નૈતિક આચરણનાં સ્વરૂપ અંગે પ્રવર્તતા ખ્યાલનું વિશ્લેષ્ણ માનવવાદી મૂલ્યોના સંદર્ભમાં ચકાસવું જરૂરી છે. જિજીવિષાથી પ્રેરિત માનવીને વ્યક્તિ તરીકેના સ્વાર્થની સાધના તથા બીજીબાજુ, વ્યક્તિગત જીવનની સુરક્ષા માટે તેણે રચેલા સામાજમાં રહેવા માટેના, સામાજિક જીવનને જાળવી રાખવા માટેનાં, વ્યવહારનાં ધોરણો વચ્ચે સમતોલ સાધવું પડે છે. વૈયક્તિક અને સામાજિક હિતોના દ્વન્દ્વ વચ્ચે મેળ સાધવાની કોશિશમાંથી નૈતિક વ્યવહારના ખ્યાલનો આવિષ્કાર થયો છે. તેને વ્યક્તિગત નીતિમત્તાની ચેતના, સામાજિક વ્યવહારનાં રીતરિવાજો, આર્થિક વ્યવહારનાં ધોરણો, ધર્મ દ્વારા સમર્થિત આદેશો, રાજ્ય દ્વારા ઘડાયેલા કાયદાઓ જેવી વ્યવસ્થાઓ મારફતે જાળવવાનો પ્રયાસ થાય છે.
વૈયક્તિક નીતિમત્તાઃ
દરેક જીવ જિજીવિષા ધરાવે છે. તે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની જરિયાતને પ્રાથમિક અગ્રતા આપે છે. આ માટે તેન પોષણ અને રક્ષણની જરૂર પડે છે. કેટલાક જીવોને જણાયું કે આ માટે એકબીજા સાથે મળી સામૂહિક પ્રયાસ કરવો વધુ કાર્યક્ષમ છે અને તેમણે એક સમૂહમાં રહેવાનું પસંદ કર્યું. હવે, સમૂહમાં રહેવા માટે સામૂહિક જીવન માટે આવશ્યક કેટલાંક વ્યાવહારિક સમાધાન કરવાં પડે. આમાં, વ્યક્તિ પોતે સ્વયં પોતાની સૂઝબૂઝ, સમજ અને ચેતનાથી પ્રેરાઈ વર્તે તે વ્યક્તિગત નીતિમત્તા કહી શકાય (આ પ્રકારનું આચરણ અન્ય જીવો કરતાં બુદ્ધિસંપન્ન માનવીમાં ખાસ તરી આવે છે).
સામાજિક આચરણઃ
સામૂહિક જીવન માટે વ્યક્તિગત સ્વાર્થ અને સામૂહિક હિત વચ્ચે તડજોડ કરવી પડે, અન્યોન્ય વ્યવહાર તથા આચરણનાં ધોરણો વિકસાવવાં અને પાળવા પડે. સમૂહનો કોઈ સભ્ય તેનો ભંગ કરે તો તેનો સામાજિક બહિષ્કાર થાય. આ થઈ સામાજિક નીતિમત્તા. આ સમયે હજી ઈશ્વર, ધર્મ, સ્વર્ગ-નરક, પાપ-પુણ્ય જેવા ખ્યાલો આકાર પામ્યા નહોતા. નીતિ તરીકે ઓળખાતું આ આચરણ, સામાન્ય બુદ્ધિ તથા સમજના આધારે રચાયેલાં, સામૂહિક જીવન માટે આવશ્યક વાજબી વ્યવહારનાં ધોરણો હતાં. સમજમાં ઊંચા-નીચાનાં ભેદ પાડથી વર્ણવ્યવસ્થા સર્જાઈ ત્યાં ભેદભાવ આવ્યો. પિતૃસત્તાક વ્યવસ્થામાં લિંગભેદના આધારે વ્યક્તિગત નીતિમત્તામાં પણ સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદભાવ દાખલ થયો.
આર્થિક વ્યવહારઃ
માનવીએ ખેતી, પશુપાલન, કલા-કારીગરી વગેરે દ્વારા પોતાની જરૂરિયાત કરતાં વિશેષ ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવતાં વિનિમયનું અર્થકારણ અસ્તિત્વમાં આવ્યું, ધન-સંપત્તિ પેદા થયાં. હવે, ઉત્પાદનનાં સાધનો તથા ધન-સંપત્તિના માલિકીના અધિકારની રક્ષા માટેનાં ધારાધોરણો રચાયાં અને તેનો ભંગ કરનારાને, લૂંટ કે ચોરી કરનારાને, સજા કરવાના કાયદા તથા તંત્રની જોગવાઈ થઈ. આર્થિક વ્યવહારનાં ધોરણો અંગેની આ વ્યવસ્થાનાં સારા-નરસા પાસાં પણ સર્જાયાં. પોતાનાં કૌશલ્ય કે પરિશ્રમથી પ્રાપ્ત કરેલી સંપત્તિના અધિકારની રક્ષાની જોગવાઈ સાથે, ધનવાન અને દરિદ્ર, માલિક અને મજૂર, શોષણખોર અને શોષિત જેવાં ભેદભાવયુક્ત દ્વન્દ્વ રચાયાં.
રાજ્ય અને કાયદાઃ
પહેલાં, ઉત્પાદિત ચીજવસ્તુઓના વિનિમય દ્વારા વ્યવહાર ચાલતો હતો તેમાં નાણાં દ્વારા વસ્તુની કિંમત કરી વ્યવહાર કરવાની પ્રથા શરૂ થતાં એક નવું પરિમાણ દાખલ થયું. નાણાંનો સંગ્રહ કરી શકાય, તેની ધીરધાર કરી શકાય, તેના ઉપર વ્યાજ લેવાય, જેવી આર્થિક રીતરસમો તથા તેનો સ્વીકાર અને અમલ કરતાં-કરાવતાં તંત્ર આકાર પામ્યાં. આ સાથે આર્થિક નીતિમત્તા ઉપરાંત, સમય જતાં, રાજ્ય દ્વારા રચાયેલા કાયદાનો આશ્રય પણ લેવાયો અને તે માટે ન્યાયતંત્ર રચાયું. આમ, અન્યોન્ય વ્યવહારમાં નૈતિક સમજથી ચાલતા વ્યવહારને રાજ્યસત્તાનું પીઠબળ સાંપડ્યું. અલબત્ત, આ કાયદાઓ મહદંશે ધનિકો અને શાસકોના હિતને વિશેષ અગ્રતા આપતા હતા.
ધાર્મિક આદેશોઃ
પ્રારંભિક અવસ્થામાં વ્યવહારનાં ધોરણોનો અમલ કરાવવાની રાજ્યની શક્તિ અને પહોંચ મર્યાદિત હતાં ત્યારે તેને સમાંતર એક બીજું પરિબળ પણ વિકસ્યું. બળના બદલે ઈશ્વર-પરલોક-સ્વર્ગ-નરકની કાલ્પનિક માન્યતાઓના ડરનો ઉપયોગ કરી, વહેમ-અંધશ્રદ્ધા પ્રેરિત પાઠપૂજા વિધિ-નિષેધો ફેલાવી, માનવીને વ્યવહારનાં આ ધોરણોનું પાલન કરવા ધર્મનું પીઠબળ પેદા કરવામાં આવ્યું. ધર્મના ક્ષેત્રમાં બહોળા પ્રમાણમાં વ્યવહારના ધોરણોનો સમાવેશ કરવામાં આવ્યો. તેમાં વ્યક્તિગત, સામાજિક, આર્થિક વગેરે વ્યવહારો ઉપરાંત અમુક જ્ઞાતિ, ધર્મગુરુઓની મહત્તા સ્થાપવાની તથા તેમને વિશેષાધિકારો આપવાની જોગવાઈ પણ સામેલ કરાઈ. આમ. રાજ્ય અને ધર્મ દ્વારા ભેદભાવ, અમુક વર્ગના વિશેષાધિકારોની રક્ષા જેવી અસમાનતા સર્જતી તથા અન્યાયી વ્યવહારનું સમર્થન કરતી વ્યવસ્થા ઉદ્ભવી.
રાજ્ય અને ધર્મ દ્વારા વિકૃતિ :
માનવ વ્યવહારનાં યોગ્ય ધોરણોને સ્થાપિત કરવાની આ પ્રક્રિયા જોતાં જણાય છે કે પ્રારંભિક અવસ્થામાં માનવીએ પોતાની સહજ અને સમન્વયકારી બુદ્ધિથી, રેશનલ અભિગમથી, સર્જેલાં પરસ્પર વ્યવહારનાં ધોરણોની, નૈતિકતાના રક્ષાના બહાને, રાજ્યનાં બળ અને ધર્મના વહેમ-અંધશ્રદ્ધા દ્વારા, માનવીય ગૌરવ, સ્વતંત્રતા, સમાનતા અને સખ્યના બદલે અસમાનતા. ભેદભાવ, અન્યાય, શોષણ જેવા અનુચિત વ્યવહારોને ઉત્તેજન અપાયું છે. માનવ વ્યવહારનાં ધોરણોમાં સર્જાયેલી આ વિકૃતિને નાબૂદ કરવાની તાતી જરૂર છે. પ્રથમ તો આ ક્ષેત્રમાંથી ધર્મને દૂર કરવો જોઈએ. બીજું, રાજ્યના કાયદાઓને માનવ મૂલ્યોના સંદર્ભમાં, રેશનલ અને વૈજ્ઞાનિક અભિગમથી ચકાસી, સુધારી, નવઘડતર કરવું જોઈશે.
માનવીના વ્યવહારને નિયંત્રિત કરતા રાજ્યના કાયદા તથા ધર્મ દ્વારા પ્રસારિત માન્યતાઓ અને આદેશો અગ્રવર્ગના પ્રભાવ નીચે રચાયેલા હોવાથી સ્વાભાવિક રીતે જ તે શાસકો, ધર્મગુરુઓ તથા અગ્રવર્ગના સ્થાન અને હિતોની રક્ષાને અગ્રતા આપે છે. રાજ્ય, ધર્મ કે અગ્રવર્ગનાં હિતોને પડકારતા વિચારોને ડામીને તે વૈચારિક તથા અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને રુંધે છે તથા, પોતાનું સ્થાન, મોભો અને સંપત્તિ જાળવી રાખવા માટે સમાનતાનો વિરોધ કરે છે.
વિકૃતિનું નિયંત્રણઃ
અન્યાયી, મનસ્વી અને એકહથ્થુ રાજાશાહી-સામંતશાહી-સરમુખત્યારશાહી રાજ્યસત્તાના વિકલ્પે લોકશાહી જનતાના મૂળભૂત અધિકારો અને સત્તાના(ધારાસભા-કારોબારી-ન્યાયતંત્ર) વિભાજનનો સમાવેશ કરતી બંધારણીય વ્યવસ્થા દ્વારા રાજ્યની ભૂમિકાને નિયંત્રિત કરવાની કોશિશ થઈ છે. સમાજવાદી વિચારધારાના પ્રસાર સાથે આર્થિક અસમાનતાની ખાઈને દૂર કરવાની ઝૂંબેશ આરંભાઈ છે. ધાર્મિક આધિપત્ય અને માન્યતાઓ સામે રેશનલ-વૈજ્ઞાનિક અભિગમ દ્વારા પડકારી માનવવાદી મૂલ્યોની સ્થાપનાનો સંઘર્ષ તો સદીઓથી ચાલી રહ્યો છે. માનવ વ્યવહારનાં ધોરણોમાં સમાજ-રાજ્ય-આર્થિક વ્યવસ્થા-ધર્મ દ્વારા દાખલ કરાયેલી આ વિકૃતિઓને દૂર કરી માનવીય ગૌરવ-સ્વતંત્રતા-સમાનતા-સખ્યભાવનાં નૈતિક વ્યવહારનાં ધોરણોની સ્થાપના માટે ચાલી રહેલા આ ત્રિપાંખિયા સંઘર્ષની સફળતા માનવસમાજના સુખમય ભાવિ માટે આવશ્યક છે. આપણે સહુએ તેની સફળતામાં ફાળો આપવો રહ્યો.
—
e.mail : jaykepatel@gmail.com