નારીવાદ : પુનર્વિચાર; સંપાદકો – રંજના હરીશ તથા વિ. ભારતી હરિશંકર; અનુવાદક – નીતા શૈલેષ; ગૂર્જર સાહિત્ય પ્રકાશન, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ – 380 001; કિંમત – રૂ. 300; પહેલી આવૃત્તિ – 2015; પૃષ્ઠ – 16+272
‘નારીવાદ : પુનર્વિચાર’ મૂળ અંગ્રેજીમાં રંજના હરીશ અને વિ. ભારતી હરિશંકર સંપાદિત ‘રિ-ડિફાઇનિંગ ફૅમિનિઝમ્સ’ પુસ્તકનો નીતા શૈલેષે કરેલ ગુજરાતી અનુવાદ છે. ટી.એસ. અૅલિયટના Translation is rejuvenation કથનને આ પુસ્તક યથાર્થ સાબિત કરે છે. આ પુસ્તકમાંથી પસાર થયો તે અગાઉ નારીવાદ વિશે મારી સમજ ઉપરછલ્લી, મર્યાદિત, cliched – બીબાઢાળ હતી. શબ્દકોશ આધારિત એવી સમજ કે, નારીવાદ એટલે સ્ત્રી પુરુષ સમોવડી છે એવી માન્યતા. આ પુસ્તકે ઘણી ગેરસમજો – misconceptions દૂર કરી. નારીવાદ સંજ્ઞાના સંકુલ સ્વરૂપનો ખ્યાલ આવ્યો. નારીવાદના અનેક સંદર્ભો છે, એ બહુપરિમાણીય છે, એના વિશે વિવિધ દૃષ્ટિકોણો છે, એ સતત વિકસતી પ્રક્રિયા છે, એ કેવળ સ્ત્રી – હકોની માંગ નહીં બલકે જીવનશૈલી છે, એવી ગેડ બેઠી. હમણાં સુધી આ સંજ્ઞાના એક વચન નારીવાદથી ટેવાયેલાં આંખકાનને બહુવચન નારીવાદોનો પરિચય થયો. આમ, નારીવાદ સંદર્ભે પુનર્રચના, પુનર્વિચાર, પુનર્નિમાણ પુનર્મૂલ્યાંકનનો આ પુસ્તકનો ચતુર્વિધ હેતુ સિદ્ધ થતો લાગ્યો.
આ વિષયના તજ્જ્ઞોએ રજૂ કરેલ અભ્યાસલેખોના સંચયરૂપ મૂળ અંગ્રેજી પુસ્તક તો મૂલ્યવાન છે જ, પણ આ અનુવાદ દ્વારા એ વિશાળ ગુજરાતી વાંચકસમુદાય સુધી પહોંચે છે એ વિશેષ ઉપલબ્ધિ છે. આને પરિણામે ગુજરાતી વાંચકોની ચિંતનપ્રક્રિયા ઉદ્દીપ્ત થશે અને તેઓ આ વિષય પરત્વે વધુ સંવેદનશીલ બનશે. ડબલ્યુ.એચ. અૉડન કહે છે તેમ, Translation introduces new kinds of sensibilities. ‘નારીનો સમાજ તથા તેના પોતાના દ્વારા એક અલાયદી, આત્મનિર્ભર વ્યક્તિ તરીકેના સ્વીકાર’ની ભૂમિકા રચાશે.
અનુવાદ વિશુદ્ધ, ચોક્કસાઈપૂર્વકનો, પ્રવાહી શૈલીનો મૂળને વફાદાર છે. આનું કારણ અનુવાદક તરીકેની નીતાબહેનની સજ્જતા. વ્યવસાયે દુભાષિયા એટલે source language અંગ્રેજી અને target language ગુજરાતી પર પ્રભુત્વ. પણ ભાષાંતર કરવા માટે કેવળ ભાષાકૌશલ્ય પર્યાપ્ત નથી. અનુવાદક વિષયને આત્મસાત્ કરે એ આવશ્યક છે. નારીવાદ વિશે નીતાબહેન સતત ચિંતનશીલ રહ્યાં છે. એમને નારીવાદ સંદર્ભે ઊંડાણપૂર્વક વિચાર્યું છે એટલું જ નહીં, બલકે એ નારીવાદ જીવ્યાં છે. અગાઉ મુશાયરા નિમિત્તે અનેકવાર મારે ટૉરન્ટો જવાનું થયેલું ત્યારે નીતાબહેન સાથે આ વિષય પર ખાસ્સી ચર્ચા થયેલી. ત્યારે હું નીતા દવેને મળેલો. આ પુસ્તક દ્વારા નીતા શૈલેષનો મેળાપ થયો. આમ આ પુસ્તકના પ્રકાશન ટાણે નીતાબહેન પોતાને re-define -પુનર્વ્યાખ્યાયિત કરે છે એ પણ આ ચિતનપ્રક્રિયાનું જ પરિણામ છે. વિષયના તલસ્પર્શી પરિશીલન અને ભાષાકીય સજ્જતાની સાથે ભળ્યાં, રંજના હરીશ કહે છે તે, ઉમળકો અને ખંત. આમ પ્રસ્તુત પુસ્તકના ગુજરાતી અનુવાદ માટેની પરફૅક્ટ રૅસિપિ તૈયાર થઈ.
આ પ્રકારનું પુસ્તક ગુજરાતીમાં અનૂદિત થાય એ ઘટના પણ મહત્ત્વપૂર્ણ છે. આપણી ભાષાનું ચિંતનપ્રધાન સાહિત્ય ગરીબડું, રાંક છે. નારીવાદની વિશદ વિચારણા કરતાં પુસ્તકો નહીંવત્ છે ત્યારે આ અનુવાદ એ અભાવની પૂર્તિરૂપે આવે છે. પોતાની ભાષાના સાહિત્યને વધુ વ્યાપક, વધુ પ્રાણવાન બનાવવાની નેમ પણ ખરી. આનું પ્રેરકબળ તે નીતાબહેન અને શૈલેષની ભાષાપ્રીતિ. ટૉરન્ટોમાં ગુજરાતી ભાષા-સાહિત્યના જતન, સંવર્ધન માટેની એમની ખેવનાનો હું સાક્ષી છું. આ પુસ્તક પુત્ર અદ્વૈતને અર્પણ કરતાં નીતાબહેન લખે છે : માતૃભાષાની મશાલ હવે તારા હાથમાં. આ પુસ્તક વૈચારિક સ્તરે તો નોંધપાત્ર પ્રદાન છે જ, ઉપરાંત સાહજિક, રસાળ, ગુજરાતી લઢણયુક્ત અનુવાદના ઉદાહરણ તરીકે પણ મહત્ત્વપૂર્ણ છે.
પુસ્તકના આરંભે નીતાબહેને પોતાના અનુવાદકર્મ વિશે જે નોંધ મૂકી છે તે પણ ઉપયોગી છે. અનુવાદ દરમિયાન એમની સામે ઊભા થયેલ પડકારો અને તે ઝીલવાની એમની મથામણ એ કોઈ પણ સજાગ અનુવાદક માટે દિશાસૂચન બને તેમ છે.
આપુસ્તક નિમિત્તે ગુજરાતના ચિંતકો અને સમાજશાસ્ત્રીઓમાં નારીવાદ સંદર્ભે વિચારવિમર્શ જાગે એ એનું મુખ્ય ઉપાદાન. તદ્દઉપરાંત reader friendly અનુવાદનાં લક્ષણોની ચર્ચા થાય તો તે વળી મંડામણ. ગુજરાતીઓને બેવડો નફો.
e.mail : ghodiwalaa@yahoo.co.uk