‘ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ ૨૦૧૯’માં દેશમાં પ્રથમવાર લોકો સુધી ન્યાય પહોંચાડવાની બાબતે રાજ્યોનું રેન્કિંગ કરવામાં આવ્યું છે. સરકાર અને સરકારી એજન્સીઓની આંકડાકીય માહિતી, અહેવાલો અને દસ્તાવેજો પર આ અહેવાલ આધારિત હોઈ તેની અધિકૃતતા સ્વયંસ્પષ્ટ છે. આ અહેવાલ સેન્ટર ફેર સોશિયલ જસ્ટિસ, કોમન કોઝ, કોમનવેલ્થ હ્યુમન રાઈટ્સ ઈનિશિયેટિવ, દક્ષ, ટાટા ઈન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સીસ, પ્રયાસ અને વિધિ સેન્ટર ફેર લીગલ પોલિસી એ સંસ્થાઓના સંશોધકોની અઢાર મહિનાની મહેનતના અંતે તૈયાર થયો છે.
૨૯ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૧૮ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોને આ અહેવાલમાં આવરી લેવાયા છે. પોલીસ, ન્યાયતંત્ર, જેલ અને કાનૂની સહાયનાં ચાર તંત્રોની ન્યાયના વિતરણમાં રહેલી ભૂમિકા ચકાસવા બજેટ, માનવ સંસાધન, કાર્યબોજ, માળખાકીય સુવિધા અને વિવિધતાના માપદંડના આધારે છેલ્લાં પાંચ વરસની માહિતી પરથી રાજ્યોનું રેકિંગ કરવામાં આવ્યું છે. લોકો સુધી ન્યાય પહોંચાડવામાં મોટાં અને મધ્યમ રાજ્યોમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. તે પછીના ક્રમે કેરળ, તામિલનાડુ, પંજાબ અને હરિયાણા છે. ૧ કરોડથી ઓછી વસતી ધરાવતાં નાનાં રાજ્યોમાં ગોવા પ્રથમ ક્રમે છે. બહેતરીન કાનૂન અને ન્યાયવ્યવસ્થામાં મહારાષ્ટ્ર અવ્વલ છે તો દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તરપ્રદેશ સૌથી તળિયે છે. મોટાં અને મધ્યમ રાજ્યોના ન્યાય વિતરણમાં ગુજરાત આઠમા ક્રમે છે.
ન્યાયમાં વિલંબ એ અન્યાય બરાબર છે, પરંતુ ઝડપી અને સમયસર ન્યાય મળતો નથી. એક તરફ દેશમાં લાખો કેસો અદાલતોમાં પડતર છે તો બીજી તરફ હજારો જગ્યા ખાલી છે. દેશમાં કુલ ૧૮,૨૦૦ જજીસની જગ્યાઓ મંજૂર થયેલી છે. તેમાંથી ૨૩ ટકા જગ્યા ખાલી છે. જો આ તમામ જગ્યાઓ ભરી દેવામાં આવે તો દેશમાં કોર્ટરૂમની અછત ઊભી થાય તેમ છે, કેમ કે જજીસની મંજૂર જગ્યાઓ જેટલા કોર્ટરૂમ્સ જ આપણી પાસે નથી. આ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે તે પ્રમાણે જો જજીસની બધી જગ્યા સરકાર ભરી દે તો તેમના માટે નવા ૪,૦૭૧ કોર્ટરૂમ પણ બનાવવા પડે. ૨૦૧૬-૧૭ના વરસમાં પડતર કેસોના નિકાલમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ નંબરે છે, પરંતુ બિહાર, યુ.પી., ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ગુજરાત સહિતનાં ૭ રાજ્યોમાં દર પાંચે એક કેસ પાંચ વરસ કરતાં વધુ સમયથી પડતર છે. આપણી અદાલતોમાં કુલ પડતર કેસો ૨.૮ કરોડ છે તેમાંથી ૨૩ લાખ કેસો તો ૧૦ વરસથી પડતર છે. એક ન્યાયાધીશ પર વાર્ષિક સરેરાશ ૧૧ હજાર કેસોનો કાર્યબોજ હોય છે. ૨૫ ટકા જેટલી ખાલી જગ્યાઓ, અદાલતી ખંડોની અછત, વકીલોની ફી સહિત એકંદરે મોંઘી ન્યાયપ્રણાલી જેવાં કારણો તો ન્યાયના વિલંબ માટે જવાબદાર છે જ, પરંતુ અંગ્રેજોના જમાનાની અદાલતોની વેકેશન પ્રથા, છાશવારે વકીલોની હડતાળ, કેસની સતત મુદતો જેવાં કારણોના નિકાલ અંગે પણ વિચારવાનું રહે.
ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં ન્યાયના સમુચિત વિતરણ માટે પોલીસ અને જેલતંત્રની ભૂમિકા પણ તપાસવામાં આવી છે. પુરાવાની અદાલતો પોલીસતપાસ પર આધારિત છે, પરંતુ જેમ ન્યાયતંત્ર બદહાલ છે તેમ જેલ અને પોલીસતંત્ર પણ બદહાલ છે. ન્યાય અતિ મોંઘો છે અને સામાન્ય માણસની પહોંચની બહાર છે તો સરકાર દ્વારા પૂરી પડાતી મફ્ત કાનૂની સહાય દેખાડો માત્ર છે. અહેવાલ જણાવે છે તેમ સરકાર કાનૂની મદદ માટે વ્યક્તિ દીઠ ૭૫ પૈસા જ ખર્ચે છે ! દેશની કુલ પોલીસ ફેર્સ ૨.૪ કરોડ છે પણ તેમાંથી ૨૨ ટકા જગ્યા તો ખાલી છે. તેમાં પોલીસ અધિકારીઓની ૧૦ ટકા જગ્યાઓ ખાલી છે.
ભારતની જેલો કેદીઓ અને તેમાં બહુમતી કાચા કામના કેદીઓથી ઠાંસોઠાંસ ભરી પડી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના તાજેતરના અહેવાલ અનુસાર વર્ષ ૨૦૧૭ અંતિત ૧,૩૬૧ જેલોમાં ૪.૫૦ લાખ કેદીઓ છે. તેમાંથી ૬૭ ટકા અંડર ટ્રાયલ છે. ઇંગ્લેન્ડમાં અંડર ટ્રાયલ કેદીઓનું પ્રમાણ ૧૧ ટકા, અમેરિકામાં ૨૦ ટકા અને ફ્રાન્સમાં ૨૯ ટકા છે જ્યારે ભારતમાં તેનું પ્રમાણ ૬૭ ટકા જેટલું ઊંચું છે. વળી ૭૫.૪ ટકા કાચા કામના કેદીઓ એક વરસથી જેલોમાં બંધ છે. ખાલી જગ્યાઓથી જેલતંત્ર પણ મુક્ત નથી. ભારતની જેલોમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓ છે. અને ૩૩થી ૩૮ ટકા વહીવટી જગ્યાઓ ખાલી છે. જો ક્ષમતા પ્રમાણે કેદીઓને રાખવા હોય તો હાલની સ્થિતિએ વધુ ૧,૪૧૨ જેલકોટડીઓની જરૂર છે. બજેટની ફળવણી અને તેના ઉપયોગના માપદંડે ન્યાયની ચકાસણી ઉત્સાહજનક નથી. દેશના જી.ડી.પી.ના ૦.૦૮ ટકાનો ખર્ચ ન્યાયપાલિકા પર થતો હોય, કાનૂની સહાય માટે વ્યક્તિ દીઠ પોણો રૂપિયો ફાળવાતો હોય અને ફાળવેલું બજેટ પણ ન વપરાતું હોય તો ન્યાયતંત્રમાં સુધારા માટે શું કરવું તેની વિમાસણ થાય છે.
વિવિધતાના મુદ્દે ન્યાયની સ્થિતિ પણ ચિંતાજનક છે. દેશની આબાદીમાં સ્ત્રીઓ અડધોઅડધ છે પણ ન્યાયપાલિકા સિવાયના તંત્ર(પોલીસ અને જેલ)માં તેમની હાજરી બહુ ઓછી છે. ન્યાયતંત્રમાં ૨૬.૫ ટકા, જેલમાં અને પોલીસમાં માત્ર ૧૦ ટકા જ મહિલાકર્મીઓ છે. એકેયમાં ૩૩ ટકા મહિલા અનામતનો અમલ થયો નથી. દેશનાં ઘણાં રાજ્યોને ૩૩ ટકા મહિલા અનામતે પહોંચતા ૩૦૦ વરસ લાગશે. મહિલા જજો અને વકીલોની સંખ્યા વધી રહી છે પણ તે તેમની વસતીના પ્રમાણમાં તો નથી જ. એ જ રીતે સમાજના નબળા વર્ગો અને લઘુમતીઓનું પ્રતિનિધિત્વ પણ ખાસ જોવા મળતું નથી. એક પણ રાજ્યના ન્યાય, પોલીસ અને જેલના વહીવટીતંત્રમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાતવર્ગોની અનામતો પૂરેપૂરી ભરાઈ નથી. દેશમાં મુસ્લિમોની વસ્તી ૧૪.૧૧ ટકા છે પણ ૧૯૯૯-૨૦૧૩માં પોલીસમાં તેનું પ્રમાણ ૩થી ૪ ટકા જ છે.
આ અહેવાલ જેટલો ખાલી જગ્યાઓ, બજેટ અને માળખાકીય સુવિધાઓના અભાવ પર ભાર મૂકે છે તેટલો સિસ્ટમમાં સુધારા પર મૂકતો નથી. ન્યાય, પોલીસ, જેલ અને કાનૂની સહાય એ ચારેય સ્તંભો વચ્ચે બહેતર તાલમેલ કઈ રીતે શક્ય બને અને કઈ રીતે તંત્રમાં ધર્મ, સંપ્રદાય, જાતિ અને લિંગની વિવિધતાનું પ્રમાણ વધારી સમાનતા અને વિશ્વસનીયતા ઊભી કરવી તે અંગે મૌન છે. તેનાં તથ્યો ચોંકાવનારાં અને હતોત્સાહિત કરનારાં છે, પરંતુ ન્યાયપાલિકા અને તત્સંબંધિત તંત્રોમાં સમાજના નબળા વર્ગોના પૂરતા પ્રતિનિધિત્વ વિના સમુચિત ન્યાયની તાકીદ અધૂરી રહેવાની છે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 01 જાન્યુઆરી 2020
![]()


દેશના જાણીતા સમાજવાદી નેતા, વિચારક અને લેખક અશોક મહેતાની વિદાયને આજે તો સાડા ત્રણ દાયકા (અવસાન તા. ૧૧મી ડિસેમ્બર ૧૯૮૪) થયા છે. આજની પેઢી માટે તો તે સાવ ભુલાયેલું નામ. રાજકીય પક્ષોના નેતાઓની સભાઓમાં ભાડૂતી ઓડિયન્સ લાવવું પડતું હોય એવા હાલના સમયમાં, કોઈ રાજકીય પક્ષ વ્યાખ્યાનમાળા યોજે અને તેમાં વક્તાને સાંભળવા ટિકિટ ખરીદીને જવું પડે તે ન માની શકાય તેવી બાબત છે. પણ ૧૯૩૯માં અમદાવાદમાં કૉન્ગ્રેસ સમાજવાદી પક્ષે વ્યાખ્યાનમાળાનું આયોજન કર્યું હતું. એ જમાનામાં સવેતન રંગભૂમિના નાટકોના કલાકારોએ ટિકિટો વેચવા ઘેરઘેર ફરવું પડતું હતું. ત્યારે આ વ્યાખ્યાનમાળામાં અમદાવાદનો પ્રેમાભાઈ હોલ ખરીદેલી ટિકિટોવાળા શ્રોતાઓથી ઉભરાઈ ગયો હતો. કારણ એ હતું કે ૨૮ વરસના અશોક મહેતા “ઈન્ડિયન રેનેસાં એન્ડ નેશનાલિઝમ” પર વ્યાખ્યાન આપવાના હતા ! એક વક્તા તરીકે આ તેમની લોકપ્રિયતા અને સફળતા હતી !
યુવાવસ્થાથી જ અશોક મહેતા આઝાદીના આંદોલનમાં જોડાયા હતા. કારાવાસ દરમિયાન નાસિક જેલમાં જયપ્રકાશ નારાયણ અને અચ્યુત પટવર્ધનનો ભેટો થયો. જેલનિવાસ દરમિયાનની વિચારણાઓના ફળરૂપે ૧૯૩૪માં ‘કૉન્ગ્રેસ સમાજવાદી દળ”ની રચના કરવામાં આવી. ૨૩ વરસના અશોક મહેતા તેના અગ્રણી સભ્ય હતા. પાર્ટીના સાપ્તાહિક ”કૉન્ગ્રેસ સોસ્યાલિસ્ટ’નું ૧૯૩૯ સુધી તેમણે સંપાદન કર્યું. પ્રજા સમાજવાદી પાર્ટીના એ સ્થાપક મંત્રી (૧૯૫૦-૫૩) અને પ્રમુખ (૧૯૫૯-૬૩) હતા. કૉન્ગ્રેસે તેના અવાડી અધિવેશનમાં સમાજવાદનો માર્ગ અપનાવ્યો તો તેનાથી આકર્ષાયા અને કૉન્ગ્રેસમાં જોડાયા, વૈચારિક મતભેદો થયા તો છૂટા પણ પડ્યા.


ડો. આંબેડકરના કાર્ટૂનનો ગ્રંથ ‘નો લાફ્ગિં મેટર (ધ આંબેડકર કાર્ટૂન્સ ૧૯૩૨-૧૯૫૬)’ આંબેડકરી સાહિત્યમાં નોંધપાત્ર ઉમેરણ છે. ૨૦૧૨માં થયેલા આંબેડકર કાર્ટૂન વિવાદ પછી રચાયેલી તત્કાલીન યુ.જી.સી. ચેરપર્સન સુખદેવ થોરાટ સમિતિ સમક્ષ રજૂ કરવાના આશયે ઉન્નામતિ શ્યામ સુંદર નામના સંશોધકે બાબાસાહેબ આંબેડકરના કાર્ટૂનની શોધ આદરી. ચાર વરસની ભારે જહેમત અને અનેક ખાંખાખોળા પછી તેમને હાથ લાગેલા અને અંગ્રેજી મીડિયામાં છપાયેલાં ૧૨૪ કાર્ટૂન પુસ્તકમાં સંગૃહીત છે. ૯ અંગ્રેજી અખબારો – સામયિકોમાં પ્રગટ દેશના જાણીતા ૧૧ કાર્ટૂનિસ્ટોનાં કાર્ટૂન આ પુસ્તકમાં છે. આ કાર્ટૂનિસ્ટો છે, કે. શંકર પિલ્લઈ, આર.કે. લક્ષ્મણ, અબુ અબ્રાહમ, અનવર અહમદ, વાસુ, ઓમેન, બિરેશ્વર, આર. બેનરજી, ઈરાન, રવીન્દ્ર અને કુટ્ટીનાં ૧૨૪ કાર્ટૂન અહીં સાત કાળખંડમાં વિભાજિત કરવામાં આવ્યાં છે. ૧૯૩૨થી ૧૯૩૬ અને ૧૯૪૨-૪૩ના પહેલાં બે તથા ૧૯૫૩થી ૫૬ના સાતમા કાળખંડનાં ૧૧-૧૧ કાર્ટૂન છે. ૧૯૪૪થી ૪૬ના વર્ષના ૧૨, ૧૯૪૭-૪૮નાં ૧૬, ૧૯૪૯-૫૦નાં ૨૭ અને ૧૯૫૧-૫૨નાં ૩૬ કાર્ટૂન છે. ડો. આંબેડકરના રાજકીય જીવનનાં મહત્ત્વનાં વર્ષો અને ઘટનાઓ આ કાર્ટૂનમાં આલેખાયાં છે. અડધોઅડધ (૬૩) કાર્ટૂન ૧૯૪૯થી ૧૯૫૨નાં ચાર વરસોનાં છે. એ જ રીતે કુલ કાર્ટૂનના અડધા કરતાં વધુ કાર્ટૂન શંકરનાં છે. ૧૯૩૨ના કોમી ચુકાદા અગેના શંકરના ‘ટેન્સ મોમેન્ટ્સ'(તણાવની ક્ષણો)થી આરંભાતી અને ૧૯૫૬ના ધર્મપરિવર્તન અંગેના ‘ભિખ્ખુ ભીમરાવ’થી સમાપ્ત થતી આ કાર્ટૂનકિતાબ ડો. આંબેડકરની રાજકીય જીવનયાત્રા પણ આલેખે છે. વિસ્તૃત સંપાદકીય અને પ્રત્યેક કાર્ટૂન સાથે ડો. આંબેડકરના જીવનનો સમયસંદર્ભ સ્પષ્ટ કરતી સંપાદકીયનોંધ આ પુસ્તકને માતબર બનાવે છે.
પત્રકારત્વ અને કલાના મિશ્રણસમા કાર્ટૂનમાં સાંપ્રત ઘટનાઓ અંગેની આલોચના હોય છે. એ રીતે કાર્ટૂન વૈકલ્પિક ઇતિહાસનો દસ્તાવેજ બની શકે છે, પરંતુ તે ત્યારે જ શક્ય બને જ્યારે તે વ્યક્તિને વ્યક્તિવિશેષને બદલે વિષયવસ્તુ કે વ્યક્તિ તરીકે વ્યક્ત કરે.
નિર્વાણ પછી પણ બાબાસાહેબ આંબેડકર કાર્ટૂનનો વિષય બનતા રહ્યા છે. વી.પી. સિંઘ વડાપ્રધાન હોય અને દેવીલાલ નાયબ વડાપ્રધાન હોય તે સરકાર તેમને ભારતરત્નથી નવાજે તો કાર્ટૂનિસ્ટને કટાક્ષ કરવાનું સુઝે જ અને તે દેવીલાલને ‘મહાભારતરત્ન’ ગણાવે છે! કાયમ ગરીબીમાં જીવેલા આંબેડકર કેશલેસ માટે ભીમ એપ બને તો તે પણ કાર્ટૂનિસ્ટને કાર્ટૂનના વિષય તરીકે આકર્ષિત કરે જ. છઠ્ઠી ડિસેમ્બરના આગામી આંબેડકર નિર્વાણ દિને બાબાસાહેબના સૌ ચાહકો માટે આંબેડકરનાં કાર્ટૂન્સ હસવાનો, હસી કાઢવાનો કે લાગણી દુભાવાનો નહીં ગંભીર અભ્યાસનો વિષય બનવો જોઈએ.