આજે 14 ડિસેમ્બર, 2024. ફિલ્મ સર્જક રાજ કપૂરને આજે સો વર્ષ થયાં. આખો દેશ આ અવસરને ઊજવવાનો છે. કપૂર ખાનદાનના સભ્યોએ પણ ‘આગ’, ‘બરસાત’, ‘આવારા’, ‘શ્રી 420’, ‘જાગતે રહો’, ‘જિસ દેશમેં ગંગા બહેતી હૈ’, ‘સંગમ’, ‘મેરા નામ જોકર’, ‘બોબી’, ‘રામ તેરી ગંગા મૈલી’ દર્શાવવાની વાત કરી છે. આ શતાબ્દી પર્વને યાદગાર બનાવવા કપૂર પરિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું ને તેમણે ‘રાજ કપૂર 100 ફિલ્મ ફેસ્ટિવલ’માં ઉપસ્થિત રહેવાની સંમતિ પણ આપી છે. આ ઉજવણીમાંથી સુરત પણ બાકાત નથી. ‘વિન્ટેજ વેટરન્સ’ના રોહિત મારફતીઆએ ‘રાજ કપૂર જન્મ શતાબ્દી મહોત્સવ’ નામક વૉટ્સએપ ગ્રૂપ બનાવ્યું છે. આ ગ્રૂપને દર મહિનાના ત્રીજા શનિવારે કાપડિયા હેલ્થ ક્લબમાં રાજ કપૂરની ફિલ્મો બતાવવાનું ઠરાવાયું છે. એના પ્રથમ મણકા તરીકે આજે રાજ કપૂર અભિનિત, નિર્મિત, દિગ્દર્શિત ‘આવારા’ (1951) સાંજે સાડા ચારે બતાવાશે. એ પ્રસંગે પદ્મશ્રી યઝદી કરંજિયા અને આશિત મહેતા ‘આવારા’ અને રાજ કપૂરની વાતો કરશે.
‘આવારા’માં રાજ કપૂર, નરગીસ, પૃથ્વીરાજ કપૂર, કે.એન. સિંઘ જેવા કલાકારોએ અભિનય કર્યો છે. ફિલ્મમાં ગીતો હસરત જયપુરી અને શૈલેન્દ્રનાં છે ને સંગીત છે શંકર જયકિશનનું. ‘આવારા હૂં (મુકેશ)’, ‘તેરે બિના આગ યે ચાંદની (લતા, મન્નાડે, સાથી), ‘ઘર આયા મેરા પરદેસી (લતા, સાથી), ‘હમ તુઝસે મુહબ્બત કર કે સનમ (મુકેશ) જેવાં ગીતો આજે પણ લોક જીભે છે. ’આવારા’ એ ફિલ્મ છે જે ભૌગોલિક ભારતીય સીમાડાઓ વળોટીને રશિયા, તુર્ક સુધી પહોંચી હતી. ફિલ્મમાં સ્વપ્ન દૃશ્યનું વાર્તા સાથે અદ્દભુત અનુસંધાન ‘તેરે બિના’ અને ‘ઘર આયા’ ગીતોથી સધાયું છે. હિન્દી ફિલ્મમાં આવું સ્વપ્ન દૃશ્ય કદાચ પહેલીવાર આટલી અસરકારક રીતે આવ્યું છે. આખા ય સ્વપ્ન દૃશ્યમાં સંગીત દ્વારા જે ભાવ વૈવિધ્ય પ્રગટાવાયું છે તે અદ્દભુતથી ય વધારે અદ્દભુત છે.
‘આવારા’ અને ‘ધરમ કરમ’ની સ્ટોરી પણ સરખાવવા જેવી છે. ‘આવારા’માં ઉછેર, સંસ્કારોની ઉપરવટ જાય એ મુખ્ય ધ્વનિ છે તો ‘ધરમ કરમ’માં સંસ્કાર, ઉછેરના મહોતાજ નથી એ વાત પર ભાર મુકાયો છે. ‘જિસ દેસ મેં ગંગા બહેતી હૈ ..’માં ડાકુનું હૃદય પરિવર્તન કેન્દ્રમાં છે, તો ‘રામ તેરી ગંગા મૈલી’માં જળ પ્રદૂષણનો મુદ્દો છે. ‘પ્રેમરોગ’માં વિધવા વિવાહની વાત હતી, તો ‘બોબી’ અને ‘બરસાત’માં મુગ્ધ પ્રણયને વાચા મળી હતી. ‘બરસાત’માં પ્રતીક્ષા કેન્દ્રમાં છે, તો ‘બોબી’માં પ્રણયની વચ્ચે આવતો અમીરી-ગરીબીનો સંઘર્ષ કેન્દ્રમાં છે. ફિલ્મી વિલન પ્રાણની ભૂમિકા ‘ઉપકાર’માં બદલાઈ એવું કહેવાય છે, પણ એની શરૂઆત ‘આહ’માં થયેલી. એમાં તે વિલન નથી, મિત્ર છે.
‘આહ’ અને ‘દેવદાસ’માં નાયકો જીવલેણ બીમારીથી પીડાય છે ને અંત વેળાએ બંને નાયિકાને મળવા ટ્રેનમાં ને ટાંગામાં નીકળે છે. એક દૃશ્યમાં રાજ ખૂબ ખાંસે છે ને ગીત ઉપાડે છે, ‘આજા રે, અબ મેરા દિલ પુકારા ..’ (મુકેશ) એકાએક ખાંસી આવે છે ને ગીત અટકે છે ને થોડી સ્વસ્થતા ધારણ થતાં ફરી ઉપાડાય છે. ‘આહ’ 1953માં અને ‘દેવદાસ’ 1955માં આવેલી. ‘આહ’ અને ‘દેવદાસ’નાં અંતિમ દૃશ્યોમાં ગજબનું સામ્ય છે. આમ તો બંને ફિલ્મના દિગ્દર્શકો એટલા સમર્થ છે કે આ સામ્યને અકસ્માત ગણવું પડે. પાછળથી ‘આહ’નો અંત બદલાયેલો ને રાજને સ્વસ્થ બતાવાયેલો તે કઠેલું.
કુરૂપ ચહેરાની વાત હીરો સંદર્ભે ‘આગ’માં ને હિરોઈન સંદર્ભે ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’માં આવી. રાજ કપૂરને ભલા, ભોળા નાયકની ભૂમિકા માફક આવી ને તેવી ભૂમિકાઓ ‘અનાડી’, ‘છલિયા’, ‘જિસ દેસ મેં ..’, ‘દુલ્હા દુલ્હન’, ‘તીસરી કસમ’, ‘મેરા નામ જોકર’ જેવી ફિલ્મોમાં ભજવી પણ ખરી. રાજ કપૂર પર ચાર્લી ચેપ્લિનનો પ્રભાવ હતો, પણ તેમાંથી મુક્ત થવાનું પણ બન્યું. રાજના ચરિત્રને અનુરૂપ એક ગીત અચૂક આમેજ કરાતું. જેમ કે, ‘આવારા હૂં’, ‘સચ હૈ દુનિયાવાલોં ..’, ‘દીવાના મુઝ કો લોગ કહે …’, ‘મેરા નામ રાજુ ..’, ‘કહેતા હૈ જોકર ..’ વગેરે. ભૂમિકાઓ કોઈ પણ હોય, પણ રાજ કપૂરનો કરુણા જન્માવતો ચહેરો દર્શકોને આકર્ષતો રહ્યો છે. ‘શ્રી 420’નાં ગીત, ‘પ્યાર હુઆ, ઇકરાર હુઆ …’માં એક પંક્તિ છે, ‘મૈં ન રહૂંગી, તુમ ન રહોગે, ફિર ભી રહેંગી નિશાનિયાં ..’
એવી ઘણી નિશાનીઓ રાજ કપૂરની રહી ગઈ છે જેને સમય પણ ભૂંસી શકે એમ નથી. પૃથ્વી’રાજ કપૂર’ના મોટા દીકરા(સૃષ્ટિનાથ કપૂર-મૂળ નામ)એ ‘પૃથ્વી’ છોડીને પાછલું નામ ‘રાજ કપૂર’ અપનાવ્યું ને ફિલ્મી સૃષ્ટિ વસાવી. પિતાની નાટ્ય અને ફિલ્મ કારકિર્દીની ’પૃથ્વી’ તેણે ફિલ્મી બ્રહ્માંડમાં એવી તો ફરતી રાખી કે તે આજે ય ફરતી રહી છે. જેમ મા અને ભગવાનને માનાર્થે બોલાવીએ તો એ કૃત્રિમ લાગે એમ રાજને પણ ‘આપ’ કહીએ તો નકલી લાગે. એ ગ્રેટેસ્ટ શો મેન હતો, પણ તે પહેલાં તો એ માણસ હતો. એના ફિલ્મી હિરોઈનો નરગીસ અને વૈજયંતી માલા સાથેના સંબંધો ચર્ચામાં રહ્યા છે. આમ પણ ફિલ્મી જગતમાં એની નવાઈ નથી, પણ ભાગ્યે જ કોઈ સંવેદનશીલ માણસ એમાં પીડાથી વધારે કૈં પામે છે.
નરગીસને એ ચાહતો હતો ને નરગીસનું પણ એવું જ હતું. રાજની મુશ્કેલી એ હતી કે તે પત્ની કૃષ્ણા અને પરિવારને છોડી શકે એમ ન હતો ને ચાહતનો તો કોઈ પાર ન હતો. આ કશ્મકશ વ્યક્તિને રૂંવે રૂંવેથી તોડતી હોય છે. નરગીસ ચાહતી હતી, પણ લગ્ન વગર રહેવા તૈયાર ન હતી. ત્યાં ‘મધર ઇન્ડિયા’માં શૂટિંગ દરમિયાન આગની ઘટના બની ને સુનિલ દત્તે નરગીસને બચાવી. અહીંથી નરગીસની જિંદગીનો નવો અધ્યાય શરૂ થયો ને ‘આગ’થી શરૂ થયેલા પ્રણય પર રાખ ફરી વળી. રાજ કપૂરને માટે નરગીસની વિદાય ‘આગ’, ‘આહ’નો સરવાળો બની રહી. રાજ કપૂરના જ દીકરા ઋષિ કપૂરે કહ્યું છે કે તેની માતા સંતાનો સાથે ઘર છોડી ગયેલી ને નરગીસ પ્રકરણ પૂરું ન થાય ત્યાં સુધી પરત ન આવવાનું ઠરાવેલું. સમજી શકાય એવું છે કે એ દિવસોમાં રાજને શું વીત્યું હશે.
નરગીસ છૂટી, પણ ફિલ્મો ન છૂટી. શો મસ્ટ ગો ઓન-માં માનતા રાજ કપૂરે ફિલ્મોમાં જાત ડુબાડી દીધી. ક્લેપર બોયથી શરૂ થયેલો રાજ 11 વર્ષની ઉંમરે ‘ઇન્કિલાબ’માં કામ કરે છે ને ‘નીલકમલ’માં મધુબાલા સામે પહેલી વાર નાયકની ભૂમિકામાં આવે છે. ચોવીસેકની વયે ‘આગ’ને રાજ કપૂરે ડિરેક્ટ કરી, પણ નિર્દેશિત ફિલ્મોમાં પહેલી ફિલ્મ સફળ થઈ તે ’બરસાત’. રાજે તેમાં નાયકની ભૂમિકા કરી અને નરગીસ સાથેની તેની કેમિસ્ટ્રી એવી જામી કે વાયોલિન સાથેનો તેનો પોઝ આર.કે.નો લોગો બન્યો. રાજની નિર્દેશિત ફિલ્મોમાં ‘મેરા નામ જોકર’ ભારે નિષ્ફળતાને વરી. ફિલ્મમાં બે ઇન્ટરવલ પણ હોય એ પ્રયોગ રાજ કપૂરે કરી જોયો, પણ દર્શકોને એ ફિલ્મ માફક ન આવી. તેનો પહેલો ખંડ તો કચકડાની નાજુક કવિતા છે. એનાં દૃશ્યો એટલાં સંવેદનશીલ છે કે કિશોરવયનાં પ્રણયને એ અગાઉ હિન્દી સિનેમામાં આટલી સલુકાઈથી મુકાયો નથી. જોકરની ભૂમિકા ભજવતા રાજને માતાનાં મૃત્યુની જાણ શો દરમિયાન જ થાય છે ને એણે કામ તો હસાવવાનું કરવાનું છે. એ વખતે મા માટેનો ચિત્કાર એવી રીતે ઊઠે છે કે સર્કસના પ્રેક્ષકો હસે ને થિયેટરના પ્રેક્ષકો રડે. જિંદગીની લાચારીને ફિલસૂફીથી મઢીને ‘જોકર’નાં ગીતોમાં રજૂ કરાઈ છે. ‘જીના યહાં, મરના યહાં’, ‘જાને કહાં ગયે વો દિન’ જેવાં ગીતો આજે પણ લોકપ્રિય છે. ફિલ્મ હિટ થાય તો એવી ચાલી નીકળે કે તેના સર્જકથી દૂર થતી જાય, પણ જે ફિલ્મમાં જીવ રેડાયો હોય તે ન ચાલે તો તે સર્જકનાં હૈયામાં ઊંડે ઊતરતી જાય.
રાજકપૂરની સંગીતની સૂઝ કોઈ નીવડેલા સંગીતકારથી ઓછી ન હતી. ‘આ અબ લૌટ ચલે’માં લતાનો હૃદય સારી નાખતો આલાપ છે તે ભાગ્યે જ કોઈ સંગીત પ્રેમી ભૂલ્યો હશે. એ જ રીતે ‘સંગમ’માં ‘એ મેરે સનમ ..’માં શરૂઆતનો જે આલાપ છે તે રૂંધાતી નાયિકાની ચામડી ફોડીને ઉપર ઊઠતો હોય એવો મર્મભેદી છે.
‘બરસાત’માં નિર્દેશનનો એક નમૂનો જોઈએ. રાજ કપૂર વિરહી અવસ્થાથી પીડાતો પ્રતીક્ષારત પ્રેમી છે ને પ્રેમનાથ પ્રેમ ખરીદી શકાય તેવું માનતો મિત્ર છે, પણ રાજની દશા તેનાથી જોવાતી નથી, એટલે તેને કારમાં લઈને નીકળી પડે છે. રસ્તામાં કોઇકના લગ્નની શરણાઈઓ વાગે છે તો પ્રેમનાથ રાજને કારમાંથી બહાર આવવાનો આગ્રહ કરે છે, પણ શરણાઈ પ્રેમિકાની યાદ અપાવે છે એટલે તે ના પાડે છે. કાર આગળ નીકળે છે. તે ઊતર્યો હોત તો ખબર પડી હોત કે જેની શોધમાં તે ભટકી રહ્યો છે એ જ પ્રેમિકાનાં લગ્નની શરણાઈ વાગી રહી છે. એવું જ એક દૃશ્ય ‘બૂટપૉલિશ’નું છે. સ્વમાની ભાઈ બહેનને ભીખનો પૈસો લેવા બદલ મારે છે ને પરિસ્થિતિ એવી બદલાય છે કે ભીખ માંગતા ભાઈના લંબાવાયેલા હાથોમાં બહેન પૈસો મૂકે છે. રાજ કપૂર નિર્મિત ને અભિનિત ‘જાગતે રહો’ રાતની કથા કહેતી નોંધપાત્ર ફિલ્મ છે. તરસને કારણે પાણી શોધતો ગામડિયો (રાજ કપૂર) ચોર ગણાઈ જાય છે ને તે સોસાયટીના ઓરડાઓમાં સંતાતો ફરે છે. એમાં રહેવાસીઓની પોલ ખૂલતી જાય છે. ગામડિયો જીવ બચાવવા પાઇપ પર ચડે છે, ત્યારે કોઈ પથરો મારે છે ને લોહી નીકળે છે, તે સાથે જ બારીમાંથી વધસ્તંભે ચડેલા ઇસુની પ્રતિમા ક્લોઝઅપમાં આવે છે. ગામડિયાની સ્થિતિ પણ વધસ્તંભે ચડાવેલા ઇશુ જેવી જ છેને !
14 ડિસેમ્બર, 1924માં પેશાવરમાં જન્મેલો રણબીર કપૂર, રાજ કપૂરને નામે 9 ફિલ્મફેર એવોર્ડ્સ અંકે કરે છે, તો 1971માં પદ્મભૂષણ મેળવે છે. વિદેશમાં ‘આવારા’ અને ‘બૂટ પૉલિશ’ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પામ ડી’ઓર માટે નોમિનેટ થઈ હતી. સ્ટારડસ્ટ એવોર્ડ્સ દ્વારા 2001માં ‘બેસ્ટ ડિરેક્ટર ઓફ મિલેનિયમ’નું સન્માન મળે છે ને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 1988માં તે વખતના રાષ્ટ્રપતિને હસ્તે મળે છે, ત્યારે રાજ કપૂરની અસ્થમાને કારણે એવી સ્થિતિ નથી કે મંચ સુધી પહોંચે. એ પછી દિલ્હીમાં જ 2 જૂન, 1988ને રોજ રાજ કપૂર ‘હમ તો જાતે અપને ગાંવ સબ કો રામ રામ ..’ કહેતો વિદાય લે છે. એ વાતને પણ વર્ષો વીત્યાં. આજે પણ રાજ કપૂર ગઈ કાલનો તો ઠીક, આવતી કાલનો શો મેન લાગે છે. ખૂટે છે તે એટલું જ કે એ દિવસો જોઈ શકાય છે, પણ ત્યાં જઈ શકાતું નથી, નહીં તો એવો સવાલ શું કામ થાય, ‘જાને કહાં ગયે વો દિન …’
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 ડિસેમ્બર 2024