પહેલા ગુજરાતી નાટકનાં અવલોકન બે અંગ્રેજી અખબારે લખેલાં
તેંતાલીસ વરસ સુધી નાટકોનાં અવલોકન લખનાર નાટકનો જીવ
શનિવાર, તારીખ ૨૯મી ઓક્ટોબર ૧૮૫૩ની રાતે ગ્રાન્ટ રોડ પરના જગન્નાથ શંકર શેઠના બંધાવેલા થિયેટરમાં પારસી નાટક મંડળીએ ગુજરાતી રંગભૂમિની ભવ્ય ઈમારતની પહેલી ઈંટ મૂકી એ તો હવે બધા સ્વીકારે છે. ‘રુસ્તમ અને શોરાબ’ નાટક તથા ‘ધનજી ગરકનો ફારસ’ એ સાંજે ભજવાયાં એ ગુજરાતી રંગભૂમિ પર ભજવાયેલાં પહેલાં નાટક. પણ બીજી એક વાત મોટે ભાગે ધ્યાન બહાર રહી ગઈ છે. અને તે એ કે ગુજરાતી નાટકનાં અવલોકન કહો, સમીક્ષા કહો, અહેવાલ કહો, એની શરૂઆત પણ આ પહેલા નાટક સાથે જ થઈ હતી. એ વખતે મુંબઈમાં આંગળીને વેઢે ગણી શકાય એટલાં અખબાર પ્રગટ થતાં. ૧૯મી સદીનાં ગુજરાતી અખબારોની ફાઈલો તો જવા દો, છૂટા-છવાયા અંકો ય આજે ભાગ્યે જ જોવા મળે. નહિતર આવી વિરલ ઘટનાની નોંધ એ વખતનાં ગુજરાતી અખબારોએ લીધી જ હોય. પણ ‘બોમ્બે કુરિયર’ અને ‘બોમ્બે ગેઝેટ’, એ બે એ વખતનાં અંગ્રેજી અખબારો. અને બંનેએ આ અપૂર્વ ઘટનાની નોંધ લીધી હતી, ભલે અંગ્રેજીમાં. સોમવાર, ૩૧ ઓક્ટોબરના ‘બોમ્બે ગેઝેટ’ના અંકમાં આ નાટકનો અહેવાલ પ્રગટ થયો હતો. તો ‘બોમ્બે કુરિયરે’ પણ તે જ દિવસના અંકમાં આ ઘટનાની નોંધ લીધી હતી. એ નોંધને આધારે ‘પારસી પ્રકાશ’ જણાવે છે: “પારસીઓમાં નાટકનું કામ આ પહેલવહેલું હોવાથી નાટક શાળા ઉભરાઈ ગઈ હતી.” આ નાટકમાં જેમણે અભિનય કરેલો તેમનાં નામ પણ ‘પારસી પ્રકાશ’ આપે છે : પેસ્તનજી ધનજીભાઈ માસ્તર, નાનાભાઈ રૂસ્તમજી રાણીના, દાદાભાઈ નસરવાનજી એલીએટના, માણેકજી મહેરવાનજી મેહરહોમજીના, મંચેરશાહ માણેકજી મોદી, બહેરામજી જીવણજી ઝવેરી, ભીખાજી ખરશેદજી મૂસ, મંચેરજી ફરદુનજી સુનાવાલા, કાવસજી હોરમજજી બિલીમોરિયા, ડોક્ટર રૂસ્તમજી હાથીરામ, ડોક્ટર મહેરવાનજી ઈજનેર, અને કાવસજી નસરવાનજી કોહીદારૂ.

૧૮૫૩માં પહેલા ગુજરાતી નાટકનાં અવલોકન પ્રગટ કરનાર બે અંગ્રેજી અખબાર
૧૮૭૮ના જૂનની પાંચમી તારીખે ‘ગુજરાતી નાટક મંડળી’ શરૂ થઈ તે પહેલાં બિન-પારસી ગુજરાતી નાટક મુંબઈમાં ભજવાતાં નહિ. લગભગ આ જ અરસામાં, ૧૮૮૦ના જૂનની છઠ્ઠી તારીખે ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના તંત્રીપદે ‘ગુજરાતી’ સાપ્તાહિકનો પહેલો અંક પ્રગટ થયો. શરૂઆતથી જ તેમાં મુંબઈમાં ભજવાતાં ગુજરાતી નાટકોનાં અવલોકન પ્રગટ થતાં. પણ આપણે ‘ગુજરાતી’ની ફાઈલો પણ સાચવી નથી. હા, દૂર દૂરના વોશિંગ્ટનમાં આવેલી લાઈબ્રેરી ઓફ કાઁગ્રેસમાં તેની લગભગ સંપૂર્ણ કહી શકાય તેવી ફાઈલો સચવાઈ છે.
ઇચ્છારામે શરૂ કરેલું ‘ગુજરાતી’ એ બિન-પારસી દ્વારા શરૂ થયેલું પહેલું ગુજરાતી સાપ્તાહિક, તો ૧૯૧૩માં રણછોડદાસ લોટવાલાએ શરૂ કરેલું ‘હિન્દુસ્તાન’ એ પહેલવહેલું બિન-પારસી ગુજરાતી દૈનિક. પણ પહેલેથી જ સમાજ સુધારાની બાબતમાં ‘ગુજરાતી’ અને ‘હિન્દુસ્તાન’ બંને એકમેકનાં કટ્ટર વિરોધી. હિન્દુસ્તાન સમાજ સુધારાની તરફેણ જ નહિ, પુરસ્કાર કરનારું. જ્યારે ‘ગુજરાતી’ રૂઢિવાદી. આ બંને વચ્ચેનું વૈમનસ્ય ગુજરાતી નાટકોનાં અવલોકનો સુધી પણ કઈ રીતે પહોંચેલું એની વાત રઘુનાથ બ્રહ્મભટ્ટની આત્મકથા ‘સ્મરણ-મંજરી’માંથી જાણવા મળે છે. તેમનું શૃંગી ઋષિ નાટક મોરબી નાટક મંડળી દ્વારા મુંબઈમાં ૧૯૧૪માં ભજવાયું. ત્યારે નાટક કંપનીએ કોઈક કારણસર ‘ગુજરાતી’ને અને બીજાં કેટલાંક સામયિકોને જાહેર ખબર આપી, પણ ‘હિન્દુસ્તાન’ને નહિ. અને પહેલા પ્રયોગ પછી તરત જ ‘હિન્દુસ્તાન’ આ નાટક પર તૂટી પડ્યું. શૃંગી ઋષિને તપમાંથી ચળાવવા માટે મોહલેખા પ્રયત્ન કરે છે એ સીનનો પડદો એ વખતે વેશ્યા વ્યવસાય માટે બદનામ થયેલા પીલા (પ્લે) હાઉસનાં દૃશ્યનો રાખેલો. એટલે હિન્દુસ્તાને પહેલે પાને મોટું મથાળું ફટકાર્યું : ‘નાટકનો બગડતો જતો તખ્તો.’ ‘બીભત્સ રસની પરિસીમા.’ ‘અશ્લીલતાની અવધિ.’ ‘હિન્દુસ્તાન’માંનાં આવાં લખાણોથી સરકારને પણ લાગ્યું કે આ નાટક નક્કી બીભત્સ હોવું જોઈએ. મુંબઈના પોલીસ ડિટેક્ટીવ ઓફિસરો વાડીલાલ બારોલિયા અને મણિ લાલ દેસાઈ નાટક જોવા આવ્યા. અને પછી આ નાટકમાં અશ્લીલ કે બીભત્સ કહી શકાય એવું કશું જ નથી એમ જાહેર કર્યું. છતાં હિન્દુસ્તાનના આ ‘અવલોકન’ની અસર તો થઈ જ. મુંબઈમાં માંડ ચાર મહિના આ નાટક ભજવી શકાયું.
પહેલું ગુજરાતી નાટક ભજવવામાં, પહેલું નાટ્યાવલોકન પ્રગટ કરવામાં, નાટક માટેનું પહેલું થિયેટર બાંધવામાં જેમ મુંબઈએ પહેલ કરી, તેમ નાટક અને રંગભૂમિ અંગેનું પહેલવહેલું ગુજરાતી સામયિક શરૂ કરવામાં પણ પહેલ કરી તે મુંબઈએ જ. વિક્રમ સંવત ૧૯૭૯ના નૂતન વર્ષના દિવસે (ઈ.સ. ૧૯૨૩) ત્રિમાસિક ‘રંગભૂમિ’નો પહેલો અંક પ્રગટ થયો. તંત્રી હતા નૃસિંહ વિભાકર. ૧૮૮૮ના ફેબ્રુઆરીની ૨૫મી તારીખે જૂનાગઢમાં જન્મ. સ્કૂલનું શિક્ષણ પણ ત્યાં જ. એકાદ વરસ બહાઉદ્દિન કોલેજમાં ભણ્યા પછી મુંબઈ આવી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં દાખલ થયા અને ૧૯૦૮માં બી.એ. થયા. ૧૯૧૦માં એલ.એલબી. થયા પછી બેરિસ્ટર થવા બ્રિટન ગયા. પાછા આવીને એકાદ વરસ માટે મુંબઈની સિડનહામ કોલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યું. અને પછી શરૂ કરી વકીલાત. પણ તેમનો જીવ નાટક અને રંગભૂમિનો. એટલે લખ્યાં નાટકો. ૧૯૧૩-૧૪ના અરસામાં મુંબઈની આર્ય નાટક મંડળીએ તેમનું લખેલું ‘સિદ્ધાર્થ બુદ્ધ’ નાટક ભજવેલું. ૧૯૧૭માં તે પુસ્તક રૂપે પ્રગટ થયું. એ પછી બીજાં ચાર નાટક : સ્ત્રીના અધિકારનો પ્રશ્ન ચર્ચતું ‘સ્નેહ-સરિતા,’ સ્વરાજ્યની ભાવનાને મૂર્તિમંત કરતુ ‘સુધાચંદ્ર’, હોમરૂલ લીગની ચળવળને નિરૂપતું ‘મધુબંસરી’, અને મજૂરોની જાગૃતિને વિષય બનાવતું ‘મેઘ-માલિની.’ જયશંકર સુંદરીને ધ્યાનમાં રાખીને લખાયેલું ‘અબજોનાં બંધન’ લખ્યું જેમાં ‘મહાદેવી લક્ષ્મીની મર્યાદાઓનો નિર્દેશ કરીને’ બહારની મુક્તિની ભાવના વ્યક્ત કરી હતી. તેનો પહેલો પ્રયોગ ૧૯૨૨ના ડિસેમ્બરની બીજી તારીખે મુંબઈના વિક્ટોરિયા થિયેટરમાં ભજવાયો હતો. આવા વિષયો પર ગુજરાતીમાં નાટકો લખનાર વિભાકર પહેલા હતા. માત્ર ૩૭ વરસની ઉંમરે, ૧૯૨૫ના મે મહિનાની ૨૮મી તારીખે તેમનું અવસાન થયું.

રંગભૂમિ ત્રૈમાસિક અને તેના સ્થાપક તંત્રી નૃસિંહ વિભાકર
રંગભૂમિ ત્રિમાસિકનો દોઢસો પાનાંનો પહેલો અંક આખો આર્ટ પેપર પર છાપેલો. એમાંની લેખ સામગ્રીને બહુરંગી, એકરંગી (મોનોક્રોમ) અને બ્લેક એન્ડ વ્હાઈટ ચિત્રોથી સજાવેલ. બહુરંગી કવર પર આજે કેલેન્ડર આર્ટનું લાગે તેવું રાધાકૃષ્ણનું ચિત્ર છાપ્યું છે. પહેલે પાને ‘રંગભૂમિનાં હો અભિવંદન’ નામની વિભાકરની પોતાનીએ ‘ભૈરવીની ગઝલ’ છાપી છે. ‘શિખર પરથી દૃષ્ટિપતટ’ નામથી લખાયેલી તંત્રી નોંધ પછી કનૈયાલાલ મુનશીનો ‘આવકાર’ છાપ્યો છે. આ ઉપરાંત પહેલા અંકની કેટલીક સામગ્રી: ‘નાટ્ય કળા અને પ્રજા જીવન’ નામનો ધૂમકેતુનો લેખ, ૨૦૦૦ વર્ષ પૂર્વેની ઉજ્જયિનીની નાટકશાળા નામનો ચંદ્રશંકર બૂચનો લેખ, રંગભૂમિ અને માતૃભૂમિ પરનો બરજોરજી ભરુચાનો લેખ, રંગભૂમિ અને સાક્ષરો વચ્ચેના સંબંધની ચર્ચા કરતો ચંદ્રશંકર પંડ્યાનો લેખ, મુંબઈની રંગભૂમિનાં મશહૂર પાત્રો નામની લેખમાળામાં જયશંકર સુંદરીનો પરિચય આપતો લેખ, લંડનની અને બંગાળીની રંગભૂમિ વિશેના પરિચયાત્મક લેખો, અને ‘નાટકનો પ્રારંભ’ નામના રણછોડભાઈ ઉદયરામના લાંબા લેખનો પહેલો હપ્તો. પહેલા અંકમાં છપાયેલી એક જાહેરાત આજે તો કોઈ સામયિક ન જ છાપે : “આ અંકમાં સ્થળ અને સમયના સંકોચને લીધે અમે કેટલીક જાહેર ખબરો દાખલ કરી નથી શક્યા તે માટે માફી ચાહીએ છીએ.” પણ થોડો વખત પ્રગટ થયા પછી વિભાકરના અકાળ અવસાનને કારણે આ ‘રંગભૂમિ’ ત્રિમાસિક ‘નવચેતન’ માસિક સાથે જોડાઈ ગયું હતું, એમ નોંધાયું છે.

૧૯૫૩માં શરૂ થયેલું માસિક ગુજરાતી નાટ્ય
ગુજરાતી નાટક અને રંગભૂમિ વિશેનું બીજું સામયિક પણ મુંબઈથી જ શરૂ થયેલું. ૧૯૫૩માં ગુજરાતી રંગભૂમિની શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે ‘ગુજરાતી નાટ્ય મંડળ’ની સ્થાપના થઈ અને તેણે શરૂ કર્યું માસિક ‘ગુજરાતી નાટ્ય.’ ૧૯૫૩ના એપ્રિલ-મેમાં તેનો પહેલો અંક પ્રગટ થયેલો. પહેલા તંત્રી હતા રંગભૂમિના જાજરમાન અદાકાર પ્રા. મધુકર રાંદેરિયા. પછીથી પ્રાગજી ડોસા તંત્રી બન્યા. વખત જતાં ચાર સભ્યોના તંત્રી મંડળને ‘ગુજરાતી નાટ્ય’ સોંપાયું. આ ચાર તે જ્યોતીન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા, મુરલી ઠાકુર, અને પ્રાગજી ડોસા. પણ એ વ્યવસ્થા કારગત નહિ નીવડી હોય એટલે મોહનલાલ મહેતા ‘સોપાન’ અને ગુલાબદાસ બ્રોકર જોડિયા તંત્રી બન્યા. ગુજરાતી ઉપરાંત બીજી ભાષાનાં નાટકો અને રંગભૂમિનો પરિચય આપતા લેખો, નાટક અને રંગભૂમિ સાથે સંકળાયેલી વ્યક્તિઓની મુલાકાતો, પરિચય, અગાઉના નાટકો, લેખકો, નાટક કંપનીઓ વગેરેના પરિચય-લેખો, જેવી સામગ્રી આ માસિકમાં પ્રગટ થતી. ડિસેમ્બર ૧૯૬૦ પછીના અંકો જોવા મળ્યા નથી એટલે ‘ગુજરાતી નાટ્ય’ ક્યારે બંધ પડ્યું તે ચોક્કસ કહી શકાય તેમ નથી.

નાટકનો જીવ ઉત્પલ ભાયાણી
પૂરાં ૪૩ વરસ. એટલે કે ૨,૨૩૬ અઠવાડિયાં. દર રવિવારે એક યા બીજા નાટકનું અવલોકન હોય જ, મુંબઈમાં ભજવાતા કોઈને કોઈ નાટકનું. એ નાટક ગુજરાતી જ હોય એવું નહિ. મરાઠી, અંગ્રેજી, હિન્દીનું પણ હોઈ શકે. અને આ કામ એકલે હાથે એક જ વ્યક્તિએ કર્યું. એ વ્યક્તિ તે ઉત્પલ ભાયાણી (૧૯૫૩-૨૦૧૯). વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ જીવ નાટકનો. તેમનાં અવલોકનો થાબડભાણિયાં બિલકુલ નહીં. નાટક જેવું લાગ્યું હોય તેવું જ તેને વિષે લખાય. અને અવલોકન લખીને ભૂલી જવાનું, એવું નહિ. એક-એક વરસનાં અવલોકન પુસ્તકરૂપે પણ સાચવ્યાં. મુંબઈની ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ ભવિષ્યમાં કોઈ લખે એવી બીક રાખવા જેવું વાતાવરણ તો નથી. પણ ભૂલેચૂકે જો કોઈ એવું કામ કરે તો આ ૪૩ વરસનાં ગ્રંથસ્થ થયેલાં અવલોકન તેને માટે સોનાની ખાણ બની રહે તેમ છે. ગુજરાતીમાં તો નહિ જ, દેશની બીજી કોઈ ભાષામાં પણ એક જ વ્યક્તિએ આટલા લાંબા સમયપટને આવરી લઈ અત્યંત નિયમિતતાથી નાટ્યાવાલોકન લખ્યાં હોય એવું બન્યું હોવાનો સંભવ નથી. મરાઠી કે બંગાળી પ્રજાને આવો એકનિષ્ઠ નાટ્યપ્રેમી મળ્યો હોત તો એ પ્રજાએ તેની પૂજા કરી હોત. આવું અનન્ય કામ ઉત્પલ ભાયાણીએ મુંબઈમાં કર્યું એનો આનંદ જ નહિ, એનું ગૌરવ પણ આપણને હોવું ઘટે. પણ … જવા દો.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે” 14 મે 2022
![]()



જુનવાની ખરાં મારાં મા. ને એમની રીતરસમ પણ જુનવાણી જ. શરૂ શરૂમાં ગાંધી એમને ગમે નહિ. ‘એમ કંઈ સરકાર જેવો સરકાર આવી ટૂંકી પોતડીવાળાથી ભાગી જશે કંઈ?’ એવું એવું ગામની સ્ત્રીઓ સાથે હંમેશાં બોલે. હું ગાંધીવાળાઓમાં ભળું એ એમને ગમે નહિ. મને વારે પણ ખરાં. પણ ન માનીને અમારા ગામના કાપડના મોટા વેપારીની દુકાન આગળ સત્યાગ્રહ કરવા જ્યારે હું બીજા સાથીદારોની સાથે લાંબો થઈને સૂઈ ગયો ત્યારે એ ખબર પડી હશે એટલે, બધાને ખૂંદતાં ખૂંદતાં મારી પાસે આવી પહોંચ્યાં. બધા આગળ મને પાછો લઈ જવાનો ભવાડો ન કરે તો સારું, મને થયું. એ મારી પાસે નીચાં નમી ગયાં. મારા કાન આગળ મોઢું લાવીને કહે : ‘હવે જો જે હોં દીકરા, જે થાય તે. તારા બાપનું નામ નહિ બગાડતો.’ બસ, તેમના મનમાં જિંદગીભર રમતું કોઈ પાત્ર હોય તો તે આ, ‘તારા બાપ.’
બાને એક બહુ મોટો સંતોષ હતો કે એમના ત્રણે છોકરા હોશિયાર હતા. હું પણ દરમિયાનમાં ‘મશહૂર’ લેખક થઈ ગયો હતો. મારો અલકા સ્ટોર્સ બહુ સરસ ચાલતો હતો. એકાદ બે વાર બાએ મારી બે નવલકથાઓ વાંચીને મને કહ્યું હતું કે તું બહુ બેફામ લખે છે! મારી પ્રતિષ્ઠા પર એ ખુશ હતાં, પણ મારું લખાણ એમને ગમતું ન હતું. પણ હું હસ્યા કરતો, રમૂજો કરતો – બા સમજતાં, કહેતાં : ‘તું પહેલેથી જ આડો છે. નાનો હતો ત્યારે પણ ગદ્દીમાં દોડી જતો અને બાપાજીનું ધોતિયું પકડીને કહેતો : બાપાજી! આજે બજારમાં જાઓ ને ત્યારે બે પૈસાની બીજી બા લેતા આવજો! આ બા બડી ખરાબ છે.’ બાપાજી હસતા, પછી પૂછતા : ‘આજે શું કર્યું બાએ?’ હું કહેતો : ‘આજે બાએ મને થપ્પડ મારી.’ અને બાપાજી મને પ્યારથી કહેતા : ‘અચ્છા બેટા! આજે બજારમાં જઈશ ત્યારે બે પૈસાની બીજી બા લઈ આવીશ. જાઓ – રમો.’
અમારું ઘર એક મોટા ડેલામાં હતું. મુંબઈમાં જેને ચાલી કહેવામાં આવે છે તેવી ત્યાં હારબંધ કેટલીયે ઓરડીઓ હતી. એવા પ્રકારની ઓરડીઓમાં એક-એક કુટુંબ વસતું હતું. અમે પણ એમાં રહેતાં, ને મેઘાણીભાઈ, કરસનદાસ માણેક, તથા બીજા સાથીઓ પણ ત્યાં જ વસતા. એ હતું ‘સૌરાષ્ટ્ર’નું કુટુંબ. છાપખાનામાં કામ કરતા ભાઈઓનું કુટુંબ. સૌ સાધારણ સ્થિતિનાં. કોઈક સેવાભાવથી પોતાનાં ઘર છોડી ત્યાં આવેલા. એ બધાંની બા સંભાળ રાખતાં. સાથે સાથે એમનાં ‘બા’ થઈને રહેતાં. કોઈને ત્યાં કોઈ માંદું હોય, ખાસ કોઈ પ્રસંગ હોય, કશી તકલીફ હોય તો તેઓ બા પાસે દોડી આવતાં ને બા એટલી જ ત્વરાથી એમની મદદે પહોંચી જતાં. ગામમાં પણ બાનાં ઘણાં ‘કુટુંબીજનો’ હતાં. બાએ જેમને જોયાં ન હોય, પણ ક્યાંકથી સાંભળ્યું હોય કે એના ઘરમાં અનાજના વાખા છે, આબરૂને કારણે હાથ લાંબો કરી શકે તેમ નથી, તો બા પાછલે બારણેથી એને ઘેર અનાજ પહોંચડાવી દેતાં. અરે, આંગણામાં, કે દૂર ખેતરમાં કૂતરી વિયાઈ હોય તો તેને પણ શીરો કરીને ખવડાવી આવતાં. એમ ઘરનાં, ને ગામનાંયે બા થઈને રહેતાં.
બાની કઈ છબી પહેલી સાંભરે છે? અપૂર્વ સૌન્દર્ય, છેલ્લી ઢબનાં ફેશનેબલ વસ્ત્રો. ઘટ્ટ કાળા લાંબા વાળના અંબોડામાં સુગંધી વેણી. સાયગલ, પંકજ મલિક, જગમોહન, અને જ્યુથિકા રેની રેકર્ડ એની ખૂબ પ્રિય. સંગીતનો ખૂબ શોખ. આત્મારામજી એમના અંધ શિક્ષક. હાર્મોનિયમ પર બા અત્યંત મધુર કંઠે ભજન ગાય. ત્યારે કશું સમજાય નહિ, છતાં આંખો છલકાઈ જાય. બાર વર્ષની ઉંમરે મારો રંગમંચ-પ્રવેશ બાએ જ કરાવ્યો. માટુંગામાં ત્યારે અમે રહેતાં. મકાનની બધી ગૃહિણીઓને ભેગી કરી એમણે મહિલા મંડળ સ્થાપ્યું હતું. એ સમયે આ વિચાર જ ક્રાંતિકારી લાગતો હતો. નવરાત્રીના ગરબા, પિકનિક, મકાનની સફાઈ, ચળવળ વખતે સ્વયમ્સેવિકાઓની ટુકડીની રચના, ભાગલા પડ્યા ત્યારે નિરાશ્રિતોની ખાવાની-રહેવાની વ્યવસ્થા – કેટલાંયે રચનાત્મક કાર્યો ત્યારે બાએ હાથ ધરેલાં. દેશપ્રેમ વિષે કૈંક નાટક બાએ તૈયાર કરેલું. પોતે અંગ્રેજ સોલ્જર બની હતી. અને હું ખૂબ નાની હતી ત્યારે મારી પાસે કશીક ભૂમિકા કરાવી હતી. રંગભૂમિનો પહેલો પાઠ બાએ ભણાવ્યો હતો : પ્રેક્ષકોથી કદી ડરવાનું નહિ. જેમ લોકો વધારે તેમ અભિનયની રંગત જામે. આજે મને પ્રશ્ન થાય છે : બા આ બધું ક્યાંથી શીખેલી? આ સંસ્કાર, આ કળારુચિ, નૈતિક હિંમત – ક્યાંથી બાએ મેળવ્યું હતું આ બધું?
મનુષ્ય પાસે વાણી છે, ભાષા છે એટલે માતાના પ્રેમની ઉષ્મા અને સુષમાને પ્રગટ કરી શકે છે, એ એનું સદ્ભાગ્ય છે. મારી માતાને અમે ભાભી કહેતાં. અનેક પ્રસંગોમાંથી એક પ્રસંગ મારી આંખ સમક્ષ સતત તરવર્યા કરે છે. હું સાતેક વર્ષનો હોઈશ. વિશ્વયુદ્ધનો સમય હતો. મુંબઈ ખાલી થતું હતું. શહેરની સડકો પર માણસો કરતાં ‘To be let’નાં પાટિયાં વધારે દેખાતાં હતાં. અમારું બધું જ મુંબઈમાં. તે વખતે અમારા ઘરધણીએ મારાં માબાપને સમજાવ્યાં, ને કહ્યું કે અમે ખંભાત જઈએ છીએ અને મુંબઈમાં ગમે ત્યારે બોમ્બમારો થશે, કોણ રહેશે, કોણ નહિ રહે એની કાંઈ ખબર નથી. તો તમે નાના દીકરા લલિતને તમારી પાસે અહીં મુંબઈ રાખો અને અરવિંદ ને સુરેશને અમારી જોડે ખંભાત મોકલો. એમણે આનાકાની કરતાં સંમતિ આપી. કદાચ સાંજની ટ્રેન હશે. મારા પિતા, જેમને અમે ‘ભાઈ’ કહેતાં, એ ઓફિસ ગયા હતા. અને મારી માતા અમને નીચે સુધી મૂકવા આવી. એ એવી રીતે અમારી સામે જોતાં હતાં, જાણે એ અમને છેલ્લી વાર આંખ ભરી ભરીને ન જોતાં હોય! એમનો એ ચહેરો આજે પણ મારી આંખ સામે એવો ને એવો ઉપસી આવે છે.
આપણે કલાકોના કલાકો જીવનની, વ્યવસાયની, ઈશ્વરની, અધ્યાત્મની વાતો કર્યા કરીએ છીએ. કોઈ ક્ષણે મા વિષે અનાયાસ વાત કરીએ ત્યારે એ પવિત્ર ઘડી આવે છે. માનો લય વાતચીતમાં ભળે ત્યારે એ વાત અમૃતત્ત્વ પામે છે. ‘મા’ શબ્દ ઉચ્ચારાય અને એક ઉજાસ પથરાય છે. માનો ખ્યાલ આવે કે ચિત્ત મંજાઈને ઝળાંહળાં થઈ ઊઠે છે. ચમત્કારના અનુભવ માટે બહુ દૂર જવાની જરૂર નથી. ‘મા’ શબ્દ ઉચ્ચારીએ અને ચમત્કાર થાય છે.
અમારા ઘરમાં કોઈને પણ માટે તુંકારો ભાગ્યે જ વપરાતો. નાગર કુટુંબોની રસમ પ્રમાણે આખી જિંદગી માએ મને તો ‘તમે’ કહી બોલાવ્યો, પણ મારા દીકરા માટે પણ ક્યારે ય તુંકારો વાપર્યો નહોતો. સિત્તેર વરસનાં મા એ નાના છોકરાને પણ ‘તમે’ જ કહે. પોતાની જિંદગીમાં માએ મારી અનેક ઈચ્છાઓ પૂરી કરી, પણ માને મોઢેથી તુંકારો ક્યારે ય સાંભળવા ન જ મળ્યો. બીજો જન્મ હોય છે કે નહિ એની મને ખબર નથી. પણ જો હોય તો આવતે જન્મે મારી માને મોઢે તુંકારો સાંભળવા મળે એટલું હું ઇચ્છું. અને બીજી પણ એક ઇચ્છા છે આ જન્મની છેલ્લી ઘડીઓ માટે. મારી આંખ છેલ્લી વાર મિચાવાની હોય ત્યારે કોઈ જરીપુરાણું રેકોર્ડિંગ શોધી કાઢે અને મારાં માના અવાજમાં ગવાયેલું પેલું ગીત સાંભળતાં સાંભળતાં હું આંખો મીચું :

