ના કહી શક્યાનું દુઃખ
આજથી લગભગ પંદરેક વર્ષ પહેલાં
આંગણાની પેલી ગલઢી કેળ ચીમળાઈ ગઈ
ત્યારે
સજ્જડ બંધ બારણાંમાં તિરાડ પડી હતી.
આખરે
બંધિયાર ઓરડાનાં હવડ વાતાવરણમાં
બાહરનો તીણો-મીઠો પવન પ્રવેશ્યો હતો
સાથે, આંજી નાખતો
નજર ઉઘાડી નાખતો તડકો પણ
દિવાલ પરનાં લંબગોળ આકારમાં
પ્રતિબિંબ ઝીલાયું હતું
ખૂણામાં પડેલાં
શરીર ઢાંકતા કાપડ પરનાં
રંગબેરંગી આકારો, અને થોડા ભૂખરા ડાઘાએ
આંખના રંગકોષોને ઝંઝોડ્યા હતા
દિવાલ પાસેનો લંબચોરસ આકાર
ઊઘડ્યો હતો
અને એમાંથી આખોય ઓરડો
ભરાઈ જાય એટલું સંપેતરું…
આજે આટલાં વર્ષે
બારણાંની તિરાડ બારસાખ સુધી પહોળી થઈ છે
આ પહોળાશ માટે કેટકેટલું ચીમળાયું હશે?
ચીમળાયું હશે કેળની બાજુમાં ક્યારેક ઊભેલું ઘટાટોપ ઝાડ
છાંયાદાર
ભરચક ડાળખીઓ વાળું
બીજી બાજું ખરી પડે હશે કોઈ વેલ
ઊંચે ચઢતી, નમતી, ઢળતી
આ બધું ધારી જ શકું છું
હવે આટલો અજવાશ છે
માથાનાં ઊડતા વાળ છે ત્યારે
ધારું છું
કે હજી કેટકેટલું ચીમળાવું બાકી હશે
મારા માટે
મારી નજરની બહાર
મારા અંતરવાસના વિસ્તાર માટે
એના ઉઘાડ માટે
હશે બે-ચાર
ભરચક છોડ
હશે પાંચ-છ લથપથ ક્યારા
આ બધું ય મારી નજરની બહાર છે, હશે!
ત્યારે
હું અહીં બેસી રહું છું
મારા આસપાસનાં પસારામાં જરાક જગ્યા કરી
ઉઘડેલા મારા ઓરડામાં
પગ પસવારી
સુગંધમાં, અજવાશમાં તરબોળ