.
‘હૈ’, મગનલાલે હીંચકાને હળવો ઠેલો આપ્યો.
‘ને શેઠ, જમીં ગમે, રાતદ પસીનો પાડી ખેડીએ પણ જમીં અમારી નૈં. અમે તો ભાડૂત ગાણોતિયા. ગમે ત્યારે રાજ કાઢી મેલે. શાસ્ત્રો ક્યે સે ધરતીમાતા છે પણ અમે તો મા-બાપ વગરના સાવ અનાથ નોંધારું લોક.’ હીરજીએ ઉમેર્યું.
‘વિઘોટી ય ક્યે સે અંગરેજના રાજથી દોઢી. ખળાનાં ય ભાગ. અમે તો બળદ જેવા. બે ટંકના રોટલા ને ઘેંસ ખાવા મળે. બળદની જ્યમ બરડો ભાંગી નાંખે.’
‘દકાળ પડે તો ય વિઘોટી માફ નોં કરે દરબાર.’
‘ઈ તો ઠીક, આનાવારી ઊંસી આંકી વધારે વિઘોટી લે. પડ્યા ઉપર પાટું.’
એક પછી એક પટેલ બોલવા લાગ્યા. જાણે મૂંગાને વાચા ફૂટી.
‘એ તો ખરું, પણ દરબાર રાજની આવકનો અડધો ભાગ પોતાના ખજાને રંગ-રાગ ને રાણીયું પાછળ ખરચવા જમા લે, મગનલાલ શેઠ. ઈયાંને ક્યાં ખેતરમાં પરસેવા પાડવા સે, શેઠ ?’
‘સારું થયું તમે આવ્યા. આશ્રમથી બાપુએ ઘરસંસાર સંભાળવા મોકલ્યો, ત્યારનો વિચારતો હતો કે દરબારના જુલમ સામે લોક કેમ કાંય બોલતું નથી ? વળી, તમને ખબર છે દરબારે કપાસ, મગફળી અને એરંડી-શેરડી પર વિઘોટી બમણી કરી ?’ મગનલાલને કપાસનો વેપાર હતો. નાનું જિન હતું.
‘શેઠ, ઈ તો અમને ખબર જ નથી. વિઘોટી ઉઘરાવવા તલાટી ચોરે બેહે તિયારે ખબર પડે ને અમુને ?’ ગોબર પટેલ હસી પડ્યા.
‘તો સાંભળો, તમારે ગાંધીને રસ્તે લડવું છે ?’
‘હોવ, બાપા.’
‘ગાંધીની લડાઈ એટલે માર ખાવાનો પણ મારવાનું નૈં, હાથ ઉપાડવાનો નૈં.’
‘વો તો કૈસે હોગા, શેઠ ? મૈં તો ખંજર સાથમેં હી રખતા હું.’ હુસેનમિયાં ઊભા થઈ ગયા.
‘ગાંધીની લડાઈ ખંજરથી નહીં તકલીથી લડવાની.
‘હેં ! કહેતા બી દીવાના, સુનતા ભી દીવાના ?’ હુસેનમિયાંએ માથું ખંજવાળ્યું.
‘માલમિલકત, ઢોર જપ્ત થશે, હરાજ થશે, મારા ખાવા પડશે, હાડકાં ભાંગવાં પડશે. હદપારી થશે, ગામ છોડવું પડશે, જેલના સળિયા ગણવા પડશે પરમતુ ઊંહ કે ઓંહ કરવાનું નહીં, કબૂલ છે ગાંધીના સિપાઈ થવાનું ?’ મગનલાલે વેધકપ્રશ્ન કર્યો.
‘કબૂલ બાપા, કબૂલ. આંમ બળદની જેમ મૂંગામૂંગા માર જ ખૈએ સીએ.’ વીરજીએ ઊભા થઈ પાછી પાઘડી ઉતારી.
‘આવું જીવવું તે કરતાં તો વખ ઘોળવું સારું. દરબાર મારી નાંખશે તો ય ચૂં કે ચાં નૈં કરીએં.’ હીરજી ઊભો થયો, સાથે સૌ ઊભા થયા.
‘તો કરો કેસરિયાં, કાલે ગામ ભેળું કરો.’
આખું ખાખરેચી ગામ ગોંદરે ભેગું થયું. મગનલાલ હનુમાનજીની દેરીના ઓટલે ચઢ્યા અને બોલ્યા, ‘સાંભળો ભાઈઓ, વેઠવારાના ત્રાસથી બચવું હોય તો ગાંધીના રસ્તે આવો. હું લઈ જાઉં. આવતી કાલથી જ વિઘોટી ભરવી બંધ, વેઠ બંધ. દૂધ, કડબ બંધ, છાણા બંધ. કબૂલ ?’
‘હા, કબૂલ.’ સૌએ હાથ ઊંચા કર્યા.
‘સાંભળો, ગાંધીનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું એ કામ. દરબાર માલમિલકત, ઢોર જપ્ત કરશે, હરાજ કરશે, માર ખાવો પડશે. પણ હાથ ઉપાડવાનો નહીં, હાડકાં ભાંગશે પણ ઊંહ કરવાની નહીં. હદપારી થશે, જેલના સળિયા ગણવા પડશે. બોલો, કબૂલ મંજૂર ?’
‘હાં, કબૂલ, મંજૂર, મર જાઉંગા લેકિન ખંજર નહીં નિકાલુંગા. યે દેખો, ખંજર છોડા.’ હુસેનમિયાં ભાવાવેશમાં આવી ગયા અને ખંજર ફેંકી દીધું.
‘સાંભળો, ગાંધીજીની પદ્ધતિ છે, પહેલાં દુ:શ્મનને સમજાવવો, સાવધ કરવો અને પછી ન માને તો સત્યાગ્રહ કરવો. સત્યાગ્રહ સહેલો નથી, ભાઈઓ, ખાંડાની ધારે ચાલવા જેવો માર્ગ છે ગાંધીનો.’ મગનલાલની આંખમાં આસું ઊભરાયાં.
ગામના પટેલો, વીરજી, હીરજી, રામજી, હુસેનમિયાં, અમરશી બેચરે અને ગુલાબસિંહ ગઢવીને લઈ મગનલાલ પહોંચ્યા માળિયે. દરબાર કચેરીમાં બેઠા હતા. દરવાનને જાણ કરી. દરબારે બોલાવ્યા.
દરબાર ઊંચે ઓટલે ગેઠવેલા કોતરણીવાળા સિંહાસન ઉપર બેઠા હતા. માથે સાફો ઝળકતો હતો. કલગી આમતેમ ડોલતી હતી. મોટા થોભિયા હતા. કાનમાં રત્નજડિત વાળી ઝૂલતી હતી. વાઘ જેવી મુછો હતી.
‘બોલો, મગનલાલ શેઠ, કેમ આવવું થયું ?’
‘અમે આવેદનપત્ર આપવા અને વિનંતી કરવા આવ્યા છીએ. અમારી પરના વેઠ-વેરા બંધ કરો. ગાડાં, કડબ, દૂધ, છાણાં મફતમાં લેવાનું બંધ કરો. વિઘોટી વાજબી કરો. રોકડિયા પાક પર સેસ ઓછો કરો. દુકાળમાં વિઘોટી માફ કરો કે મુલતવી રાખો.’ મગનલાલે આવેદનપત્ર દીવાનને આપ્યું. દીવાને આવેદપત્ર દરબારને આપ્યું.
‘આમાં શું વાંચવાનું છે ?’ કહી દરબારે આવેદનપત્રના લીરેલીરા કરી ફંગોળ્યા.
‘ભલે, આપની મરજી. અમે કાલથી સત્યાગ્રહ કરશું. વેઠ-વારા-વિઘોટી બંધ કરશું, દરબાર.’ મગનલાલ દૃઢતાથી બોલ્યા.
‘મગનલાલ, મને ખબર છે તું ગાંધીના રવાડે ચઢ્યો છે. પણ આ મારું રાજ છે. અંગરેજનું નથી. અંગરેજ ગાંધીથી ડરે, હું નહીં. તારી ગાંધીગીરી અહીં નહીં ચાલે. મારી દાદાગીરી અહીં ચાલશે, સમજ્યો વાણિયા ? ખાદી પે’રીને રાજ લેવા હાલી નીકળ્યા છો, તમે વાણિયા-બામણ.’ દરબાર ગુસ્સે થઈ ઊભા થઈ ગયા.
‘ભલે, આપની મરજી, દરબાર સાહેબ. અમે માથાં વધેરાવીશું, પણ નમીશું નહીં.’
ફરી ગામ ભેગું થયું. મગનલાલે ધોળી ગાંધીટોપી પહેરી હતી. ‘ભાઈઓ, આપણે આપણી ફરજ પૂરી કરી. ઠાકોરસાહેબને ચેત્યા પણ એ ન માન્યા. તો હવે તો હથિયાર વિનાની લડાઈ આપણે લડવાની છે. આજથી તમામ વેઠ-વેરા, લાગા, લેતરી, દૂધ, ગડબ, છાણાં … બધું ય બંધ. રાજના સિપાઈ આવશે, મિયાણા આવશે, મારઝૂડ કરશે, બધું જપ્ત કરશે, ખળાં પર ચોકીપહેરો બેસાડશે, હદપારી થશે, જેલમાં જવું પડશે. બોલો, તૈયાર છો ?’
‘હા’, સૌએ હાથ ઊંચા કર્યા. અઢારે વરણ ત્યાં હાજર હતી.
‘આપણા અંત્યજ ભાઈઓ પણ સભામાં આવ્યા છે. એમને તો જમીન નથી ને વિઘોટી ય નથી. પણ વેઠ-વારા તો છે જ. આજથી આપણે આભડછેટને ગામમાંથી ભગાડી મૂકીશું.’
‘હોવ.’ સૌએ સાથ પુરાવ્યો.
મગનલાલ નીચે બેઠા પછી ગુલાબસિંહ ગઢવી જુસ્સો ચઢાવવા ઊભા થયા.
‘હરિનો મારગ છે શૂરાનો,
નહીં કાયરનું કામ જોને …’
‘ગુલાબસિંહ, હરિનો નહીં, સત્ય-ન્યાયનો કહો.’ મગનલાલે સુધારો સૂચવ્યો.
‘સત ન્યાયનો મારગ છે શૂરાનો
નહીં કાયરનું એ કામ જોને …’
બીજે દિવસે તો માળિયાથી સિપાઈનું ધાડું ખાખરેચી ઊતરી આવ્યું.
પહેલાં વીરજીનું ઘર શોધ્યું, ‘ક્યાં ગયો વીરજી ? લે હાલ, ગાડું કાઢ્ય. વેઠે આવવાનું છે.’ જમાદારે રાડ પાડી.
‘વેઠ શાની ને વાત શાની ?’ વીરજીએ નન્નો ભણ્યો. તરત પીઠ પર દંડો પડ્યો. વીરજી કાળઝાળ. ‘ધારું તો ટોટો પીસી નાખું જમાદારનો. પણ માતમા ગાંધી …’ પછી તો ધડાધડ દંડા. છેલ્લો માથા પર. વીરજી ઢળી પડ્યો.
પછી તો સિપાઈઓએ આખા ગામમાં કેર વર્તાવ્યો. ગામના કોઈનું માથું સાજું રહ્યું નહીં. નાળિયેર ફૂટે એમ માથાં ફૂટ્યાં.
‘ક્યાં ગયો મગન ? મોટો માતમા ગાંધી થવા હાલી નીકળ્યો સે.’ મગનલાલને પકડ્યા. દોરડેથી હાથ બાંધ્યા અને ગાડે ચઢાવ્યા.. દરબાર સમક્ષ હાજર કર્યા.
‘મગનલાલ, કૂતરાના મોતે મરશો. આ ગાંધીનાં ધતિંગ રહેવા દો.’
‘ઠાકોરસાહેબ, મોતનો ડર હોત તો ગાંધીની ટોળીમાં ન ભળ્યો હોત.’
‘હેડમાં પૂરો શેઠને. ચરબી ઉતારો શેઠની.’ દરબારે સર ફોજદારને હુકમ કર્યો.
મગનલાલ માળિયાની જેલમાં બંધ. બે-ત્રણ સિપાઈઓ દંડા લઈને ફરી વળ્યા. ચૂં કે ચાં ન કરી મગનલાલે.
‘બસ રહેવા દો અલ્યા, વાણિયો મરી જશે.’
ત્રણ દિવસ સુધી ન પાણી આપ્યું, ન ખાવાનું.
ખાખરેચી પર થયેલા જુલ્મની વાત વનવગડાની આગની જેમ રાજનાં બાર ગામોમાં પહોંચી. સઘળાં ગામોએ ખાખરેચીની જેમ જ વેઠ-વારાનો બહિષ્કાર કરવા સભાઓ ભરી, ઠરાવો કર્યા. અઢારે વરણે એમાં સાથ આપ્યો.
દરબારે ગામેગામ સિપાઈઓ અને મિયાણા મોકલ્યા અને ઘેર ઘેર મારઝૂડ કરાવી. કોઈનાં માથાં ફૂટ્યાં, કોઈના બરડા તૂટ્યા, કોઈના હાથપગ ભાંગ્યા, ખેડુઓને ઘરમાં પૂરી સાંકળો ચઢાવી દીધી. ‘અલ્યા, પહેલાં ચોર છાપરું ફાડી અંદર આવતા. હવે આપણે છાપરું ફાડી ઘર બહાર નીકળવાનું ?’ એમ ઠાકોરની હાંસી કરતા સૌ બહાર નીકળી જતા.
ગામે ગામ ખળાં પર દરબારે જપ્તી બેસાડી. એમાં માવઠું થયું. પાંચસો ગાડાં ભરાય તેટલો બાજરો પલળી ગયો. ખેડૂતોને તો નુકસાન થયું જ, પણ રાજને ય થયું.
મગનલાલ જેલમાં, પણ ગામે ગામ મગનલાલ ઊભા થયા, ઘેર ઘેર ગાંધી જન્મ્યા. વેઠ-વારા, ગાડાં, કડબ, દૂધ બધુંયે બંધ થઈગયું. લોકોએ માર ખાધો પણ સામે હરફ ન ઉચ્ચાર્યો.
દસ દિવસ હેડમાં રાખી દરબારે ઉમિયાશંકર દીવાનની સમજાવટથી મગનલાલને છોડ્યા.
જે ગામમાંથી દોરડે બાંધી સિપાઈઓ લઈ ગયા હતા, તે જ ખાખરેચીમાં મગનલાલનો ભવ્ય વરઘોડો નીકળ્યો. ‘મગનલાલની જે, માતમા ગાંધીની જે.’
ભાષણ કરતાં મગનલાલે કહ્યું હતું, મેં કહ્યું હતું ને કે ગાંધીની લડાઈમાં માર ખાવાનો છે, મારવાનું નથી. મેં પણ માર ખાધો, વીરજી, હીરજી, આંબાભાઈ, બેચરભાઈ, હુસેનમિયાં, ગુલાબસિંહ તમે સૌએ અસહ્ય માર ખાધો પણ આપણે ડરવાનું નથી, નથી ને નથી. ભલે કાલ મોત આવતું હોય તો આજ આવે. ડગલું ભર્યું કે ના ડગવું.’
ઠકરાતનાં બાર ગામોમાં મગનલાલ ગયા અને સરઘસ કાઢ્યાં, સભાઓ કરી. રાયસંગપરમાં ભાષણ કરતા હતા ત્યાં સર ફોજદાર આવ્યા અને પાછા મગનલાલને પકડી ગયા. હેડમાં પૂરી દીધા.
મહિનો વીતી ગયો. પણ લોક ન ડગ્યું, ન દરબાર. ગામેગામ પ્રભાતફેરીઓ, સભાઓ થતી. ગુલાબસિંહ, વીરજી, ગોબર, બેચર ત્યાં પહોંચી જતા અને કહેતા, ‘વેઠ-વેરા બંધ ન થાય ત્યાં સુધી હઠ છોડવાની નથી. ભલે દરબાર ઢોર-ઢાંખર લઈ જતા. ભલે ઘરોને તાળાં મારે. ભલે ખળાં પર જપ્તી બેસાડે. ભલે જાર-બાજરો ને જમીનો જપ્ત કરે. વેઠ કરવાની નથી. વિઘોટી ભરવાની નથી.’
ગુલાબસિંહ લલકારે −
‘અમે ડરતા નથી કે જુલમથી રે
ભલે ને કાયાના કટકા થાય.’
તો વળી કાનજી બારડોલીનું ગીત ગાય −
‘શૂરા જાગજો રે, કાયર ભાગજો રે …’
ભાઈઓ, બારડોલીમાં આપણે અંગ્રેજ સામે જીત્યા તો આવડા શા ઠાકોરની શી વિસાત ?’
બેચર ઉમેરે −
‘જાન જાય તો જાય પર માન ન જાયે.’
હુસેનમિયાં પણ ઓટલે ચઢી જતા.
દીવાન ઉમિયાશંકરે દરબારના કાને વાત નાખી. ‘આમ દંડાબાજી, જપ્તીથી લોક નહીં માને. આખા રાજમાં બિનહથિયારી બળવો થયો છે. આ તો ગાંધીના નામે હથિયાર લેતા નથી, પરંતુ જુલમની હદ વટશે ને જો હથિયાર ઉપાડશે તો દરબારસાહેબ, આપણી પાસે એટલી સેના નથી, સમાધાન માટે ખેડૂત આગેવાનોને બોલાવીએ.’
દરબાર માન્યા. સંદેશો મોકલ્યો.
‘મગનલાલ વગર વાત નહીં.’ કોઈ તૈયાર ન થયું.
બે મહિના થવા આવ્યા. ત્યાં મોરબીના ઠાકોરનો સંદેશો આવ્યો.
‘ઠાકોર, કાંઈક રસ્તો કાઢો, નહિતર આ ગાંધીની આંધી બધાં રજવાડામાં આવશે તો તણખલાંની જેમ ઊડી જઈશું.’
પણ ઠાકોર ટસના મસ ન થયા. સિપાઈઓને જંગલી કૂતરાઓની જેમ અને મિયાણાઓને દીપડાની જેમ ગામ લોકો પર છોડી મુક્યા.
સઘળા સત્યાગ્રહીઓ માળિયાની જેલમાં પુરાયા. જેલો ભરાઈ ગઈ, એટલે સત્યાગ્રહીઓને હદપાર કર્યા. આખા કાઠિયાવાડમાંથી સત્યાગ્રહીઓ આવવા લાગ્યા. પોલીસે નાકાબંધી કરી, પણ કેટલી થાય ? ગામોમાં જુવાળ ઊઠ્યો. મારીમારીને સિપાહીઓનાં બાવડાં દુખ્યાં.
‘બાપુ, પડોશી રાજના લશ્કર સામે લડવું સહેલું છે, પણ આપણા લોકોથી લડવું મુશ્કેલ છે ને તે ય હથિયાર વગરના. મારી મારી બરડા તોડી નાખીએ છીએ, તો ય ચૂં કે ચાં કરતા નથી, ટસના મસ થતા નથી, હાથ ઉઠવતા નથી. આ લોકની સાથે લડતાં મતિ મુંઝાઈ જાય છે. હવે તો આપણા સિપાહી પણ દયા ખાવા લાગ્યા છે !’ સર ફોજદારે હથિયાર હેઠાં મુકી દીધાં.
રાજકોટ એજન્સીના હેડ ક્વાટર્સમાં રોજ રોજના રિપોર્ટ પહોંચતા હતા. એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ એડવર્ડ કિલીને લાગ્યું કે પરિસ્થિતિ વણસી રહી છે. તેમણે તરત જ દરબારને પદચ્યુત કરી યુવરાજને ગાદીએ બેસાડવા હુકમો છોડ્યા.
યુવરાજે ગાદીનશીન થતાં જ મગનલાલને છોડ્યા અને તમામ વેઠ-વેરા-લાગા એ સઘળું બંધ કરવાનું જાહેર કર્યું.
મગનલાલનો ખાખરેચીમાં વાજતગાજતે વરઘોડો નીકળ્યો. અંતે સભા મળી. મગનલાલે કહ્યું, ‘આવી રીતે ઘેર ઘેર ગાંધી પેદા કરશું તો આ દરબારો અને અંગ્રેજોનાં રાજ, જાર-બાજરાની ફોતરીની જેમ ઊડી જશે. બોલો માતમા ગાંધીની જય !’
[પ્રગટ : “ગુજરાત” દીપોત્સવી અંક; વિક્રમ સંવંત 2080]
સૌજન્ય : “અકાલ પુરુષ”, વર્ષ – 3, અંક – 5; જાન્યુઆરી 2025; પૃ. 26-32