વિદ્રોહની અન્ય રીતો-પદ્ધતિઓ અજમાવવાનો આ પડકાર જેમને એવોર્ડ મળ્યા છે, કે નથી મળ્યા, સહુએ ઝીલવાનો છે
અસંમતિનો અવાજ સર્જક સમુદાયમાંથી ઊઠે એ હકીકતથી ખાસ પ્રકારનો અસંતોષ જરૂર મળે. એનાથી થંભી ગયેલાં પાણી ડહોળાય અને વિરોધની હવા બંધાય. આ દિશામાં જે નહોતાં વિચારતાં એ વિચારતાં થાય. પરંતુ જેમ એવોર્ડ કે હોદ્દો એ સર્જકની એકમાત્ર ઓળખ નથી, તેમ એવોર્ડ-વાપસી કે હોદ્દા-વાપસી પણ સર્જકની સાચી ઓળખ નથી. આ દેશમાં એવા અનેક પ્રબુદ્ધ, સંવેદનશીલ અને સ્વતંત્ર વિચારના લોકો હશે, જેમની પાસે સત્તાનો વિરોધ કરવા પાછાં આપવા માટે નથી એવોર્ડ, કે નથી કોઈ હોદ્દા. એનો અર્થ શું એવો કરવાનો કે દેશમાં પ્રવર્તમાન સંકુચિતતા અને હિંસાચાર સામે એમને કશું જ કહેવાનું નથી? સત્તાસ્થાનેથી જે બેફામ બોલાય છે, મુક્ત અભિવ્યક્તિ પર જીવલેણ હુમલા થાય છે એ એમને પણ કબૂલ મંજૂર નથી.
જેમના નિમિત્તે આ ઊહાપોહ થયો એમને સલામ ખરી, છતાં જે નવો મુદ્દો હવે આકાર લઈ રહ્યો છે એને સ્પષ્ટ રીતે અને ક્રમશ: વિચારીએ.
1. સ્વતંત્ર વિચારધારા ધરાવતા રેશનાલિસ્ટની હત્યા અને દાદરીમાં જે થઈ તે હત્યા પરત્વે, દેશમાં અનેક સ્થળેથી આવતા અસહિષ્ણુતા અને હિંસાચારના હેવાલને પગલે, અને એ પરત્વે સરકારી મૌનને પરિણામે વિરોધ આવશ્યક હતો. સંસ્કારજગત અને સંવેદનશીલ સમાજના પ્રતિનિધિ તરીકે સાહિત્યસંસ્થાઓએ આ લાગણી સત્તાધીશો સુધી પહોંચાડવાની હતી. એમ થયું નહીં. સર્જકો જેમની પાસે આ અપેક્ષા રાખતા હતા તે તમામ પ્રતિષ્ઠાનો એમની ફરજ બજાવવામાં નિષ્ફળ નીવડ્યાં. કલાકારો અને સાહિત્યકારોને નોંધારાપણાની અને હતાશાની પીડા થઈ સક્રિય બનવાની જરૂર ઊભી થવાથી એમને જે તત્કાલ સૂઝ્યું તે એમણે કર્યું.
2. કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું માળખું એવું છે કે એમાં ઝડપથી કશું જ નથી થતું. આમ છતાં અસાધારણ સ્થિતિને ધ્યાનમાં રાખીને હોદ્દેદારોની એક સભા તત્કાલ બોલાવવા જેવી હતી. કન્નડ વિદ્વાન કલબુર્ગીની હત્યા પછી એમાં લેશ પણ વિલંબ અનુચિત ગણાય. આવે સમયે પ્રતિષ્ઠાનની જવાબદાર વ્યક્તિઓથી સરકારી ઓફિસના સામાન્ય કર્મચારી જેવું વલણ ન રખાય.
3. સરકાર બૌદ્ધિકો અને સર્જકો માટે સન્માનનો ભાવ રાખે છે એ ભોળપણ સેવવા જેવું નથી. સમયાંતરે આ સહુને સન્માની, એમને થોડું ઘણું આપી દઈ સંતુષ્ટ અને ઠરેલાં રાખવા પૂરતો જ સરકારનો સર્જકોમાં રસ પછી જેવો મુક્ત વિચાર દર્શાવાયો કે સત્તાનો વિરોધ કર્યો, એટલે નિયંત્રણો લાદવામાં સત્તાને વાર ન લાગે. એ જ્યાં હોય ત્યાંથી ખસેડવામાં વાર નહીં.
કલા પ્રતિષ્ઠાનો અને સાહિત્ય સંસ્થાઓ – જે સ્વાયત્ત છે, અને ચૂંટણીપ્રથાથી હોદ્દેદારો નિયુક્ત કરે છે, જે સીધી રીતે સરકારી નિયંત્રણ કે પકડમાં નથી, એ તમામ પર કબજો કરવા કેટલાંક પરિબળો આતુર છે. તાજો દાખલો પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટનો. એની ઉપર ઠોકી બેસાડેલી એક વ્યક્તિને કારણે આખી સંસ્થાનું ધનોતપનોત નીકળું ગયું તોયે સત્તાહઠ ચસી નહીં.
આપણે ત્યાં, ગુજરાતમાંયે સ્વાયત્ત સાહિત્ય અકાદમી માટેનું આંદોલન કોઈના ખાસ કોડ પૂરા કરવા નથી આરંભાયું. મૂળ બંધારણ દર્શક અને ઉમાશંકર જોશીના સમયમાં શું હતું અને આજે એનું શું થયું, એ જોવા-તપાસવામાં ખુદ લેખકોને જ રસ નથી, ત્યાં અન્યોને તો શું કહેવું? એક વખત સ્વાયત્તતા ગુમાવ્યા પછી એને પાછી મેળવવાનું કામ બહુ ભારે છે.
દિલ્હી સાહિત્ય અકાદમી આજની તારીખે સ્વાયત્ત છે, પણ એની સામે અત્યારના સંજોગોમાં નિષ્ક્રિયતા અને મૌનનો આરોપ છે, અને આ આરોપ વાજબી છે જ. સરકાર સામે પણ આ જ આરોપ છે છતાં જે લડત સત્તા સામે હોય તેને માટે સ્વાયત્ત સાહિત્ય અકાદમીને સાધન બનાવવામાં એક મોટું ભયસ્થાન છે. સંસ્થા સામે એની સાથે સંકળાયેલાં સભ્યોનો બળવો સંસ્થાને નબળી તો પાડે, પણ સાથે એને હસ્તગત કરવાનું બહાનું સત્તાને મળે એવી દશાનુંયે આપોઆપ નિર્માણ થઈ જાય. તો છેવટે પ્રહાર કોના પર થવાનો?
એક સ્વાયત્ત સાહિત્ય સંસ્થા સરકારી તંત્રની એકાદી શાખા નથી. જ્યારે આવશ્યકતા ઊભી થાય ત્યારે સમગ્ર સર્જક સમુદાય વતી એ ચોક્કસ વલણ લઈ શકે. અસાધારણ સંજોગો સંદર્ભે પ્રતિભાવો પણ અસાધારણ હોઈ શકે. ઉગ્ર અને જલદ. આવું જો થઈ શક્યું હોત તો લેખકોને સધિયારો મળ્યો હોત. એમ ન થયું એ કમનસીબી. પણ હોદ્દાઓ અને એવોર્ડ પરત કરીને પોતાનો અસંતોષ પ્રગટ કરવામાં લેખકો સ્વયં પેલાં આપખુદ પરિબળોને સક્રિય બનાવવામાં હાથા તો નથી બની રહ્યાંને? વાડમાં બાકોરું પડે ત્યારે ભેલાણની દશા આવી પડે, પછી તો શું સાચવવું અને કેવી રીતે સાચવવું?
હિન્દીનાં પ્રસિદ્ધ લેખિકા મૃદુલા ગર્ગે આ આશંકા સુપેરે જાહેર કરી છે. વળી બીજો પ્રશ્ન એયે થાય કે આ ઝેરીલી હવા અને હિંસાચાર સામે કલાના અન્ય ક્ષેત્રો સાથે સંકળાયેલા સહુને ગુંગળામણ તો થતી જ હશે ને? એમાં થોડાં પાસે માનઅકરામ હશે, થોડાં પાસે નહીં, પણ વિરોધ તો એમનો પણ હશે, તો એમણે કયા વિકલ્પો વિચાર્યા? સમાજના પ્રહરી બનવાની જવાબદારી આખેઆખા પ્રબુદ્ધ અને સંવેદનશીલ સમાજની, કેવળ લેખકોની, અથવા જેમની પાસે એવોર્ડ કે હોદ્દા છે, એમના પૂરતી મર્યાદિત નહીં. અને સાહિત્યિક સન્માન પરત કરવાના, પણ શુદ્ધ સરકારી ‘પદ્મશ્રી’ જેવા ખિતાબો પાસે રાખવાના, એનું રહસ્ય ઉકેલવામાં ખાસ્સી અગવડ પડે તેવું છે.
એક સચ્ચાઈ ઊડીને આંખે વળગે એવી છે. સર્જકો પાસે વિરોધ કરવા માટેના વિકલ્પો ઝાઝા નથી. એવોર્ડ કે હોદ્દાઓ તો માત્ર પ્રતીક. એ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એની સાથે ઘણું ઘણું સંકળાયેલું હોય છે. એવોર્ડ સાથે સ્વીકૃતિ મળે છે, સંતોષનો ભાવ જાગે છે, અને લેખનના ક્ષેત્રમાં અધિકૃતતા સાથે પ્રવેશ મળે છે. સ્થૂળ તો પાછું અપાય, સૂક્ષ્મ સ્તરે જે મળી ગયું છે અને જેનો સ્વીકાર પણ થઈ ગયો છે, એ પાછું શી રીતે અપાશે? પ્રતિકારની એક અન્ય પદ્ધતિ છે, અને તે માન અકરામ તથા પુરસ્કારોનો ઈન્કાર. જેમની સમજ આ દિશામાં ખૂલે એ આવાં માનસન્માનોનો અસ્વીકાર કરી શકે.
જેમ સરકારનો એની ચુપકીદી માટે, તેમ સાહિત્ય અકાદમીનો એના મૌન માટે કશો બચાવ ન હોઈ શકે. પણ સાહિત્ય અકાદમીની માવજત ભૂતકાળમાં કેટલાંયે સશક્ત અને સ્વતંત્ર મિજાજનાં વ્યક્તિત્વો દ્વારા થઈ છે, એ રખે ભુલાય. આવી અકાદમીના સ્વાયત્ત મિજાજને જે ઘસારો પહોંચ્યો છે તેનો સાગમટે વિરોધ કરવો ઘટે, કટકે કટકે નહીં. પરંતુ એ વિરોધ એની સ્વાયત્તતાને જોખમમાં મૂકીને તો બિલકુલ નહીં. જે અત્યાર લગી સ્વાયત્ત રહી છે એવી અકાદમીને સરકારની અવેજીમાં દંડવી એનો એક અર્થ, ભૂતકાળમાં મુક્ત અભિવ્યક્તિના જે ચાહકોએ એને જાળવી છે એનો અનાદર કરવો, એવો થાય. એમની સ્વતંત્રતાપ્રીતિને આમ નજરઅંદાજ કરવાનું ઉચિત નથી. વિદ્રોહની અન્ય રીતો-પદ્ધતિઓ અજમાવવાનો આ પડકાર જેમને એવોર્ડ મળ્યા છે, કે નથી મળ્યા, સહુએ ઝીલવાનો છે. દેશનો પ્રબુદ્ધ વર્ગ માત્ર સાહિત્યકારો પૂરતો સીમિત નથી, અને આજકાલ જે અનુભવાતું જાય છે એનો પ્રતિકાર કરવાની સહિયારી જવાબદારી તમામ વિચારશીલોની, સંવેદનશીલોની જાગ્રત જનોની. એ માટે કોઈ એવોર્ડની, અને એને પરત કરવાની અનિવાર્યતા ખરી?
સૌજન્ય : ‘પ્રતિકાર’, “દિવ્ય ભાસ્કર”, 23 અૉક્ટોબર 2015