યુનાઈટેડ સ્ટેટ્સના રાજકવિ રહી ચૂકેલા વિખ્યાત કવિ બિલી કોલિન્સના કાવ્ય ‘Monday’નો મારો અનુવાદ.
પક્ષીઓ પોતપોતાના વૃક્ષ પર છે,
ટોસ્ટ ટોસ્ટરની અંદર છે,
અને કવિઓ એમની બારી પાસે.
પૃથ્વીની નારંગીની પેશીએપેશી પર
કવિઓ બારી પાસે છે –
ચંદ્ર સામે ઉદ્ગ્રીવ જોઇ રહેલા ચીની કવિ,
પ્રભાતની ગુલાબી અને નીલી કોર સામે તાકી રહેલા અમેરિકન કવિ.
કારકુનો એમના ટેબલ પર છે,
ખાણિયા ઊંડી ખાણમાં –
અને કવિઓ બારી બહાર જોઇ રહ્યા છે
કદાચ
એક સિગરેટ સાથે,
એક કપ ચા સાથે,
– અને કદાચ આ દૃશ્યમાં શામેલ છે
ફ્લાલીનનું પહેરણ
કે પછી બાથરોબ.
પ્રૂફવાચકો જોડણી ચકાસવાની પિંગપોંગ રમતમાં વ્યસ્ત છે,
આ પાનેથી આ પાને નજર દોડાવતા.
બાવરચી સેલરી અને બટેટાંના ટુકડા કરી રહ્યા છે,
અને કવિઓ પોતાની બારીએ છે
કારણ કે એ એમનું કામ છે –
જેના માટે શુક્રવારની સાંજે
એમને કોઇ જ પગાર નથી મળતો.
કઇ બારી – એનું ખાસ મહત્ત્વ નથી –
જો કે ઘણાને એક પ્રિય બારી હોય છે,
કારણ કે હંમેશાં બારીમાંથી કંઇક જોવા મળે છે –
પાતળી ડાળીને પકડી રાખતું પંખી, કદાચ,
કે ખૂણો વળી રહેલી ટેક્સીની બત્તીનું અજવાળું,
કે રસ્તો ઓળંગી રહેલા બે છોકરા, ઊનની ટોપી પહેરેલા.
માછીમારો હોડીની સાથેસાથે ડોલે છે.
લાઈનમેન થાંભલા પર ચડે છે.
નાઈ અરીસા અને ખુરશી પાસે રાહમાં છે.
અને કવિઓ પંખીની પરબની તડને
કે પવનથી તૂટી પડેલી ડાળીને તાક્યા કરે છે.
એવું કહેવાની હવે જરૂર નથી લાગતી કે –
ભઠિયારા માટે ભઠ્ઠી જે છે
કે ડ્રાઈક્લીનર માટે ફળરસના ડાઘવાળું વસ્ત્ર જે છે –
કવિ માટે બારી એ જ છે.
જરા વિચારો –
બારીની શોધ પહેલાં
કવિએ કોટ અને ગરમ ટોપી ચડાવીને ઠંડીમાં બહાર નીકળવું પડત
અથવા ઘરે માત્ર ભીંત સામે તાક્યા કરવું પડત.
અને હું અહીં ભીંતની વાત કરું છું એનો અર્થ
પટ્ટાદાર વૉલપેપર,
અને ગાયના મઢેલા ચિત્રથી સજાવેલી દીવાલ – એવો નથી.
હું વાત કરું છું
પથ્થરજડી ઠંડીગાર ભીંતની –
મધ્યકાલીન સૉનેટની ભીંત –
આદિમ સ્ત્રીના પાષાણહૃદયની –
એના કવિ-પ્રેમીના કંઠમાં ભરાઈ ગયેલા પથ્થરની.
—
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર