અવતાર
મોટા અવતાર હવે લેવાનો નથ્થ, કોઈ સૂણો રે લોક સહુ સૂણો;
નાનકડા ક્રોડ ક્રોડ અવતારે ભરિયું છે દેખો ભરમાંડ ખૂણે ખૂણો.
દેવતાઓ ઝંખે છે: ઇન્દ્ર નવો આવશે, ને માણસ ઝંખે છે નવો રામ,
પોતાની શક્તિઓ સ્વારથમાં ખરચે, ને માંહ્યલો જગાવવો હરામ !
ભીતર ભલેને હોય ટાઢાં ને ટાઢાં, એ પેટાવે બ્હાર મોટો ધૂણો !
મોટા અવતાર …
અવતારો લીધા ને સાચું કીધું ને વળી જીવી બતાવ્યું ઈ માણસને કોઈ દી ન ફાવ્યું,
કો’કવાર તીરથી, કો’કવાર ક્રોસે, ને કો’કવાર ઝેર, વળી કો’કવાર ગોળીએ પતાવ્યું;
પછી પૂતળાં કરીને હજુ પૂજ્યા કરે છે ! એની અક્કલને લાગ્યો છે લૂણો !
મોટા અવતાર …
અક્કેકા કણકણની ભીતર ભરી છ જુઓ પિંડ અને શક્તિની રમણા,
એની આ ચાલતી અનંત રૂપ-લીલા, જે અજ્ઞાનીને મન ભ્રમણા !
(પણ) એક એક કણ અને એક એક જીવ બધું હું જ છું ને કયાંય નથી ઊણો.
મોટા અવતાર …