તાજેતરમાં અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ ૨૦૨૪ની મુલાકાત દરમ્યાન રાજકમલ પ્રકાશનનાં સ્ટોલ પર અનાયાસે એક પુસ્તક મારા હાથે ચડ્યું. એ પુસ્તકનું કવરપેજ બહુરંગી અને ઘણું આકર્ષક હતું. એ પુસ્તકનું નામ હતું : પ્રોફેસર કી ડાયરી. લેખક પૂછો તો डॉ. लक्ष्मण यादव (લેખકનું નામે ય સાવ અજાણ્યું. કવરપેજ ઉપર અત્યારની પુસ્તકવેચાણની માર્કેટિંગ શૈલી મુજબ ૧૫ દિવસમાં ૧૬,૦૦૦+ આવૃત્તિઓની ખપત થઇ ગઈ છે, એનું બેનર ફરકાવ્યું હતું. એ તો જાણે સમજ્યા, પણ હું પણ શિક્ષણ સાથે જોડાયેલો હોવાને લીધે મને આ ટાઈટલ તરત સ્પર્શી ગયું. પ્રોફેસર-કી-ડાયરી. એકેક શબ્દ મેં જોખી જોયો. આમ તો ટેકનીકલી હું ‘લેકચરર’ છું પણ લલિત ખંભાયતા અને હર્ષ મેસ્વાણીયા જેવા મિત્રો ‘પ્રોફેસર’ તરીકે જ સંબોધે છે. અંગત જીવનમાં કે સમાજમાં ઘટેલી કોઈ મહત્ત્વની ઘટના કે પ્રવાસયાત્રા દરમ્યાન થોડુંઘણું ડાયરીલેખન પણ કરી જાણું. એટલે આ પુસ્તક જાણે કોઈક પ્રકારે મારી જ વાત કરતું હશે કે મને સ્પર્શતું હશે એવું પાનાં ફેરવ્યા વગર જ માની લીધું. (દિલ કો બહેલાને કે લિયે ખ્યાલ અચ્છા હે!) પછી એને પલટીને બેકકવર જોયું તો ત્યાં એ પુસ્તકની પ્રશસ્તિઓ બાંધી હતી. પણ એની નીચે બોલ્ડ જેટ-બ્લેક અક્ષરોમાં લખેલું વાક્ય મને જાણે સણસણતી બુલેટ આવીને છાતીમાં ચોંટી જાય, એમ ચોંટી ગયું :
एक डरा हुआ शिक्षक अपनी कक्षाओं में रीढ़-विहीन विद्यार्थी तैयार करता है, जो समाज में जाकर मुर्दा नागरिक में तब्दील हो जाता है।
આ એક જ વાક્ય વાંચીને મેં પુસ્તક ખરીદવાનું મન બનાવી લીધું. ડૉ. લક્ષ્મણ યાદવ એક ઈન્ટરવ્યુમાં કહે છે કે મૂળ તો પુસ્તકનું શીર્ષક ‘ઠેકે પર પ્રોફેસર’ એવું રાખવું હતું પણ પ્રકાશકોએ એ ભડકાઉ શીર્ષક જોઇને જ વિવાદ થવાની બીકે છાપવાનો ઇન્કાર કરતા એની પ્રત પાછી મોકલી આપી હતી, અને છેવટે, શીર્ષકમાં બાંધછોડ કરીને પુસ્તકની રચનારીતિ ડાયરીનોંધોનાં સ્વરૂપની હોઈ એને અનુલક્ષીને ‘પ્રોફેસર કી ડાયરી’ એવું નામ પસંદ કર્યું હતું. પુસ્તકની અંદર આપેલો લેખકનો પરિચય આ મુજબ છે :
‘ડૉ લક્ષ્મણ યાદવ અધ્યાપક, જન બુદ્ધિજીવી, અને સામાજિક કાર્યકર છે. તેઓ ભારતીય સમાજની સંઘર્ષધર્મી જનપક્ષધર ધારાઓને એક મંચ પર લાવવાની કોશિશ કરતા રહે છે. એમનાં માટે સમાજવાદ, આંબેડકરવાદ, સ્ત્રીવાદ અને આદિવાસીઓના સંઘર્ષ સામાજિક ન્યાયની એક બૃહદ્દ લડાઈના અલગ-અલગ રંગ છે. એ અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ છે. દિલ્હી વિશ્વવિદ્યાલયમાંથી તુલસીદાસ વિષયક વિવેચન પર એમણે એમનું શોધકાર્ય કર્યું છે. દોઢ દાયકા જેટલા સમય સુધી તેમણે દિલ્હી યુનિવર્સિટીની ઝાકીર હુસેન કોલેજમાં અધ્યાપનકાર્ય કર્યું છે. તુલસીદાસ પર એમનું એક પુસ્તક પણ પ્રકાશિત થઇ ચુક્યું છે.’
આપણે ત્યાં એક પુસ્તકની એવરેજ ૫૦૦ નકલો છપાય અને બીજી નકલ છપાતાં પાંચ-દસ વર્ષ નીકળી જાય ત્યારે ‘પ્રોફેસર કી ડાયરી’ ફેબ્રુઆરી, ૨૦૨૪માં પ્રકાશિત થાય છે અને ફેબ્રુઆરી મહિનામાં જ પુસ્તકની ત્રીજી નકલ છાપવી પડે છે, એટલી તો ચપોચપ એની નકલો ખપી જાય છે. પુસ્તકનું અર્પણ ‘રોહિત વેમુલા અને એના જેવી અધૂરી રહી ગયેલી અગણિત સંભાવનાઓને નામ’ કરવામાં આવ્યું છે. ૧૬૦-પાનાના પુસ્તકમાં ચાર પાનાંની ભૂમિકા પછી પહેલી નોંધની શરૂઆત ઓગસ્ટ ૨૦૧૦થી થાય છે અને છ ડિસેમ્બર, ૨૦૨૩ના છેલ્લી ડાયરી નોંધ છે એ જોતા પુસ્તકમાં નિરુપિત ઘટનાઓનો સમયફલક ચૌદ વર્ષનો છે.
‘પ્રોફેસર કી ડાયરી’ લખવાનો ઉદ્દેશ્ય સાફ છે. વિશ્વગુરુ બનવાના દાવાઓ વચ્ચે દેશની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની પડતીનું અહીં ચિત્રણ છે. આ ચિત્રણની પાછળ લેખકનો દોઢ દાયકાનો દેશની રાજધાનીના દિલ્હી વિશ્વવિદ્યાલયમાં એડહોક અધ્યાપક તરીકે નોકરી કરવાનો સ્વાનુભવ રહેલો છે. તેમણે પોતાના અધ્યાપકીય જીવનકાળ દરમ્યાન ઘટતા નાના-મોટા પ્રસંગોને તારીખવાર નોંધી રાખ્યા હતા. લેખક એક દલિત બહુજન વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે અને ઉચ્ચ શિક્ષણ પામનારા અને એવી સંસ્થામાં અધ્યાપન કરાવનારા પોતાના કુટુંબમાંથી પહેલાં છે. આમ તો લેખક અલાહાબાદ યુનિવર્સિટીમાંથી ભણીને અહીં દિલ્હી I.A.S. બનવા માટે આવેલા હતા કે સમાજમાં ‘આમૂલચૂલ પરિવર્તન’ કરીશું. પણ દિલ્હી વિશ્વવિદ્યાલયમાંથી પીએચ.ડી કર્યું અને પ્રોફેસરની લાઈન પકડી જે એમના પિતાજીના કહેવા મુજબ આમૂલચૂલ પરિવર્તન માટે ‘કલેટ્ટર’ કરતા કંઈ ઓછી નહોતી કારણ કે પ્રોફેસર તો પેઢીઓને બદલે છે. પણ હિંદી સાહિત્યમાં JRF (Junior Research Fellowship) મેળવી ચુકેલા ડૉ. લક્ષ્મણને આંટીઘૂંટી ભરી સિસ્ટમને કારણે કાયમી પ્રોફેસર થવાની જગ્યાએ એડહોક (હંગામી) પ્રોફેસર બનવું પડે છે.
આવો, તો પુસ્તકના કેટલાક અંશો જોઈએ :
1. આ એક એવો વ્યવસાય છે જેમાં શિક્ષકને છોડીને બધું જ કાયમી હોય છે. સિલેબસ, સ્ટૂડન્ટ, નોટ્સ, ચોક, ડસ્ટર, માર્કર, બિલ્ડીંગ, એક્ઝામ, ઈવેન્ટ્સ, ડ્યૂટીઝ આ બધું જ કાયમી; પણ એના પાયામાં ઊભેલો એક શિક્ષક ખુદ કાયમી નથી હોતો.
2. ઓછાવત્તા અંશે દેશની દરેક શૈક્ષણિક સંસ્થામાં અડધાથી વધારે શિક્ષકોના પદ ખાલી પડેલા છે. આમાંથી આરક્ષિત ક્વોટાના ૯૦%થી વધુ પદો પર કાયમી નિમણૂકો જ કરવામાં આવી નથી. તમે તમારા ગામની આસપાસની સરકારી સ્કૂલોની બદહાલી જોઈ શકો છો. વિશ્વવિદ્યાલયો અને ડિગ્રી કોલેજોની હાલત પણ આનાથી બહેતર નથી. કેટલાક કેન્દ્રિય વિશ્વવિદ્યાલયો અને ડિગ્રી કોલેજોને છોડીને ભારતની સરકારી શિક્ષણ સંસ્થાઓ પોતાના સૌથી ખરાબ સમયમાં છે. ઘણીખરી સંસ્થાઓ પાસે ન તો ઈમારત છે કે ન શિક્ષક. બધું સારું છે પણ માત્ર કાગળ પર કાગળ પર ઇમારતો, કાગળ પર શિક્ષક, કાગળ પર શિક્ષણ અને એ જ કાગળ પર વહેંચવામાં આવતી ડિગ્રીઓ. બી.એડ. અને ઈજનેરી કોલેજો ખુલવાની અને પછી પાટિયા પડી જવાની ત્રાસદીથી તો તમે પરિચિત હશો. આ વાંચતી વેળા તમારી આસપાસની સરકારી સ્કૂલ, ડિગ્રી કોલેજ, અને વિશ્વવિદ્યાલયોને યાદ કરજો.
3. મોટા ભાગના ઈન્ટરવ્યુમાં એની તારીખની પહેલા તો પરિણામ નક્કી કરી લેવામાં આવતું હોય છે. પ્રિન્સિપલ, ટીચર ઇન્ચાર્જ તો ક્યારેક સિનિયર મોસ્ટ એ નિર્ણય લઇ ચુક્યા હોય છે જે ફક્ત ઘોષિત કરવાનો બાકી છે. આ નિર્ણયમાં બાહ્ય તાકાતોની બહુ મોટી ભૂમિકા હોય છે. દરેક માસ્ટર પાસે એક દિલ હોય છે; જે પરિવાર, જાતિ, ભાષા, ક્ષેત્ર, પાર્ટી, કે વિચારધારા જોઇને ધડકે છે. મુશ્કેલીથી પાંચ-દસ ટકા કિસ્સાઓમાં જ ઈન્ટરવ્યુના આધારે ઉમેદવારનું ચયન થતું હોય છે. આપણે ત્યાં જાતિ પેરાસીટામોલ છે. પ્રધાનથી લઈને પ્રધાન મંત્રી સુધી રાજનીતિની આ દવાનો બહુ કુશળતાથી ઉપયોગ કરે છે.
4. હું મારી અંદર આમૂલચૂલ પરિવર્તન લાવવાવાળા પ્રોફેસર સાથે સમાધાન કરી ચૂક્યો હતો. નોકરીને લઈને આ સમજૂતી બહુ કારગર રણનીતિ સાબિત થતી હતી પણ કરોડરજ્જુને લઈને તો ઘણી ખતરનાક. કરોડરજ્જુનું હાડકું જો તંગ રહે તો ઝૂકતી વેળાએ દર્દ ઊઠે છે. કરોડરજ્જુ સખ્ત થઇ તો પોતાને અને લચીલી થઇ તો સિસ્ટમને ફાયદો થાય છે. કરોડરજ્જુ બહુ ખરાબ ચીજ છે, સફળ થવાની શરતો એને ઝુકાવી દે છે. પણ એ જ્યાં સુધી બચેલી રહે છે ત્યાં સુધી ધનુષની પ્રત્યંચાની માફક તંગ હાલતમાં રહે છે. લચકદાર થતા જ તમે ક્યાંય પણ ‘સેટ’ થઇ જાઓ છો.
5. વાસ્તવમાં કોઈ પણ કોલેજમાં કે યુનિવર્સિટીના સ્ટાફરૂમમાં ઘુસતા જ તમે ચપટી વગાડતાં જ કહી શકશો કે આમાંથી કોણ-કોણ અસ્થાયી એડહોક છે અને કોણ-કોણ કાયમી પ્રોફેસર. હસાહસ, ખાણીપીણીની સુગંધ, રેસીપીની ગોસિપ, પહેરવેશની ચર્ચાઓથી લઈને ફ્લેટની ખરીદી, સરકાર બનાવવા કે ગબડાવવાની, મોબાઈલ અને ગાડીઓના નવા-નવા મોડલોના તુલનાત્મક અભ્યાસ કરવાના સંવાદો જે દિશામાંથી આવે તે સૌ કાયમી લોકો હશે.
‘પ્રોફેસર કી ડાયરી’માં કાયમી અને હંગામી (એડહોક) એમ બે પ્રકારના પ્રોફેસરોની પેચીદી સિસ્ટમ, દરેક એડહોક પ્રોફેસરે દર ચાર મહિનાને અંતે ફરીથી લેવા પડતા જોઈનીંગ લેટરના ‘રીચાર્જ’ની સિસ્ટમ, મહિલા એડહોકનાં ફેમિલી પ્લાનિંગ અને મેટરનીટીને લઈને પ્રશ્નો, શોધાર્થીએ વગર પગારના વેઠિયાની જેમ કરવા પડતા ગાઈડના અનેક અંગત કામો, પ્રોફેસરોની નિયુક્તિઓ માટે થતા ઈન્ટરવ્યુના ‘ખેલ’, અને એ ખેલમાં વારંવારની હારથી હતાશ થઈને શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવી શકવાના ચૂરચૂર થઇ ગયેલા સપનાંઓ લઈને ‘ખોવાઈ’ જતા અનેક આશાસ્પદ અને ‘મેરીટ’ ધરાવતા નવયુવાનો, ફેલોશીપ મેળવવાની પળોજણ, પરિવારની મજબૂરીને કારણે નોકરી અને ભણતર વચ્ચે સંતુલન સાધવાનો પ્રયત્ન કરતા વિદ્યાર્થી, અધ્યાપક મંડળો દ્વારા શિક્ષણક્ષેત્રે સરકારી નીતિઓ વિરુદ્ધ પ્રદર્શનો, પ્રાઈવેટ કોલેજોનાં ગોરખધંધાઓ, ચોક્કસ રાજકીય રંગ અને એજન્ડા સાથે વિશ્વવિદ્યાલયોમાં યોજાનારી ઇવેન્ટો, કાયમી પ્રોફેસરોના ખુદના બાળકોનો વિદેશમાં અભ્યાસ, રોસ્ટરનો પ્રશ્ન અને એના પગલે થયેલા વિરોધ પ્રદર્શનો, વગેરે પર પ્રકાશ પાડે છે.
લેખકે પુસ્તકમાં મોટા ભાગની સંસ્થાઓ અને વ્યક્તિઓનાં નામ બદલી નાખ્યાં છે, જેથી વિવાદ કે સનસનાટીની જગ્યાએ મૂળ મુદ્દાઓ પર લોકોનું ધ્યાન જાય. આમ છતાં પુસ્તકમાં ગર્મજોશી પણ છે અને ગમગીનીયત પણ. કારણ કે ડૉ. લક્ષ્મણ યાદવને અંતે તો એમની ગર્મજોશી ભારે પડે છે. અધ્યાપકમંડળોના જાહેર વિરોધપ્રદર્શનોમાં એડહોક અધ્યાપક તરીકે નેતૃત્વ લેવાને કારણે અને સત્તાવિરોધી જાહેર ભાષણોને કારણે તેઓ સત્તાધારીઓના ‘બ્લેકલિસ્ટ’માં આવી જાય છે, અને એમને એક દિવસ એડહોક અધ્યાપક તરીકેની નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે. ૧૪ વર્ષની અધ્યાપક તરીકેની સેવા પછી આ રીતે કોઈ અધ્યાપકને આ રીતે નોકરીમાંથી રુખસદ મળે – અને એ પણ જ્યારે એ અધ્યાપક ‘પરમેનન્ટ’ (કાયમી) થવાની આશમાં હોય – ત્યારે એના પર આભ ન તૂટી પડે તો જ નવાઈ કારણ કે આપણા દેશમાં હજુ ય ઘણાં ઘરોમાં એક ‘પુરુષમાણસ’ કમાનાર હોય છે અને એની આવક પર પરિવારનાં બીજા સભ્યો નિર્ભર હોય છે. છતાં આ અણધારી આપદામાં પણ લડાયક મિજાજના ડૉ. યાદવ તૂટી ગયા નથી. એક ઈન્ટરવ્યુમાં એ કહે છે કે એક દિવસ મને ન્યાય મળશે, અને ફરીથી હું મારા વિદ્યાર્થીઓ વચ્ચે જઈને ભણાવી શકીશ કારણ કે ભણાવવું મારું ‘પેશન’ છે. એમના કહેવા પ્રમાણે આ પુસ્તક લખ્યા પછી તો એવું થવાના ચાન્સ એથી પણ ઓછા થઇ ગયા છે કારણ કે કોઇ પણ કોલેજ બળતું ઝાલવા તૈયાર નથી. હાલ તેઓ યુટ્યૂબ પર Dr.Laxman Yadav કરીને ચેનલ ચલાવે છે જેના આજની તારીખે 1.09M સબસ્ક્રાઇબર છે. આ ચેનલ પર તેઓ હિંદી બેલ્ટનાં સાંપ્રત રાજકારણની ઘટનાઓનું આંબેડકરવાદી દૃષ્ટિકોણથી વિશ્લેષણ રજૂ કરતા હોય છે. આશા કરીએ કે ડૉ. યાદવ ફરીથી સસન્માન વિદ્યાર્થીઓ સાથે રૂ-બ-રૂ થઇને એમને હિંદી સાહિત્ય ભણાવી શકે.
આ પુસ્તકનો પરિચય કરાવવા સાથે વિદાય લેતા વર્ષના રામ-રામ અને સૌને ૨૦૨૫ના નવા વર્ષની શુભેચ્છાઓ !
01 જાન્યુઆરી 2025
સૌજન્ય : ઈશાનભાઈ ભાવસારની ફેઇસબૂક દીવાલેથી સાદર