દક્ષિણ ભારતનાં બે વિખ્યાત મંદિરો – કેરળનું સબરીમાલા અને આંધ્રનું તિરુપતિ અંગે અલગ અલગ કારણસર ઉગ્ર ચર્ચાબાજી ચાલી રહી છે. સબરીમાલાના મંદિરમાં આઠથી પંચાવન વરસની મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નથી. આ સ્ત્રીઓ કદાચ માસિક ધર્મમાં હોય તો ભગવાન અભડાઇ જાય, તેવી અદમ્ય અને ઉત્કટ શ્રદ્ધા શ્રદ્ધાળુઓ ધરાવે છે.
પુખ્ત વયે પહોંચવા આવેલી સ્ત્રીઓ પોતાની આધેડ ઉંમરે પહોંચે ત્યાં સુધી દર મહિને રજસ્વલા થાય છે અને આ ચાર-પાંચ દિવસમાં સ્ત્રીઓને અસ્પૃશ્ય ગણવાનો રિવાજ અગણિત હિન્દુ કુટુંબો સદીઓથી પાળતા આવ્યા છે.
પણ જમાનો બદલાયો છે અને જુનવાણી માન્યતાઓ અને રૂઢિઓને તિલાંજલિ આપવાની તાતી જરૂરિયાત ઊભી થઇ છે. માનવજીવનની સ્વાભાવિક જીવન પ્રક્રિયામાં આભડછેટ પાળવા જેવું કશું નથી અને સંખ્યાબંધ યુવાન સ્ત્રીઓ નોકરી-ધંધા માટે બહાર જાય ત્યારે આવી કોઇ મર્યાદા પાળવાનું શક્ય નથી. માણસ અભડાતો ન હોય તો ભગવાન વળી શાના અભડાય? સબરીમાલા મંદિરમાં અપનાવવામાં આવેલી પ્રવેશબંધી સ્ત્રીઓ માટે અપમાનજનક છે અને શ્રદ્ધાળુ સ્ત્રીઓએ આ દિવસોમાં ભગવાનનાં દર્શનથી વંચિત રહેવું પડે તે તેમના માટે અગવડરૂપ પણ છે.
આ પ્રવેશબંધી ગેર બંધારણીય છે અને સ્ત્રીઓ-પુરુષો વચ્ચેની સમાનતાનો અનાદર કરે છે તેવા કારણસર સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવેલી સાર્વજનિક હિતની અરજીના ચુકાદાની રાહ જોવાઇ રહી છે પણ અદાલતનું વલણ સ્પષ્ટ થયું હોવાથી અદાલત પ્રવેશબંધી નામંજૂર કરશે તેવી આશા સેવાઇ રહી છે.
તિરુપતિના મંદિરમાં શ્રદ્ધાનો ઝઘડો નથી પણ પૂજારીઓ અને સંચાલકોનો નાણાલોભ ઉગ્રતાની સરટોચે પહોંચ્યો છે. તિરુપતિના વેંકટેશ્વર ભગવાન એક હજાર કિલો ગ્રામ સોનાનાં વસ્ત્રાભૂષણોથી સજ્જ હોય છે અને દરરોજ લગભગ સાઠ-સિત્તેર હજાર દર્શનાર્થીઓએ ધરેલી ભેટસોગાદમાંથી મંદિરને વાર્ષિક 300 કરોડની આવક થાય છે. તિરુપતિ દેવસ્થાનના સંચાલકો, આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સમેતના અનેક રાજકીય આગેવાનો અને બે મહિના અગાઉ હાંકી કાડવામાં આવેલા મુખ્ય પુરોહિત રામન્નાઆમચામા ભ્રષ્ટાચાર અને ચોરીચપાટીના આક્ષેપો કરી રહ્યા છે. રામન્નાએ ચંદ્રબાબુ નાયડુ પર કરોડોની કિંમતના હીરા ઝવેરાત ઉચાપત કરવાનો આક્ષેપ મૂક્યો છે અને મંદિરમાંથી ગાયબ થયેલા 300 જેટલા સોનાના વજનદાર સિક્કાઓ અંગે પૂજારીઓ સામે આંગળી ચીંધવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માટેના આસ્થાસ્થાન મંદિરો પૂજારીઓ અને સંચાલકો માટે નાણાં, પ્રતિષ્ઠા અને સત્તા મેળવવા અને ગજાવવાનાં કેન્દ્રો બન્યાં છે. આ મંદિરોમાં દર વરસે ઠલવાતી અને વરસોથી એકઠી થયેલી સંપત્તિ ભલભલાને લલચાવે છે અને ભગવાનને એક બાજુ હડસેલીને સામસામી રસીખેંચ શરૂ થાય છે. આ મંદિરોમાં પડેલા સોના અને ઝવેરાત જથ્થાનો આમજનતાના કલ્યાણ માટે વિનિયોગ કરવો જોઇએ તે આજના જમાનાની તાતી જરૂરિયાત છે. આ ધનરાશિ કેટલી છે તેનો પાકો અંદાજ મળતો નથી પણ એક અંદાજ એવો મૂકવામાં આવે છે કે મંદિરોની બધી સંપત્તિ વાપરવામાં આવે તો ભારત પરનું દેશી-પરદેશી બધું દેવું ચુકવાઇ જાય અને છતાં આ ધનભંડાર ખાલી થવાનો નથી. પણ ભારતની કોઇ સરકાર આ કામ કરી શકે તેમ નથી.
નવાઇની વાત એ છે કે મંદિરો અને મૂર્તિપૂજા હિન્દુ ધર્મમાં મૂળ ગ્રંથોમાં નથી. વેદના સંહિતા ગ્રંથોમાં અનેક દેવદેવીઓનાં નામ છે પણ તેમની મૂર્તિ કે મંદિરો નથી અને તેમની અર્ચના માટે જાતજાતના યજ્ઞોની વિગતો આપવામાં આવી છે. હિન્દુ ધર્મમાં મૂર્તિપૂજા અને મંદિરો ક્યાંથી અને ક્યારે આવ્યાં તે ભારતના પ્રાચીન ઇતિહાસનો કોયડો છે. એક મત એવો છે કે આ બંને બૌદ્ધ ધર્મની દેણગી છે. એક વાત નક્કર છે કે ભારતનાં તમામ પ્રાચીન મંદિરો અને મૂર્તિઓ બૌદ્ધ ધર્મનાં છે. હિન્દુ મંદિરો ત્યાર પછી શરૂ થયાં છે. બુદ્ધ દેવ-ભગવાનમાં માનતા નથી અને કોઇ પૂજા-અર્ચનાનો ઉપદેશ તેમણે કદી આપ્યો નથી. આત્મબ્રહ્મ કે આધ્યાત્મની બાબતની ચર્ચા બુદ્ધે કરી નથી. ઇશ્વરમાં ન માનવાવાળા બુદ્ધ અને મહાવીર બંને ભગવાન તરીકે પૂજાય છે તે ઇતિહાસની વિચિત્ર ઘટના છે.
બુદ્ધની સૌથી જૂની ખંડિત મૂર્તિ ગાંધાર પ્રદેશમાંથી મળી છે. આ પ્રદેશ લાંબા સમય સુધી ગ્રીક શાસકોના આધિપત્ય નીચે હતો. બૌદ્ધોએ ગ્રીક લોકોનું અને હિન્દુઓએ બૌદ્ધોનું અનુકરણ કર્યું. હિન્દુ મંદિરોમાં આજે જે રીતે પૂજા થાય છે તે બૌદ્ધોની વિધિઓને ઘણી રીતે મળતી આવે છે. કોણે કોનું અનુકરણ કર્યું હશે તેનો નક્કી તાળો મેળવવો મુશ્કેલ છે.
પણ બાૈદ્ધોમાં મૂર્તિપૂજા શરૂ થઇ અને મૂર્તિ હોય ત્યાં વહેલા મોડે મંદિરો બાંધવા જ પડે અને પછી ભગવાનના શણગાર શરૂ થતા હોય છે. ઇસ્લામમાં મૂર્તિપૂજાનો સખત નિષેધ છે એટલું જ નહીં પણ મૂર્તિઓ અલ્લાહનું અપમાન હોવાથી તેને તોડીફોડી નાખવી જોઇએ તેવું મુસલામાનો દૃઢપણે માને છે. સોમનાથનું મંદિર અને શિવલિંગ તોડી નાખનાર મહમ્મદ ગઝનીએ પોતે બુતપરસ્ત (મૂર્તિપૂજક) નથી પણ બુત-શીકન (મૂર્તિભંજક) છે તેવું ગાૈરવભેર કહ્યાનું નોંધાયું છે.
e.mail : nagingujarat@gmail.com
લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત ‘તડ ને ફડ’ કોલમથી તેઓ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે જાણીતા છે.
સૌજન્ય : ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 12 અૉગસ્ટ 2018