ગુરુ પૂર્ણિમા એટલે ? ગુરુની ભક્તિ નહીં; પણ તેની કસોટી કરવાનું પર્વ
ગયા વર્ષે ગુરુ પૂર્ણિમાના પર્વ પ્રસંગે મેં એક લેખ લખ્યો હતો, એનું શીર્ષક હતું : ‘ગુરુ પૂર્ણિમા ગુરુની પૂજા કરવા માટેનો દિવસ નથી; એ તો ગુરુની પરીક્ષા કરવા માટેનો દિવસ છે.’
આજે એ જ અનુસન્ધાનમાં આગળ વધવાનો ઈરાદો છે. ગુરુ એટલે સૌથી આદરપાત્ર વ્યક્તિ. ગુરુ એટલે હૈયાના ઉમળકાપૂર્વક ભક્તિ કરવાયોગ્ય પાત્ર. આદર અને ભક્તિ બન્ને અનલિમિટેડ કમ્પનીઓ જેવાં છે. કોઈક એક જ ફીક્સ દિવસે જ અને કોઈ એક જ ફીક્સ ટ્રેડીશન પ્રમાણે ભક્તિ અને આદર વ્યક્ત કરી દેવાનાં ન હોય. ગુરુને જોઈને તેમના ગંધાતા પગમાં આળોટવા મંડી પડવું એ કાંઈ ગુરુભક્તિ નથી. ગુરુને જોતાં જ આપણા ચહેરા પર કૃતજ્ઞતા છલકાય અને આંખો આદરભાવનો અભિષેક કરવા લાગે એ સાચી ગુરુભક્તિ છે. બીજા લોકો ગુરુભક્તિ કરે છે એટલે મારે પણ કરવી જોઈએ એમ સમજીને અથવા ગુરુજી સ્વયમ્ આગ્રહ કરે છે માટે હું તેમની સેવા–પૂજા–ભક્તિ કરું એમ નથી સોચવાનું. એમાં તો દમ્ભ, ભય, લાલચ, પ્રદર્શનવૃત્તી, ગુપ્ત અહંકાર ઘણુંબધું પ્રવેશી જશે. શુદ્ધ ભક્તિ અને સાચો આદર બહાર રહી જશે અને ગુરુભક્તિનાં ધતીંગોનો વિકૃત સેલાબ આવશે !
ગુરુની પરીક્ષા કરો
ગુરુની ભક્તિ માત્ર ગુરુ પૂર્ણિમાના એક જ દિવસ માટે કરીએ તો આપણે અધૂરા–વામણા ગણાઈએ. ગુરુભક્તિ તો સતત, નિરન્તર કરવાની હોય. આજનું પર્વ તો ગુરુની પરીક્ષા કરવાનું પર્વ છે. જે ગુરુની આપણે હવે પછી લાઈફ ટાઈમ સેવાભક્તિ કરવા ઉત્સાહી–હરખપદુડા છીએ, તે ગુરુ આપણી સેવાભક્તિ માટે સુપાત્ર છે કે નહીં; કાબિલ છે કે નહીં એ ચકાસવાનું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. ઘરકામ માટે એક નોકર રાખીએ તો ય તેની ટેસ્ટ લઈએ છીએ. કોઈ બીમારીનો ઈલાજ કરવામાં ડૉક્ટર નિષ્ફળ જાય તો તરત આપણે બીજા ડૉક્ટરની પાસે જઈને તેની ટ્રીટમેન્ટ લઈએ છીએ. સોનું ખરીદતી વખતે કોઈ શાણો માણસ જરા ય બેદરકારી ન રાખે. હૉલમાર્કનો સિક્કો હોય તો ય પોતે છેતરાઈ તો નથી રહ્યોને, એની ચકાસણી કરે છે. યસ, ગુરુ પૂર્ણિમા એટલે ગુરુની ભક્તિ કરવાનું નહીં, તેમની કસોટી કરવાનું પર્વ ! હવે તમે આ સત્ય સમજી ગયા હશો.
જો તમને કોઈ પાખંડી ગુરુ ભેટી ગયો હશે તો તે તમને બીવડાવશે, નરકનો ભય બતાવીને પોતાનાં નેત્રો લાલઘૂમ કરીને કહેશે : ‘મૂર્ખ ! તું ગુરુની પરીક્ષા કરવા નીકળ્યો છે ? તારી ઓકાત શી છે ? ગુરુની કસોટી કરવા જઈશ તો રૌરવ નરકમાં ય તને જગ્યા નહીં મળે ! તું મહાપાપી પુરવાર થઈ જઈશ.’
મુનિ કે મુનીમ ?
આવી ધમકી કે ભય આપે તેવા ગુરુના નામ પર ચોકડી મૂકી દેવાની. ગુરુનું કામ જ્ઞાન આપવાનું છે, ધમકી આપવાનું નથી. ગુરુનું કામ માર્ગ બતાવવાનું છે, ભય પમાડવાનું નથી. સાચો ગુરુ તો તે છે જે આપણને ભયમુક્ત કરે, નિર્ભય અને નિર્દંભ બનાવે. જે ગુરુ પોતાના નામે કે ગુરુના નામે ટ્રસ્ટો ચલાવીને બારે મહિના ફંડફાળા ઉઘરાવ્યા કરતો હોય તે તો મુનિ નથી; મુનીમ છે. ગુરુ તે નથી, જે ચપટીઓ વગાડીને ફાલતુ આજ્ઞાઓ કરતો હોય અને શિષ્ય તે નથી, જે ગુરુની વાહિયાત આજ્ઞાઓને માથે ચઢાવ્યા કરતો હોય. ફંડફાળા કરનારા અને ફાલતુ આજ્ઞાઓ કરનારા ગુરુથી સાવધ રહેવું જોઈએ. લાંબો–મોટો પલાંઠો લગાવીને ઊંચા આસને ગોઠવાઈ જાય અને પોતાની નવ અંગે પૂજા કરાવે, કિંમતી ભેટસોગાદો સ્વીકારે, વધારે કિંમતી ભેટ આપનાર ભક્તને વધારે વહાલ કરે અને મોં પર કડવું સત્ય ઉચ્ચારનારને આઘો રાખે તેવા ગુરુથી તો આપણે સ્વયમ્ જ આઘા રહેવું જોઈએ. એમાં જ આપણી સેફ્ટી છે.
ગુરુ દ્રોણથી નફરત
જ્યારે–જ્યારે ગુરુની વાત નીકળે છે ત્યારે–ત્યારે મને ગુરુ દ્રોણ યાદ આવે છે. ગુરુ દ્રોણનું ચિત્ર જોઈને ય મારું તો લોહી ઉકળી ઊઠે છે. એકલવ્ય રાજકુમાર નહોતો એટલે તેને ધનુર્વિદ્યા શીખવાડવાની ના પાડનાર ગુરુ દ્રોણને પછીથી ખબર પડે છે કે આ એકલવ્ય તો મારા પ્રિય શિષ્ય અર્જુનના સામર્થ્યને ઓવરટેક કરી શકે તેવો સમર્થ છે, ત્યારે તેના જમણા હાથનો અંગૂઠો ગુરુદક્ષિણારૂપે માગી લઈને તેની સાથે ઘોર અન્યાય અને અત્યાચાર કર્યો હતો. અર્જુન તેમને એટલા માટે પ્રિય હતો કે તે રાજકુમાર હોવા ઉપરાન્ત આજ્ઞાકારી અને નિશાનબાજ હતો. હોશિયાર અને સમર્થ શિષ્ય પ્રત્યે પક્ષપાત કરે તે સાચો ગુરુ નથી. નબળા અને ગરીબ શિષ્ય પ્રત્યે વહાલ વહાવે, સમભાવ રાખે તે સાચો ગુરુ હોઈ શકે છે.
કૌરવો–પાંડવોની વચ્ચે જુગાર ખેલાયો, દ્રૌપદીને દાવ પર મુકવામાં આવી અને દુ:શાસન દ્વારા દ્રૌપદીનું ચીરહરણ થયું એ સમગ્ર ઘટનાક્રમ વખતે ગુરુ દ્રોણ સભામાં ઉપસ્થિત હતા છતાં; તેમણે કોઈને રોક્યા–ટોક્યા નહીં. કાયરતાભર્યું મૌન સેવીને બેસી રહ્યા. આવા સ્વાર્થી અને કાયર ગુરુઓ હોય તો ય શું અને ન હોય તો ય શું ? મીંઢા અને લુચ્ચા, લાલચુ અને ડરપોક ગુરુથી દૂર રહે તે સાચો ગુરુભક્ત છે.
ગુરુ દ્રોણે એકલવ્યનો અંગૂઠો દક્ષિણામાં માગી લઈને એકલવ્યને સામર્થ્યહીન કરી દીધો તથા દ્રૌપદીની લાજ લુંટાતી જોઈને ય પોતે મૌન રહ્યા આ બે બાબતો માટે તેમને કદી માફ ન કરી શકાય. આમેય શિષ્ય ભૂલ કરે તો માફ કરી શકાય (કારણ કે તે અજ્ઞાની છે); કિન્તુ ગુરુ કોઈ ગુસ્તાખી કરે તો તેને માફ ન કરી શકાય (કારણ કે તે તો જ્ઞાની છે, જાણકાર છે).
શિષ્ય ભોળાભાવે ગુરુ માટે ગીફ્ટ લાવે તો તેને માફ કરી દેવાય; પણ ગુરુએ તેને કહેવું જોઈએ કે હું આ બધું ત્યાગીને સંયમને માર્ગે ચાલી રહ્યો છું. તું મને કોઈ પણ ગીફ્ટ આપે તો તને દોષ (પાપ) લાગે. ભક્ત તરફથી મળતી ગીફ્ટ વખતે ભક્તને આવી ચેતવણી આપીને, કોઈ પણ સંજોગોમાં ગીફ્ટનો અસ્વીકાર કરનારા ગુરુઓ કેટલા ?
ગુરુઓ કાયર બનીને કેમ બેઠા છે ?
દ્રૌપદીના વસ્ત્રહરણ પ્રસંગે કૃપાચાર્ય, દ્રોણાચાર્ય જેવા ગુરુઓ કાયર બની રહ્યા હતા. આજે પણ હજારો ગૅન્ગ–રેપની ઘટનાઓ સામે હજારો ગુરુઓ કાયર બની બેઠા છે. ત્યાગી–સંયમી, કહેવાતા મહાત્માઓ વગેરેને માથે નોકરી–વ્યવસાયની કે ફૅમિલીની કોઈ જવાબદારીનું બર્ડન તો હોતું નથી ! એવા લોકો દૂરાચારીઓને સજા કરાવવા કેમ મેદાનમાં ઊતરતા નથી ? શ્રેષ્ઠ ગોચરી અને છપ્પનભોગ આરોગનારા ગુરુઓ સરકાર સામે ભૂખહડતાળ કરે, મરણાંત અનશન કરે તો અન્યાય–અત્યાચારના ટાંટિયા ઢીલા પડે જ.
ઊંચા આસને બેસીને ભક્તોને વાહિયાત ઉપદેશો આપવા, પોથી–વૈકુંઠનાં અવાસ્તવિક ખ્વાબો બતાવવાં, ફંડફાળા ઉઘરાવવા – આ બધાં કામ સહેલાં છે અને અર્થહીન પણ છે. જે ગુરુઓ આવાં કાર્યો કરતાં ફરે છે તે ગુરુઓ સ્વયમ્ નરકના અધિકારી બનશે એવી ખુલ્લી ચેતવણી આપણે અવશ્ય આપી શકીએ.
ચમત્કારો કરીને વહેમો ફેલાવવાનો કારોબાર કરતાં ગુરુઓથી વેગળા રહેવું એ અધ્યાત્મનો સાચો માર્ગ છે. આટલું નાનકડું સત્ય ગુરુ પૂર્ણિમાના પર્વ પ્રસંગે પ્રત્યેક આત્માર્થીએ આત્મસાત્ કરવું જોઈએ.
મુમ્બઈના સાંધ્ય–દૈનિક ‘ગુજરાતી મીડ–ડે’(12 જુલાઈ, 2013ની આવૃત્તિ)માં પ્રગટ થતી એમની લોકપ્રિય કટાર ‘મન્ડે-મંથન’માંથી .. લેખકશ્રીના અને ‘ગુજરાતી મીડ–ડે’ ના સૌજન્યથી સાભાર …
લેખક સંપર્ક : ‘અનેકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કૂલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013
ઈ–મેઈલ : rohitshah.writer@gmail.com