
રવીન્દ્ર પારેખ
2020માં શિક્ષણ નીતિ દેશમાં દાખલ કરવામાં આવી, ત્યારે તેના તરફ સ્વાભાવિક જ અહોભાવથી જોઈ રહેવાયું. એ વાતને પાંચ વર્ષ થયાં, પણ અહોભાવથી વાત આગળ ગઈ નથી. શિક્ષણ નીતિનાં ગુણગાન ચાલે છે, પણ તેનો અમલ કરાવવાના ફાંફાં જ છે. ફાંફાં એટલે છે કે નીતિને થોથાંમાંથી બહાર કાઢીને તેનો અમલ કરાવનાર શિક્ષકોના હાથમાં મુકાઈ નથી. સરકારને એવું હોય કે નીતિનો અમલ શિક્ષકો સિવાય બીજી કોઈ રીતે શક્ય છે, તો એ રીતે પણ તેનો અમલ થવો જોઈએ. જો કે, સ્કૂલોમાં તો એ રીતિ શિક્ષકો દ્વારા જ આગળ ધપાવાય છે. શિક્ષા નીતિનો અમલ શિક્ષકો દ્વારા જ શક્ય હોય તો પૂરતી સંખ્યામાં શિક્ષકો નીમવા જોઈએ, જેથી શૈક્ષણિક કાર્ય અસરકારક રીતે થાય, પણ એવું થતું નથી.
દેશમાં આજે પણ લગભગ 8 લાખથી વધુ જગ્યાઓ પર શિક્ષકો નીમવાના બાકી છે. એટલો ફેર પડ્યો છે કે આગલાં વર્ષોમાં એ સંખ્યા 10 લાખની હતી, તે હવે 8 લાખ પર આવી છે. કેન્દ્રીય શિક્ષા મંત્રાલયે નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારે શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા રાજ્યોને પત્રો લખ્યાં છે. આવાં પત્રલેખનો ટેવવશ થતાં રહે છે ને તેનું પરિણામ એ આવે છે કે ખાલી જગ્યાઓ ખાલી જ રહે છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ ખરી ખોટી ખાલી જગ્યાઓ પૂરે છે, પણ શિક્ષકોની ખાલી જગ્યાઓ પુરાતી નથી તે હકીકત છે. ભરાતી હોત તો 8 લાખ જગ્યાઓ ખાલી ન હોત !
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય એવી સલાહ પણ આપે છે કે શિક્ષકોની જગ્યા ખાલી પડવાની જાણ હોય તો જે તે જગ્યા અગાઉથી જ ભરવાની યોજના કરવાની રહે, પણ એવું થતું નથી. કેન્દ્રીય શિક્ષા મંત્રાલયનું માનવું છે કે નિવૃત્તિને લીધે શિક્ષકોની જગ્યાઓ ખાલી પડવાનું આકસ્મિક નથી, એની શાળા અને શિક્ષણતંત્રને અગાઉથી જાણ હોય જ છે. નિવૃત્ત થનાર શિક્ષકોની યાદી હાજર હોય એ સ્થિતિમાં ત્રણેક મહિના અગાઉ ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો શિક્ષકો નિવૃત્ત થાય તે સાથે ખાલી જગ્યાઓ ભરવાનું સરળ થઈ પડે, પણ રાજ્યોને એ ભાગ્યે જ સૂઝે છે. તેમાં પણ ગુજરાતમાં તો એ વિગતો સરકાર પોતે આપતી હોય છે, પણ ભરતી કરવાની આવે છે ત્યારે તેના હાથ તંગ થઈ જાય છે.
એ પણ નથી સમજાતું કે શિક્ષકોની ભરતી રાજ્યોના હાથમાં હોય તો રાજ્ય સરકાર ઉપરથી આવતા આદેશોની રાહ કેમ જુએ છે? આખા દેશમાં 8 લાખ પદો ખાલી હોય ને એની ભરતી રાજ્યની જ જવાબદારી હોય તો કેન્દ્રીય શિક્ષણ વિભાગે પત્ર લખવાની જરૂર કેમ પડે છે? રાજ્યો કેન્દ્રના આદેશોનું પાલન નથી કરતાં કે જવાબદારી કેન્દ્રની છે ને ગાળિયા તે કાઢે છે? આ ઢોળાઢોળ જ હોય તો આવા રાજકીય ખેલો બંધ થવા જોઈએ.
ચિત્ર તો એવું ઉપસે છે કે કેન્દ્ર ભરતીના પત્રો લખે છે ને રાજ્યો, તેમાંયે ગુજરાત, ઘણું ખરું તો 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર શિક્ષકો રાખીને કારભાર કરે છે. જો સરકાર કોન્ટ્રાક્ટ પર નથી, મંત્રીઓ ભાડૂતી નથી, આઇ.એ.એસ. કે આઇ.પી.એસ. કામચલાઉ નથી, તો શિક્ષકો હંગામી કેમ? હંગામી એટલા માટે કે શિક્ષકોને કાયમી કરે તો તેમને પેન્શન વગેરે નિવૃત્તિ પછીના લાભો આપવા પડે. માની લઈએ કે સરકાર એટલી ગરીબ છે કે નિવૃત્તિ પછીના લાભો આપી શકે એમ નથી, તો સાંસદોનાં પગારમાં સીધો 24 ટકાનો વધારો ગઈ 24 માર્ચે કઈ ખુશીમાં થયો એ પૂછવાનું થાય. સંસદમાં પગાર 1 લાખ પરથી વધીને સીધો 1.24 લાખ થયો, પેન્શન 25,000થી વધીને 31,000 થયું. વળી આ વધારો એપ્રિલ, 2023થી અપાવાનો છે ને 788 સાંસદોનું એરિયર્સ જ 45 કરોડ 38 લાખ થશે. ધારાસભ્યોની ગ્રાન્ટ 1.5 કરોડથી વધીને 2.5 કરોડ થઈ. આ બધી દિવાળી સરકારને પરવડતી હોય તો શિક્ષકોને જ હોળીનું નાળિયેર કેમ બનાવાય છે?
ગુજરાતમાં શિક્ષકોની ભરતીની વાત નથી થતી એવું નથી. 18 માર્ચે શિક્ષણ મંત્રી વિધાનસભા ગૃહમાં 13,852 વિદ્યાસહાયકોની ભરતીની વાત કરે છે, પણ મંત્રીશ્રી એનો ફોડ પાડતા નથી કે એમાંથી કેટલા નોકરીમાં હાજર થાય છે? કાયમી જગ્યાની રાહ જોઈ રહેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ કામચલાઉ જગ્યાએ શું કામ હાજર રહેવું જોઈએ તેનો ફોડ પણ સરકારે પાડવો જોઈએ. શિક્ષણ મંત્રી તો અધ્યાપક છે. તેઓશ્રી 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર છે કે તેમની નોકરી કાયમી છે, તેનો ખુલાસો થવો જોઈએ. તેમણે ગયા ડિસેમ્બર સુધીમાં 24,700 કાયમી શિક્ષકોની ભરતીની વાત કરી હતી. તેની જાહેરાતો હજી થતી રહે છે, પણ ઓર્ડર કેટલાને અપાયા છે તેનો આંકડો મળતો નથી. જો ભરતી થાય છે, તો આંધ્રની 12,543 અને મધ્યપ્રદેશની 11,035 ને તેમાં ય ગુજરાતની 2,462 શાળાઓ એક જ શિક્ષકથી કેમ ચાલે છે? એનું આશ્ચર્ય જ છે કે ગુજરાતની જ એવી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા 87,000થી વધુ છે. એ સંદર્ભે અન્ય રાજ્યોની તો કલ્પના જ કરવાની રહે છે. દેશની વાત કરીએ તો 1.11 લાખ પ્રાથમિક શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે. એમાં વધુ આઘાત લાગે એવી વાત એ છે કે ગુજરાતમાં 274 શાળાઓ એવી છે, જ્યાં એક પણ વિદ્યાર્થી નથી ને શિક્ષકો 382 છે. બીજી તરફ સવાલ એ થાય કે સ્કૂલો પૂરતી છે તો ગોધરા નજીકની વાવડી સ્કૂલમાં 250 વિદ્યાર્થીઓનાં ત્રણ ત્રણ ધોરણો એક સાથે કેમ ને કઈ રીતે ચાલે છે? રાજ્યમાં 25:1ના રેશિયો પ્રમાણે 4.59 લાખ શિક્ષકો હોવા જોઈએ, તેને બદલે 3.94 લાખ જ છે. ટૂંકમાં, 65 હજાર શિક્ષકોની ઘટથી કારભાર ચાલે છે ને આ ઘટ આજની નથી, 2017થી છે. આ અરાજકતા ઊભી કરવામાં આવી છે કે તે કુદરતી છે તે સમજાતું નથી.
કેન્દ્રીય મંત્રાલય તરફથી સંસદને એક રિપોર્ટ સોંપવામાં આવ્યો. તે મુજબ દેશમાં 14.71 લાખ સ્કૂલોમાં 98 લાખ શિક્ષકો છે. તેમાં 8 લાખ જગ્યાઓ હજી ખાલી છે. સૌથી વધારે જગ્યાઓ બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, બંગાળ જેવાં રાજ્યોમાં છે. આમ તો એક જ શિક્ષકથી ચાલતી સ્કૂલોની યાદીમાં બિહારનું નામ નથી, એટલે ત્યાંની સ્થિતિ આશ્વસ્ત કરનારી હશે એમ ધારી શકાય. એક તરફ શિક્ષકોની સતત તંગી વચ્ચે દેશ ચાલે છે, તો બીજી તરફ 2016માં લેવાયેલી પશ્ચિમ બંગાળ સ્ટેટ લેવલ સિલેક્શન ટેસ્ટના 25 હજાર શિક્ષકો અને બિન-શિક્ષકોની નિમણૂકને હાઇકોર્ટે ગેરકાયદેસર ઠેરવીને સંબંધિત સ્ટાફને બરતરફ કર્યો છે. તે વખતે 24,640 જગ્યાઓ માટે 23 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. એ તો ઠીક, પણ સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના ચુકાદાનું સમર્થન કર્યું છે ને સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર પ્રક્રિયામાં છેતરપિંડી થઈ છે ને એમાં સુધારાને કોઈ અવકાશ નથી. આવું એટલે થયું છે કે આ ભરતીમાં 5થી 15 લાખ સુધીની લાંચ લેવાનો આરોપ છે. આમાં રાજકીય રોટલાઓ પણ શેકાઈ રહ્યા છે. સુપ્રીમે યોગ્ય ચુકાદો આપ્યો છે એ સ્વીકારવા છતાં 23 લાખથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હોય ને એમાંથી પસંદગી પામેલા બધા જ ઉમેદવારોએ લાંચ ન આપી હોય ને બીજી બધી રીતે તેઓ પસંદગીમાં યોગ્ય ઠર્યા હોય તો પાપડી ભેગી ઇયળ ન બફાય તે પણ જોવાનું રહે.
એ અત્યંત દુ:ખદ છે કે વિદ્યાર્થીઓનું ઘડતર કરવાનું જેનું કામ છે એવા શિક્ષકોમાંથી કેટલાક ભ્રષ્ટાચારી પણ છે. શૈક્ષણિક સંસ્થાઓમાં નોકરી આપનારા ને નોકરી લેનારા ભ્રષ્ટાચારથી ખદખદે છે ને કમાલ એ છે કે એ મૂલ્યનિષ્ઠ શિક્ષણ વિદ્યાર્થીઓને આપે છે. ભ્રષ્ટાચાર લોહીમાં વ્યાપી વળ્યો છે એવી સ્થિતિમાં શિક્ષણ જગત બચાવવાનું રહે, પણ શિક્ષણને બચાવવાનું જ ન હોય તેમ તે શિક્ષકો વગર ચલાવવાનો ઉદ્યમ આખા દેશમાં ચાલે છે. અપ્રમાણિકતા સાર્વત્રિક છે. સાધન શુદ્ધિના આગ્રહો રહ્યા નથી. સોનાને કાટ લાગે એવો કાળ છે, એવામાં શિક્ષણ નીતિ નવી હોય કે જૂની કોઈ ફેર પડે એમ નથી, કારણ શિક્ષણ માટે શિક્ષકો જ હવે અનિવાર્ય રહ્યા નથી. આમ તો શિક્ષણમાં બહુ સારું થઈ રહ્યાનું ચિત્ર ઉપસાવાય છે, ક્યાંક સારું હશે પણ ખરું, તે સિવાય નજરે તો શતમુખી વિનિપાત જ ચડે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”,14 ઍપ્રિલ 2025