‘એતદ્’ ના તાજેતરના અંકમાં (સપ્ટેમ્બર ૨૦૨૨) રમણીક અગ્રાવતની શતરંજ વિશેની સરસ કવિતા છપાઈ છે. એ કવિતા વાંચતા એકસાથે મનમાં શતરંજને વિષય બનાવતું સાહિત્ય ઘૂમરાયું.
મને શતરંજનો ઘણો શોખ, નાનો હતો ત્યારથી. વચ્ચે થોડાં વર્ષ રમત છૂટી ગઈ, પણ છેલ્લાં પાંચ-છ વર્ષથી ફરી ગંભીરતાપૂર્વક રમવું શરૂ કર્યું છે. કર્ણાટકમાં મારું એમ.એ.નું ભણી રહ્યો હતો, ત્યારે મારી જેમ જ સાહિત્યના થોથા વાંચતા અને શતરંજ રમતા અમુક મિત્રો મળ્યા. તેમાંના એક મિત્રએ એક પુસ્તક વાંચવા આપ્યું—ઓસ્ટ્રિયાના લેખક સ્ટેફન ઝ્વેઈગ(Stefan Zweig)ની લઘુનવલ ‘ધ રોયલ ગેઈમ’. પુસ્તક એવું દિલધડક કે એક જ બેઠકે વાંચી ગયો.
બે સાવ ભિન્ન પ્રકૃતિના ખેલાડીઓની વાત. એક નાનપણથી જ ચેસ જીનિયસ. સાદા સ્પેલીંગ એને ન આવડે, પણ શતરંજ રમવા બેસે ત્યારે કોઈક રીતે ભલભલા ખેરખાંઓને ય હરાવી દે. શતરંજ સિવાય કશામાં ન રસ, ન આવડત. આગળ જતા એ વર્લ્ડ ચેમ્પિયન બને છે. એનો મુકાબલો થાય છે એક સાવ અલગ જ પ્રકૃતિના ખેલાડી સાથે, જેને આધેડ ઉમર સુધી શતરંજ સાથે કોઈ લેવા-દેવા જ નથી. પણ યહૂદી હોવાને કારણે હિટલરના ગેસ્તાપો (Gestapo- નાઝીઓની સ્પેશિયલ પોલીસ, જેનું મુખ્ય કામ યહૂદીઓને શોધી તેમનો ખાત્મો બોલાવવાનું રહેતું) તેને પકડી લે છે, અને કોઈ રૂમમાં બંધ કરીને રાખે છે. એ રૂમમાં કોઈ જ નથી, કશું જ નથી, બારી સુદ્ધા નહિ. આ માણસ ત્યાં એકલો છે, અને યોગાનુયોગ તેને ત્યાં એક નાની ચોપડી મળે છે જેમાં શતરંજની રમત સમજાવેલી હોય છે અને શતરંજના અમુક કોયડા ઉકેલવા આપેલા હોય છે. ક્યારે છુટાશે એની જાણ ન હોવાથી આ માણસ કોઈક રીતે સમય પસાર કરવા માટે મરણિયો થયો છે, અને તેને ખાવા માટે અપાતી બ્રેડના ટુકડા કરી તેનો શતરંજની કૂકરીઓ તરીકે ઉપયોગ કરે છે. એ રીતે એકલા એકલા રમત શીખે છે, એકલો એકલો જ જાત સાથે રમતો રહે છે. ખૂબ જ પારંગત થઈ જાય છે, અને વર્લ્ડ ચેમ્પિયનને ય ટક્કર આપે છે.
શતરંજના ખેલાડીઓની વિચિત્ર પ્રકૃતિ, વળી એ રમતનો પ્રતીકાત્મક ઉપયોગ, વિશ્વયુદ્ધનો માનસિક રીતે હલાવી દેતો સંદર્ભ, અને શીરા જેવું રસાળ ગદ્ય. પુસ્તક વાંચી હું ન્યાલ તો થયો જ, પણ સાથે અનાયાસ જ એક નવી મથામણ મનમાં ચાલી—શતરંજ સાથે એક યા બીજી રીતે પનારો પાડતું સાહિત્ય શોધવું અને વાંચવું. વળી અહીં કેનેડામાં પીએચ.ડી.ના ભાગરૂપે મારે સ્નાતક કક્ષાનો એક કોર્સ ડિઝાઈન કરવાનો આવ્યો. મેં વિષય પસંદ કર્યો—લિટરેચર એન્ડ ચેસ. એ રીતે ય મારે આ વિષયમાં ઊંડા ઉતરવાનું બન્યું.
ઊંડા ઉતરતા સમજાયું કે શતરંજનો સાહિત્યમાં અનેક રીતે ઉપયોગ થયો છે—ક્યાંક એ પ્રતીક તરીકે આવે છે, ક્યાંક વસ્તુના ભાગરૂપે, ક્યાંક કથાનકના માળખા રૂપે, તો ક્યાંક ખળભળતા સામાજિક-રાજકીય પ્રશ્નોને ઊભા કરતા ઉદ્દીપક રૂપે. ઘરઆંગણનો જ જાણીતો દાખલો છે પ્રેમચંદની ટૂંકી વાર્તા ‘શતરંજ કે ખેલાડી’, જેના પરથી સત્યજીત રાયે એ જ નામની ફિલ્મ પણ બનાવી. ઉમરાવ વર્ગના બે પુરુષો શતરંજની લતને કારણે અલગ અલગ મુશ્કેલીઓમાં ફસાય છે. રાજા, વજીર અને પ્યાદાઓની એમને લત છે પણ ખરેખરા રાજપાટ તો પૃષ્ઠભૂમાં અંગ્રેજો દ્વારા છીનવી લેવામાં આવ્યા છે એવો સામાજિક સંદર્ભ વાર્તા તેમ જ ફિલ્મ બંનેમાં હાજર છે જેનાથી કથામાં એક નવું પરિમાણ ઉમેરાય છે.
પશ્ચિમમાં પોતાની કૃતિઓમાં શતરંજનો ઉપયોગ કરનારા સાહિત્યકારોમાં બે મોટાં નામ છે સેમ્યુઅલ બેકેટ અને વ્લાદીમીર નાબોકોવ. બેકેટ આપણે ત્યાં જાણીતા છે, તેમની કૃતિઓના ઘણાં ગુજરાતી લેખકોએ અનુવાદ ય કર્યા છે, અને ‘વેઈટીંગ ફોર ગોદો’ એ તેમનું અમર નાટક ગણાય છે. બેકેટનું એવું જ એક બીજું જાણીતું નાટક છે, ‘એન્ડગેઈમ’, જેમાં શતરંજનો ઉપયોગ થયો છે. શીર્ષક પણ શતરંજના અંતિમ તબક્કા પરથી લેવામાં આવ્યું છે. બે પાત્રોની મૃત્યુ સાથેની શતરંજ—એવો દાર્શનિક અર્થ નાટકમાંથી પમાય છે. આવા જ કંઈક થીમ લઈને આર્જેન્ટિનાના લેખક હોર્હે લુઈ બોર્હેસે (Jorge Luis Borges) બે કાવ્યો લખ્યા છે. તેમાંના એક કાવ્યમાં બોર્હેસ લખે છે કે જેમ શતરંજની કૂકરીઓ કાળા-ધોળા ચોકઠાંની કેદી છે, એમ ખેલાડીઓ પણ રાત્રિ અને દિવસ જેવા કાળા-ધોળા ચોકઠાંના કેદી છે.
બોર્હેસે બે કાવ્યો જ લખ્યા, પણ રશિયાના મહાન લેખક અને તેમની ‘લોલિતા’ નવલકથાથી વિશ્વભરમાં જાણીતા થયેલા વ્લાદીમીર નાબોકોવે તો એક કાવ્ય-સંગ્રહ પ્રગટ કરેલો જેનું નામ છે ‘પોએમ્સ એન્ડ પ્રોબ્લેમ્સ’. સંગ્રહમાં કવિતાઓ તો છે જ, પણ સાથે જ શતરંજના કોયડાં પણ આપેલા છે જે વાચકે ઉકેલવાના છે. જ્યારે કોઈએ તેમને આ કરવા પાછળનું કારણ પૂછ્યું ત્યારે નાબોકોવે સમજાવ્યું – “કવિતા અને શતરંજ બંને માટે એક જ પ્રકારના કસબની જરૂર પડતી હોય છે—મૌલિકતા, સંવાદિતા, સંક્ષિપ્તતા, સંકુલતા”, પછી રમૂજ કરતા નાબોકોવે ઉમેર્યું, “અને ઘોર અપ્રામાણિકતા!”.
નાબોકોવે શતરંજને ધ્યાનમાં રાખીને ‘ધ ડિફેન્સ’ નામની એક નવલકથા ય લખેલી, જેમાં એક ચેસ જીનિયસ રમતની લતને કારણે ગાંડપણમાં ધકેલાઈ જાય છે એની વાત છે. શતરંજની રમતને કારણે ગાંડો થઈ જતો નાયક વૈયક્તિક કીર્તિ અને બજારવાદનો મહિમા કરતી પશ્ચિમની સંસ્કૃતિને મૂર્ત કરે છે. ત્યારે સામા છેડે ચાઈનીઝ લેખક આહ ચેંગની નવલકથા ‘ધ ચેસ માસ્ટર્સ’માં પૂર્વની દાર્શનિક ભૂમિકા જોવા મળે છે, જેમાં રમતને વૈયક્તિક હાર-જીતના માધ્યમ તરીકે નહિ, પણ સાથે મળીને બે ખેલાડીઓ દ્વારા રચાતી એક કળાકૃતિ તરીકે જોવામાં આવે છે. આમ શતરંજ તરફના અભિગમ થકી બે અલગ નવલકથાઓ પૂર્વ-પશ્ચિમની અલગ સંસ્કૃતિઓ ઉજાગર કરી આપે છે.
શતરંજની લત દારૂ-સિગારેટની લત જેવી જ છે, જલદી છૂટે નહિ. મહાન ફ્રેંચ ચિત્રકાર અને શિલ્પકાર માર્શેલ દુશેમ્પ(Marcel Duchamp)ને પણ આવી જ લત લાગેલી. નાનપણથી જ ચિત્રકળા અને શતરંજ બંનેમાં એક સરખો રસ. તેમનાં શરૂઆતનાં ચિત્રો તો તેમણે શતરંજ રમતા ખેલાડીઓના જ બનાવ્યાં છે. દુશેમ્પના જીવનમાં એક સમય એવો આવેલો જ્યારે તેમને શતરંજનો રીતસરનો નશો લાગેલો. એક મિત્રને લખેલ પત્રમાં દુશેમ્પ કહે છે, “મારું મન શતરંજમાં ઓળઘોળ થયેલું છે. હું રાત-દિવસ બસ રમ્યા જ કરું છું, અને આગળની ચાલ વિશે વિચાર્યા કરું છું. ચિત્રકળામાં મારો રસ રોજ સૂકાતો જાય છે.” દુશેમ્પનું એક શતરંજ અને કળા વિશેનું વિધાન ખૂબ જાણીતું છે – “દરેક કલાકાર શતરંજનો ખેલાડી નથી હોતો, પણ શતરંજનો દરેક ખેલાડી કલાકાર હોય છે.”
આ સંદર્ભમાં મને અમેરિકાના ભૂતપૂર્વ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બોબી ફિશરનું એક વિધાન યાદ આવે છે. ફિશર કહે છે કે જ્યારે તમે રમત રમી રહ્યા હો ત્યારે તમારી સામે અનેક વિકલ્પો હોય છે—ઘોડો ચાલવો કે હાથી, પ્યાદું એક ડગલું આગળ વધારવું કે બે, કયા ક્રમમાં ચાલ ચાલવી, વગેરે. પણ ધ્યાનથી જોશો તો આ અનેક વિકલ્પોમાંથી માત્ર એક વિકલ્પ જ સૌથી શ્રેષ્ઠ હોય છે જે તમારી સ્થિતિ સુધારે છે. ચેલેન્જ છે કે અનેક વિકલ્પોમાંથી એ એક શ્રેષ્ઠ વિકલ્પ શોધી કાઢવો—ફાઈન્ડીંગ ધ બેસ્ટ મૂવ.
કોઈ પણ કલાકાર—લેખક, સંગીતકાર, ચિત્રકાર, ફિલ્મમેકર — પાસે પણ અનેક વિકલ્પો હોય છે. દાખલા તરીકે, કોઈ વાર્તાકાર હોય તો વાર્તા પ્રથમ વ્યક્તિ એકવચનમાં લખવી કે ત્રીજી વ્યક્તિ એકવચનમાં, કયો કાળ પસંદ કરવો, પાત્રોનું વર્ણન કેટલું કરવું, સંવાદ કેટલા કરવા, કથકની ભાષા કેવી રાખવી વગેરે વિકલ્પો હોવાના. આટઆટલા વિકલ્પો છે, અને છતાં દરેક વાર્તા કહેવાની કોઈ એક રીત બીજી બધી રીતો કરતાં ચઢિયાતી હોવાની જ. પણ એ રીત શોધવી કેવી રીતે? વિકલ્પોના ઢગલામાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ? શતરંજના ખેલાડીની જેમ કલાકારની પણ એ જ મૂંઝવણ છે—ફાઈન્ડીંગ ધ બેસ્ટ મૂવ.
સૌજન્ય : અભિમન્યુભાઈ આચાર્યની ફેઇસબૂક દીવાલેથી સાદર