Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9335322
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રાધ્યાપક ભીખુ પારેખ, બહુસાંસ્કૃતિવાદની પરખ તેમ જ આપણા રોજિંદા પરિસરમાં તેની આગવી પ્રસ્તુતા

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|18 February 2025

ભીખુ પારેખ

ગઈ સદીના સાતમા દાયકાના ઉત્તરાર્ધ વેળા, વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના રાહબરો ગુજરાતી સાહિત્ય પરિષદની પેઠે, ભાષા-સાહિત્ય બાબત પરિષદ બેસાડવાનું વિચારતી હતી. પહેલો અવસર હતો. અમારી અકાદમી હજુ બાખોડિયા ભરતી હતી. તેની રચનાને માંડ બેઅઢી વરસનો ગાળો થયો હશે. અને અમે આ સાહસ લઈને બેઠા હતા ! વિષયની પસંદગી થઈ. વક્તાઓની ગોઠવણ થવા લાગી. એ દિવસોમાં, રંગભેદને કારણે, જાતિવાદને મુદ્દે પ્રાધ્યાપક ભીખુ પારેખનું નામ વિલાયતમાં ગાજતું હતું. છેલ્લા દિવસની બેઠકમાં, આથીસ્તો, એમને વક્તા તરીકે આમંત્રણ આપવાનું વિચારતા હતા. સાથીદાર કાન્તિ નાગડાએ એમનો સંપર્ક કરવાનું માથે લીધું.  

 24-26 ઑગસ્ટ 1979ના દિવસોમાં વેમ્બલીમાં પહેલી ‘ભાષા-સાહિત્ય પરિષદ’ બેઠી. 26 ઑગસ્ટના રોજ છેલ્લી બેઠક હતી. ‘બ્રિટનમાં આપણા સમાજની સાંસ્કૃતિક, સામાજિક તથા સાહિત્યિક સંવાદિતા’ નામક ચર્ચાનો મુખ્ય વિષય હતો. હલ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગના તત્કાલીન પ્રાધ્યાપક ડૉ. ભીખુભાઈ પારેખ અધ્યક્ષસ્થાને હતા. ભીખુભાઈએ બેઠકના અધ્યક્ષ રૂપે, વિષયની છણાવટ કરતાં કરતાં પ્રેરણાત્મક વ્યાખ્યાન આપ્યું અને ગુજરાતી સંસ્કૃતિ, ભાષા અને સાહિત્યના વિકાસમાં બ્રિટનની સરકારી તથા બિનસરકારી સંસ્થાઓનો આપણે ધ્યાનપૂર્વક લાભ લઈએ તે વિષય ઉપર ઉદાહરણો સાથે સરળ ભાષામાં સુંદર વિવેચન કર્યું હતું.

અરસપરસ આ અમારો પહેલવહેલો સંપર્ક. સરસ મજાનું ગુજરાતી બોલતા ભીખુભાઈ આ દેશે આશરે બે દાયકા બાદ જાહેરમાં ગુજરાતીમાં બોલતા હતા. અને આમ અમારો સંપર્કસેતુ બંધાયો. તે પછી અવારનવાર હળવામળવાનું બનતું રહ્યું. 

સન 1994ની 27-29 ઑગસ્ટ તારીખોમાં, ‘ભાનુશંકર ઓધવજી વ્યાસ નગર’માં, વેમ્બલી ખાતે, અકાદમીની પાંચમી ભાષા-સાહિત્ય પરિષદ મળે તેમ વિચારણા થઈ. આ પરિષદના અધ્યક્ષસ્થાને વિશ્વવિખ્યાત વિચારક, લેખક અને ગરવા ગુજરાતી ડૉ. ભીખુ પારેખ વરાયા હતા.

‘ગુજરાતને ધ્યાનમાં રાખીને આજે લખાય છે એ સંસ્થાનવાદી મનોવૃત્તિ છે. ગુજરાતમાં કદર થાય એની ઝંખના સાથે લખવું એ મનોદશા બરાબર નથી. આપણે સરસ સર્જન કર્યું હશે તો ગુજરાતે એની નોંધ લીધા વગર છૂટકો જ નથી, એવો આત્મવિશ્વાસનો રણકો, ડૉ. ભીખુ પારેખે … અહીં વ્યક્ત કર્યો હતો.’

‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના અનિયતકાલીન “અસ્મિતા”ના સન 1996માં પ્રગટ થયેલા આઠમા અંકમાં, આ ‘ … પાંચમી ભાષા-સાહિત્ય પરિષદ : એક અવલોકન’ નામક હેવાલ પ્રસિદ્ધ થયો છે, તેમાંથી આ અવતરણ ઉદ્ધૃત લીધું છે.

આ હેવાલ અનુસાર, ભીખુભાઈ કહેતા હતા, જે દેશ પાસે સાહિત્ય નથી એની પાસે કોઈ યાદશક્તિ નથી. અને યાદશક્તિ વગર ભૂતકાળ નથી. ભૂતકાળના અનુભવ વગર વર્તમાન અને ભવિષ્યની યોજના કેવી રીતે કરી શકાય ? એવો સવાલ પેશ કરીને આ વિચારશીલ શિક્ષણશાસ્ત્રીએ પરદેશે વસેલી ગુજરાતી વસાહતે પોતાનું સાહિત્ય રચ્યું નથી, એનો રંજ વ્યક્ત કર્યો હતો. આપણા અનુભવો, આપણી વેદનાઓ, આપણાં સ્વપ્નાંઓ, આપણી રોજ-બ-રોજની સમસ્યાઓને વાચા આપતું સર્જન કરવા સાહિત્યકારોને એમણે અનુરોધ કર્યો હતો. આવા સાહિત્યમાં નવા શબ્દો, નવા સંવેદનો, નવી ભાષાનું જોમ આવવાં જોઈએ. આવી યાદશક્તિથી જ આપણી એકતા બની શકશે, એવો સૂર એમણે વ્યક્ત કર્યો હતો. 

આ પરિષદમાં બ્રિટન માંહેનાં અદમ ટંકારવી, ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, ડાહ્યાભાઈ પટેલ, ટી.પી સૂચક, ઘનશ્યામભાઈ ન. પટેલ, બળવંત નાયક, વલ્લભ નાંઢા, સમેતનાં બહુધા સઘળાં લખેકો, કવિઓ ઉપરાંત અમેરિકાનાં પન્ના નાયક, મધુ રાય, ભરત શાહ, ઉષા શાહ, વીરેન્દ્ર અઢિયા, ચંદ્રકાન્ત શાહ, ઈશાની શાહ, પ્રવીણ ન. ભટ્ટ, ઇન્દુબહેન ભટ્ટ, જર્મનીનાં સુજાતા ભટ્ટ, ફ્રાન્સનાં ફ્રાન્સવાઁ માલીઝાઁ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના દયાશંકર જોશી વગેરેનો ય સમાવેશ થતો હતો. જ્યારે સ્થાનિક નેહરુ કેન્દ્રના તત્કાલીન નિયામક અને લેખક ગોપાળકૃષ્ણ ગાંધી પરિષદના અતિથિ વિશેષ હતા. એશિયાઈ ભાષાનાં તજ્જ્ઞ અને શિક્ષણશાસ્ત્રી રંજના ઍશ અતિથિ વક્તા હતાં. 

આ પરિષદના આખરી દિવસે, અધ્યક્ષીય પૃથક્કરણ કરતાં કરતાં ભીખુભાઈએ જણાવ્યું હતું કે ‘દુનિયામાં બધું મળીને 11 જેટલાં ડાયસ્પોરાઓ છે અને એમાં ગુજરાતીઓનું સ્થાન છે. ગુજરાતી ડાયસ્પોરાની રાજધાની લંડન લેખવામાં આવે છે, એની નોંધ લઈને ડાયસ્પોરિક સાહિત્ય આપવા પર ડૉ. પારેખે ભાર મૂક્યો હતો. 

‘આ દેશમાં આવો ભૂતકાળ બચાવવાના કામમાં ગુજરાતી સાહિત્ય અકાદમીએ સક્રિય યોગદાન આપવું જોઈએ. અકાદમી સામેની આ માત્ર નૈતિક જવાબદારી નથી, એ રાજકીય જવાબદારી પણ બની જાય છે. આ કામ બીજું કોઈ કરી શકે એમ નથી, એમ જણાવી, અકાદમીના કામને નિષ્ઠાપૂર્વક ટેકો આપવા એમણે દરેકને અપીલ કરી હતી.

ગુજરાતી અખબારોને આ કામમાં કઈ રીતે જોડી શકાય એ વિચારવા અને ઉભયપક્ષના સક્રિય સહકારથી લોકશિક્ષણનું કામ કરવા દરેકને ડૉ. ભીખુ પારેખે વિનંતી કરી હતી. અત્યારથી સક્રિયપણે સજાગ બનીને આ કામ સહિયારી રીતે નહીં થાય તો સને 2010 કે 2020 સુધીમાં ગુજરાતી ભાષાનો અહીં મૃત્યુઘંટ વાગી જશે, એવી ચિંતા એમણે વ્યક્ત કરી હતી. 

આપણાં સંતાનો સંસ્કારી બને એમ દરેક માતાપિતા ઇચ્છે છે. આવા સંસ્કાર સંસ્કૃતિમાંથી જ મળે છે. અને સંસ્કૃતિનો પાયો સાહિત્ય છે, જ્યારે સાહિત્યનું મૂળ ભાષા છે, એવું પ્રતિપાદિત કરીને માતાપિતાને અને સમગ્ર સમાજમાં લોક-ઝુંબેશ કરવાનું આહ્વાન એમણે કર્યું હતું.

આ ડાયસ્પોરિક સાહિત્ય સંજ્ઞા, ભલા, ક્યાંથી આવી ? અંગ્રેજી રજૂઆત વાટે ભીખુભાઈએ આપણે ત્યાં પહેલ કરી છે, અને ગુજરાતી વાટે પ્રાધ્યાપક ચંદ્રકાન્ત બક્ષીએ. બક્ષીએ તો એમ કહેલું કે ભીખુભાઈ પહેલાં આ સંજ્ઞાને એ ગુજરાતી માહોલની ચર્ચાવિચારણામાં લાવેલા. એ સાચા પણ હોય. ખેર !

ડાયસ્પોરિક સાહિત્ય, ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય અંગે ભીખુભાઈના વિચારો, એમનું ચિંતન ઊંડું છે અને તેની પાયાગત સુદૃઢ રજૂઆત આ પહેલા આપી છે. જ્યારે બક્ષીનું લખાણ હાથવગું ન હોઈ તેને સરખામણી સારુ અહીં લઈ ન શકવાનો રંજ છે.

વારુ, ભીખુ પારેખની એ ભાષા-સાહિત્ય પરિષદમાં સન 1994ની રજૂઆતની પૂંઠે, એક પા, ગુજરાતી સાહિત્ય અકાદમીએ, અને બીજી પા, “ઓપિનિયન” સામયિકે આ ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યની બાબતને પોતાના પાયાગત મુદ્દામાં સક્રિયપણે વણી લીધી છે, તેમ જ તેના મશાલચી બનીને સતત કાર્યપ્રવૃત્ત રહેવાનું રાખ્યું છે. 

‘ગુજરાત રાજ્ય બિન-નિવાસી પ્રતિષ્ઠાન’ માટે ગુજરાતી ડાયસ્પોરાની કેટલીક ચૂંટેલી વાર્તાઓ અને કવિતાઓનું એક સંપાદનકામ મિત્ર દીપક બારડોલીકર જોડે કરવાની તક સાંપડેલી. એ સંપાદનમાં આ ગુજરાતી ડાયસ્પોરાની પ્રમાણમાં સારી વ્યાખ્યા બાંધવામાં આવી છે. આ સમૂળું લખાણ, અલબત્ત, દીપક સાહેબનું જ વળી : 

‘ગુજરાતી ડાયસ્પોરા, યાને ગુજરાત બહારના ગુજરાતી સમાજો, આજે આફ્રિકાથી લઈને અમેરિકા સુધીના અનેક નાનામોટા દેશોમાં અસ્તિત્વ ધરાવે છે. આ સમાજો તે ગુજરાતી પ્રજાના છે, જે ક્યાં તો અર્થોપાર્જન ખાતર યા માફકસરની નહીં એવી રાજકીય પરિસ્થિતિ તથા વિપરીત સંજોગોને કારણે દેશવટો કરી ગયા હતા યા ઉખેડાઈને બીજા અને ત્યાંથી ત્રીજા દેશોમાં ફેંકાઈ ગયા હતા. આજે એમની મોટી વસ્તી બ્રિટન, અમેરિકા, પાકિસ્તાન, ઑસ્ટેૃલિયા તથા આફ્રિકી દેશોમાં આવેલી છે.  

‘આમ તો છે એ ગુજરાતી ડાયસ્પોરા, પરંતુ તેમનું કોઈ એક ચોક્કસ રૂપસ્વરૂપ નથી. દેશે દેશે તથા ધર્મભેદે તેમની ભાત કંઈક નોખીનોખી જોવા મળે છે. આ સમાજોને એક તરફ પોતાની મૂળ ઓળખ જાળવી રાખવા યા એમ કહો કે તેને રક્ષવા માટે ભારે મથામણ કરવી પડી રહી હોવાનું જોઈ શકાય છે, તો બીજી તરફ તેમને સ્થાનિક પ્રવાહો સાથે પણ કદમ મિલાવવા આવશ્યક હોય છે. આ સમાજોને ખાસ કરીને પશ્ચિમના દેશોમાં રંગભેદ, સેક્સ, શરાબ, લૂંટ તથા અન્ય સામાજિક બદીઓના નિરંકુશ થપેડાઓનો પણ સામનો કરવો પડતો હોય છે, જે અનેક પ્રશ્નો ઊભા કરી જાય છે. આવી વિષમતા વચ્ચે પોતાની મૂળ ઓળખ યાને ગુજરાતીતા જાળવવા-રક્ષવાનું સહેલું હોઈ શકે નહીં. આમ માહોલ, પરિસ્થિતિ અને સંજોગોના કઠોર પ્રવાહોની પ્રબળ અસરો હેઠળ તેમના વિભિન્ન ઘાટો ઘડાતા જઈ રહ્યા છે. ગઈ કાલે જે રંગ હતો તે કદાચ આજે ન પણ મળે. રીતભાત, ખાનપાન, ભાષા વગેરેમાં પણ ફેરફારો દૃશ્યમાન થઈ રહ્યા છે.

‘વિદેશોમાં આપણા સાહિત્યકારો જે-તે દેશોમાંના ગુજરાતી ડાયસ્પોરાના જ સભ્યો છે. પોતાના સમાજ, માહોલ, પરિસ્થિતિ અને સંઘર્ષની નીપજ સમાં અવનવાં અનુભવો, અસરો તેમને આગવી રીતે વિચારતા અને લખતા કરે એ સ્વાભાવિક છે. આજે અમેરિકા, બ્રિટન વગેરે દેશોમાં જે ગુજરાતી સાહિત્ય સર્જાઈ રહ્યું છે તેની અંદર ત્યાંના ગુજરાતી સમાજોના, તેમના માહોલના પ્રશ્નોની ચર્ચા હોઈ શકે છે. ધબકાર પણ એ જ ધરતીનો હોવાનો. ઉડાનને તથા કલાતત્ત્વને લાગેવળગે છે ત્યાં સુધી કહી શકાય કે એનો સંબંધ અભ્યાસ અને સાધના સાથે હોય છે. અને એવી એંધાણી આપણા આ સાહિત્યકારોની કૃતિઓમાં અવશ્ય મળે છે. તેઓ કંઈક નોખી ઢબે, કંઈક નોખી વાત કરે છે. ભાષાની છાંટ પણ નોખી છે.

‘આ વિદેશવાસી ગુજરાતી લેખકોએ ઘણું લખ્યું છે, લખી રહ્યા છે. વાર્તા, લેખ, નિબંધ, નાટક, વિવેચન, પ્રવાસવર્ણન બધું તેમની કલમને સાધ્ય છે. તેમના પ્રામાણિક પ્રયાસોથી આજે વિદેશોમાં   ગુજરાતી ભાષાઓના દરિયા ઘૂઘવાટા મારી રહ્યા છે ત્યાં ગુજરાતી ભાષાના ડાયરા પણ ઠાઠથી જામી રહ્યા છે. ગુજરાતી ગીત-ગઝલ તથા સંગીતની મહેફીલો પણ યોજાઈ રહી છે અને નાટકોના પડદાયે ઊંચકાઈ રહ્યા છે. આ આ કંઈ નાનીસૂની વાત નથી. એક નોંધપાત્ર ઐતિહાસિક ઘટના છે.’ 

•••

ડૉ. ભીખુ પારેખનો એક લેખ “ધ એશિયન એજ”ના 23 ઑગસ્ટ 1994ના અંકમાં પ્રકાશિત થયો હતો. “ઓપિનિયન”નો આદર કર્યો, ત્યારે તેના પહેલા અંકમાં, તેનો ગુજરાતી અનુવાદ પ્રગટ કર્યો હતો : ‘પથરાયેલા ઘરની દાસ્તાન’. લેખના પહેલા ત્રણેક ફકરાઓ અહીં ઉદ્ધૃત લઈ તપાસીએ :

‘મારી પત્ની સાથે બ્રિટન આવ્યો ત્યારે હું પચીસ વર્ષથી થોડોક નાનો હોઈશ. ગુજરાતના એક નાના ગામના રૂઢિગત મધ્યમ વર્ગના એક પરિવારમાં ઉછરેલો હોવા છતાં, અનુસ્તાક અને સ્નાતક વિદ્યાર્થી તરીકે મેં મુંબઈમાં  ઘણાં વર્ષો ગાળ્યા હતા. એથી બ્રિટિશ વિચાર અને જીવન વિશે મને થોડો ઘણો ખ્યાલ હતો, અને વળી એમાંનાં કેટલાક પ્રત્યે હું આકર્ષાયો હતો. ભારતીય તેમ જ પશ્ચિમી મૂલ્યો તથા સંવેદનક્ષમતાની બે અલાયદી વિચારસરણીના પ્રતિનિધિ રહેલા ગાંધી અને નેહરુના મોટા ભાગે મારા વિચારોને ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.

‘આમ, ઇંગ્લેન્ડમાં આવ્યો ત્યારે એક રીતે જાણીતા અને બીજી રીતે અજાણ્યા મુલકમાં દાખલ થતો હોઉં એવો ભાવ મને હતો. એનાં ઇતિહાસ, ભાષા અને સંસ્કૃતિની મને જાણ હતી અને અંગ્રેજ પ્રજા વિશે ભારતીયોમાં જે સામાન્ય બીબાંઢાળ ખ્યાલો છે એનાથી હું પરિચીત હતો. આ પરિચયને કારણે બ્રિટિશ સમાજમાં કઈ રીતે માર્ગ કાઢી લેવો એનો મને વિશ્વાસ બંધાયો હતો. આ વિશ્વાસ કેટલો બોદો હતો એ સમજતા મને ખૂબ સમય લાગ્યો. સમાજને જાણવો અને સમાજ વિશે જાણવું એ બે વચ્ચે ભારે તફાવત છે.

‘ઇંગ્લૅન્ડમાંનો મારો મોટા ભાગનો સમય વિશિષ્ટરૂપે અંગ્રેજી માહોલમાં જ વીત્યો છે. છેલ્લાં 30 (આજે 59) વર્ષથી જ્યાં હું વસું છું એ હલ શહેરમાં અત્યાર સુધી બહુ જ ઓછાં ભારતીય પરિવારો હતાં. અધ્યાપનકામનાં મારાં કામને લીધે મોટે ભાગે અંગ્રેજી વિદ્યાર્થીઓના સંપર્કમાં હું રહ્યો છું. આ બધાંને કારણે સૂક્ષ્મરૂપે મારામાં અંગ્રેજિયત આવી ગઈ છે. કેટલીક વખત તો હું આ બધું કળી પણ શકતો નથી છતાં વિધવિધ સંદર્ભમાં વિવેકસર યોગ્યતા સાથે હું આચરણ કરી શકું છું.’

ભીખુભાઈને સમજવા સારુ આ સમૂળો લેખ અત્યન્ત અગત્યનું ઓજાર છે. એમની જીવનસરણી, વિચારસરણી જે રીતે ઘડાઈ છે તેનું પ્રતિબિંબ અહીં સુપેરે ઝીલાયું છે. આ જ લેખમાં, ભીખુ પારેખ ખુદ કહે છે, ‘પાછો વળીને હું વિચારું છું, ત્યારે મારામાં ભાત ભાતના વિરોધાભાસોના ઝૂમખાંઓ હું ભાળું છું. ભારત કરતાં બ્રિટનમાં મેં સવિશેષ વર્ષો કાઢ્યાં છે અને વધારે કાઢવાનો છું, છતાં ભારતમાં સરખામણીએ વધારે હળવાશ હું અનુભવું છું અને અહીં બહારનો હોઉં એવો અનુભવ થાય છે. કોઈ માણસ બહારનો છે કે અંદરનો એની સાબિતી એણે કેટલો લાંબો સમય વીતાડ્યો એ પરથી નહીં બલકે એણે એ સમય કેવી રીતે વીતાવ્યો છે એ પરથી નક્કી થાય છે. ભારતનું હું એક અંગ છું એનો મને ભાવ હોવા છતાં હું ત્યાં જઈ શકું એમ નથી અને સદા માટે ત્યાં રહેવાય એમ નથી. જે ભારતને હું જાણું છું એનાથી દૂર ચાલી ગયો છું અને આજે જે ભારત છે અને આવતીકાલે જે હશે એની સાથે આસાનીથી લગાવ કરી શકતો/શકવાનો નથી. વળી, અંગ્રેજી જબાનમાં જ સારી રીતે હું બોલી શકું છું અને લખી શકું છું. મારી પોતીકી ભાષા પરનો મારો કાબૂ અસલામત હોવા છતાં એના પ્રત્યે મને જે લાગણી થાય છે એવી લાગણી અંગ્રેજી માટે પેદા થઈ શકતી નથી.’

જાણે કે મારી, તમારી, આપણી સૌની લાગણીઓનો જ અરીસો એમણે ધરી દીધો છે. આપણા ડાયસ્પોરાનું જ જાણે કે હૂબહૂ ચિત્ર.

આ ભીખુભાઈ જોડેનો સેતુ મજબૂતાઈ પકડતો જ રહે છે, એનું બીજું પ્રમાણ “ઓપિનિયન”ના જુલાઈ 2004ના અંકમાં જોવાને સાંપડે છે. “પ્રૉસ્પેક્ટ મેગેઝિન”ના ઍપ્રિલ 2004ના અંકમાં મહાત્મા ગાંધી અને ઓસામા બિન લાદીન વચ્ચે એક કાલ્પનિક સંવાદ પ્રગટ થયો હતો. તેણે ચોમેર ચકચાર જગાવી હતી. લેખકને પરિણામે અમેરિકા પ્રવાસ ટાંકણે કેટલીક સરળતાની બાદબાદી પણ અનુભવવા મળેલી. આ મૂળ અંગ્રેજી લેખનો ગુજરાતી અનુવાદ કરી, “ઓપિનિયન”માં પ્રકાશિત કરવા ભીખુભાઈએ પરવાનગી આપી. “ઓપિનિયન” જોડાજોડ, “નિરીક્ષક”માં પણ તે પ્રગટ થયું. અને તળ ગુજરાતમાં તે લેખે કેન્દ્રસ્થ ચર્ચાને ચોતરે જડાઈ જવાનું જોયું.

વર્ણીય સમતા પંચના પહેલા નાયબ અધ્યક્ષ પ્રાણલાલ શેઠને અંજલિ આપતો એમનો સરસ લેખ “ઓપિનિયન”ના નવેમ્બર 2004ના અંકમાં સામેલ છે. પ્રાણલાલભાઈના જાહેર જીવનના અનેક પાસાઓને એમણે આ અંજલિ-લેખમાં ઉઘાડી આપ્યા છે.

લેખક તરીકે, બલકે સાહિત્યકાર ભીખુ પારેખને જોવામાણવા હોય તો, “ઓપિનિયન”નો ઑગસ્ટ 2006નો અગ્રલેખ જોવા સમ ખરો. ‘ન હિ કલ્યાણકૃત્કશ્ચિદ્દ દુર્ગતિં તાત ગચ્છતિ’ નામક એમના આ લેખની વાત છે. ‘ગુજરાતી લેક્સિકૉન’ના ડિજિટલ શબ્દકોશનું લંડન માંહે લોકાર્પણનો એ અવસર હતો. રતિલાલ ચંદરિયા અને અશોક કરણિયા ઉપરાંત ધીરુભાઈ ઠાકર, પ્યારઅલી એમ. રતનસી, વલ્લભ નાઢા અવસરે પૂરેવચ્ચ હાજર હતા. આ દરેક વક્તાના વક્તવ્યો આ અંકમાં સામેલ છે. પરંતુ ભીખુભાઈએ તો ઑક્સફર્ડ કોશની જેમ અહીં પણ સતત પ્રવૃત્ત રહેવાનું થાય અને નતનવા શબ્દોને સામેલ કરાતા રહેવાય તેની સરાહનાન તો કરી પણ પ્રાન્ત પ્રાન્તના શબ્દો, લઢણોને પણ આવરી લેવાનો ઈશારો કર્યો હતો. 

ગુજરાતના એક વિચારશીલ રાજકારણી જયનારાયણ વ્યાસે, એક દા કહેલું, ‘વિદેશમાં વસતા ગુજરાતીઓને નહીં સાચવીએ તો આપણે ઘણું ગુમાવીશું’. તેનો પડઘો પાડતા હોય તેમ ભીખુ પારેખને ટાંકીને  “દિવ્ય ભાસ્કરે” 26 જુલાઈ 2009ના અંકમાં લખેલું, ‘નવી પેઢી માટે ગુજરાત પેરેન્ટ્સ કન્ટૃી છે. આ હેવાલને “ઓપિનિયન”ના ઑગસ્ટ 2009ના અંકમાં સમાવાયો છે. ભીખુભાઈ લખતા હતા, ‘વિદેશોમાં વસતા ગુજરાતીઓની સાથેના સંબંધો વિકસાવવા ડાયસ્પોરાની જરૂર છે. ડાયસ્પોરા એડવાઇઝરી કાઉન્સિલ પણ ઊભી કરવી જોઈએ. જેમાં એવી વ્યક્તિઓ નીમવી જોઈએ, જેઓ દરેક પ્રશ્નથી વાકેફ હોય અને તેનો ઉકેલ લાવવા પણ સક્ષમ હોય.’

25 જુલાઈ 2009ના રોજ ગુજરાત ચેમ્બર ઑવ્‌ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટૃીના મકાનમાં યોજાયેલા એક પરિસંવાદમાં વિશેષે બોલતા ભીખુ પારેખ કહેતા રહ્યા, સંસ્કૃતિ ઉપરાંત અભ્યાસ, સંશોધનો અને સંવાદ બિનનિવાસી ગુજરાતીને વતન આવવા પ્રેરિત કરશે. જો કે આપણા અહીં આ માટેના સાહિત્ય અને સંશોધનનો હજુ અભાવ છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર માઇગ્રેશન ઍન્ડ રિસર્ચ માઇગ્રેટ થઈ ગયેલા લોકો પરના તમામ અભ્યાસ અને સંશોધનો કરે છે.  

સ્વતંત્ર જગત સારુ રાજકીય આદર્શોની જિકર કરતું A New Politics of Identity પુસ્તક લઈને ભીખુ પારેખ 2008માં આવે છે. પાલગ્રેવ મેકમિલન વાટે પ્રકાશિત આ પુસ્તક અંગે “વૈશ્વીક માનવવાદ”ના જૂન 2010ના અંકમાં ડૉ, વિભૂતિ પટેલનો અભ્યાસુ અને વિશ્લેષક લેખ આવે છે અને તેને “ઓપિનિયન”ના ઑગસ્ટ 2010ના અંકમાં સમાવી લેવાયો છે. વિભૂતિબહેને મૂળે આ લેખ અંગ્રેજીમાં કરેલો, જેનો સામયિક સંપાદક બિપીનભાઈ શ્રોફે આ ગુજરાતી ભાવાનુવાદ આપેલો.

ભીખુભાઈની દૃષ્ટિએ ઓળખનો સંઘર્ષ અને તેનો ઉકેલ સમજવા આ લખાણ મહદ્દ અંશે કામયાબ નીવડે છે.

ભીખુભાઈને નામ “ઓપિનિયન” વેબસાઇટમાં બીજા ચાર મજબૂત લેખો બોલે છે : (૧) ‘આર્થિક નહીં, બૌદ્ધિકવારસો જ અપનાવો’ [13 ઑક્ટોબર 2013]; (૨) ‘નેહરુ અને તેઓ − એક વિચારગોષ્ટિ’ [20 નવેમ્બર 2014]; (૩) ‘જે દેશમાં બંદૂકની બૅરલથી ચર્ચા બંધ કરાવવામાં આવે છે, તે દેશનું ભાવિ અંધકારમય છે.’ [19 જાન્યુઆરી 2016] તેમ જ (૪) ‘ગાંધી, ગુજરાત અને સાહિત્યની જવાબદારી’ [30 ઑક્ટોબર 2016].

•••

ઑસ્ટૃાલિયાસ્થિત આરાધનાબહેન ભટ્ટે, વરસો પહેલાં, પોતાના સૂર-સંવાદ રેડિયો પ્રસારણ માટે ડૉ. ભીખુ પારેખ જોડે વાર્તાલાપ કરેલો. આ વાર્તાલાપનું એમણે સમૂળગું શબ્દાંકન કર્યું અને પછી “નવનીત-સમર્પણ”ના ઑગસ્ટ 2014ના અંકમાં એ મુલાકાત-હેવાલ પ્રકાશિત કરાયો છે. આરંભમાં, એમણે પાર્શ્વભૂરૂપે જે લખાણ કર્યું છે તે અહીં પ્રસ્તુત કરીએ :

‘બ્રિટનમાં રંગભેદ સામે પગલાં લેવા માટે ત્યાની સરકારે નીમેલા ‘કમિશન ફોર રેશિયલ ઇક્વોલીટી’ના તેઓ સભ્ય અને ઉપાધ્યક્ષ હતા. ‘પારેખ રિપોર્ટ’ તરીકે ઓળખાતો, બહુસાંસ્કૃતિક બ્રિટનના ભાવિ વિષયક અભ્યાસ, વર્ષ ૨૦૦૦માં તેમણે રજૂ કર્યો, જે આજે પણ આ વિષયનો એક સીમાચિહ્નરૂપ દસ્તાવેજ ગણાય છે. ૨૩મી મે ૨૦૦૦ એ એમની કારકિર્દીનો કદાચ સૌથી મહત્ત્વનો દિવસ છે, જ્યારે તેમની બ્રિટનના ‘હાઉસ ઓફ લોર્ડ્ઝ’માં ‘લાઈફ પિયર’ તરીકે નિમણૂક કરવામાં આવી. બહુસંસ્કૃતિવાદ, લઘુમતીના અધિકારો, બિનસાંપ્રદાયિક સહિષ્ણુ સમાજરચના વિષયક તેમણે કરેલા પ્રદાનોથી તેઓ બ્રિટનના જ નહીં પરંતુ વિશ્વના અગ્રણી ‘પોલિટિકલ થિયરિસ્ટ’ તરીકે ગણના પામ્યા છે. તેમની સિદ્ધિઓને બિરદાવતાં, ભારત સરકારે ૨૦૦૭માં તેમને ‘પદ્મભૂષણ’ એનાયત કર્યું. તેમને મળેલાં અનેક સન્માનો પૈકી બી.બી.સી.એ ૧૯૯૯માં તેમને અર્પણ કરેલો ‘સ્પેશિયલ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ ફોર એશિયન્સ’, ૨૦૦૩નું બ્રિટનના ‘પોલિટિકલ સ્ટડીઝ એસોસિયેશન’નું સર ઇસૈયાહ બર્લિન પારિતોષિક, અને બ્રિટનની કેટલીક યુનિવર્સિટીઓએ તેમને અર્પણ કરેલી માનદ્દ ડોકટરેટની ઉપાધિઓનો સમાવેશ થાય છે.

‘શિક્ષણક્ષેત્રમાંથી નિવૃત્તિ લઈ લોર્ડ પારેખ સમાજકારણ અને રાજકારણને લગતી અનેક સ્વૈચ્છિક સંસ્થાઓમાં મહત્ત્વના હોદ્દાઓ ધરાવે છે તેમ જ ભારત સરકારની ‘ગ્લોબલ એડવાઈઝરી કમિટીનું’ સભ્યપદ ધરાવે છે. લેખનમાં છેક ૧૯૭૩થી પ્રવૃત્ત બની તેમણે રાજકીય વિચારધારા, માર્ક્સવાદ, ગાંધીવિચાર, બહુસંસ્કૃતિવાદ, જેવા વિષયો પર પુસ્તકો લખ્યાં છે, જે ઓક્સફર્ડ પ્રેસ, હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ, મેકમિલન જેવા માતબર પ્રકાશનો દ્વારા પ્રગટ કરાયાં છે. તે ઉપરાંત તેમના અભ્યાસપૂર્ણ લેખો, અનેક એકેડેમિક જર્નલમાં અવારનવાર પ્રગટ થાય છે. તેઓ લોર્ડ પારેખ, બેરન પારેખ, પ્રોફેસર પારેખ, ડોકટર પારેખ જેવાં બહુવિધ સન્માનસૂચક સંબોધનોથી ઓળખાય છે. પરંતુ આ સાહજિક વાર્તાલાપમાંથી જે પ્રગટ થાય છે તે દક્ષિણ ગુજરાતના નાનકડા ગામ અમલસાડમાં ૪ જાન્યુઆરી ૧૯૩૫ના દિવસે જન્મેલા ભીખુભાઈ છોટાલાલ પારેખ છે.’

આરાધનાબહેનના આ મુલાકાત હેવાલમાંથી, આ પ્રશ્નોત્તરી વિષયઅનુકૂળ હોઈ અહીં સાદર ઉદ્ધૃત કરીએ છીએ :  

 પ્રશ્ન : ગાંધીનું ગુજરાત કે ગાંધીનું ભારત આજે કેટલી હદે જીવંત છે ? કે પછી એ એક અમૂર્ત-તાત્ત્વિક વિચાર બનીને રહી ગયો છે ?

ઉત્તર : આમાં મને એક વસ્તુ જરાક મૂંઝવે છે. લોકો એમ કહે કે ‘ગાંધીના ગુજરાતમાં આમ કેમ થયું’, ત્યારે મારો પહેલો પ્રશ્ન એ હોય છે કે ગાંધી ગુજરાતમાં જન્મ્યા એટલે ગુજરાત એ ગાંધીજીની કાયમ માટેની મિલકત થઈ ગઈ છે, કે એક ગુજરાતી તરીકે હું ગાંધીજીની વિરુદ્ધ ન જઈ શકું ? એટલે ‘ગાંધીજીનું ગુજરાત’ એ શબ્દપ્રયોગ સાચો છે, પણ એનો સહેજ દુરુપયોગ પણ થઈ શકે. ગાંધીજીના ગુજરાતમાં દારૂ ન પીવાય. હવે એવું કોણે કહ્યું ? ગાંધીજી નહોતા પીતા, એની સામે એમને વાંધો હતો, પણ ગુજરાત એ ક્યાં ગાંધીજીની પ્રોપર્ટી છે ? એ જ રીતે ગાંધીનું ભારત. એટલે હું એમ કહું છું કે ગાંધીનું ગુજરાત તો ખરું પણ ‘ગુજરાતના ગાંધી’ પણ ખરા. ગાંધીનું ગુજરાત હવે અમુક અંશે ગાંધીનું નથી રહ્યું, અને એમાં બહુ દુઃખની કે વિષાદની વાત પણ નથી, કારણ કે એમણે જે જાતનું ભારત કે જે જાતનો સમાજ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો એ આગળ વધી શકે એવો નહોતો. ગાંધીજીના મોટા સિદ્ધાંતોને બાજુએ મૂકીએ, પણ એમણે જે ઘણી વસ્તુઓ કહી કે ગામડાનું જીવન સારું, વૈશ્વિકરણ ન જોઈએ, આર્થિક વિકાસમાં બહુ આગળ જવાનું નથી, ગ્રામ-સ્વરાજ જોઈએ, બ્રહ્મચર્ય હોવું જોઈએ, કુટુંબ નિયોજન કે ગર્ભનિરોધ ન કરો, શાળાનું ભણતર રેંટિયા ઉપર અને વ્યવસાયલક્ષી જ હોય, એમને યુનિવર્સિટી શિક્ષણમાં ઝાઝો રસ નહોતો. એટલે ઘણી રીતે આપણે ગાંધીજીના વિચારોથી જુદા પડ્યા એ સારું થયું. પણ એમનાં જે મૂળભૂત મૂલ્યો છે – સત્ય, અહિંસા, અપરિગ્રહ, તમારી મિલકતના તમે ટ્રસ્ટી છો અને એનો ઉપયોગ ગરીબો માટે થવો જોઈએ, સત્યાગ્રહ, અન્યાય સામે અવાજ ઉઠાવવાની વાત – આ બધા મૂળ વિચારો આપણે ભૂલી ગયા. એ ભૂલી જવામાં આપણે ગાંધીજીનું અપમાન કર્યું અને દેશને ઘણું નુકસાન કર્યું.

પ્રશ્ન : આપે ‘બહુસંસ્કૃતિવાદ’, એટલેકે ‘મલ્ટિકલ્ચરલિઝમ’ બાબતે ઘણું ચિંતનાત્મક કામ કર્યું છે. વિશ્વ હવે સીમાડા વિનાનું બનતું જાય છે. આપની દૃષ્ટિએ માનવી કેટલી હદે વિશ્વમાનવી બની શકે ? શું એની ઓળખનો સીધો સંબંધ એનાં મૂળિયાં સાથે નથી ? પોતાના સમુદાયમાં સુરક્ષા અનુભવવી એ શું સહજ માનવીય વૃત્તિ નથી ?

ઉત્તર : તદ્દન સાચી વાત. તમે કહ્યું અને મને ઉમાશંકર જોશી યાદ આવ્યા. એમની એક સુંદર કવિતા છે, જેમાં એ કહે છે કે ‘વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી.’ બહુસંસ્કૃતિવાદમાં વિશ્વમાનવીની કલ્પના માર્યાદિત છે. બહુસંસ્કૃતિવાદનો અર્થ એટલો કે કોઈપણ સંસ્કૃતિ સ્વયંસંપૂર્ણ નથી. દરેક સંસ્કૃતિની મર્યાદા છે. એનો અર્થ એ થયો કે જો તમારી સંસ્કૃતિને તમારે સુધારવી હોય તો બીજી સંસ્કૃતિઓ જોડે તમારે વાર્તાલાપ કરવો જોઈએ, એમાંથી શીખવાનું છે. ગાંધીજીનું પ્રિય વાક્ય હતું, જે ઋગ્વેદમાંથી આવે છે ‘आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः’ આખી દુનિયામાંથી જે સારા વિચારો છે તે મારામાં આવો. એટલે તમે જે પ્રશ્ન ઊભો કર્યો તે બહુસંસ્કૃતિવાદની સાથે સાથે પોતાનું કે પોતાનાપણું શું ? તો એ બંનેને ભેગા કરવાની જરૂર છે. હું ભારતીય છું, વધુ આગળ જઈએ તો હું ગુજરાતી છું, હું દક્ષિણ ગુજરાતનો છું, એમાં હું અમુક કોમનો છું. આ બધા વિભાગો તો રહેવાના, એની સાથે મારી અલગ અલગ પ્રકારની વળગણ પણ રહેવાની, એનો કોઈ ઇન્‌કાર કરતું નથી. પણ સાથે સાથે ભારતને જો મારે આગળ લઈ જવું હોય તો બીજા બધા દેશોમાંથી જે કંઈ સારું મને મળે એ મારે મારા ગુજરાતમાં કે મારા ભારતમાં લાવવું જોઈએ. એટલે ગુજરાત કે ભારત પ્રત્યેની મારી વફાદારી પોતે જ માંગી લે છે કે મારે બહાર જઈને જે કંઈ ખજાનો મળતો હોય એ મારા ઘરે લઈ આવવો જોઈએ. મારા પુસ્તકમાં પણ મેં આ જ જાતની દલીલો કરી છે.

પ્રશ્ન : દેશાંતર કરનાર દરેક વ્યક્તિ ધીમે ધીમે, ક્યારેક પોતાની જાણ બહાર, બદલાતી હોય છે. આ સંદર્ભે ગુજરાતીઓને મૂલવીએ ? વિદેશ જઈને વસેલા ગુજરાતીઓ, દેશમાં વસતા ગુજરાતીઓથી કઈ રીતે જુદા પડે છે ?

ઉત્તર : ઘણી રીતે જુદા પડે છે. એક તો દેશના ગુજરાતીઓ જ્ઞાતિવાદમાંથી બહાર નથી નીકળતા. પરદેશમાં વસતા ગુજરાતીઓમાં જ્ઞાતિનું મહત્ત્વ ઓછું છે. બીજું કે, આપણે ત્યાં જ્ઞાતિવાદની સાથે ધર્મના પણ કેટલાક ભેદો આવીને ઊભા રહે છે. એ ધાર્મિક ભેદભાવો પણ બહાર ઝાઝા જોવામાં આવતા નથી. ત્રીજું કે આપણે ત્યાં હજુ પણ જરા સંકુચિત મન છે. દુનિયા જોઈ નથી એટલે ત્યાં કૂપમંડૂકતા જોવા મળે છે, જે વિદેશમાં જોવા મળતી નથી. એટલે પરદેશમાં વસવાના આ કેટલાક ફાયદાઓ છે. કારણ કે સ્થળાંતર કરતી વખતે જ તમારે અમુક રિવાજોને છોડવા પડે છે. અહીં તમને તમારી કોમની છોકરી મળવાની નથી એટલે તમે બહાર પરણવા માટે તૈયાર છો. ઇંગ્લેન્ડમાં વસતી બાર-પંદર ટકા ગુજરાતી બહેનો અંગ્રેજને પરણી ચૂકી છે અને પંદરથી વીસ ટકા ગુજરાતી પુરુષો અંગ્રેજ સ્ત્રીઓને પરણ્યા છે. આ જાતની એક વિશાળતા આવે છે. બીજી એક વાત છે કે જે ગુજરાતીઓ ગુજરાતમાં છે એમને પૂરો આત્મવિશ્વાસ છે, તેથી એ લોકો છૂટથી પોતાની જાતને બદલી શકે છે, નવા પ્રવાહો અપનાવી શકે છે. જ્યારે પરદેશમાં વસતો ગુજરાતી અમુક રીતે જરા સંકુચિત રહેવાનો, ખાસ તો જ્યારે ભારતની વાત આવીને ઊભી રહે છે ત્યારે. જેને અંગ્રેજીમાં આપણે ‘લોંગ ડિસ્ટન્સ નેશનાલિઝમ’ કહીએ છીએ, એનો એ વ્યક્તિઓ ભોગ બને છે. કંઈક અંશે જે લોકો પોતાનો દેશ છોડે છે એમને અમુક રીતે પોતાના વિચારોને આંધળી રીતે વળગી રહેવાની એક ટેવ પડે છે, એટલે એ લોકો કંઈક અંશે એમના રિવાજોમાં વધુ પરંપરાવાદી હોય છે. એમને ડર છે કે બધું જ બદલાઈ રહ્યું છે એમાં કંઈક તો એવું હોય જે ન બદલાય, જેને લઈને હું મારું સ્વત્વ, મારું સાતત્ય જાળવી રાખું. એટલે સાંસ્કૃતિક પરંપરાવાદનું તત્ત્વ, વિદેશમાં વસતા ગુજરાતીઓમાં કંઈક અંશે ભારતમાં વસતા ગુજરાતીઓ કરતાં વધુ જોવા મળે છે.

પ્રશ્ન : આપે સ્વત્વની વાત કરી, તો એ સંદર્ભે ગુજરાતીઓના માતૃભાષા સાથેના સંબંધ વિષે શું કહેશો ?

ઉત્તર : એ સંબંધ લગભગ તૂટી ગયેલો છે. મારો પોતાનો દાખલો આપું – મારા ત્રણ પુત્રો છે. મેં એમને ગુજરાતી શીખવવાનો પ્રયત્ન કર્યો, એ લોકો થોડું શીખ્યા પણ ખરા. પણ પછી અહીંનાં વાતાવરણમાં ભૂલી ગયા. અને મારું પોતાનું ગુજરાતી જાળવવા માટે મારે ઘણા પ્રયત્નો કરવા પડ્યા. વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે પોતાની ભાષા જાળવી રાખવા માટે કારણ શું ? એનો એને ફાયદો શું થવાનો ? બીજું, એ જાળવવા માટે એની પાસે સાધન શું ? ગુજરાતી સામયિકો-છાપાંઓ અહીં માર્યાદિત હોય છે. ગુજરાતીઓ ખાસ સાહિત્યના શોખીન નથી, નવલકથા કે ઉપન્યાસ વાંચવાની એમને ટેવ નથી, એટલે ધીરે ધીરે ભાષા મરતી જાય છે.

પ્રશ્ન : જાતિવાદનો પ્રશ્ન ઘણો જટિલ છે, અને એ વિષયમાં આપે ઘણું કામ કર્યું છે. વર્ષ ૨૦૦૦ માં આપે ‘પારેખ રિપોર્ટ’ રજૂ કર્યો એની ભૂમિકા અને એનાં તારણો વિષે કંઈક કહેશો ?

ઉત્તર : આ દેશમાં રંગભેદના પ્રશ્ન સાથેનો મારો સંબંધ બહુ જૂનો છે. ૧૯૭૫માં આ ક્ષેત્રમાં હું પહેલીવાર પ્રવેશ્યો. તે વખતે અહીં રંગભેદ એટલો જબરદસ્ત હતો કે બી.બી.સી.એ પહેલ કરી, પાંચ દિવસ દરરોજ ટી.વી. ઉપર એમણે આ દેશના ટોચના લોકોને કહ્યું કે તમે અડધો કલાકના ભાષણમાં રંગભેદ વિશે ચર્ચા કરો. એમાં એ લોકોએ મને જોડ્યો અને ૧૯૭૬માં મેં બી.બી.સી. ઉપર અડધો કલાકનું લેકચર આપ્યું. ત્યારથી તે આજ સુધી, મારે માટે, રંગભેદ એ અગત્યનો વિષય રહ્યો છે. હું જ્યારે ‘કમિશન ફોર રેશિયલ ઇક્વોલિટી’નો અધ્યક્ષ હતો તે વખતે મેં જોયું કે રંગભેદ ક્યાં જઈ રહ્યો છે અને એને કેવી રીતે અટકાવવો જોઈએ. તમે કહ્યું તે વર્ષ ૨૦૦૦ના ‘પારેખ રિપોર્ટ’નો આશય થોડો જુદો હતો. એમાં બહુસંસ્કૃતિવાદમાં બ્રિટને કઈ રીતે આગળ જવું જોઈએ એ મુદ્દો હતો. હવે બ્રિટનમાં રંગભેદ ધીરેધીરે ઘટતો જાય છે. સાથે એના રૂપ પણ બદલાતાં જાય છે. એક જમાનમાં એવું હતું કે કાળાઓ કે ભારતીયો ન જ જોઈએ, હવે એ બંધ થઈ ગયું છે. હવે સૂક્ષ્મ રૂપે રંગભેદ દેખાય છે. જેમ કે માણસો ટોચના હોદ્દાઓ ઉપર આગળ આવતા જાય તેમ એમને કોઈને કોઈ કારણ આપીને અટકાવવા, જેને આપણે ‘ગ્લાસ સીલિંગ’ કહીએ છીએ એ પ્રકારનું હવે વધુ છે. પહેલાં એ ખુલ્લે આમ અને સ્થૂળ હતું, પણ માનવઅધિકારના કાયદા આવ્યા પછી એ દૂર થયું. પણ જો તમારે નોકરીની બે જગ્યાઓ ભરવાની હોય, કોઈ પ્રોફેસરની કે હોસ્પિટલના ડોક્ટરની, અને એ લોકો તમને કહે કે કાળો અને ગોરો બંને ઉમેદવાર સારા છે, પણ પેલો ગોરો છે એની રીતભાત વધારે સારી છે. હવે આમાં તમે કઈ રીતે કહી શકો કે રંગભેદ છે કે નહીં ? અને છતાં રંગભેદ છે કારણ કે ગોરો માણસ પસંદ થાય છે. એટલે હવે જે સૂક્ષ્મરૂપે રંગભેદ આવે છે એનો સામનો કરવો સહેલો નથી. પણ સાથે બીજું પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે હવે જે આપણી પ્રજા આવે છે તે અહીં જન્મી છે, અહીંની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં ભણી છે, બોલચાલમાં અહીંના લોકોના જેવી જ છે, એટલે એમને દૂર રાખવા હવે મુશ્કેલ થઈ પડે છે.

આપણે નસીબવંત છીએ કે આપણે એ સમયે જીવન જીવી રહ્યા છીએ, જ્યારે ભીખુભાઈ સરીખા મશાલચી આપણી વચ્ચે ન માત્ર કડેધડે છે, પરંતુ એ મશાલચી આપણને સતત પ્રકાશમાન રાખે છે. આ આધુનિક ઋષિસમ મનેખની હૂંફે આપણો ડાયસ્પોરા સમાજ ગૌરવશાળી મજબૂતાઈથી હર્યોભર્યો રહ્યો છે.  

[3,806]         

સંદર્ભ :

૧. “અસ્મિતા”, ગુજરાતી સાહિત્ય અકાદમી; અનિયકાલીન અંક – 6; 1996
૨. ‘ડાયસ્પોરિક વાર્તાઓ’, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર; સંપાદક : વિપુલ કલ્યાણી, અનિલ વ્યાસ
૩. “ઓપિનિયન”, ઍપ્રિલ 1995
૪. “ઓપિનિયન”, જુલાઈ 2004
૫. “ઓપિનિયન”, નવેમ્બર 2004 – ‘પ્રાણલાલ શેઠ સ્મૃતિ અંક’
૬. “ઓપિનિયન”, ઑગસ્ટ 2006
૭. “ઓપિનિયન”, ઑગસ્ટ 2009
૮. “ઓપિનિયન”, ઑગસ્ટ 2010
૯. opinionmagazine.co.uk
૧૦. “નવનીત – સમર્પણ”, ઑગસ્ટ 2014 
E.mail : vipoolkalyani.opinion@btinternet.com
હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ; 17 – 18 માર્ચ 2023

Loading

18 February 2025 વિપુલ કલ્યાણી
← ‘હું માનવતાનો પૂજારી નહીં, પણ માનવવાદી છું !’
દલિત પેન્થર : પોતાના અધિકારો માટે લડતું એક વિદ્રોહી સંગઠન →

Search by

Opinion

  • ‘શેતરંજ’ પર પ્રતિબંધનું પ્રતિગામી પગલું
  • જેઇન ઑસ્ટિન અમર રહો !
  • જેઇન ઑસ્ટિન : ‘એમા’
  • ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’: એક વિહંગાવલોકન
  • ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા
  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક

Poetry

  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved