‘એક ગુજરાતી દેશ અનેક’ ડાહ્યાભાઈ મિસ્ત્રીના ‘ઓપિનિયન’ વિચારપત્રમાં પ્રકાશિત લેખોનો સંચય છે. સંપાદન કેતન રુપેરાએ કર્યું છે.
પુસ્તકનાં 332 પૃષ્ઠોમાંથી પસાર થતાં પ્રતીતિ થાય છે કે, ડાહ્યાભાઈનો ‘ઓપિનિયન’ સાથેનો ત્રિવિધ નાતો હતો. જયન્ત પંડ્યાના ડાહ્યાભાઈ વિશેના પરિચયલેખમાં આ કથનને પુષ્ટિ મળે છે. જયન્તભાઈ કહે છે, ‘ઓપિનિયન માસિકમાં એમની હાજરી લેખક, વાચક, વિવેચક એમ ભિન્ન ભિન્ન રૂપે વરતાય છે.’ અહીં સંચયિત લેખોમાં ડાહ્યાભાઈનાં આ ત્રણેય રૂપો પ્રકટ થાય છે.
‘વૉરેશસ્’ વાચક તરીકે ડાહ્યાભાઈ પાસેથી ‘પૂર્વ આફ્રિકાનું હિંદવી પત્રકારત્વ’ વિશે માહિતીપ્રચુર લેખ મળે છે. એ જ રીતે તેઓ બ્રિટનના ગુજરાતી પત્રકારત્વના ત્રણેક દાયકાનું ‘સાગમટે સિંહાવલોકન’ કરે છે. બ્રિટનનાં ગુજરાતી સમાચારપત્રો, સામયિકો વિશેના તારતમ્યમાં કહે છે, ‘આ સાપ્તાહિકો એક મોટો વાચક વર્ગ ઊભો કરવામાં નિષ્ફળ ગયાં છે.’ આમાં અપવાદરૂપે આ લેખ લખાયો તેના બે વરસ અગાઉ શરૂ થયેલ ‘ઓપિનિયન’ વિશે કહે છે કે, ‘આ વિચારપત્રે સારું કાઠું કાઢ્યું છે.’ પત્રકારત્વના એક કર્તવ્ય અંગે એમણે નોંધ્યું કે, ‘વાચકો જન્મતા નથી; એ તૈયાર કરવાના હોય છે.’ સજગ વાચક તરીકે ‘ઓપિનિયન’ના ત્રીજા અંક(જૂન 1995)ના અગ્રલેખના પ્રતિભાવરૂપે લેખ આપ્યો, ‘ન મળ્યો કોઈ ગુજરાતી ને !’ આમ, 1995માં ‘ઓપિનિયને’ જે ચાનક ચઢાવી તે ઠેઠ 2017 સુધી અવિરત રહી, અને એના પરિપાક રૂપે મળે છે આ પુસ્તક. વાચક તરીકે ડાહ્યાભાઈ ‘કેઝુઅલ – ઉભડક નહીં. જયન્તભાઈ કહે છે કે, વાંચેલું ‘ગમ્યું હોય અથવા માહિતી આપનારું હોય તેનું કતરણ’ રાખે. પછી એનું વિવરણ ચાલ્યા કરે. જયન્તભાઈએ ડાહ્યાભાઈને ‘જ્ઞાનપિપાસુ’નું બિરુદ આપ્યું તે ઉચિત છે. આ સંચયનાં લખાણોમાં લેખક એ સંચિત જ્ઞાનની વાચકોને લહાણી કરે છે.
‘ઓપિનિયન’માં ડાહ્યાભાઈની બીજી હાજરી તે લેખક તરીકેની. આ લખાણોમાં ડાહ્યાભાઈની અભ્યાસી લેખક તરીકેની મુદ્રા પ્રકટે છે. લેખ વાંચતાં જે તે વિષયમાં એમના અવગાહનનો ખ્યાલ આવે છે. માહિતી પાકી, આંકડાઓમાં ચોક્સાઈ, સંદર્ભો અઘિકૃત. મૂળ લખાણનાં અવતરણો પણ પુષ્કળ. કેતન રુપેરા નોંધે છે કે, લખાણોમાં ‘અંગ્રેજી અવતરણોની માત્ર એટલી મોટી છે કે અડધાં ઉપરાંતનાં પાનાં’ એનાથી દીપી રહ્યાં છે. આ અવતરણો લટકણિયાં નથી, પ્રસ્થાપિત અને પ્રસ્તુત છે.
‘ઓપિનિયન’માં ડાહ્યાભાઈએ સાતત્યપૂર્વક જે લેખો લખ્યા તેને કેતન રુપેરા ‘લેખનયાત્રા’ કહે છે. આ લેખોનું વિષયવૈવિધ્ય નોંધપાત્ર છે, અને વિસ્મયજનક પણ. આ આશ્ચર્ય કેતનભાઈ OMGના ઉદ્દગારથી વ્યક્ત કરે છે, અને ઉમેરે છે, ‘શું રૅન્જ છે આ માણસની’ પછી આશ્ચર્યવિરામ ! સુજ્ઞ વાચકને આનો ખ્યાલ તો અનુક્રમણિકા અને લેખોના વિભાગો જોતાં વેંત આવી જશે. જયન્ત પંડ્યા આના પર મત્તું મારતાં કહે છે : ‘સાહિત્ય, ઇતિહાસ, રાજકારણ બધામાં એમની ચાંચ ડૂબે.’ ડાહ્યાભાઈનાં લખાણોમાં જે તે વિષયની તલસ્પર્શી, તાત્ત્વિક ચર્ચા સરળ, સહજ શૈલીમાં થાય છે. નખશિખ ગુજરાતી ફાતિમા મીર માટે એ ‘સાંગોપાંગ ગુજરાતી’ શબ્દ પ્રયોજે છે.
‘ઓપિનિયન’ વિચારપત્ર અને ડાહ્યાભાઈ વિચારક − ચિંતનશીલ. એટલે ‘મેડ ફૉર ઈચ અધર’ જેવો ઘાટ. ડાહ્યાભાઈ માત્ર વિચારક નહીં, વિચારપ્રેરક પણ ખરા. લેખમાં મુદ્દો પ્રસ્તુત કરે, માહિતી આપે, છણાવટ કરે, પોતાનું દૃષ્ટિબિંદુ જણાવે અને પછી આગળ વિચારવા વાચકને વિવશ કરે. ઘટનાનું વિવરણ ચાલતું રહે એ જ એમની નેમ.
માત્ર વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે જ નહીં, વિશ્વની અને માનવજાતની ભવિષ્યમાં શી વલે થઈ શકે તે વિશે વિચારવા પણ વાચકને પ્રેરે. ડાહ્યાભાઈની યુવાન દીકરી દીપિકા વહીવટીતંત્રમાં કામ કરતાં કરતાં જાતે જ યુદ્ધગ્રસ્ત બૉસ્નિયામાં પોતાની ભરતી કરી ત્યાં જાય છે. યુદ્ધના કારણે થતો નરસંહાર અને તારાજી જુએ છે, રડે છે, અને પિતાને પત્ર લખે છે કે, ‘આવા યુદ્ધગ્રસ્ત જગતમાં બાળકની મા બનવાની ઇચ્છા થતી નથી.’ પ્રત્યેક સંવેદનશીલ માતાપિતાની આ આંતરવ્યથા છે. આપણે જગતને માનવ માટે ગરિમા સાથે વસવા યોગ્ય − liveable રહેવા દીધું છે ખરું ? આવતીકાલે જે બાળકને આ જગતમાં જીવવાનું છે તેને આપણે કેવું જગત વારસામાં આપી જવાના છીએ ? આ હૃદયવિદારક પ્રશ્ન સંવેદનશીલ સર્જકો પૂછતા રહે છે. આવા નિષ્ઠુર જગતમાં ઊછરી રહેલ પુત્રને રમેશ પારેખ પૂછે છે :
બૉમ્બ વાવ્યા છે એણે તારા કૂણા મસ્તકમાં
હવે હવે ઉજ્જડ છે એ ધરતી, તું એમાં શું વાવીશ?
તું છે જિદ્દી, તો છે મુમકિન કે તું કાલે માગીશ
તો નવી દુનિયા, મારા પુત્ર, હું ક્યાંથી લાવીશ?
હાંજા ગગડાવી દે એવા આ પ્રશ્નો છે. આ વ્યથા વ્યક્ત કરતાં રાજેશ રેડ્ડી કહે છે :
મેરે દિલ કે કિસી કોનેમેં ઈક માસૂમ સા બચ્ચા
બડોં કી દેખકર દુનિયા બડા હોને સે ડરતા હૈ
આપણને વિચારતા કરી મૂકે એ આ પુસ્તકની ઉપલબ્ધિ. આવું સંતપર્ક વાચન આપણા સુધી પહોંચે એનું શ્રેય ત્રણ જણને : લેખક ડાહ્યાભાઈ મિસ્ત્રીને, પરામર્શક વિપુલ કલ્યાણીને અને સંપાદક / પ્રકાશક કેતન રુપેરાને.
200, Halliwell Road, BOLTON, Lancs., BL1 3QJ