
રવીન્દ્ર પારેખ
મારા દીકરાની બોર્ડની પરીક્ષા આવી રહી હતી ને મારાથી એનું કઈ જ વંચાયું ના હતું, એટલે પરીક્ષામાં શું થશે તેની રહી રહીને ફાળ પડતી હતી. દીકરો પણ મારી આવી આળસ જોઇને દંગ રહી ગયો હતો. બહુ પ્રયત્ન કરવા છતાં, તેનો કોર્સ મારાથી પૂરો થયો ન હતો. એ વાત તેના ફ્રેન્ડને તે કહેતો પણ હતો, ’તારા પપ્પા કેટલું બધું વાંચે છે ને કેટલાં વ્યવસ્થિત કાપલાં બનાવે છે, જ્યારે મારા પપ્પા તો એની બેન્કની નોકરીમાંથી જ ઊંચા નથી આવતા, આ વખતે હું પાસ થઈશ પણ કે પછી વીંટો જ વળી જશે તે ગોડ નોવ્ઝ !’
મારા દીકરાની ચિંતા વાજબી હતી. એક તો સિલેબસ બદલાયા કરે ને સાલી ગાઈડ પણ ના મળે, ત્યાં બાપ બધે તો ક્યાંથી મરે! એક તો બેંકમાં બોસ ટાર્ગેટ પૂરો ન થાય તેની બધી દાઝ આપણા પર કાઢે ને દીકરો, બાપથી તૈયારી ના થાય એટલે અકળાયા કરે, પણ બાપ પણ શું કરે? ઓનેસ્ટલી સ્પીકિંગ, બેન્કની નોકરી પતાવીને, સીધો ઘરે આવીને દીકરાનું હોમવર્ક કરવા જ બેસું છું, પણ કોર્સ એટલો લેન્ધી છે કે બાપને વોશરૂમ જવાની ય ફુરસદ નથી રહેતી ને દીકરો તો ઉઘરાણી કાઢતો જ રહે છે, ’પપ્પા, તમે ક્યારે સુધરશો? એક કામ સરખું થતું નથી ને ટીચર સામે મારે તો મરવા જેવું જ થાય છે ! ગાઈડમાંથી બેઠું ઉતારવાનું છે, પણ હરામ બરાબર, જો એક લાઈન સીધી ઊતરતી હોય તો ! ન્યૂટનની ગતિના ત્રણ નિયમ છે ને તમે ત્રણના બે કરો તો મારી ટીચર તો દાંતિયા જ કરે કે બીજું કઈ? તમારે લીધે મારે ટીચરથી નજર મેળવવાનું ભારે થઇ ગયું છે. ઘણો સંતાપ થાય છે. એક તો ટીચર એટલા બ્યુટીફુલ છે કે તેમની સામે જોવાનું મન થયા વગર ના રહે ને તમારે લીધે મારે ટીચરને મિસ કરવાં પડે એ શોભે છે તમને? તમારી ટીચર હોત તો … કર્યું હોત કે આવું?’
દીકરાની ફરિયાદમાં વજૂદ નથી એવું નથી. એની ટીચર ખરેખર જ સુંદર છે. મારા જેવાનું ધ્યાન જતું હોય તો એનો શું વાંક કાઢવો? એકવાર તો દીકરો હોમવર્ક હોમમાં જ ભૂલી ગયેલો ને એની ટીચરે વાલી તરીકે મને તેડાવી મંગાવ્યો. કહે, ’વાલી થઈને તમે દીકરાને હોમવર્ક પણ ન કરી આપો તો છોકરો બિચારો ટ્યૂશન ને સ્કૂલ એટેન્ડ જ કેવી રીતે કરે?’ મને ત્યારે તો મરવા જેવું લાગેલું ને મારે બેંકમાં રજા પાડીને હોમવર્ક કરી આપવું પડેલું. સામેવાળી અંજુની મધર કેવી રીતે બધું પાર પાડે છે તે જ નથી સમજાતું. અંજુ તો બારમામાં છે ને તે ય સાયન્સમાં, પણ બધું જ વાંચી ને લખી આપે. એકવાર તો દીકરીનું પેપર પણ એ લખી આવેલી. એમાં જ અંજુ બિચારી નાપાસ થયેલી, બાકી ક્લાસમાં ફર્સ્ટ આવી હોત ! મેં પણ દીકરાને કહેલું કે એકાદ પેપર હું લખી આવું, પણ એ તો ઉશ્કેરાઈ ગયેલો, ’પોતાના અક્ષર જોઇને તો વાત કરો, પપ્પા ! હવે એવું નથી. એક્ઝામિનર્સ કોઈ વાર વાંચે પણ છે ને એમાં મારું જ પેપર વાંચવાનું થાય ને તે તમે લખેલું હોય, તો તમને લાગે છે કે એ મને પાસ કરે? લખવાનું તો તમે બેન્કમાં જ રાખો. પરીક્ષામાં તમારું કામ નહીં !’ ને એમ મારે લખવાની ઘાત તો ગઈ. સારું થયું કે વાલીઓએ ફરજિયાત રીતે પેપર લખવાનું હજી બોર્ડમાં પાસ નથી કર્યું, એટલે મારો દીકરો પાસ પણ થાય છે. બાકી, હું લખું તો દીકરો સાત જન્મારે ય પાસ ના થાય એ નક્કી !
આમ ભણવામાં હું પહેલાં બહુ તેજ હતો. કદી ચોરી કરી નથી કે કાપલાં બનાવ્યાં નથી ને પાસ પણ થયો છું. હવે તો સંતાનોને ચોરી કરાવવા વાલીઓએ રજા પાડવી પડે છે. થોડાં વર્ષ પર ઉત્તર પ્રદેશમાં વાલીઓએ ત્રીજા માળ સુધી કાપલાં પહોંચાડેલાં ને પોલીસોનાં ગજવાં ભરવાં પડેલાં. ભણવાનું એટલું અઘરું થઇ પડ્યું છે કે ખુદ પરીક્ષકે વિદ્યાર્થીને તેનું અધૂરું પેપર લખી આપીને તપાસવું પડે છે. એક પરીક્ષામાં તો દીકરાને કાપલીના અક્ષરો ઉકલ્યા જ નહિ, તે બિચારો રડતો રડતો ઘરે આવેલો ને એની મમ્મીએ મને મારવાનો જ બાકી રાખેલો. મેં પણ પછી સુલેખનના ક્લાસ કરેલા ને માંડ હું લિખેબલ ને રીડેબલ બનેલો.
હકીકત એ છે કે માબાપને ઘણાં સંતાનો હોય છે, પણ સંતાનોને માબાપ તો એક જ હોય છે. માબાપની સંખ્યા વધે તો પરીક્ષાનું ટેન્શન ટળે. એક બાપ ફી ભરવા લાઈનમાં હોય ને બીજો કોર્સ પતાવતો હોય કે એક મમ્મી રાતના ચા મૂકી આપતી હોય કે બીજી પેપર સેટર પાસેથી પેપર ફોડી લાવતી હોય તો શું છે કે પરીક્ષા થોડી હળવી થઇ જાય. પણ, તંત્રો છે કે માબાપની વસ્તી પર પ્રતિબંધ મૂકીને બેઠાં છે, પછી એકનો એક બાપ તો ક્યાં સુધી ખેંચાય? એને પણ લાઈફ જેવું કૈં હોય કે નહીં ! એક જ લાઈફમાં નાઇફ જેવી વાઈફ ને થ્રી નોટ થ્રી જેવો દીકરો હોય તો લાઈફ શું ધૂળ ને ઢેફાં રહે? ધિસ ઇસ ટૂ મચ, થ્રી મચ એન્ડ સો ઓન !
આ વખતે એક્ઝામને મહિનો ય નથી રહ્યો ને બધું એક વાર પણ મારાથી વંચાયું નથી, ત્યાં રિવિઝનનો તો સવાલ જ નથી ! હું વાંચું તો કાપલાં બનાવુંને ! આ ખરું, મારું ભણવાનું મારા બાપે વાંચ્યું ન હતું તો મારે મારા દીકરાનું શું કામ વાંચવાનું? પણ, શું છે કે છોકરાંઓને મોબાઇલની ડ્યૂટી નવી ઉમેરાઈ છે. એમાંથી પરવારે તો ચોપડી જુએને ! એ લોકો પણ કેટલુંક કરે ! એટલું બધું ગિલ્ટી ફીલ થાય છે કે મારે લીધે દીકરો ફેલ થશે. પરીક્ષાનો સમય છે, પણ બાપ કાપલાં બનાવી કાઢશે એ આશામાં એ નિરાંતે ઘોરે છે. કેટલો ભરોસો હોય છે સંતાનોને કે માબાપ કોઈ પણ કામમાં તેમની પડખે, પડખું તોડીને ય ઊભાં રહેશે. મારે લીધે દીકરો આ વખતે કૈં નહીં ઉકાળે એ વાતે હું નાનમ અનુભવું છું. જો કે, મેં તો બેંકમાં મહિનાની રજા મૂકી જ દીધી છે. મારો બોસ એવો ચીકણો છે કે સીધી રજા તો આપશે જ નહીં. ખરેખર તો જેમ પ્રસૂતિની રજા મળે છે તેમ વાલીઓને એક્ઝામ લીવ મળવી જોઈએ, તો શું છે કે બોસના તળિયાં ચાટવાના મટે, પણ એવું કશું થતું નથી ને મરો અમારા જેવા વાલીઓનો થાય છે.
સાહેબે બોલાવ્યો, ’મહિનાની રજા જોઈએ છે? તો, બેંક કોણ ચલાવવાનું છે?’ મેં કહ્યું, ’સાહેબ મારો દીકરો બોર્ડની એક્ઝામ આપવાનો છે.’
‘તેની ખાતરી શી? રજા લઈને કોઈ લેડી સ્ટાફ સાથે ક્યાંક જવાના હો તો હું ક્યાં જોવા આવવાનો હતો?’ બોસ બગડ્યા. ફરી બોલ્યા, ’તમારા દીકરાની ચિટ્ઠી લખાવી લાવો કે એની એક્ઝામ આપવા રજા જોઈએ છે.’
હું રોડ પર આવી ગયો હોઉં તેમ સડક જ થઇ ગયો !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 ફેબ્રુઆરી 2025