આજે મેઘાણી-જયંતી નિમિત્તે એમનું એક લખાણ ~
ખેડૂતના હળની કોશ, પથ્થરફોડાના હાથનો હથોડો, કસબીની ચપટીમાં ચાલતી સોય અને સાહિત્યકારનાં આંગળાં વચ્ચેની કલમ: એ તમામનો મહિમા એક છે, ક્રિયા એક છે, પ્રાણ એક છે. કલમને છાપરે ચડાવશો મા. કલમની પછવાડે પણ જોર છે ફક્ત મહેનતનું, અણથાક ઉદ્યમનું, ટપકતા પસીનાનું: ‘પ્રેરણા પ્રેરણા’ શબ્દે કુટાઈ રહેલી કોઈ માયાવી નિષ્ક્રિયતાનું નહીં.
ધરતીના કઠણ પોપડાને ભેદતી હળની કોશ આસો માસમાં સમૃદ્ધિની સોનલ કવિતા પાથરે છે, કારણ કે એ કોશને પકડનાર કાંડાં કૌવતદાર છે, એકધ્યાન છે, પેટના ખાડા પૂરવાના પરિણામ ઉપર અચૂક નજરબાજ છે.
કલમને પણ એ જ નિયમ પર જીવવાનું યા મરવાનું છે. આપણી કલમ, ગુજરાતની કલમ, આજ સુધી દૈવતવિહોણી હતી કારણ કે એ વૈભવી કલમ હતી. એને હજાર જાતના લાડ જોઈતા હતા. વધુ પડતી સાક્ષર-પૂજાએ એને નાહક પંપાળી પંપાળી પોપલી પોચી બનાવી હતી. સાક્ષરપણાના પોચા સુંવાળા ગાદી–ગાલીચા ઉપર લેટતી એ લહેર આવે ત્યારે જ લખતી; ને કોમળ વિષયો જ એના ક્ષેત્ર-સીમાડા હતા.
આજે કલમને પણ મજૂરી પર જીવવાનું ટાણું આવ્યું છે. માનવહૃદયની નવી વ્યથાઓ, નવી આકાંક્ષાઓ, લાગણીઓનાં નવદર્શનો, નવેસર પૃથક્કરણો, રોજ વહાણું વાયે નવી લેખિનીઓની રાહ જુએ છે ને અવિરત ઉદ્યમની માગણી કરતાં પુકારે છે કે ‘અમને જગત સામે રજૂ કરો, ઉચ્ચારણ દો, અમારી ઓળખાણ આપો’.
ને કોણે કહ્યું લેખકો વધી પડ્યા છે? લેખકો નહીં પણ એદીઓ, લેભાગુઓ, સસ્તી પ્રસિદ્ધિના લાલચુડાઓ કદાચ વધી પડ્યા હશે. લેખનજીવનને શ્રમજીવનનું ગૌરવ આરોપનાર ખંતીલા કલમજીવીઓની તો હજુ પારાવાર ખોટ પડી છે. એક એક વિષયનો અભ્યાસ લઈ બેસી જનારા ક્યાં છે? કેટલા છે? બતાવો. વિષયો થોકબંધ પડ્યા છે. નવી દુનિયાના નવા ધ્વનિઓ દિન-પર-દિન આપણે દ્વારે અથડાય છે. એમાંના એકેક ધ્વનિને પોતાનો કરી શબ્દમાં ફૂંકનારા લેખકો ક્યાં છે? યુગના ઘડતરમાં મારે પણ કંઈ નહીં તો એક જ પથ્થર મૂકવો છે એવી ચોક્કસ આકાંક્ષા કેમ સંભળાતી નથી? પ્રભાતે પ્રભાતે દેશદેશાવરથી થોકેથોક પુસ્તકો આપણે કિનારે ઠલવાય છે. તેમાંથી સાચી વિદ્યાની તારવણી કરી પ્રજાને દેવાની કેટલાકને પડી છે?
આપણા પોતાના જ દેશનું, પ્રાંતનું, ગામનું, સમાજનું ઐતિહાસિક, ભૌગોલિક અથવા સામાજિક સાહિત્ય ક્યાં છે? ગમે તે કોઈ છાપામાં ગમે તે વિષય પર ધડા વગરના લેખ અથવા ઊર્મિગીત છપાયે પોતાના અભિમાનને સંતોષવા જતાં આપણે આપણી અંદર પડેલા મહાન સર્જકને મારી નાખીએ છીએ. આપણી કલમનું બ્રહ્મચર્ય વેરણછેરણ થઈ જાય છે. આપણી મહત્ત્વાકાંક્ષાઓ અલ્પદેહી બની સુકાઈ જાય છે.
આમ શા માટે? શ્રમ લેવાનું આપણને ગમતું નથી, માટે જ ને? સાહિત્યને આપણે ભ્રમણાથી પરસેવાને બદલે પ્રેરણાનું ફૂલ સમજી બેઠા છીએ, માટે જ ને?
આ મોટી ભ્રમણાએ આપણને — લેખકોને રાંકડા બનાવેલ છે. અફીણીઓ અને ગંજેરીઓથી આપણું સ્થાન જરીકે જુદું નથી. જગતની શ્રેષ્ઠ સાહિત્યકૃતિઓ હરહંમેશના 16-18 કલાકોની મહેનતનો પસીનો નીતારનાર ‘મજૂરો’નાં કાંડાંમાંથી જ નીપજેલી છે એ આપણે ભૂલી જઈએ છીએ, નહીં તો આપણું વર્તમાન લેખકોનું કેટલું સૌભાગ્ય છે! આખું નવજગત આવીને આપણી સન્મુખ ઊભું રહેલ છે. એકાદ વીશી ઉપર જ્યાં વસ્તુ તથા વિચારદારિદ્રનાં ખાબોચિયાં હતાં ત્યાં અત્યારે દરિયા છલે છે. વાંચવાની વૃત્તિ છેક ગામડામાં પણ ફરી વળી છે. એટલું જ નહીં, હરએક વિષય ઉપર લોકરુચિ નવું વાચન માગતી ભૂખી ડાંસ જેવી ઊભી છે.
પરંતુ સાચા રંગે રંગાયેલા ‘શ્રમજીવી’ લેખકો થોડા છે. લેખિનીને તો હળની કોશથી અને દરજીની સોયથી ચડિયાતા રહેવું ગમે છે. લેખિની પોતાનું ઉમરાવજાદીપણું છોડવા હજુ તૈયાર નથી. લેખિનીને ‘પ્રેરણા’નું ભૂત વળગ્યું છે. લેખિનીને ઉદ્યમનું ગૌરવ કબૂલ નથી. લેખિની પોતાનું સ્થાન જે દિવસે કોશ-પાવડાની કે સોય–થીગડાની સંગાથે લેશે તે દિવસે સાહિત્યમાં પ્રાણ ચમકશે.
[1934]
[સૌજન્ય : જયંતભાઈ મેઘાણીની ફેઈસબૂક વૉલ પરેથી સાદર]