
કેતન રુપેરા
મારું પુસ્તક ‘વિદ્યા વધે એવી આશે’ પ્રગટ થયું, ત્યારે મને બેવડો આનંદ થયો હતો. મારી વિદ્યાર્થિની મિત્તલ પટેલે તેની પ્રસ્તાવના લખી અને બીજા વિદ્યાર્થી કેતન રૂપેરાએ પ્રત-સંપાદન કર્યું. પરિણામે મારું પુસ્તક સાચે જ વિદ્યાપ્રેમીઓનું બન્યું.
વિરમગામના જૈન પરિવારનો કેતન જૈનોની વેપાર પરંપરાનો અનુભવ કરતો મહાત્મા ગાંધીના જીવન અને દર્શનનો એવો અભ્યાસુ બન્યો કે આજના ગુજરાતમાં ગાંધીને સમજવા તેના વિદ્યાર્થી બનવું પડે .વર્ષ 2001 પછીના થોડાં વર્ષો મેં ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગમાં મુલાકાતી અધ્યાપક તરીકે ભણાવેલું .હું ભારતીય સમાજ વિશે વર્ગો લેતો. વર્ષ 2003થી 2005 સુધી કેતન ત્યાં મારો વિદ્યાર્થી હતો અને ત્યાર બાદ એ આજે મિત્ર છે.
મધ્યમવર્ગના પરિવારોમાં બને છે એમ કેતનને પણ બાળપણમાં ડૉક્ટર બનવા માટે પ્રેરિત કરવામાં આવ્યો અને એ વાતાવરણ એક ચોક્કસ દિશા તરફ શિક્ષણની સફર નક્કી કરતું હોય છે, જે કેતને પણ અનુભવ્યું. વિરમગામની દિવ્યજ્યોતિ વિદ્યાલયમાં પ્રાથમિક શિક્ષણ. દાદા અને પિતાનો સોપારી, પાન, તમાકુ વેચવાનો જથાબંધ અને છૂટક ધંધો. ગલ્લો પણ ખરો. સાથે પિતાએ ત્યાંની કાપડની મિલમાં નોકરી પણ કરી. શાળામાં શિક્ષણની સાથે ઘરમાં સમાજશિક્ષણ થયું. પિતાના છ ખાસ મિત્રોમાં ત્રણ મુસ્લિમ એટલે બને ધર્મની પાકી સમજ પણ બાળપણથી વિકસી. પિતાના મુસ્લિમ મિત્ર કેતનને જરૂરી પુસ્તક પણ ખરીદીને આપે. જૈન, હિન્દુ અને મુસ્લિમ સહઅસ્તિત્વ વિરમગામ જેવા કસ્બામાં પણ ગાંધીના પરિચય પૂર્વે કેતનને સર્વધર્મની સમજ પાકી કરી રહ્યા હતા. એટલે ત્યાંની આર.એસ.એસ. શાખામાં કસરતથી કશું વિષેશ કેતનને આકર્ષી શક્યું નહીં. એ સમયે કેતનની શાળાના આચાર્યની ઓફીસ બહાર ‘ગર્વ સે કહો હમ હિન્દુ હૈ’ અંકિત થઈ ચૂક્યું હતું.
એક સદીથી પ્રતિષ્ઠિત એમ જે હાઈસ્કૂલની ટેક્નિકલ શાળાના આઠમા ધોરણમાં કેતન દાખલ થાય છે. આ શાળામાં પ્રવેશતા જ કેતન વકતૃત્વ જેવી કળાઓથી પરિચય પામે છે. સાથે કૈક ખોટું થાય તો તેનો વિરોધ કરવાની તાલીમ અને સાહસ પણ અહીં જ કેળવાય છે. પ્રયોગશાળા બંધ કરવામાં આવે છે અને તેને પુનઃ શરૂ કરવાના વિદ્યાર્થીઓના વિરોધ અભિયાનમાં કેતન સક્રિય બને છે. દરજી વિદ્યાર્થીના પરિવાર પાસે કાપડની કાળી પટ્ટીઓ તૈયાર કરી તેનો વિરોધ પ્રતીક તરીકે સામૂહિક ઉપયોગ અને સૂત્રોચ્ચાર. પ્રયોગશાળા તો ના શરૂ થઈ પણ સમાજવિદ્યાના અલાયદા શિક્ષક મેળવવામાં સફળ થવાયું. કેતન દર્શાવે છે તેમ સમાજવિદ્યાના શિક્ષક ડી.એસ. દવેએ માત્ર એક જ વર્ગ લીધો, પણ તેઓનું ઇતિહાસ દર્શન કેતન પર કાયમી છાપ અંકિત કરી ગયું.
ટેક્નિકલ શાળામાં ભણવા પાછળનો એક ઉદેશ ભવિષ્યમાં એન્જિનિયરીંગમાં પ્રવેશ સરળ બને એવો હોય છે, પણ 10માં ધોરણમાં ટકા ઓછા આવ્યા. પરિણામે અમદાવાદ ભાવસાર હોસ્ટેલમાં રહી આર.સી. ટેક્નિકલ શાળામાં 11માં ધોરણ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ, પણ ત્યાં ના ફાવ્યું એટલે 12 ધોરણમાં શાળા બદલી. પણ નાપાસ થવાનો વારો આવ્યો. કેતન કહે છે કે આવી નિષફળતા અને વિપરીત સ્થિતિમાં પણ માતાપિતા પડખે રહ્યાં. કદી વઢ્યાં નહિ. વિરમગામ પાછા જવાનો વારો આવ્યો. આ દરમ્યાન ઇતર વાચનમાં કેતનનો રસ વધવા માંડ્યો. લીંબડી સ્થિત વિવેકાનંદ સ્મારકભવનની એક મુલાકાતે વિવેકાનંદનો પરિચય કરાવ્યો અને એક હકારાત્મક ઉર્જા કેતને અનુભવી. 12 કોમર્સમાં પ્રવેશ લીધો પણ અંતે તો વિજ્ઞાનમાં જ પરીક્ષા આપી, પણ ટકા એવા ના આવ્યા કે આયુર્વેદ કે હોમિયોપેથીમાં પ્રવેશ મળે. અંતે અમદાવાદની ગુજરાત કોલેજમાંથી બી.એસસી. કર્યું. આ ત્રણ વર્ષ એમ.જે. પુસ્તકાલયના સભ્ય બની કેતને સાહિત્યથી લઇ અનેક વિષયો પર ખૂબ વાંચ્યું જે તેને ભાવિ કારકિર્દી માટે ઉપયોગી નીવડ્યું.
કૈક જુદું ભણવું છે એવો વિચાર કેતનમાં સ્થાપિત થઈ ચુક્યો હતો અને પરિણામે પુનઃ અમદાવાદ ભાવસાર હોસ્ટેલમાં રહી, ગૂજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વની અનુસ્નાતક પદવી મેળવી. અહીં ગાંધી અને વિનોબાના રંગે રંગાવાનું શરૂ થયું અને પ્રોફેસર અશ્વિન ચૌહાણ જેવા ઉત્તમ શિક્ષક મળ્યા. શોધનિબંધ તેઓના માર્ગદર્શન હેઠળ કર્યો. વિષય : ઉચ્ચ શિક્ષણ સામાયિક દૃષ્ટિ (હાલ અભિદૃષ્ટિ).પત્રકારત્વના પ્રથમ વર્ષ બાદના વેકેશનમાં કેતનને પિતાના વ્યવસાયમાં મદદ કરવા વિરમગામમાં સાયકલ પર સોપારી પાન તમાકુ વેચવા જવું પડ્યું, પણ એ અનુભવે કેતનને શીખવ્યું કે કોઈપણ કામ ઉતરતું નથી. કેતનનો વિચાર પી.એચડી. કરવાનો હતો. એટલે એ દિશામાં જવા એમ.ફિલ.ની પ્રવેશ પરીક્ષા પાસ કરી વિદ્યાપીઠમાંથી એમ.ફિલ. કર્યું. અશ્વિન સર પાસે શોધ નિબંધ કર્યો. વિષય : પત્રકાર ગાંધીજીના લખાણોમાં પ્રતિબિંબિત શિક્ષા વિચાર (હરિજનબંધુ,1933થી 1948).
દૃષ્ટિ સામાયિક વિશેના સંશોધને કેતનને એ જ સામાયિકના સંપાદન તરફ દોરી ગયું અને ત્યાં સફળતા મળી અને એ અનુભવ સંપાદનથી લઈ પ્રિન્ટિંગ સુધી વિસ્તર્યો. આજે ગુજરાતના પ્રતિષ્ઠિત વિચારપત્ર ‘નિરીક્ષક’નું સંપાદન પણ કેતન કરે છે અને સૌ તેના કામથી પ્રભાવિત છે. મુરબ્બી પ્રકાશ ન. શાહે કેતનની કારકિર્દી ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. કેતનની કારકિર્દીનો એક મહત્ત્વનો પડાવ અર્થાત નવજીવન દ્વારા પ્રકાશિત ‘નવજીવનનો અક્ષરદેહ’ માસિકનું સંપાદન. 55 અંકો અને 6 વિશેષાંકના સંપાદને કેતનને ગુજરાતની નવી પેઢીના આગવા પત્રકાર અને અભ્યાસી તરીકે સ્થાપિત કરી દીધો. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં કોઈ એક અંકમાં 100 પુસ્તકોનો સાગમટે પરિચય થયો હોય તો એ કેતનની મહેનતથી સર્જાયેલો નવજીવનનો અક્ષરદેહનો અંક.
કેતને મુખ્ય ધારાના પત્રકારત્વનો પણ અનુભવ લીધો .
‘અભિયાન’ અઠવાડિક અને ‘દિવ્ય ભાસ્કર’ અખબારમાં પણ તેના કામની આગવી નોંધ લેવાઈ. વર્ષ 2010 પછી કેતને ફ્રીલાન્સ કામ શરૂ કર્યું જે પુસ્તક સંપાદનથી માંડી તેના પ્રકાશન સુધીનું રહ્યું.
ગુજરાતની કેટલીક જાણીતી વ્યક્તિઓનાં જીવનને આલેખતાં પુસ્તકોનું સ્વતંત્ર સંપાદન પણ કેતનની ભેટ છે. જેમાં ચુનિભાઈ વૈદ્ય વિશેનું પુસ્તક ‘અગ્નિપુષ્પ’, જીતેન્દ્ર દેસાઈ વિશે ‘ગાંધી સાહિત્યના સારથી’, તુષાર ભટ્ટ વિશે ‘નીડર પત્રકાર પૂર્ણ પરિવારજન’નો સમાવેશ થાય છે. કનુભાઈ કલ્સરિયાના પ્રદાન વિશેના પુસ્તકનું પ્રત સંપાદન પણ કેતને કર્યું અને ખૂબ વખણાયું. કેતને અધ્યાપન ક્ષેત્રે પણ પ્રદાન કર્યું. નડિયાદ સ્થિત અમૃત મોદી સ્કૂલ ઓફ માસકોમ્યુનિકેશનમાં પત્રકારત્વનાં વિવિધ પાસાંઓ વિશે લગભગ સાડાત્રણ વર્ષ ભણાવ્યું. યુવાન વયે ગાંધી સાહિત્ય વિશેના તેના બહુ આયામી ખેડાણની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ. વર્ષ 2016માં કેતનને ‘કાકાસાહેબ કાલેલકર પત્રકારીતા સન્માન’થી સન્માનિત કરવામાં આવ્યો. આ સન્માન ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા, ન્યુ દિલ્હી અને વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન, નોયડા દ્વારા આપવામાં આવ્યું .તાજેતરમાં કેતને Enhanceonly પ્રકાશન કન્સલ્ટન્સી શરૂ કરી અને ગંભીરસિંહ ગોહિલ લિખિત પુસ્તક ‘મહાત્મા : સ્વરાજની સફર અને સૌરાષ્ટ્રના સાથીદારો’ પ્રકાશિત કર્યું. આજે જ્યારે ગુજરાતમાં શબ્દપ્રેમ અને પુસ્તકપ્રેમ વિસારે પડતા જાય છે અને ગુજરાતી ભાષા સામે પ્રશ્નો ખડા થયા છે, એ સમયે નવી પેઢીનું એક પ્રેરક વ્યક્તિત્વ કેતન રૂપેરા ઘણી ઉમ્મીદ જગાવે છે.
કેતનને અભિનંદન.
સૌજન્ય : ગૌરાંગભાઈ જાનીની ફેઇસબૂક દીવાલેથી સાદર