સહચિંતન
‘સેક્યુલર’નો વાંધો શા માટે
સોમું વરસ આ વૈચારિક વળાંક ને ચડાવઉતાર વિશે પોતાનાં વર્તુળોમાં ને વ્યાપક સમાજમાં પ્રગટ ચર્ચાનું કેમ ન થઈ શકે? આ ટૂંકી પ્રતિભાવનોંધ માટેનું નિમિત્ત સત્તા–પ્રતિષ્ઠાને પૂરું પાડ્યું છે પણ એને વ્યાપક ચર્ચાના આરંભ તરીકે પણ જોઈ તો શકાય

પ્રકાશ ન. શાહ
સત્તાવાર ધોરણે જેનું સંવિધાન હત્યા દિવસ એવું નામકરણ થયું છે તે 26મી જૂને કટોકટીના કારનામાં અને એના પ્રતિકારની કંઈક વાસ્તવિક કંઈક રંગીન વાતો થઈ એ તો જાણે કે સમજી શકાય. પણ બીજા બે ફણગા કદાચ સવિશેષ ધ્યાનાર્હ બની રહ્યા. એક તો, અઘોષિત કટોકટીનો મુદ્દો આગળ કરાયો, અને એ અનપેક્ષિત નહોતો. પણ લગભગ અણધાર્યો ઉછાળાયો એ મુદ્દો બંધારણના આમુખમાંથી સેક્યુલર (બિનસાંપ્રદાયિક) એ સંજ્ઞા નાબૂદ કરવાનો હતો.
મુદ્દે અનાયાસ જ, જે સંવિધાનની હત્યાનો ઊહાપોહ કરાય છે એ જ સંવિધાન અંગે હાલના સત્તા-પ્રતિષ્ઠાનના વૈચારિક ને સંસ્થાકીય પુરોગામીઓની વિરોધલાગણીનાં સ્મરણો પણ તાજાં થઈ ગયાં.
જો કે, ઇતિહાસમાં સાત-આઠ દાયકા પાછળ જતાં પહેલાં હજુ હમણાંના વર્ષોની વડા પ્રધાનપદે નરેન્દ્ર મોદીના પહેલા પાંચ વરસની એક વિગત સંભારી લઈએ તે ઠીક રહેશે. બંધારણના આમુખમાંથી ‘સેક્યુલર’ સંજ્ઞા પડતી મૂકવા સારુ થયેલી પિટિશન સર્વોચ્ચ અદાલતે કાઢી નાખી હતી. કટોકટી દરમિયાન 42મા બંધારણીય સુધારાથી આમુખમાં થયેલો આ ઉમેરો બંધારણની સંબંધિત કલમોના મૂળમાં હોઈ વસ્તુતઃ તે બંધારણના મૂળભૂત માળખાનો જ હિસ્સો છે. 1973ના કેશવનંદ ભારતી ચુકાદામાં ‘મૂળભૂત માળખા’ના ખયાલનું અસંદિગ્ધ અદાલતી અનુમોદન રહેલું છે. વર્તમાન સત્તા-પ્રતિષ્ઠાન અને એકંદર સંઘ પરિવારને તેમ છતાં કંઈક અસુખ રહેલું છે, તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ હોસબોલેની પ્રગટ ટિપ્પણીથી તેમ શિવરાજસિંહ ચૌહાણ સરખા સિનિયર કેન્દ્રીય મંત્રીના ઉદ્દગારોથી આપણી સામે આવ્યું છેઃ સંવિધાન હત્યા દિવસની ઉજવણી … અને એના મૂળભૂત માળખાનો વિરોધ કેવી રીતે પાડીશું આ બે બાબતોનો મેળ?
આજથી ત્રણેક દાયકા પાછળ જઈએ તો 1992 ઊતરતે અને 1993 બેસતે, અયોધ્યા ઘટના પછીના કેટલાક ઉદ્દગારોનું સ્મરણ થાય છે. આંદોલન સાથે સંકળાયેલા સ્વામી મુક્તાનંદ અને વામદેવ મહારાજ ત્યારે વિશ્વહિંદુ પરિષદની થિંક ટેન્કના જોસ્સાથી એક શ્વેતપત્ર લઈને આવ્યા હતા. પ્રસ્તુત શ્વેતપત્રનો ઉધાડ બે પ્રશ્નોથી થતો હતો. એક, દેશની એકતા ને અખંડિતતા તેમ જ ભાઈચારા ને કોમી એખલાસનો નાશ કોણ કરે છે ? અને બીજો પ્રશ્નઃ દેશમાં બિનધાર્મિકતા, ભ્રષ્ટાચાર, ભૂખમરો, બેરોજગારી, આ બધું કોણે પ્રસાર્યું છે? વાંસોવાંસ, શ્વેતપત્ર ઉત્તર રૂપે કહે છે કે આ બધું આપણાં બંધારણને કારણે છે. તે પછી તરતના દિવસોમાં રજ્જુભૈયાએ ‘એક્સ્પ્રેસ’માં લખ્યું હતું કે આપણું બંધારણ આપણી સંસ્કૃતિને અનુરૂપ નથી, તે ‘હિંદુવિરોધી’ છે. (રજ્જુભૈયા એટલે પ્રો. રાજેન્દ્રસિંહ, 1994થી 2000નાં વર્ષોમાં સરસંઘચાલક)
હવે, એથીયે સાડા ચાર દાયકા પાછળ જઈએ તો 1946-1949ના ગાળામાં બંધારણ સભામાં ચાલેલી ઘડતર પ્રક્રિયામાં ‘ઓર્ગેનાઇઝર’ની પાયાની ટીકા હતી કે, આપણા બંધારણકારોને મનુસ્મૃતિની કદર કે દરકાર નથી. નવેમ્બર 1949માં રામલીલા મેદાનમાં સંઘે યોજેલી વિરોધ રેલી અને આગળ ચાલતાં નેહરુ-આંબેડકરની નનામી બાળવાની ચેષ્ટા, આ બધા પૂર્વરંગ શું સૂચવે છે? અને હા, એથીયે અધિક તો, હિંદુત્વ આઇકોન સાવરકરનો પ્રતિભાવઃ આપણા ‘હિંદુરાષ્ટ્ર’ને માટે વેદો પછી કોઈ સૌથી વધુ પૂજનીય ગ્રંથ હોય તો તે ‘મનુસ્મૃતિ’ છે – એ સ્તો બંધારણનો પાયો હોવો જોઈતો હતો.
મતલબ, આ મુખમાં કટોકટી દરમિયાન ‘સેક્યુલર’ સંજ્ઞા ઉમેરાઈ છે એ વિગતે તત્કાળ નિમિત્ત પૂરું પાડ્યું હોય તોપણ લોકશાહી પ્રજાસત્તાક બંધારણ સાથે મૂળથી કંઈક અસુખ છે એમ જણાય છે. થોડા મહિનામાં સંઘની સ્થાપનાને સો વરસ પૂરાં થશે. બને કે તે યાત્રા દરમિયાન એને કોઈ પુનર્વિચાર પ્રસંગો પણ આવ્યો હોય. સોમું વરસ આ વૈચારિક વળાંક ને ચડાવઉતાર વિશે પોતાનાં વર્તુળોમાં ને વ્યાપક સમાજમાં પ્રગટ ચર્ચાનું કેમ ન થઈ શકે? આ ટૂંકી પ્રતિભાવનોંધ માટેનું નિમિત્ત સત્તા-પ્રતિષ્ઠાને પૂરું પાડ્યું છે પણ એને વ્યાપક ચર્ચાના આરંભ તરીકે પણ જોઈ તો શકાય, અને તેણે સંઘ પૂરતી સીમિત હોવાનુંયે જરૂરી નથી.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 02 જુલાઈ 2025