બે અલગ વર્ગના નેતાઓએ પહેલાં તો એક થઇને રાજકારણને બહેતર બનાવવા પ્રયાસ કર્યો અને પછી જ્યારે સરકાર બનાવવાની વાત આવી ત્યારે બન્ને સેનાઓ વચ્ચે સત્તા માટે સંઘર્ષ શરૂ થઇ ગયો.

ચિરંતના ભટ્ટ
આજકાલ સુદાન ચર્ચામાં છે, અને સાથે વડા પ્રધાને શરૂ કરેલું ઑપરેશન કાવેરી પણ સમાચારોમાં છે. સુદાનમાં સેના અને અર્ધલશ્કરી જૂથ વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો છે જેમાં 400થી વધુ લોકોનાં મોત થયાં છે. આ સંજોગોમાં ત્યાં ફસાયેલા ભારતીયોને સહી-સલામત પાછા લાવવાનું કામ સરકારે શરૂ કર્યું. સુદાનમાં લગભગ 3,000 હજાર ભારતીયો છે. સુદાનમાં શું ચાલી રહ્યું છે? શું કામ આ સંઘર્ષ થઇ રહ્યો છે?
સુદાનની સેના અને અર્ધ લશ્કરી જૂથો વચ્ચે સત્તા સંઘર્ષ એપ્રિલની મધ્યે ચાલુ થયો. સુદાની સેના જનરલ અબ્દેલ ફત્તેહ અલ બુરહાન – જે દેશના રાષ્ટ્રપતિ છે તેને વફાદાર છે જ્યારે પેરા-મિલિટરી ફોર્સ એટલે કે અર્ધ લશ્કરી જૂથ જે રેપિડ સપોર્ટ ફોર્સ (આર.એસ.એફ.) તરીકે ઓળખાય છે તે હેમેદેતી એટલે કે પહેલાના વૉરલૉર્ડ – સેનાધિકારી – ઉપરાષ્ટ્રપતિ – જનરલ મોહંમદ હમદાન દગાલો અનુસરે છે. એક સમયે આ બન્ને જનરલ એકબીજાની સાથે કામ કરતા હતા અને દેશમાં સત્તા પલટાની દિશાની કામગીરીમાં પણ બન્ને ભેગા હતા. હવે વાત અહમ્ પર આવી ગઇ છે અને આ બન્ને વચ્ચેની લડાઈમાં સુદાનની કફોડી સ્થિતિ થઇ છે. આફ્રિકાના દેશ સુદાનના ખાર્તૂમ પાટનગરમાં અત્યારે અંધાધુંધ યુદ્ધની સ્થિતિ છે અને આ બધું ગણતરીના દિવસોમાં જ થયું છે.
સુદાની રાજકારણની વાત કરીએ તો મોટે ભાગે સાધન-સંપન્ન વર્ગનું તેમાં વધારે મહત્ત્વ હોય છે, તેમને માટે રાજકારણના હિસ્સા હોવું સરળ બને છે. ખાર્તૂમ અને નાઇલ નદીની આસપાસ રહેતા લોકો આવા ઉચ્ચ વર્ગના હોય છે. હેમેદેતી અને તેમની સેના સાધન-સંપન્ન નથી અને તેમને વખોડવા માટે અને ઉતારી પાડવા માટે રાજકારણમાં સક્રીય એવી સુદાની સેનાના લોકો બેફામ ભાષાનો ઉપયોગ કરતા હોય છે. બે અલગ વર્ગના નેતાઓએ પહેલાં તો એક થઇને રાજકારણને બહેતર બનાવવા પ્રયાસ કર્યો અને પછી જ્યારે સરકાર બનાવવાની વાત આવી ત્યારે બન્ને સેનાઓ વચ્ચે સત્તા માટે સંઘર્ષ શરૂ થઇ ગયો. આર.એસ.એફ.માં એક લાખથી વધુ સભ્યો છે અને એ તમામને મુખ્ય સેનામાં ભેળવવા કે કેમ અને પછી જે મોટું નવું દળ રચાશે તેના નેતૃત્વની હુંસાતુંસીમાં આ આગ ફાટી નીકળી છે. આર.એસ.એફ.ના સૈનિકો તૈનાત થયા એમાં આમ સૈન્યને જોખમ લાગ્યું અને વાટાઘાટોને બદલે મામલો બિચક્યો. અત્યારે ત્યાં પાણી અને વીજળીનાં ઠેકાણાં નથી, હિંસા દાવાનળની જેમ પ્રસરી રહી છે, હૉસ્પિટલમાં પહોંચવું અશક્ય છે, લોકોને ખાવાનું મેળવાવના ફાંફા પડી રહ્યા છે.
સુદાનમાં સત્તાને મામલે સતત સંઘર્ષ અને પરિવર્તનો ચાલતા આવ્યા છે અને પ્રજા એ કારણે હેરાન થતી આવી છે. વળી સુદાનમાં બીજા દેશોના લોકો પણ હોય જ છે, અને આપણે જાણીએ છીએ એમ ભારતીયોને ત્યાંથી લાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. 450થી વધુ લોકો સુદાનમાં મોતને ભેટ્યા છે અને હજારથી વધુ લોકોને ઇજા પહોંચી છે. યુ.એસ.એ.ના એસેમ્બલીના સ્ટાફને ત્યાંથી ઘર ભેગો કરાયો છે તો બીજા અમેરિકન સિટિઝન્સ જે સંખ્યા લગભગ 16,000 જેટલી છે તેમને સલામત વતન લાવવાની કામગીરી ચાલી રહી છે. યુ.કે. અને ઇ.યુ. તરફથી પણ સંકટના ઉકેલ માટેની વાટાઘાટો ચાલી રહી છે.
બીજા રાષ્ટ્રના લોકો પોતાનું વતન છોડીને પરદેશ જાય તેનો હેતુ એકમાત્ર હોય છે – કમાણી કરવાનો. સુદાનમાં દોઢસો વર્ષથી ભારતીયો વસે છે અને ત્યાં જાત-ભાતના વ્યવસાય મારફતે કમાણી કરે છે. ભારતીય આયુર્વેદિક દવાઓની ત્યાં તગડી માંગ છે. ભારતીયો સુદાનમાં એટલે પણ જાય છે કારણ કે ત્યાં 70ના દાયકામાં તેલ મળ્યું હતું અને ઓન એન.જી.સી.ના ઘણાં વ્યવસાયીઓ નેવુંના દાયકામાં સુદાન ગયા હતા. 2011માં દક્ષિણ સુદાન આઝાદ થયું અને તેલનો મોટા ભાગનો હિસ્સો એ પ્રદેશમાં હતો. સોનાની નિકાસ કરીને સુદાને 2022ની સાલમાં અઢી અબજ ડૉલરની કમાણી કરી હતી. પૈસા કમાવાની મહત્ત્વાકાંક્ષા રાજકીય-સામાજિક રીતે અસ્થિર દેશમાં જતા કોઇને પણ રોકતી નથી.
સુદાનમાં ભડકેલી હિંસાની આગ આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી રહી છે કારણ કે આફ્રિકાના સૌથી મોટા દેશની યાદીમાં સુદાન ત્રીજા સ્થાને છે અને અહીંની ખાણોને કારણે વ્યૂહાત્મક રીતે સુદાનું મહત્ત્વ ઘણું છે. અહીં – ખાસ કરીને તેના પાટનગરમાં જે પણ થાય તેની અસર આફ્રિકી ઉપખંડના સૌથી વધુ સંવેદનશીલ ગણાતા હિસ્સાઓમાં થાય. સુદાનની સરહદ સાત દેશોને અડીને છે અને તમામ સાથે સલામતીના પડકારો તો છે જ જેની કડી ખાર્તુમના રાજકારણ સાથે જોડાયેલી છે. ખાસ કરીને ઇજિપ્ત, ઇથોપિયા, ચાડ અને દક્ષિણ સુદાન જેવા પાડોશી દેશો સાથે સુદાનના સંબંધો નાજુક છે. વળી સુદાન પર પ્રભાવ માટે રશિયા, યુ.એસ.એ., સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરાટ્સ જેવી સત્તાઓ વચ્ચે પણ સંઘર્ષ ચાલતો રહે છે. પશ્ચિમના દેશોને સુદાનને અડીને આવેલા રાતા સમુદ્ર પર રશિયન બેઝ બનવાની શક્યતાનો ડર છે, વળી એવી શક્યતા સામે સુદાની સૈન્ય પ્રમુખોને કોઇ વાંધો પણ નથી એટલે એ વધુ ચિંતાજનક કહેવાય.
આ તો આંતરિક સંઘર્ષ છે જેને લીધે આટલો તણાવ વધ્યો છે. સિત્તેરના દાયકામાં ઇદી અમીને યુગાન્ડામાં કાળો કેર વર્તાવ્યો હતો અને ત્યાં વસેલા ગુજરાતી બિઝનેસ પર્સન્સે રાતોરાત ત્યાંથી ઉચાળા ભરવા પડ્યા હતા. યુગાન્ડાનું 90 ટકા અર્થતંત્ર ભારતીયોના હાથમાં હતું પણ એ જ બાબતે ઇદી અમીને ભારતીય અને અન્ય એશિયાઇઓને 90 જ દિવસમાં દેશ છોડી ચાલ્યા જવાનો આદેશ આપ્યો હતો. લોકોએ પોતાના ઘર-બાર, મિલકતો છોડીને જીવ બચાવવા માટે ઇંગ્લેન્ડ અને આફ્રિકાના બીજા દેશોની વાટ પકડી હતી.
આમ જોવા જઇએ તો પોતાનું વતન છોડી બીજા દેશમાં જઇને વધુ કમાણી કરવાનો મોહ, જરૂરિયાત અને મહત્ત્વાકાંક્ષા રાખનારા લોકોને પોતે જ્યાં જઇ રહ્યા છે ત્યાંની રાજકીય કે સામાજિક સ્થિતિની હકીકતો ભાગ્યે જ ખબર હોય છે. ભારતીયોની વાત કરીએ તો એ તો આખી દુનિયામાં પ્રસરેલા છે અને વર્તમાન સંજોગોમાં તો એવા ઘણાં રાષ્ટ્રો છે જ્યાં કટોકટીની સ્થિતિ ખડી થઇ છે અથવા થવાની શક્યતા છે. રશિયાએ જ્યારે યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ત્યાંથી પણ ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે સરકારે ઑપરેશન ગંગા લૉન્ચ કરીને ભારે જહેમત કરી હતી. આરબ દેશોમાં પણ આવા સંજોગો ખડા થયા છે. પોતે જ્યાંના નાગરિક હોય એ દેશમાં જો અર્થતંત્ર મજબૂત હોય તો કદાચ વિદેશની ધરતી પર કમાવા જવાનો મોહ કદાચ બાજુએ મૂકી શકાય પરંતુ એવું ઓછું જ થતું હોય છે.
બાય ધી વેઃ
સુદાનમાં આ હિંસક સંઘર્ષ જેટલો ચાલશે એટલી જાનહાનિ થશે અને જે પણ જનરલની આ યુદ્ધમાં જીત થશે તેને માટે વિખેરાયેલી જનતા પર શાસન કરવું એટલું જ અઘરું થઇ પડશે. જે ઝનૂનથી બન્ને જનરલ એકબીજાની લીટી ટૂંકી કરવા માટે મથી રહ્યા છે તે જોતાં આ યુદ્ધનો અંત આવે ત્યાં સુધીમાં બન્નેએ એક-બીજાને અને પોતાને પણ પૂરતું નુકસાન કરી દીધું હશે. અત્યારે એક દેશ તરીકે આપણે એવી શેખી મારીએ છીએ કે વસ્તીને મામલે આપણે ચીનથી પણ આગળ છીએ અને આપણો દેશ એક યુવા રાષ્ટ્ર છે. વાસત્વિકતા એ પણ છે કે યુવારાષ્ટ્રના યુવાનો માટે રોજગારીના પ્રશ્નોની હોળી તો સળગેલી છે જ. આવું હોય ત્યારે વિદેશ જઇને કમાણી કરવા માગનારાઓને રોકવાના કારણો શોધવા આસાન નથી હોતા.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 ઍપ્રિલ 2023