વિશાખા અમદાવાદની એક કોમર્શિયલ બેન્કની બ્રાન્ચમાં બ્રાન્ચ મેનેજર હતી. તેને મુંબઈમાં એક સેમિનાર એટેન્ડ કરવાનો હતો, એટલે મુંબઇ ગઈ હતી. સેમિનાર પૂરો થયા પછી તેણે જોયું કે અમદાવાદની ચાર વાગ્યાની ફ્લાઈટમાં ટિકિટ મળી શકે તેમ છે. તેણે ટિકિટ બૂક કરી અનુપમને ફોન કર્યો, “અનુપમ, હું મુંબઈથી ચાર વાગ્યાની ફ્લાઈટમાં આવું છુ., તું મને એરપોર્ટ ઉપર લેવા આવી શકીશ?”
“ના, મારે બહુ કામ છે. તું તારી રીતે ટેક્સી કરીને ઘરે જતી રહેજે.” અનુપમ દોશીને કમ્યુટર હાર્ડવેર સપ્લાયની કંપની હતી અને બિઝનેશ પણ ખૂબ સારો ચાલતો હતો. વિશાખાનો ફોન આવ્યો, ત્યારે તે તેની કંપનીની ચાર-પાંચ લેડીઝ કર્મચારી સાથે બેસી ગપ્પા બાજી કરતો હતો. અનુપમ ધારત તો વિશાખાને એરપોર્ટ ઉપર લેવા જઈ શક્યો હોત. એક લેડીઝ કર્મચારીએ કહ્યું પણ ખરું, “સાહેબ, આપણે અત્યારે કંઈ કામ નથી, તમે મેડમને પીકઅપ કરવા જવું હોય તો જઈ શકો છો.”
“ના રે! ના, તમારી આવી સરસ કંપની છોડીને તેને ક્યાં લેવા જાવ.” લેડીઝ કર્મચારીઓએ એકબીજા સામે જોઈને આંખ મિચકારી હતી.
અનુપમે, વિશાખા સાથે તેનાં મમ્મી-પપ્પાના આગ્રહથી લગ્ન કર્યાં હતાં. વિશાખા સંસ્કારી ઘરની દીકરી હતી એટલે અનુપમનાં મમ્મી, પપ્પા તેને પસંદ કરતાં હતાં પણ અનુપમ, વિશાખાને રૂઢિચુસ્ત અને આધુનિક સમાજની રહેણી કરણીમાં પછાત માનતો હતો. વિચારોના મતભેદના લીધે બંને વચ્ચે ટ્યુનિંગ થઈ શક્યું નહોતું. વિશાખા માનતી કે આધુનિકતા સ્વીકારવી જોઈએ પણ સાથે સાથે સમાજની, સંસ્કારની ગરીમા પણ જાળવવી જોઈએ. એટલે તેને ક્લબ-કલચર બહુ પસંદ નહોતું. આધુનિકતાના અંચળા નીચે ફ્રી સ્ટાઇલ, બેફામ અને બેહૂદુ જીવવામાં નહોતી માનતી. જ્યારે અનુપમને આ બધું પસંદ હતું એટલે પતિપત્ની હોવા છતાં એકાકી અને અલગ અલગ જિંદગી જીવતા હતાં.
“આપ અનુપમ દોશી બોલો છો?”
“હા, હું અનુપમ દોશી બોલું છું, આપ કોણ બોલો છો?”
“હું સિટી હોસ્પિટલમાંથી ડૉક્ટર બોલું છું. વિશાખા દોશી આપના સંબંધી છે?”
“હા, મારી પત્ની છે, પણ વાત શું છે એ તો કહો?”
“તેમની મુંબઇથી આવતી ફ્લાઇટને લેન્ડિંગ સમયે અકસ્માત થયો છે અને વિશાખાબહેનને બહુજ ગંભીર ઇજાઓ થઈ છે. અત્યારે આઈ.સી.યુ.માં દાખલ કર્યાં છે તમે જલદી આવો. કદાચ ઇમરજન્સી ઓપરેશન પણ કરવું પડે.” અનુપમને પહેલી વખત અફસોસ થયો કે હું વિશાખાને એરપોર્ટ ઉપર લેવા ગયો હોત, તો ટ્રીટમેન્ટ માટે જે સમય વેડફાયો તે બચી જાત. વિશાખા માટે મનમાં ચિંતા ઊભી થઈ.
અનુપમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો, પણ વિશાખા આઈ.સી.યુ.માં હતી. એટલે મળી તો ન શક્યો. દરવાજાના કાચમાંથી વિશાખાને જોઈને તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. ડૉક્ટર આવ્યા. તેણે કહ્યું, “સારું થયું તમે આવી ગયા પણ બેન્કના ઉચ્ચ અધિકારીને ખબર પડી એટલે એ લોકો તરત જ આવી ગયા હતા. તેમની જવાબદારી ઉપર તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છે. સોરી, અમે તમારી રાહ જોઈ શકીએ એટલો સમય અમારી પાસે નહોતો.” બ્રાન્ચનો બધો સ્ટાફ હાજર હતો.
“અનુપમભાઈ, તમે જરા પણ ચિંતા ન કરતા. વિશાખાબહેન જ્યાં સુધી આંખો નહીં ખોલે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી.” આજે પહેલીવાર અનુપમને સંબંધોનું મૂલ્ય સમજાયું. તેની ઓફિસમાં બધાને ખબર હતી, છતાં કોઈ આવ્યું નહીં. અરે! ફોન કરીને પૂછ્યું પણ નહીં. જ્યારે વિશાખાના બેન્કના સ્ટાફે પોતાની જવાબદારીએ તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કરાવી દીધી. અનુપમને સમજાયું કે જેની પાછળ હું સમય અને પૈસા ખર્ચ કરતો હતો, એ તો પૂર્ણ પણે પ્રોફેસનલ સંબંધો નીકળ્યા. આધુનિકતાનો એક જ ચહેરો આજ સુધી અનુપમે જોયો હતો, આજે તેને આધુનિકતાનાં બીજા ચહેરાના દર્શન થયા અને એ મનોમન ધ્રુજી ગયો. તેણે આવી તો કલ્પના જ નહોતી કરી કે આધુનિકતાનાં અંચળા નીચેના સંબધો આટલા ખોખરા હોય છે.
ત્રીજે દિવસે વિશાખાએ આંખો ખોલી. ડોકટરે કહ્યું, “જુઓ કોણ આવ્યું છે. અનુપમ દોશી સતત ત્રણ દિવસથી તમે આંખો ખોલો તેની રાહમાં, ચિંતામાં ઘરે પણ નથી ગયા.” વિશાખાએ ધીમેથી આંખ ખોલી, અનુપમ સામે જોયું. આંખથી હસીને કહ્યું મને સારું છે ચિંતા ન કરતો. અનુપમે હાથના ઇશારાથી સાંત્વના આપી.
વિશાખાને, સ્પેશિયલ ડીલક્ષરૂમમાં ફેરવાવમાં આવી, “અનુપમ, આપણે આવા મોંઘા રૂમની જરૂર નથી, મને તો સેમી ડીલક્ષરૂમમાં પણ ફાવશે.”
“વિશુ”, વિશુ નામ સાંભળી વિશાખા ચમકી. અનુપમને જ્યારે જ્યારે વિશાખા ઉપર બહુ પ્રેમ ઉભરાતો ત્યારે વિશુ કહી બોલાવતો … “તે બરોબર સાંભળ્યું છે. આજથી હું તને વિશુ જ કહીશ અને બીજું તારે સ્પેશ્યલ ડીલક્ષ રૂમની જરૂર નથી પણ મારે છે. મેં ઓફિસમાં પણ કહી દીધું છે, તું સપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધી ઓફિસનું કામ હું ઘરેથી, તારી પાસે રહીને કરીશ.” વિશાખાના અંતરમનમાં એક છૂપી ઊર્મિની લહેર દોડી ગઈ.
વિશાખાને હોસ્પિટલમાંથી રજા આપી. બ્રાન્ચનો આખો સ્ટાફ તેના સ્વાગત માટે ઘરે હાજર હતો. અનુપમે જોયું કે તેની ઓફિસ સ્ટાફમાંથી બે વ્યક્તિ સિવાય કોઈ હાજર નહોતું. “અનુપમભાઈ, તમે નસીબદાર છો કે વિશાખાબહેન જેવાં તમારા જીવનસંગિની છે. અમારા ઉપરી અધિકારી હોવા છતાં એક ઘરના સદસ્ય હોય એમ અમારું ધ્યાન રાખે છે અને અમે જે કંઈ કર્યું છે તે, તેનું ઋણ ચૂકવવા માટે કર્યું છે. છતાં ય અમારી દૃષ્ટિએ તો એ અપૂરતું છે.” અનુપમે બધાનો આભાર માની વિદાય આપી.
અનુપમનાં મમ્મીપપ્પાને ખબર પડતાં તેઓ પણ આવી ગયાં હતાં. તેઓ અનુપમના વિશાખા સાથેના વર્તનથી દુઃખી હતાં અને મનમાં બીક હતી કે અનુપમે વિશાખાનું બરોબર ધ્યાન નહીં રાખ્યું હોય. પણ, આવ્યા પછી પરિસ્થિતિ જોઈને સંતોષ થયો કે આખરે અનુપમને વિશાખા સમજાણી.
“મમ્મીપપ્પા. હું, તમારાથી તમે મારા વિશાખા સાથે આગ્રહ કરી લગ્ન કરાવ્યાં એટલે બહુ નારાજ હતો. પણ, તમે વિશાખાને સમજવામાં સાચા હતા. હું આધુનિકતાના ખોટા ખ્યાલ અને દંભથી ભરમાઈ ગયો હતો. સાચા સંબંધો શું છે એ અને તેનું મૂલ્ય મને આજે સમજાઈ ગયું. વિશાખાની ટ્રીટમેન્ટમાં જરા પણ સમય ન બગડે એટલે હું પહોંચું એ પહેલાં તેની બેન્કના ઉચ્ચ અધિકારીએ જવાબદારી લઈ ટ્રીટમેન્ટ શરૂ કરાવી દીધી હતી. એ જ બતાવે છે કે વિશાખા આધુનિક રહનસહન વાળી નહીં હોવા છતાં તેના વિચારોનું મૂલ્ય કેટલું ઊંચું છે. આજે મને સમજાઈ ગયું કે માણસની રહેણીકરણી ગમે તેવી હોય પણ તે પરખાય છે વિચારોથી, બુદ્ધિમતાથી …..”
“બેટા, તને સાચું સમજાયું એ જ અમારા માટે ઘણું છે. તું ને વિશાખા સુખી રહો એથી વિશેષ અમારે તારી પાસેથી કંઈ ન જોઈએ.” વિશાખાએ અનુપમ સામે જોયું. અનુપમની આંખોમાંથી અવિરત પ્રેમ વરસી રહ્યો હતો. જાણે કહેતો હોય `દેર આયે દુરસ્ત આયે`. હવે હું તારો જ છું.
ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com