‘શિલ્પ સમીપે’ પુસ્તકમાં કનુ સૂચકે સવાસો સ્થળોનાં પૌરાણિક, ઐતિહાસિક અને આધુનિક સ્થાપત્યો તેમ જ તેમની અંદરનાં શિલ્પોનો પરિચય કરાવ્યો છે. અખબારી લેખમાળામાંથી બનેલાં આ આકર્ષક પુસ્તકમાં દેશના લગભગ બધા પ્રાન્તોનાં વૈવિધ્યપૂર્ણ શિલ્પસ્થાપત્યોનું સાદી છતાં સુંદર ભાષામાં નિરુપણ છે.
ભારતીય સંસ્કૃિતની બેએક હજાર વર્ષની લાક્ષણિકતા સમાં મંદિરો વિશે અહીં સહુથી વધુ પ્રકરણો છે. ધોલેરા, ગાંધીનગર, મુંબઈ અને ન્યુ જર્સીનાં સ્વામિનારાયણ મંદિરો વિશે પણ વાંચવા મળે છે. જો કે લેખકની કલાદૃષ્ટિ હિંદુ ધર્મમાં બંધાયેલી નથી. એટલે તેમણે પાલિતાણાનાં દેહરાસર, સાંચીનાં સ્તૂપ, ગોવાનાં ચર્ચ, મુંબઈની હાજી અલી દરગાહ અને બનાજી લીમજી અગિયારી, અમૃતસરનું સુવર્ણમંદિર, લ્હાસાનું અવલોકિતેશ્વર, મ્યાનમાર-ભુતાન-કંબોડિયા-ઇંડોનેશિયાનાં બૌદ્ધ સ્થાનકો જેવાં વિવિધધર્મી સ્થાપત્યવિધાનો અને શૈલીઓ વિશે પણ લખ્યું છે. ધર્મસ્થળોનાં પ્રાધાન્ય વચ્ચે બીજાં અનેક પ્રકારનાં લૌકિક શિલ્પ-સ્થાપત્યોનો સમાવેશ છે. જેમ કે, વાવ, મહેલ, વેધશાળા, ગુફા, કિલ્લા, સરોવર, મિનારા, સ્મારક અને યુનિવર્સિટી. મુંબઈનાં છત્રપતિ શિવાજી ટર્મિનસ અને રાજાબાઈ ટાવર તેમ જ સારનાથના અશોકસ્થંભનો સમાવેશ કરવાનું લેખક ચૂકતા નથી.
મોકળાશભર્યાં અને સફાઈદાર મુદ્રણવાળાં ત્રણસો ચાળીસ પાનાંના મોટા કદના આ પુસ્તકનું આમુખ જાણીતા કલાવિદ મધુસૂદન ઢાંકીએ લખ્યું છે. તેઓ પુસ્તકનું સંદર્ભગ્રંથ તરીકે ગૌરવ કરીને પછી લખે છે : ‘પ્રત્યેક લેખના પ્રારંભે સામાન્યત: સ્થળ સંબદ્ધ પૌરાણિક, ઐતિહાસિક વાતો-હકીકતો, અનુશ્રુતિઓ તેમ જ લોકવાયકા આદિ પ્રસ્તુત કરી, પછી શિલ્પ કે સ્થાપત્યના કલાત્મક પાસાં વિશે ચિત્રણ સમેત વિવરણ કરવામાં આવ્યું છે. લેખકે જાતે પ્રવાસો ખેડી, સ્થળોની મુલાકાત લઈને અને તેમના વિશે વાંચીને લેખો તૈયાર કર્યા હોય એની તો પ્રથમ દર્શને જ પ્રતીતિ થઈ જાય છે. લેખો અંતર્ગત રજૂ થયેલી સામગ્રી દેશકાળના વિશાળ ફલક પર પથરાયેલી છે.’
સૌંદર્યસ્થાનો માટેની લેખકની દૃષ્ટિ અને તેમનો લાઘવપૂર્ણ વાચનીય આસ્વાદ કરાવવાનું લેખનકૌશલ ઠેરઠેર જોવા મળે છે. સાથે તેમના એકંદર રૅશનલ અભિગમના નિર્દેશો પણ મળે છે. ‘રામાયણ કે મહાભારતનો સમય પુરાતત્વ અવશેષોથી પુરવાર કરી શકાતો નથી એટલે તેને ઇતિહાસ તરીકે માન્યતા મળી શકે નહીં’, એવું તે લખી શકે છે. તે માને છે કે ‘સ્થાપત્ય-સ્મારકો એ આપણી સંસ્કૃિત માત્ર નહીં આપણો કલાવારસો છે, તેના નિમિત્તમાં વ્યક્તિ, ધર્મ, જાતિ વગેરે અગત્યનાં નથી.’ બાન્દ્રાના દરિયા કિનારે આવેલાં માઉન્ટ મૅરીના દેવળના વર્ણનમાં તે ‘માડી તારા ઊંચાં મંદિર …’ ગરબાની પંક્તિઓ સહજ રીતે મૂકે છે (ઉમાશંકર, શયદા, કિસન સોસા, સુંદરમ, ઉદયન ઠક્કર જેવાની કાવ્યપંક્તિઓ પણ તે ટાંકે છે). હિંદુ રાજાનું નામ ધરાવતી કેરળની ચેરામન જુમા મસ્જિદમાં દર દશેરાએ ‘વિદ્યારંભમ’ ઉત્સવ થાય છે એ હકીકત નોંધવાનું તે ચૂકતા નથી. બામિયાન બુદ્ધ પ્રતીમાઓના તાલિબાનોએ કરેલા ધ્વંસથી તે અજાણ નથી, પણ સાથે ‘હિન્દુ અને મુસ્લિમ સ્થાપત્યોના વિનિયોગના’ કેટલાં ય દાખલા તે આપે છે. રાણકી વાવની 1991 પહેલાંની દુર્દશાથી તે માહિતગાર છે. સ્મારકોનાં આંગણાંમાં આપણે મિજબાનીઓ કરીએ છે તે લેખકને ખટકે છે. મ્યાનમારના શ્વેગુજ પેગોડામાં ‘ધાર્મિક સ્થાનોના ભભકા’, ‘શાહી ઠાઠ’ અંગે તેમનો નાપસંદગીનો સૂર પુસ્તક અન્યત્ર દેખાય એ અપેક્ષિત છે, કારણ કે સ્વામીનારાયણ મંદિરો સહિત બહુ ઓછાં ધર્મસ્થાનો એવા છે કે જ્યાં ઑર્ગનાઇઝ્ડ રિલિજિયનની સંપત્તિ-સત્તાનું પ્રદર્શન ન થતું હોય.
શ્રેષ્ઠીઓ અને સ્થપતિઓ પછીના ક્રમે લેખક સલાટોને વંદન કરે છે. તેમના કસબ અને મહેનતની લેખકને કદરબૂજ છે. અલબત્ત એ વર્ગ જે સામાન્ય લોકોમાંથી આવે છે એ ‘લોક’નું, તેમની કલાઓનું, અભિજનની સામે બહુજનના શિલ્પ સ્થાપત્યનું આ પુસ્તકમાં સ્થાન હોય એ ઈચ્છનીય હતું. વિક્ટોરિયા ટર્મિનસના વર્ણનમાં આતંકવાદી કસાબનો ઉલ્લેખ છે, પણ પંઢરપુરના વિઠ્ઠલમંદિરમાં દલિતોને પ્રવેશ આપવા માટે સામે ગુરુજીએ કરેલા સત્યાગ્રહનો સંદર્ભ નથી. કન્યાકુમારીનું વિવેકાનંદ સ્મૃિતમંદિર છે પણ ચૈત્યભૂમિ તરીકે ઓળખાતું બાબાસાહેબ આંબેડકરનું દાદરમાં આવેલ સ્મારક નથી. રાજાબાઈ ટાવર ઉપરાંત મહિલા સંબંધી કોઈ પ્રમુખ બિનધાર્મિક સ્થાપત્યશિલ્પ આ પુરુષસત્તાક સંસ્કૃિતએ બનાવ્યાં છે કે કેમ એ પ્રશ્ન રહે છે.
બીજા પ્રકાશકો કરતાં ઓછી સંખ્યામાં પણ ગુણવત્તાવાળા પુસ્તકો પ્રસિદ્ધ કરનાર અરુણોદય પ્રકાશનના આ નવા પુસ્તકનું નિર્માણ દૃષ્ટિપૂર્વક થયું છે. એસ.એમ. ફરીદનાં આવરણ અને બુકડિઝાઈન પ્રભાવશાળી છે. પુસ્તકમાંની સંખ્યાબંધ શ્વેત-શ્યામ તસવીરો લેખકની ફોટોગ્રાફી કળા પણ બતાવે છે. પુસ્તકના પહેલા ઉપરણામાં લખ્યું છે : ‘શિલ્પોનાં સંરક્ષણ અને સાચવણીનું કામ માત્ર સરકારી તંત્ર અને તેના બાબુઓ પર ન છોડી દેતાં આપણે તેની કાળજી લઈએ. આ પુસ્તક એ સમજણ તરફ આપણી ગતિ કરે તો એ પરિતોષ સહુનો બની રહેશે.’
25 જુલાઈ 2015
+++++
e.mail : sanjaysbhave@yahoo.com