પરાપૂર્વ
જે.ડી. સૅલિંગરની ક્લાસિક The Catcher in the Rye ઘણા સુજ્ઞ વાચકોએ વાંચી હશે. મનુષ્યના જીવનમાં બાળપણથી યુવાવસ્થામાં જતાં એડલસન્સ(ટીન ઍજ, કિશોરાવસ્થા, કુમારાવસ્થા?)ની નાનકડી બારી પર કેન્દ્રિત છે. આ જીવનનું યથાર્થ દર્શન થવાની ઉજળી તકની બારી છે.
બાળપણની નિર્દોષતા પછી તાર્કિક બુદ્ધિની તાજી તીક્ષ્ણ ધાર નીકળી હોય અને શરીરમાં નવો તરવરાટ હોય ત્યારે આસપાસના જીવનનો દંભ અને બુદ્ધિહીનતા સ્પષ્ટ અને સ્વાભાવિક રીતે દેખાય છે. પુખ્ત વયના સમાધાનો અને અનુકૂલનોનાં આવરણ ન હોવાથી નફિકરી બંડખોર પ્રતિક્રિયા પણ તરત જન્મે છે.
સમાધાનના અનેકવિધ આવરણોથી આવૃત્ત પુખ્ત વય માટે એડલસન્સનું યથાર્થ દર્શન છીછરી બાલીશતા છે. પણ એ દર્શનમાં રહેલા સત્યનો રણકાર એને સતાવે પણ છે. કિશોરાવસ્થાનો એ મિજાજ પ્રભાવિત થવા, ખેંચાઈ જવા પણ તત્પર હોય છે. પ્રોટોકોલ અને કન્ફર્મિટીથી જોજનો દૂર હોય છે. રાજકારણીઓ, ધર્મગુરુઓ, ક્રાંતિકારીઓ, કર્મશીલો, ગેંગસ્ટરો ,આતંકવાદીઓ, પ્રેમના નામે ભોળવનારા, એ બધા માટે કબજો કરવા લાયક ફળદ્રુપ જમીન છે. આ ખરેખરી પવિત્ર ભૂમિ છે.
આવું એડલસન્સ હવે ખાસ બચ્યું છે? પહેલાં એડલસન્સનો મિજાજ દસ વીસ વર્ષે ધીમેધીમે ઓગળતો હતો. પણ હવે મારી કૉલેજના યુવાનોને ‘કાર્યક્રમો’ કરવાની હોડમાં જોઉં છું ત્યારે એ પવિત્ર ભૂમિ પર પુખ્તતાએ વ્યાપક કબજો કરી લીધો હોય એમ લાગે છે. પુખ્તતાથી ગ્રસિત ઝેરીલી કિશોરાવસ્થાનું જબરદસ્ત નિરૂપણ વિલિયમ ગોલ્ડીંગની બેનમૂન ‘The Lord of the Flies’માં છે.
મને એમ હતું કે ૧૯૫૧માં The Catcher in the Ryeના પ્રકાશન પછી માણસજાતનો પોતાનો એડલસન્સનો અધ્યાય પૂરો થઇ ગયો છે. પણ યુક્રેન! અવિચારી બંડખોર મિજાજનો આખો દેશ! બાકીના બધા પુખ્ત દેશો હતપ્રભ છે. શાણી (Holier than thou!) પુખ્તતામાં લિપ્ત પાશ્ચાત્ય દેશો કે બદમાશ પુતિન કે ખંધા ચીન બધાંની ગણતરી બહાર આ યુદ્ધ હવે ચાલી રહ્યું છે. કોઈએ ધાર્યું નહોતું આ દેશ આટલી ખુવારી ભોગવીને પણ લડ્યા જ કરશે. આપણા જેવા દેશ તાટસ્થ્ય કે સંતુલનનું અર્થહીન શાણપણ ડહોળીને પુખ્તતાનું પ્રદર્શન કરી રહ્યા છે. ધન્ય છે! આપણને તો સદીઓથી બાલીશતા અને અતિ પુખ્તતાના bipolar disorder સાથે જીવવાની ટેવ છે જ.
યુક્રેન પોતાના અવિચારી સાહસથી આજના વિશ્વના દંભ, ક્રૂરતા અને બુદ્ધિહીનતાને ખુલ્લા કરી રહ્યું છે. આવું કેવી રીતે ચલાવી લેવાય? આખા વિશ્વની પુખ્ત અને શાણી પ્રજાઓની આબરૂનાં લૂગડાં જાહેરમાં કઈ રીતે ઉતારી શકાય?અને આવો આખો દેશ! કોમેડિયન રાષ્ટ્રપતિ! આ બાલીશતાને ખતમ કરે જ છૂટકો! પુતિન ન છૂટકે પણ સારી સેવા આપી રહ્યા છે. પાશ્ચાત્ય દેશો યુક્રેનને શસ્ત્ર પૂરાં પાડી એડલસન્સનો બલિ ચઢાવવાના પવિત્ર યજ્ઞમાં ઘી હોમી રહ્યા છે.
એડલસન્સ પર પુખ્તતાનો આ નિર્ણાયક વિજય હશે? એડલસન્સની આખરી કબર યુક્રેન હશે? બને એટલું ઊંડે દફનવો! એક સલામ પણ ઠોકી દેજો!
વડોદરા
E-mail : jagrut.gadit@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2022; પૃ. 16