નેલ્સન મંડેલા :-
'તમે અમને એક બેરિસ્ટર મોકલી આપ્યો હતો, પણ અમે તમને મોકલી આપ્યા તે મહાત્મા હતા …’
આવતી કાલે (08 ડિસેમ્બર 2013) 2014 માટેના કેવા સંકેતો પાંચ રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીમાંથી વરતાશે એના અજંપે અધ્ધરજીવ આપણ સહુ – સવિશેષ અલબત્ત થાઉં થાઉં થનગન, રહું રહું રંજન અને આવું આવું અંજન સહુ – નજર સામેની નાની લડાઈઓ અને ટૂંકી ગણતરીઓમાં છેક ખોવાઈ ન જઈએ એવું એક નિમિત્ત શુક્રવારે (06 ડિસેમ્બર) વહેલી સવારે સંપડાવી આપ્યું : મદીબા (પિતામહ) મંડેલા હવે આપણી વચ્ચે નથી. દક્ષિણ આફ્રિકાની આ પિતૃપ્રતિના થોડાં વરસોથી નિવૃત્તવત્ હતી, અને તાજેતરના મહિનાઓમાં તો ગમે ત્યારે શ્વાસનો હિસાબ પૂરી કરી શકે તેમ હતી. પણ શું અત્યારે – અને આવનારાં લાંબાં વરસો લગી – એ હાજરાહજૂર હતા, છે અને રહેશે.
બિલકુલ, બિલકુલ, લિવિંગ પ્રેઝન્સ. મહાત્મા ગાંધી વિશે મદીબાનું એક ચોંટડૂક, બેલાશક ભરીબંદૂક વિધાન છે કે, તમે (હિંદે) અમારે ત્યાં એક બેરિસ્ટરને મોકલી આપ્યા હતા, પણ અમે (દક્ષિણ આફ્રિકાએ) તમને મોકલી આપ્યા તે 'મહાત્મા’ હતા આ ક્ષણ – ગાંધીઘડતરની લાંબી દાસ્તાંમાં જવાની અલબત્ત નથી. પણ વિશ્વઇતિહાસમાં ગાંધીઘટનાએ જે પરિવર્તનનાં પરિબળોને ચાલના અને દિશા આપી તેના એક આગવા, પોતીકી તરેહના નવોન્મેષરૂપ મંડેલાને સમજવાની, સરાવવાની, સંભારવાની છે.
ગાંધીનું ત્યાં હોવું, એના કંઈક કૌતુકરાગી સ્મરણ સિવાય દક્ષિણ આફ્રિકા વિશે કેટલું ઓછું જાણીએ છીએ આપણે બર્લિનની દીવાલ તૂટી અને સોવિયેત સામ્રાજ્યનું વિઘટન થયું, એક અર્થમાં દુનિયા અમેરિકી વડપણ હેઠળ એક ધ્રુવી જેવી બની રહી તે વરસોમાં વિશ્વવિમર્શમાં કોઈ મોટું નવું પરિમાણ દાખલ થયું હોય તો એ પૂરાં સત્તાવીસ સત્તાવીસ વરસોના જેલવાસ પછી બહાર આવી લગારે કટુતા વગર પણ ઠંડી તાકાત સાથે અશ્વેત મંડેલાએ દક્ષિણ આફ્રિકાની રંગવિદ્વેષી શ્વેત સંસ્થાનશાહીના પુરજે પુરજા શાંતિમય રીતે ઉકેલવાનું કર્યું તે હતું. આ એક ચોક્કસ જ કપરું કામ હતું; કેમ કે મંડેલા અને એમનો પક્ષ લાંબી સશસ્ત્ર કારવાઈમાં પડેલા હતા.
આ કામ કપરું એ સારુ પણ હતું કે ગોરી લઘુમતી રાજ પરથી કબજો છોડવા કે ઘોર રંગભેદી, ધરાર અમાનવીય તોરતરીકા છાંડવા તૈયાર નહોતી. પણ જેમ મંડેલા તેમ સામી છાવણીમાં, એક શ્વેત પ્રતિભા -નામે દ કલાર્ક પાસે લાંબી ઇતિહાસ દૃષ્ટિ સાથે પાયાની સમજ અને નૈતિક સાહસ હતાં કે શાંતિ અને ન્યાયની નવી સૃષ્ટિ વગર આપણું ઠેકાણું પડવાનું નથી. ર્જીણમતિ ઝનૂનીઓને ખાળતા રહીને એમણે એક નવી સમજૂતીનો રાહ લીધો. રંગભેદી ઠોકશાહીને બદલે સર્વસમાવેશી પ્રતિનિધિક લોકશાહીનો એ રાહ હતો. જેમણે જુગ જુગથી વેઠયું હતું એ અશ્વેત જનો માટે અને યાવચ્ચંદ્ર દિવાકરૌ જેમણે સત્તાભોગવટો કીધો હતો તે શ્વેત જનો માટે અઘરો પણ ઇતિહાસદૃષ્ટિએ અનિવાર્ય એવો આ રાહ હતો.
આ પ્રક્રિયામાં, તમે જુઓ કે, બન્યું એવું કે મંડેલા (ગઈકાલ સુધી જેલમાં હતા તે મંડેલા) અને કલાર્ક (ગઈકાલ સુધી પ્રમુખના મહેલમાં હતા તે કલાર્ક) ઉપપ્રમુખ થયા, અને મંડેલા પ્રમુખ ૧૯૯૩માં બંનેને સંયુક્તપણે શાંતિ નોબેલ અપાયું એ સૂચક એટલી જ સાર્થક બીના છે. શાંતિનો અર્થ અન્યાય પરત્વે શરણાગતિ ન હોઈ શકે, અને ન્યાય હરહંમેશ રક્તરંજિત જ હોય એવું કોણે કહ્યું? શાંતિની વ્યાખ્યા મધર ટેરેસામાં સીમિત ન હોઈ શકે, માનવ હક્ક માટેની વાલેસાની લડાઈ પણ સક્રિય શાંતિમાં નિહિત છે.
જે એક મોટું કામ મંડેલા હસ્તક પાર પડયું તે ટુથ એન્ડ રિકન્સિલિયેશન કમિશનનું હતું. જેમણે રંગભેદી ગુના કર્યા હતા તે શાસકવર્ગ અને જેમણે રંગભેદના વિરોધમાં અવિવેકી – અતિરેકી હિંસા કરી હતી તે અશ્વેત વર્ગ, બેઉને પક્ષે કબૂલાતપૂર્વકની સમજનું એ એક મોટું પગલું હતું. આપણે ત્યાં 'ગઈ ગુજરી ભૂલી જાવ’નું જે વલણ દેખા દે છે એમાં આ 'ટુથ એન્ડ રિકન્સિલિયેશન’ની ભૂમિકા ક્યાં ય નાખી નજરે જણાતી નથી. મંડેલાએ કહ્યું કે, ગોરાકાળા સૌ, અને પાછી કેટકેટલી આદિજાતિઓ, એ બધા મળીને આપણે એક મેઘધનુષી સંકલના ધરાવતું રાષ્ટ્ર છીએ.
અશ્વેત મૂળકૂળના હોઈ શકતા ઓબામા જો એક તબક્કે વિશ્વઘટના શા વરતાયા હોય તો મંડેલા તો એથી પણ મોટી વિશ્વઘટના છે, કેમ કે આઝાદીની એક નવી લડાઈ પછી એમને માટે 'બ્લેક ઈઝ બ્યુટીફૂલ’ એટલું પૂરતું નહોતું – સર્વ રંગોની એક મેઘધનુષી કલ્પનાનો એક નવસંસાર હતો અને છે. અમેરિકાને આપણે 'વિદેશીઓના દેશ’ તરીકે ઓળખીએ છીએ. દક્ષિણ આફ્રિકા (જેમ બીજા પણ આફ્રિકી દેશો) જુદા જુદા આદિજાતિ કબીલાઓથી બનેલા છે.
મલ્ટિ-રેશ્યલ, મલ્ટિ-કલ્ચરલ, મલ્ટિ-ટ્રાઈબલ આ સૌને સામંતી અને સાંસ્થાનિક પરિસ્થિતિમાંથી લોકશાહીમાં સંક્રાન્ત કરવું એ કેટલો મોટો પડકાર છે, કોઈ તો કહો. તાજેતરનાં સંશોધનો પ્રમાણે આદિમનુષ્ય આફ્રિકી ઉપજ હતો, અને ગોરાઘઉંવર્ણાપીળાભૂખરા સૌ એની પેદાશ હતા. સીસમને શરમાવતી રંગપ્રતિભાની પેદાશ આપણે સૌ, કાશ, આપણાં નાનાંમોટાં અભિમાન છાંડીએ અને ભરચૂંટણીચકરાવે કે ચૂંટણીટક્કરે અગર ચૂંટણીચક્કરે યાદ રાખી શકીએ કે મનુષ્યજાતિએ હજુ લાંબી મજલ કાપવાની છે …
મદીબા, હમ મરેંગે લડતે લડતે, નહીં લડાઈ મરનેવાલી !
(સદ્દભાગ્ય : "દિવ્ય ભાસ્કર", 07 ડિસેમ્બર 2013)