પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ આ ત્રણને ભારતમાં ઉપ રાષ્ટ્રવાદનાં ઘટક માનવામાં આવે છે અને એ મુખ્ય રાષ્ટ્રવાદને નિર્બળ કરે છે એવી એક વ્યાપક સમજ પ્રવર્તે છે. પણ સવાલ એ છે કે ભારતમાં મુખ્ય રાષ્ટ્રવાદ શેનો બનેલો છે? એનું એકમેવ ઘટક કયું? અને બીજો સવાલ એ કે શું ઉપ રાષ્ટ્રવાદ મુખ્ય રાષ્ટ્રવાદને અનિવાર્યપણે નિર્બળ કરે છે?
કેન્દ્રની ડાબી બાજુએ જે લોકો છે અને હતા એમાંના કેટલાક લોકોનો અભિપ્રાય એવો છે કે ભારતીય રાષ્ટ્રવાદ એ મુખ્ય રાષ્ટ્રવાદ છે અને પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ એ ઉપ રાષ્ટ્રવાદનાં ઘટક છે. તેઓ એમ પણ માને છે કે ઉપ રાષ્ટ્રવાદ મુખ્ય રાષ્ટ્રવાદને નિર્બળ કરે છે, માટે ભારતની પ્રજાને ભારતીય રાષ્ટ્રીય નાગરિક ધર્મના શિક્ષણ દ્વારા ઉપ રાષ્ટ્રવાદના મોહથી મુક્ત કરવી જોઈએ. કેન્દ્રની જમણી બાજુએ જે લોકો હતા અને છે તેમનો અભિપ્રાય એવો છે કે હિંદુ રાષ્ટ્રવાદ મુખ્ય રાષ્ટ્રવાદ છે અને પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ ઉપ રાષ્ટ્રવાદનાં ઘટક છે અને માટે તે મુખ્ય રાષ્ટ્રવાદને કમજોર કરે છે. બન્ને ધારાના લોકો ઉપ રાષ્ટ્રવાદના ઘટકો વિષે એક સરખો અભિપ્રાય ધરાવે છે, પરંતુ તેમનું મુખ્ય રાષ્ટ્રવાદનું એકમેવ ઘટક અલગ છે. એક માટે ભારતીય છે અને બીજા માટે હિંદુ ધર્મ છે.
જેઓ ભારતીયતાને રાષ્ટ્રવાદનું મુખ્ય અને એકમેવ ઘટક માને છે તેમની દલીલ એવી છે કે ધર્મ સ્વયં એક પૃથકતા પેદા કરનારી અસ્મિતા છે જે વિધર્મીઓની બાદબાકી કરે છે અને જે બાદબાકી કરે એ રાષ્ટ્રને જોડનારી કડી ન બની શકે. જ્યાં બહુમતી આવી ત્યાં લઘુમતી આવવાની જ. બહુમતી પોતે જ લઘુમતીને પેદા કરે છે. આ બાજુ ભારતીય ઓળખ લઘુમતી પેદા કરતી નથી અને જે બહુમતી અને લઘુમતીમાં દેશને ન વહેંચે એ રાષ્ટ્રનું મુખ્ય અને એકમેવ ઘટક હોઈ શકે. તેમની દૃષ્ટિએ તો ધર્મ પણ ઉપ રાષ્ટ્રવાદનું ઘટક છે. જેઓ હિંદુ ધર્મને રાષ્ટ્રવાદનું મુખ્ય ઘટક માને છે તેમની દલીલ એવી છે કે ભારતીયતા એક કલ્પના છે, વાસ્તવિકતા નથી. કલ્પના ગમે એટલી રોમાંચક હોય, તે વાસ્તવિકતાની જગ્યા ન લઈ શકે. ઓળખ આધારિત બહુમતી અને લઘુમતી એક વાસ્તવિકતા છે અને ભારતમાં હિંદુ ધર્મ એ બહુમતી પ્રજાને જોડનારી એકમેવ અને પ્રબળ કડી છે. પણ થોડા લોકોની બાદબાકી થાય છે તેનું શું? એની ચિંતા કરવાની જરૂર નથી અને જેમની બાદબાકી થાય છે તેમણે સમજવું જોઈએ કે આ દેશ હિંદુઓનો છે.
પણ આનો અર્થ એવો નથી કે ભારતની પ્રજા કેન્દ્રની જમણે અને ડાબે એમ બે ભાગમાં અડધોઅડધ એક સરખી વહેંચાયેલી છે. કેન્દ્રની ડાબે જે લોકો છે એમાં વિચારધારાના હજુ બે રંગ જોવા મળે છે. કેટલાક લોકો એમ માને છે કે પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ પણ એક વાસ્તવિકતા છે અને તેની ઉપેક્ષા ન થઈ શકે. જો હિંદુ રાષ્ટ્રવાદ સામે ચાલીને કોઈની બાદબાકી કરતો હોય તો પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ તો પરંપરાગત રીતે બાદબાકી થયેલાં ઘટકો છે. તેઓ ન્યાય માગે છે અને તમે તેને ઉપ રાષ્ટ્રવાદનું લેબલ ચોડીને વર્જ્ય માનો છો? કેન્દ્રની ડાબી બાજુનો એક પક્ષ કેન્દ્રની ડાબી બાજુના બીજા પક્ષ સામે પ્રતિવાદ કરે છે. પહેલાં ન્યાય આપો, પોતાનાં કરો, બાથમાં લો, સમાવો અને પછી કહો કે પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ ઉપ રાષ્ટ્રવાદનાં ઘટક છે અને ભારતીય રાષ્ટ્રવાદમાં અવરોધક છે. મુદ્દો ન્યાયનો છે. ભારતીય રાષ્ટ્રવાદની કલ્પના ગમે તેવી ભવ્ય હોય એ અન્યાય કરનારો તો ન જ હોવો જોઈએ. માટે ઉપ રાષ્ટ્રવાદથી ડરવાની જરૂર નથી. એ વાસ્તવિકતા છે અને જો તેનો સ્વીકાર કરવામાં આવશે અને તેને તેનું હકનું સ્થાન આપવામાં આવશે તો એ ભારતીય રાષ્ટ્રની રંગોળીમાં પોતાનાં રંગ પૂરશે. જરા ય ખોટનો સોદો નથી.
કેન્દ્રની ડાબી બાજુએ એક બીજો પક્ષ છે જે એમ માને છે કે રાષ્ટ્રવાદની કલ્પના જ વર્ચસ્વવાદી (hegemonic) છે. આ બીજો પક્ષ પાછો બે પક્ષમાં વહેંચાયેલો છે. સામ્યવાદીઓ એમ માને છે કે સહિત અને રહિત એ દરેક સમાજની બે નક્કર વાસ્તવિકતા અથવા વાસ્તવિક ઓળખ છે અને એ સિવાયની બીજી ઓળખો અને ઓળખ આધારિત કહેવાતી વાસ્તવિકતાઓ મુખ્ય વાસ્તવિકતાને નિર્બળ બનાવે છે. એક શોષણ કરે છે અને બીજાનું શોષણ થાય છે. માટે જેટલો રાષ્ટ્રવાદ નિર્બળ એટલી મજૂરોની ક્રાંતિની સંભાવના વધુ. આમ વિચારીને ભારતનાં સામ્યવાદીઓએ ભારતના વિભાજનનું સ્વાગત કર્યું હતું. તેમને એમ લાગતું હતું કે રાષ્ટ્રીયતા વિનાના પાકિસ્તાનમાં સામ્યવાદી ક્રાંતિ ઝડપથી થશે.
અસ્મિતાઓનો ડર દલિતો પણ અનુભવે છે. જ્યાં અસ્મિતાઓ હોય ત્યાં આગ્રહો હોય અને દલિતોને તો કોઈ અસ્મિતા જ આપવામાં નથી આવી. માટે દલિત વિદ્વાનો માને છે કે કાયદાનું રાજ હોય એટલું પૂરતું છે. બધાને એક સરખો દરજ્જો આપતું બંધારણ હોય, એ દરજ્જાને સુરક્ષા આપતું કાયદાનું રાજ હોય, સ્વતંત્ર ન્યાયતંત્ર હોય એટલું પૂરતું છે. આ દેશના નિર્બળ નાગરિકને રક્ષણની ગેરંટી આપી શકે છે, બાકી રાષ્ટ્રવાદ એક કે બીજી રીતે અનુકૂળ થવાનો આગ્રહ રાખે છે અને એમાં હંમેશાં નિર્બળે જ સબળના પક્ષે અનુકૂળ થવાનું રહે છે. આ વખતની ચૂંટણીમાં દલિતોએ અને બીજી અત્યંત પછાત જાતિઓએ બંધારણને બચાવવા બી.જે.પી.ની વિરુદ્ધમાં મત આપ્યો એનું આ કારણ છે. આ વખતની ચૂંટણીમાં પ્રદેશ, ભાષા અને જ્ઞાતિ એક પ્રભાવી પરીબળ સાબિત થયાં એનું પણ એ જ કારણ છે. જો બંધારણ બદલાય અને ભારતીય રાષ્ટ્રની જગ્યાએ હિંદુ રાષ્ટ્ર આવે તો આ ત્રણેયને હાંસિયામાં ધકેલી દેવામાં આવે. જ્યાં સુધી હિંદુ રાષ્ટ્રવાદને નામે મુસલમાનોને અન્યાય થતો હતો કે હાંસિયામાં ધકેલવામાં આવતા હતા ત્યાં સુધી આ કોઈને ખાસ કોઈ વાંધો નહોતો.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 30 જૂન 2024