આજે રવિવારે સવારે અમદાવાદના સમૃદ્ધ પાંજરાપોળ – એ.એમ.એ. વિસ્તારમાં, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સૂચિત વૃક્ષછેદનના વિરોધમાં લગભગ ત્રણસો જેટલા સ્થાનિક નાગરિકોએ એક કલાક માટે વિરોધ પ્રદર્શન કર્યું.
આજના અખબારોમાં કોઈ પણ ઝાડ કાપવામાં નહીં આવે, એવો અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને નિર્ણય લીધો એવા સ્પષ્ટ સમાચાર છે. તે પછી પણ આ વિરોધ પ્રદર્શન થયું.
એમાંથી દેખાય છે કે લોકોને કૉર્પોરેશનમાં વિશ્વાસ નથી.
– ‘આ તો બધું કહે, રાતોરાત ઝાડ કાપવાનું કામ તમામ કરી દેશે’.
– ‘ઓગણીસ વૃક્ષો રિપ્લાન્ટ કરવાનું કહે છે, પણ એ તો ટકતાં નથી’.
– ‘જો જો હમણાં સરકાર ધાકધમકી પર ઊતરી આવશે …’
આ મતલબની વાતો લોકોની સમજ અને કૉર્પોરશનના ભરોસાનું ધોવાણ બતાવે છે.
કૉર્પોરેશન પાંજરાપોળ ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવા માગે છે. તેના માટે કરવામાં આવેલા સર્વેને પગલે પૉલિટેકનિકથી આઈ.આઈ.એમ. વચ્ચેના નેવું જેટલાં, ત્રીસથી પચાસ વર્ષની ઉંમરનાં વૃક્ષો કાપી નાખવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
કૉર્પોરેશનના આ નિર્ણયની સામે અસરગ્રસ્ત વિસ્તારની સોસાયટીઓના રહીશોએ 13 જૂનથી વિરોધ શરૂ કર્યો હતો. સોશ્યલ મીડિયા ઉપરાંત નાના જૂથોની મીટિંગો અને વૃક્ષોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ થયો હોવાનું પણ જાણવા મળ્યું હતું.
તેની ટોચે, આજે પોસ્ટર્સ સાથે દેખાવો થોડા સૂત્રોચ્ચાર અને ઝાડને બાથ ભીડીને વિરોધ કરવામાં આવ્યો. પાંજરાપોળ ચાર રસ્તાથી એ.એમ.એ.ની સામે આવેલા શિવાલિક પ્લાઝા સુધી કૂચ પણ કરવામાં આવી.
વિરોધમાં ગૃહિણીઓ, યુવક-યુવતીઓ, બાળકો, વડીલો એમ બધા પ્રકારના વૃક્ષપ્રેમી નાગરિકો સામેલ હતા. તેમાંથી કેટલાક પર્યાવરણ બચાવવાની નાની-મોટી પ્રવૃત્તિઓ, જૂથો સાથે સંકળાયેલા હતાં.
તે લગભગ બધાં privileged એટલે કે સાધનસંપન્ન હતાં. કાર અને એ.સી.માં જીવનારાં હતાં. એમ છતાં તેમણે કુદરત માટે બતાવેલી લાગણી વખાણને પાત્ર ગણાય.
તેમની સામેલગીરી અને નિસબતની સાથે જાહેર વિરોધ પ્રદર્શનની રીત-રસમની જરૂર જણાતી હતી. ભવિષ્યમાં અનુભવી, ઘડાયેલા આંદોલનકારી જૂથની આગેવાની આ વિરોધને મળે તે ઇચ્છનીય છે.
ઉપરોક્ત કાર્યક્રમની જાહેરાત સોશ્યલ મીડિયામાં ગઈ કાલે બપોર પછી થઈ. અને આજે સવારના છાપા થકી કૉર્પોરેશને વૃક્ષછેદન પડતું મૂકાયું હોવાની જાહેરાત કરી.
એટલે આ જાહેરાત કૉર્પોરેશનની ચાલ હોય, તે વિરોધને diffuse કરવા માગતી હોય, વિરોધીઓને ગેરમાર્ગે દોરવા માગતી હોય એવો શક પણ લોકોએ વ્યક્ત કર્યો.
વિરોધ માટે આવેલામાંથી કેટલાક લોકો વર્ષોથી વિસ્તારમાં રહે છે. તેમાંથી મોટા ભાગના ઓવરબ્રિજની કોઈ જરૂરિયાત જોતા નથી. વળી, વિકાસ યોજનાઓ મોટે ભાગે રાજકારણીઓ અને વહીવટકર્તાઓના ખિસ્સા ભરવા માટે હોય છે એ લગભગ બધાને ખબર હતી.
જાહેર જીવનની રીતિ-નીતિઓ વિશેની માન્યતામાં પક્ષીય રાજકારણનાં પાસાથી દૂર રહેવાનું એકંદર apolitical વલણ જોવા મળતું હતું. પચીસ વર્ષથી રાજ્યમાં ખોબે ખોબે મત મેળવનાર ભારતીય જનતા પક્ષની સરકાર છે. સુધરાઈમાં પણ એકંદરે એમ જ છે. આ વાતનો ઉલ્લેખ કરવાનું ટાળવાની ભૂમિકા હતી.
પંદર દિવસથી ચાલી રહેલા આ વિરોધના મીડિયા કવરેજની ભાળ રાખતા એમ જણાય છે કે તેમાં મહિલાઓની પહેલ છે. સ્ત્રી એટલે જ જતન, સ્ત્રી એટલે જ કુદરત, સ્ત્રી એટલે જ પ્રકૃતિ, સ્ત્રી એટલે જ શક્તિ.
સત્તાવાળા સામેના વિરોધ માટે બળ જોઈએ. પહેલ અને આયોજનની આવડત જોઈએ. આવા વિરોધ પ્રદર્શનો કરવા એ અઘરું કામ હોય છે. એટલે એમાં પહેલ કરનાર અને એનું આયોજન કરનાર સહુને તહેદિલ મુબારક !
નાગરિક એકતા ઝિંદાબાદ ….
Please note that this is a semi-personal impression piece and not a report. It is posted to appreciate the remarkable citizen gesture and to spread the word.
તસવીર સૌજન્ય : મેઘશ્રી, કોલાજ : પ્રાજકતા
30 જૂન 2024
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર