ઇસ બિલ્ડિંગ કી દીવારો કી ઇંટે મેરી મા ને અપને સર પર ઉઠાઈ હૈ
સાહિત્ય સહવાસમાં રહે તો સાહિત્યકારો, પણ ઘરકામ કરવાવાળી કોંડાબાઈને રોજિંદા જીવનમાં કામકાજ અને વાતચીત વધુ થાય તે તો દરેક ઘરની સ્ત્રીઓ સાથે. પોતાની આપવીતી કહેતી વખતે કોંડાબાઈએ મોટે ભાગે તો લોકોની ઉજળી બાજુની જ વાત કરી છે છતાં ક્યારેક હળવેકથી ઓછી ઉજળી બાબતની વાત પણ કરી દે છે. ઘણાં ઘરોમાં બૈરાંઓને અડોશપડોશના લોકોની વાતો જાણવામાં રસ. ઘણી વાર પૂછે : ‘કાલે મોડી રાત સુધી ફલાણાને ત્યાં લાઈટ ચાલુ હતી. શું વાત હતી?’ કોંડાબાઈ જવાબ આપે: ‘ખાસ કશું હતું તો નહિ. કદાચ લાઈટ ઓલવવાનું ભૂલી ગયાં હશે.’ પછી ઉમેરે છે : ‘હું શું કામ કહું કે કાલે રાતે તેમને ત્યાં તો પુ.લ. દેશપાંડે નામના બહુ મોટા લેખક જમવા આવેલા અને મોડે સુધી ખાણીપીણી (હા, પીણી પણ) ચાલતી રહેલી.’ પણ હું નહિ તો બીજું કોઈ ને કોઈ તો મળી જ રહે અને સાચી વાત જાણ્યા પછી બીજે દિવસે હું કામ પર જાઉં ત્યારે મને તરત સાંભળવા મળે : ‘આવો, આવો ઇન્દિરા ગાંધી! તમે તો વાત છુપાવવામાં બહુ પાવરધાં છો!’
લક્ષ્મણ અને કોંડાબાઈ પારઘે
ગંગાધાર ગાડગીળનાં પત્ની પાઈ પાઈનો હિસાબ રાખવાવાળાં. કોંડાબાઈએ તેમને ત્યાં કામ શરૂ કર્યું. બીજે જ મહિને તેમને પૂછ્યું : ‘કોંડા! તેં બેન્કમાં ખાતું ખોલાવ્યું છે કે નહિ?’ ‘અમે તો આખો દિવસ કામ કર્યા પછી માંડ બે ટંકનું ખાવા પામીએ છીએ. પછી ખાતું ખોલાવવાની શી જરૂર?’ ‘દર મહિને તારે થોડી બચત તો કરવી જ જોઈએ. એક કામ ઓછું કર્યું એમ માનજે. ચાલ, મારી સાથે બેન્કમાં, ખાતું ખોલાવવા.’ ખાતું ખોલ્યું. પાસ બુક આપી કોંડાબાઈને. દર મહિને ગાડગીળબાઈ બેન્કમાં જાય ત્યારે કોંડાબાઈ પાસેથી પાસ બુક અને દસ રૂપિયા લેતાં જાય અને તેના ખાતામાં પૈસા ભરી પાસ બુક પાછી આપી દે. એક વખત જોયું તો પાસ બુકમાં બેલન્સ ઝીરો! તરત ઊલટ તપાસ : ‘પૈસા ક્યાં ગયા? કેમ ઉપાડી લીધા?’ ‘મને શી ખબર? તમે આપો એટલે હું તો પાસ બુક પારઘેને આપી દઉં.’ (કોંડાબાઈ પુસ્તકમાં બધે જ પતિનો ઉલ્લેખ તેમની અટક ‘પારઘે’થી જ કરે છે.) કદાચ તેમણે પૈસા ઉપાડ્યા હશે.’ ‘હમણાં ને હમણાં ઘરે જા, અને પૂછ કે બધા પૈસા કેમ ઉપાડી લીધા.’ ઘરે જઈ પૂછ્યું તો જવાબ મળ્યો : ‘મારા એક દોસ્તને બહુ જરૂર હતી, એટલે તેને આપી દીધા!’ તે દિવસથી ગાડગીળબાઈએ કોંડાબાઈની પાસ બુક પણ પોતાની પાસે જ રાખવા માંડી.
કોલોનીનું મહિલા મંડળ
કોંડાબાઈની દીકરી ભીકૂનાં લગન લેવાયાં. કોંડાબાઈ જ્યાં જ્યાં કામ કરતાં ત્યાં ત્યાં ઘરની સ્ત્રીઓ પૂછવા લાગી : ‘દીકરીનાં લગન લીધાં છે તે કાંઈ જોઈતું કરતું હોય તો કહેજે.’ તેમને કોંડાબાઈ જવાબ આપતાં : ‘મને ખબર છે કે અડધી રાતે હું માગીશ તો પણ તમે પૈસા આપશો. પણ ભીકૂનાં લગન માટે મારે કોઈની પાસે એક પાઈ પણ માગવી પડે તેમ નથી. ગાડગીળબાઈએ મારા નામનું ખાતું બેન્કમાં ખોલાવ્યું છે તેમાં જમા થયેલા પૈસામાંથી લગનની બધી જોગવાઈ થઈ રહેશે.’ કોઈનીયે પાસે હાથ લંબાવ્યા વગર દીકરીનાં લગન થઈ ગયા પછી કોલોનીની સ્ત્રીઓ સાંજે મળે ત્યારે એકબીજાને કહેતી : ‘આ કોંડાબાઈ તો બડી ચેપ્ટર નીકળી.’
કોંડાબાઈ ઘરકામ કરતાં ત્યારે પગાર દસ-પંદર રૂપિયા, દિવસનો નહિ, મહિનાનો. દરેક ઘરે દિવસમાં ત્રણ વાર કામ કરવા જવાનું : સવાર, બપોર, સાંજ. તેમાં ય ઘણાં ઘરોમાં તો બે-પાંચ વરસ સુધી પગાર વધારાનું નામ સુધ્ધાં નહિ! તો કેટલાંક ઘરમાં દર વરસે માગ્યા વિના પાંચ રૂપિયાનો વધારો મળે! વધ્યુંઘટ્યું ખાવાનું અને જૂનાં પુરાણાં કપડાં મળે તે જ બોનસ! એક દિવસ પ્રો. બાંદીવડેકર કોલેજમાંથી ઘરે આવ્યા અને પત્નીને પૂછ્યું : ‘આ કોંડાબાઈ તેમના ઘરે રોજ રસોઈ કઈ રીતે કરે છે?’ ‘બીજી કઈ રીતે કરે, ચૂલા પર.’ ‘તો પ્રેશર કૂકર ચૂલા પર મૂકી શકાય ખરું?’ ‘હા, મૂકી તો શકાય.’ બીજે દિવસે પ્રો. બાંદીવડેકર ઘરે આવ્યા ત્યારે નવું નક્કોર કૂકર લેતા આવ્યા અને કોંડાબાઈને આપીને કહે : ‘હવેથી ઘરે રસોઈ આ કૂકરમાં કરજે.’ ‘સાહેબ! તમે આ લાવ્યા એ માટે આભાર. પણ આ કૂકરમાં મારે રાંધવું શું?’ ‘કેમ? દાળ, ભાત, શાક વગેરે.’ ‘સાહેબ! અમારે તો રોજ બંને ટંક જમવામાં જારના રોટલા અને ઠેચા (સૂકી ચટણી) જ હોય. અને તે બેમાંથી એક્કે આ કૂકરમાં રંધાય નહિ.’ સાહેબ સહેજ વિચારમાં પડ્યા. પછી કહે : ‘કોંડાબાઈ! આ કૂકર રાખ તો ખરી! એક દિવસ એવો જરૂર આવશે જ્યારે તું ય રોજ દાળ-ભાત-રોટલી શાક બનાવીને ઘરનાંને જમાડીશ.
સિદ્ધાર્થ હજી તો ભણતો હતો ત્યારે એક દિવસ આઈને કહે કે ‘મારી સાથે બેંકમાં ચાલ! મારે ત્યાં ખાતું ખોલાવવવું છે.’ મા તો ગભરાઈ. આ છોકરો હજી તો ઇસકોલમાં ભણે છે. એની પાસે પૈસા આવ્યા ક્યાંથી, અને તે ય એટલા કે બેંકમાં ખાતું ખોલાવવું પડે! પૂછ્યું તો દીકરો તો કાંઈ જવાબ ન આપે! કોંડાબાઈ જ્યાં કામ કરતાં ત્યાં પોતાની વિમાસણ જણાવી. એ બહેને કહ્યું : ‘તું નાહકની ચિંતા કરે છે. તું રાનડેસાહેબ(જાણીતા સંગીતકાર અને સંગીતશાસ્ત્રી અશોક રાનડે)ને ત્યાં કામ કરે છે ને, તેમનાં પત્ની ઓલ ઇન્ડિયા રેડિયોમાં કામ કરે છે. તેઓ એક પ્રોગ્રામ માટે સિદ્ધાર્થને રેડિયો પર લઈ ગયાં હતાં. તેના મહેનતાણાનો ચેક સિદ્ધાર્થને મળ્યો છે. પણ એ જમા કરાવવા બેન્કમાં ખાતું તો હોવું જોઈએ ને! અને હજી સિદ્ધાર્થ પુખ્ત વયનો થયો નથી એટલે એકલો જઈને ખાતું ખોલાવી ન શકે. એટલે તારે તેની સાથે જવું પડશે.’
કોંડાબાઈનું અભિવાદન કરતાં સચિન અને અંજલી તેંદુલકર
સાહિત્ય સહવાસમાં અનેક નામવંત સાહિત્યકારો રહે. તેમાંનાં કેટલાંક નામ મહારાષ્ટ્ર બહાર દેશમાં પણ જાણીતાં. પણ અહીં રહેતા એક જણનું નામ તો આખી દુનિયામાં જાણીતું અને માનીતું. એ નામ તે સચિન તેંદુલકર. તેના પિતા રમેશ તેંદુલકર મરાઠીના જાણીતા લેખક અને અધ્યાપક. ઉષ:કાળ નામના મકાનમાં ચોથે માળે રહે. સચિનનાં મા રજનીતાઈ લગભગ રોજ કોંડાબાઈને પૂછે : ‘તું રોજ કેટલી વહેલી ઊઠીને કામે લાગે છે! હું તને રોજ વહેલી સવારે કામ પર જતી-આવતી જોઉં છું.’ પછી કોંડાબાઈ ઉમેરે છે: ‘એનો અર્થ એ કે રજનીતાઈ તો મારા કરતાં પણ વહેલાં ઊઠતાં હશે.’ પછી તો કોંડાબાઈનો બીજો દીકરો રમેશ અને સચિન ગાઢ દોસ્તો બની ગયા. ક્રિકેટર તરીકે સચિનની સિદ્ધિ-પ્રસિદ્ધિ વધતી ગઈ. તેને એક મદદનીશ રાખવાની જરૂર જણાઈ ત્યારે રમેશ તેંદુલકરે તે કામ માટે રમેશ પારઘે પર પસંદગીનો કળશ ઢોળ્યો.
કોંડાબાઈનો દીકરો સિદ્ધાર્થ અને સચિનનો ભાઈ અજિત ખાસ મિત્રો. સચિન નાનો હતો ત્યારે તેનું ધ્યાન રાખવા એક બાઈ રાખેલી, તેનું નામ લક્ષ્મીબાઈ. સચિન તેની પાસે જ ઊછર્યો એમ કહીએ તો ચાલે. વરસો પછી લક્ષ્મીબાઈનું મૃત્યુ થયું ત્યારે સચિન જાતે ખારની ઝૂંપડીમાં લક્ષ્મીબાઈનાં બાળકોને આશ્વાસન આપવા ગયો હતો. સિદ્ધાર્થનું પહેલું પુસ્તક ‘કોલોની’ પ્રગટ થવાનું હતું ત્યારે સચિને અગાઉથી કહેલું : ‘ભલે હું દુનિયાના કોઈ પણ ખૂણે હોઉં, તારા કાર્યક્રમમાં હું હાજર રહીશ.’ પણ બન્યું એવું કે કાર્યક્રમને દિવસે જ સચિનને દિલ્હી જવું પડ્યું. ત્યાંનું કામ પત્યું કે તરત ચાર્ટર્ડ ફ્લાઈટની સગવડ કરીને સચિન વખતસર મુંબઈ આવીને કાર્યક્રમમાં હાજર રહ્યો.
*
અને અંતે:
થોડાં વરસ પછી, એક પત્ર.
‘આઈ:
જે કોલોનીમાં વરસો સુધી તેં લોકોનાં કપડાં-વાસણ ધોયાં, ઝાડું-પોતાં કર્યાં, જે કોલોનીનાં મકાન બાંધવા માટે તેં અને બાબાએ લોહીનું પાણી કરી માટીનાં તગારાં માથે ઉપાડ્યાં, આખી જિંદગી બાબાએ કોલોનીનાં નાનાંમોટાં કામ કર્યા, જે કોલોનીનાં મકાન બાંધવા માટે ઈંટ, ચૂનો, સિમેન્ટ ભરેલાં તગારાં માથે મૂકીને તું અને બાબા હજારો વાર દાદર ચડ્યાં-ઊતર્યાં, એ જ કોલોનીમાં, આઈ, આજે મેં ઘર લીધું છે.’
આઈની આંખોમાંથી ગંગા-જમના વહેવા લાગી. ‘શું કહે છે તું, દીકરા! બાપ રે! તું તો ખરો નીકળ્યો! પણ અરેરે! આ દિવસ જોવા તારા બાબા ન રહ્યા! એ હોત તો કેટલા ખુશ થાત!’

સત્યદેવ દૂબે
‘આઈ! તને યાદ છે? આ જ ફુલરાણી બિલ્ડિંગના કોલમનાં લાકડાનાં ખોખાંઓમાં બાબાએ સિમેન્ટ-ચૂનો ભરેલાં. આ જ ફુલરાણીની ભીંતો બાંધવા માટે તેં તગારાં ભરી ભરી ઇંટો ચાર-ચાર માળ સુધી ચડાવેલી, આ જ ફૂલરાણીની કપચીની લાદીઓ બાબાએ બેસાડેલી. એ જ ફુલરાણીનો ૧૦ નંબરનો ફ્લેટ. દાયકાઓ સુધી અહીં પ્રખ્યાત નાટ્યકર્મી સત્યદેવ દૂબે રહ્યા. આજે એ જ ફ્લેટ મેં ખરીદી લીધો છે.’
‘… સત્યદેવ દૂબે દાયકાઓ સુધી એ ફ્લેટમાં રહ્યા, પણ મકાન બંધાયું ત્યારે જેવો હતો તેવો ને તેવો જ ફ્લેટ હતો, વરસો પછી પણ. નહિ ક્યાં ય સમારકામ કે ફેરફાર, નહિ રંગરોગાન, નહિ ઝાઝું રાચરચીલું. હા, ફુલરાણીમાં લોકો રહેવા આવ્યા તે પહેલાં આઈ-બાબા અને અમે બધાં છેલ્લે, આ દસ નંબરના ફ્લેટમાં જ રહેલાં. ત્યારે નહોતાં બારીબારણાં, અને દીવાલોને રંગ પણ લાગ્યો નહોતો. અમારા ઘરનો છેલ્લો ચૂલો ફુલરાણીના આ જ ફ્લેટમાં સળગાવેલો. દૂબેસાહેબે રંગરોગાન કરાવ્યાં જ નહોતાં. એટલે રસોડાની એક ભીંતના નીચેના ભાગ પરનો પીળો ડિસ્ટેમ્પર રંગ મેં હળવેકથી આંગળી વડે ખોતર્યો. તેની પાછળનો ભાગ આજે પણ કાળો થયેલો હતો. મેં તેના પર હળવેકથી હાથ ફેરવ્યો. અમારા ઘરના છેલ્લા ચૂલાની મેશનો એક પોપડો ઉખડીને નીચે પડ્યો. એ પોપડાને હથેળીમાં રાખીને અમિતાભ બચ્ચનની સ્ટાઈલમાં હું બોલ્યો : ‘ભલે ગમે તેટલાં સંકટ આવે, ભલે ગમે તેટલી કિંમત ચૂકવવી પડે, હું આ ફ્લેટ ક્યારે ય છોડીશ નહિ. ક્યૂં કી, ઇસ બિલ્ડિંગ કી દીવારો કી ઇંટે મેરી મા ને અપને સર પર ઉઠાઈ હૈ.’
લિ.
સિદ્ધાર્થ લક્ષ્મણ પારઘે
મુકામ પોસ્ટ ૧૦, ફુલરાણી.
e.mail. : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 21 સપ્ટેમ્બર 2024