અલવિદા
પચીસની ઑગસ્ટે એ ગયાં અને કર્મશીલ બૌદ્ધિકતાનો, ખાસ કરીને ન્યાય ને સમાનતાના પક્ષમાં વૈચારિક સ્પષ્ટતા ને સંઘર્ષશીલતાનો એક અધ્યાય પૂરો થયો : ગેલ ઓમવેટ (૧૯૪૧-૨૦૨૧) ગયાનું સાંભર્યું ત્યારે જરી વિલક્ષણ લાગે પણ મને થઈ આવેલું પહેલું સ્મરણ નિવેદિતાનું હતું. વિવેકાનંદનાં ખેંચાયાં ભગિની નિવેદિતા ભારત આવ્યાં અને ભારતનાં થઈને રહ્યાં. ગેલ પણ તમે જુઓ, અહીં આવ્યાં તો હતાં ડૉક્ટરલ અભ્યાસના સિલસિલામાં પણ સહજક્રમે એમનો સંસાર પણ અહીં જ મહોર્યો.
અમેરિકી કન્યકા ગેલ ઓમવેટ અને મહારાષ્ટ્રમાં સાંગલી કનેનો ભારત પાટણકર પરણ્યાં તે બૉય મિટ્સ એ ગર્લ ઍન્ડ ધે ગો ધ વે ઑફ ઑલ ફૅલશ એવી ચાલુ કિસમની કહાણી નહોતી.

ગેલ ઓમવેટ અમેરિકાથી અહીં શોધ છાત્રા તરીકે આવ્યાં ત્યારે વતનથી જે વારસો અગર સંસ્કાર સાથેલગો લેતાં આવ્યાં હતાં તે વિયેટનામ વૉરના વારામાં અમેરિકી કેમ્પસો જે યુદ્ધવિરોધી છાત્ર આંદોલનથી ધણધણી ઉઠેલાં એનો હતો, અને અભ્યાસવિષય સામાજિક ઊંચનીચગત શોષણનો હતો. આ અભ્યાસે એમને ફૂલે-આંબેડકર પરંપરામાં સમયતા સંઘર્ષના મુખર સિપાહી બનાવ્યાં. સંઘર્ષના એક સાથી તરીકે એમનો ને ઈન્દુમતી પાટણકરનો પરિચય થયો. બાબુજી અને ઈન્દુમતી એ પાટણકર દંપતી સ્વાંતંત્ર્યસૈનિક પરંપરામાંથી આવતું હતું અને બંનેનું, બાબુજીને ઈન્દુમતીનું પ્રથમ મળવું પતરી કહેતાં પ્રતિ સરકારના સાથી તરીકે થયું હતું. સન બાયાલીસમાં એક છેડે જો ચંદ્રશેખરનું બલિયા ગાજ્યું હશે તો બીજે છેડે નાના પાટિલનું સાતારા. પતરી સરકારનો દોર પૂરો થયો તે સાથે ઈન્દુમતીનું સંધાન સાને ગુરુજીના રાષ્ટ્ર સેવાદળ સાથે થયું. સ્વાંતત્ર્ય માટેની કૉંગ્રેસ ચળવળ દરમિયાન સામ્યવાદ તરફ વળેલા પિતાના વારસા અને સેવાદળના સંસ્કાર સાથે ઈન્દુમતીનું આજીવન રુઝાન દલિતો ને શ્રમિકો તરફે રહ્યું. પુત્ર ભારત એમ.ડી. (ગાયનેક) થયો પણ થોડાં જ વરસોમાં એ સમતાસંઘર્ષમાં હોલટાઇમર બની રહ્યો. કર્મશીલ રુઝાનવાળાં બૌદ્ધિક ગેલ કદાચ, ઈન્દુમતીને કારણે જ ભારતના સંપર્કમાં આવ્યાં હશે. ગમે તેમ પણ, સ્વરાજના આગલા પડાવ તરીકે સમતા સંઘર્ષલક્ષી શ્રમિક મુક્તિદળનું ૧૯૮૦માં આવવું સહજ હતું, અને સાસુવહુનો એમાં સક્રિય સહભાગ પણ.
ગેલ ઓમવેટનાં પુસ્તકો ‘ઇન કોલોનિયલ સોસાયટી, નૉન-બ્રાહ્મિન મુવમેન્ટ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા’; ‘મહાત્મા ફૂલે, દલિત એન્ડ ધ ડેમોક્રેટિક રેવોલ્યુશન’, ‘વી વિલ સ્મૅશ ધ પ્રિઝન’, ‘ન્યુ સોશ્યલ મુવમેન્ટ ઇન ઇન્ડિયા’ વગેરેને અનુલક્ષીને યથા પ્રસંગ ચંદુ મહેરિયા જેવા કોઈ અભ્યાસી સાથી લખશે. પણ ભારત પાટણકરમાં જો અભ્યાસીઓએ માર્ક્સ, ફૂલે, આંબેડકર, ગ્રામસી આદિની અજબ જેવી મિલાવટ નોંધી હોય તો એ આપણી નવી ચળવળો બાબતે અચ્છો સહવિચારમુદ્દો બની રહે છે. ગઈ સદીમાં ત્રીસીનાં વર્ષોમાંથી જેમ માર્કસસાત્ ગાંધી અને ગાંધીસાત્ માર્ક્સ એવી કર્મશીલે બૌદ્ધિક ધારા આવી એનું, નવપરિમાણ સમેત આ એક અગ્રસંધાન નથી શું.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 16
![]()


એલ્ગાર પરિષદ અને ભીમા-કોરેગાંવ ઉજવણીના સિલસિલામાં પકડાયેલા સોળ કથિત કાવતરાખોરો પૈકી એક સ્ટેન સ્વામી પણ હતા. ખરું જોતાં આ આયોજનમાં એ કશેય નહોતા પણ એમને શકના દાયરામાં લેવાયા. કમાલનો એટલો જ કરપીણ આ કેવળ કલ્પિત અને હિંસ્ર હીનવૃત્તિગ્રસ્ત કેસ, પાછો, વડા પ્રધાનની હત્યાના કાવતરા સુધી ખેંચાયેલો છે એ પણ એક યુગબલિહારી છે. આ પ્રકારની કેસાકેસીનું જે ન્યૂ નૉર્મલ છે એને અઘોષિત કટોકટી ન કહીએ તો બીજું શું કહીએ, વારુ.
આ વખતે પહેલી જુલાઈનો વસંત-રજબ શહાદત દિવસ, ‘ગુજરાત ટુડે’ના આગોતરા અહેવાલને પગલે એક સરસ સમાચાર લઈને આવ્યો કે ચારતોડા કબ્રસ્તાન(ગોમતીપર)માં ઉપેક્ષિત શી પડેલી ને વળી દબાણ’નો ભોગ બનેલી રજબઅલીની મજાર હવે નવાં રૂપરંગ સાથે આપણ સૌની સમક્ષ કોમી સૌહાર્દની મશાલ અને મિસાલ રૂપે આવશે. અખબારી અહેવાલને પગલે ધારાસભ્ય ખેડાવાલા તેમ જ કૉર્પોરેટરો ઇકબાલ શેખ અને ઝુલ્ફીખાન પઠાણે મજારને એનું નૂર ફેર અપાવવા જે કોશિશ શરૂ કરી છે, તે પ્રજાકીય કૃતજ્ઞતાની દૃષ્ટિએ ભલે મોડું પણ રૂડું પગલું લેખાશે.